Category Archives: સાહિત્ય-લેખો

ગુજરાતી સાહિત્યના સુંદર અને રસપ્રદ લેખોનો સંચય

આ માણસ ! – વિઠ્ઠલ પંડ્યા

મૅનેજર પર મને ગુસ્સો આવી રહ્યો હતો. ઑફિસ છૂટવાના સમયે જ મને બોલાવીને કહે : ‘વિજય ટ્રાન્સપોર્ટનો હિસાબ જોઈ લખી દો કે પંદર દિવસમાં ચૅક મોકલી આપીશું.’
‘પણ સર…..’
‘ના વિભા ! અત્યારે જ પત્ર જવો જોઈએ.’
હોઠ ભીંસી હું એમની કૅબિનમાંથી બહાર નીકળી. લત્તાના જન્મદિનની પાર્ટીમાં સમયસર આજે હવે નહિ પહોંચી શકાય ! સાહેબને છેક છેલ્લી ઘડીએ જ આવું બધું સૂઝે છે !
વિજય ટ્રાન્સપોર્ટનો ત્રણ મહિનાનો હિસાબ જોવામાં ને પત્ર તૈયાર કરવામાં સહેજે અરધો કલાક નીકળી ગયો. મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. નીચે ઊતરી, રસ્તામાં આવતી પોસ્ટ ઑફિસમાં ટપાલ નાખી, ઝડપભેર હું આગળ ચાલી. વળાંક પાસે જઈ મારે રસ્તો ઓળંગવાનો હતો, પરંતુ ચાર ડગલાંયે હું નહિ ચાલી હોઉં ત્યાં, પડખેથી આવતી મોટરબાઈકની હડફટમાં આવી ગઈ !

મને તમ્મર આવી ગયાં. જમણાં પગે ખૂબ વાગ્યું હતું. ખભે ભેરવેલી પર્સ જઈને દૂર પડી હતી, પણ ઊભાં થઈ એ લેવાના મારામાં હોશ નહોતા. બે-ત્રણ માણસો મારી મદદે આવી ઊભા. એક જણે મારી પર્સ લાવી દીધી. બે જણે મને બાવડેથી ઝાલી ઉઠાડવા પ્રયત્ન કર્યો; પરંતુ ઓહ ! મારાથી જમણો પગ જમીન પર માંડી જ શકાતો નહોતો !
વધુ આગળ વાંચો….

શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા

પરીક્ષામાં પહેલો-બીજો નંબર નહીં આવતા ભાવનગરનાં એક કિશોર અને કિશોરીએ ઝેર ગટગટાવી લીધું. આત્મહત્યાનો એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, તે સારી વાત છે. પણ પરીક્ષામાં પહેલો નંબર ના આવે તેની નિરાશાનું ઝેર ખેલકૂદની જિંદગીને આટલી હદે ઘેરી વળે છે, તે બીના મા-બાપોએ અને શિક્ષકોએ વિચારવા જેવી તો ખરી. અભ્યાસ કરવાની ઉંમરે બાળકો અભ્યાસમાં પોતાનું ચિત્ત જોડે તે બરાબર છે. પણ શાળા કૉલેજની કિતાબી મજૂરી અને પરીક્ષાખંડનો એકલિયો જંગ એ જ જિંદગીની પરમ સાર્થકતા, તેવું બાળકોના મનમાં આપણે ઠસાવી તો નથી રહ્યા ને ? વિદ્યાની પ્રાપ્તિ એ મોટી વસ્તુ છે; પણ માહિતીનો સંગ્રહ અને પરીક્ષાના અભિમન્યુચક્રને પાર પાડવાનું કૌશલ, એ બહુ મોટી વસ્તુ નથી.

બાળકો, કિશોરો અને જુવાનોને આપણે જીવનનાં સાચાં મૂલ્યોનું થોડુંક ભાન કરાવીએ તે જરૂરી છે. આપણે બાળકોને સમજાવવાની જરૂર છે કે શાળા અગર કૉલેજમાં નિયમિત હાજરી, અંધાધૂંધ ગોખણપટ્ટી અને પરીક્ષામાં ઊંચી પાયરીની પ્રાપ્તિ એ વિદ્યાનો મર્મ નથી અને એ જીવનની સાર્થકતા પણ નથી. શાળા કે કૉલેજ છોડતાંની સાથે અભ્યાસ પૂરો કર્યાની લાગણી જ પેદા કરે તે કેળવણી ખોટી છે. શાળા-કૉલેજની તાલીમ જો વિદ્યાનાં ગિરિશૃંગો સર કરવાની સાહસિકતા અને તાલાવેલી જગાડે, તો સાચી કેળવણી.
વધુ આગળ વાંચો….

નીતીનાશને માર્ગે (ભાગ : 1) – ગાંધીજી

[વિષય-પ્રવેશ (તંત્રીનોંધ): આદિઅનાદી કાળથી છેક અર્વાચીન સમય સુધી માનવીની મૂળભૂત ખોજ છે – માનસિક શાંતી, પ્રસન્નતા અને તંદુરસ્તી. જીવનમાં પ્રાપ્ત થયેલા તમામ સાધનોનો ઉપયોગ કરીને પણ મનુષ્ય આ ત્રણ વસ્તુને ટકાવી રાખવા સતત મથે છે. એ પછી ઝૂંપડીમાં રહેતો ગરીબ માણસ કે ભવ્ય મકાનોમાં રહેતો તવંગર ભલે ને કેમ ન હોય ! દરેકને આ ત્રણ વસ્તુમાં સતત વૃદ્ધિ જોઈએ છે. કોઈપણ ભોગે આમાંથી એકનો પણ અભાવ આપણે સહન કરી શક્તા નથી. એના વગર જીવનનું સંતુલન ખોરવાઈ જાય છે.

ઉપરોક્ત ત્રણે વસ્તુ માનવીના જીવનમાં સતત ભરપૂર રહે અને માનવી પોતાના જીવનમાં કૃતકૃત્યતાનો અનુભવ કરે તે માટે મહાપુરુષોએ આપણને આહાર અને વિહારને પોતાના કાબૂમાં લેવાનું સૂચન કર્યું છે. મનુષ્ય પાસે પુષ્કળ ક્ષમતા છે પરંતુ તે જો આહાર અને વિહાર પર પોતાનો કાબૂ ગુમાવે તો તેનું શરીર રોગોનું ઘર થઈ જાય અને જીવન અદ્દભૂત લાગવાને બદલે બોજ લાગવા માંડે. શરીરની તમામ ઈન્દ્રિયો અને મનને જીતવું એ આપણા જેવા સામાન્ય માણસની વાત નથી. એ તો મહાપુરુષો કરી શકે પરંતુ આપણે મન અને ઈન્દ્રિયોને સારા માર્ગે વાળવાનો પ્રયત્ન તો કરી જ શકીએ. ચલો, કદાચ સારા માર્ગે વાળવામાંય આપણને શ્રમ કરવો પડે પરંતુ આપણે તેને સમજીને વિવેક પૂર્વક ખરાબ માર્ગે જતા તો રોકી જ શકીએ.

આહાર માટે આખુ વિજ્ઞાન છે અને તેને લગતા અનેક નિયમો વિદ્વાનોએ સૂચવેલા છે. પરંતુ વિહાર માટે તો ઉચ્ચ પ્રકારનું ખૂબ ઓછું સાહિત્ય આપણે ત્યાં ઉપલબ્ધ છે. વિહારનો અર્થ અહીં બ્રહ્મચર્ય તરીકે આપણે લેવો છે. સંયમથી પ્રાપ્ત થયેલી ઉર્જા દ્વારા માનવી ધારે તે ક્ષેત્રમાં પોતે આગળ વધી શકે છે. વિહાર સાથે મન જોડાયેલું છે, અને માનવીની સંપૂર્ણ ક્રિયા મનને જ આધારિત હોય છે – જેથી યુવાનીમાં મનને કેળવવું અને તેને યોગ્ય દિશામાં વાળવું ખૂબ જરૂરી બની જાય છે. વર્તમાન સમયમાં ઠેર-ઠેર પીરસાતું અશ્લીલ સાહિત્ય, ફિલ્મો અને અનેક કુસંગો માનવીની ક્ષમતાને દબાવી દે છે અને તે બસ જાણે કે ખાઈ પીને બેસી રહે – એવું પશુમય જીવન જીવતો બની જાય છે.
વધુ આગળ વાંચો….

સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ….મારા પપ્પા – પ્રાર્થના જહા

shri bhagyesh jha and prarthana

[ ગુજરાતી સાહિત્યમાં અમુક પુસ્તકો એવા છે જેને જોતાંની સાથે જ આપણને ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવાય. એમાંનું જ એક પુસ્તક છે ‘થૅંક યૂ પપ્પા’ કે જેની ચાલુ 2006 ના વર્ષમાં જ ત્રણ આવૃતિઓ થઈ છે. દીકરીઓએ પોતાના પિતા વિશે લખેલા લાગણીસભર લેખો-પત્રોનો અને આંખને ભીંજવી નાખે એવા સુંદર અને મનનીય નિબંધોનો સમાવેશ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે. ખરેખર, પ્રસંગોમાં ભેટ આપવા જેવું અને વસાવવા જેવું આ સુંદર પુસ્તક તમામ પુસ્તક કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમજ આ માટે આપ સંપાદક – અમીષા શાહ, ફોન +91 265 2483847 અથવા sampark97@yahoo.com પર પણ સંપર્ક કરી શકો છો.

રીડગુજરાતીના વાચક તરીકે પ્રાર્થનાને ઘણીવાર ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન મળવાનું થતું. એક દિવસ અચાનક તેણે કહ્યું કે તમે મારો ‘થૅંક યૂ પપ્પા’માં નો લેખ વાંચ્યો ?’ પુસ્તકના અમુક લેખો મને ખ્યાલમાં હતા પરંતુ બાકી રહેલા લેખો સમયની વ્યસ્તતાને કારણે હું વાંચી શક્યો નહોતો. આ વાત થયા પછી એ જ દિવસે મેં તે લેખ વાંચ્યો અને એ પછી રીડગુજરાતી પર મુકવાની ઈચ્છા વ્યકત કરી. એ દરમિયાન ગુજરાત સરકારમાં માહિતિ નિયામક તરીકેનું પદ શોભાવતા તેમના પિતાશ્રી ભાગ્યેશ સાહેબને (IAS officer, ex-collector of Baroda) વડોદરા આવવાનું થયું તેથી તેમની રૂબરૂ મુલાકાત થઈ શકી. રીડગુજરાતીને આ લેખ મૂકવા માટેની મંજૂરી તુરંત સસ્નેહ આપી દીધી. એ પછીનો તબક્કો આવ્યો સંપાદક અમિષાબેન પાસેથી પરવાનગી લેવાનો. તેમણે ખૂબ આનંદ સાથે ‘તમને જે ગમે તે, જેટલું ગમે એટલુ વાચકો સુધી પહોંચાડો’ એમ કહી ખૂબ જ સહકાર આપ્યો. આમ, આ લેખ મૂકવાનું ઘણા સમય પહેલા કરેલું આયોજન શક્ય થઈ શક્યું અને એ માટે હું પ્રાર્થના, શ્રી ભાગ્યેશ સાહેબ તેમજ અમિષાબેનનો આભાર માનું એટલો ઓછો છે. ‘થૅંક યૂ પપ્પા’ માંના અમુક લેખોનો સારાંશ આપણે ફરી ક્યારેક લઈશું પરંતુ આજે માણીએ આજનો આ વિશેષ લેખ…… આપના અભિપ્રાયો આપ bvjha@yahoo.co.in અથવા pbjha@yahoo.com પર પણ આપી શકો છો. ]

………………………….
[પ્રાર્થના જહા છે વિદ્યાર્થીની પરંતુ તેની ઝંખના છે વિશાળ વિશ્વને ખોબામાં સમાવી લેવાની. તેના સર્જનશીલ પિતાશ્રી ભાગ્યેશ જહાએ તેને ગળથૂથીમાં ચોક્કસ ‘શબ્દ’ જ પાયો હશે ! પિતાના પ્રતાપે તેણે સંવેદનશીલ સાહિત્યથી સભર શૈશવ માણ્યું છે તે તેની કલમમાં વર્તાય છે.]

પરમ પ્રિય બાપુ,

પહેલા મને એમ થયું કે, ‘Thank you, Pappa !’ એમ કરીને પત્ર લખું, પણ હું તમને ઓળખું છું. તમે એકે એક ઈંચ ભારતીય ભાષાઓના ચાહક, ભાવક અને સર્જક રહ્યા છો. તમને તમારી વાત કહેવા માટે અંગ્રેજીનો આશરો લઉં તો તમને મનમાં સહેજ તો દુ:ખ થાય જ અને મારે એવું નહોતું કરવું, કારણ મને પેલી મહા પંક્તિ યાદ છે. ‘ગુજરાતી મારી મા છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદુષી નારી છે, જે મને ખૂબ પ્રિય છે. જેને હું બેસતા વર્ષના દિવસે પગે લાગીને $ 51 જરૂર લઉં. પણ મને ઉંઘ ન આવે તો હાલરડું તો મારી મા જ ગાય.’ આ મહાપંક્તિને કિનારે જ અમે બન્ને બહેનોએ તમને જન્મથી જોયા છે. જે લોકો ભારતીયતા અથવા સંસ્કૃતિની વાત કરે છે, એમણે તમારી સાથે બેસવા જેવું છે….

બાપુ, મને ખબર છે કે, તમે ખૂબ જ અંગ્રેજી વાંચો છો, છેલ્લામાં છેલ્લું વાંચો છો. અંગ્રેજીમાં પણ સારા વક્તા છો. પણ તમારામાંનો કવિ સરઢવની ધૂળમાં રમેલો છે, એ કવિ, પહેલા વરસાદ પછીની ધરતીની સુગંધ ભૂલી શક્તો નથી અને એના કારણે તમે એક તરબતર ઝુરાપો સાચવી રાખ્યો છે, જે તમારા વ્યક્તિત્વમાં છલકાતો રહ્યો છે.
વધુ આગળ વાંચો….

અડધો કલાક બીજા માટે જીવીએ – લલિતકુમાર શાસ્ત્રી

[‘અરધી સદીની વાચનયાત્રા – ભાગ 4’ માંથી સાભાર.]

વાત અગત્યની હતી, મોટા સોદાની હતી. ત્યાં અનિલભાઈ ઊઠ્યા અને બોલ્યા : ‘ટપુભાઈ, તમે થોડી વાર વિચારો. એટલીવારમાં એક કામ કરીને આવું છું.’
‘પણ આપણું હવે પતવામાં જ છે ને તમે ક્યાં જાઓ છો ? તમારે માટે આ કામ અગત્યનું નથી ?’
‘અગત્યનું છે…પણ હું જે કામ માટે જઈ રહ્યો છું તે એના કરતાં પણ મહત્વનું છે.’

અનિલભાઈ તો વધુ વાત કરવા રોકાયા વિના સડસડાટ ત્યાંથી ચાલ્યા ગયા, અને ટપુભાઈ જમીનનો નકશો જોતા જ રહ્યા. પૂરા પોણા કલાક પછી અનિલભાઈ પાછા ફર્યા ત્યારે ટપુભાઈનું મોઢું ચઢેલું જ હતું. અનિલભાઈએ ખુરશીમાં જગ્યા લેતાં કહ્યું, ‘બોલો, પછી તમે શું નક્કી કર્યું ?’
ખીજવાયેલા ટપુભાઈએ કહ્યું : ‘હું અહીંથી ચાલ્યો ગયો હોત તો સોદો સોદાને ઠેકાણે રહ્યો હોત.’
‘પણ આ સોદો તો થવાનો છે, એ વાત ઈશ્વરને મંજૂર છે એટલે તમે ગયા નહીં. નહીં તો હું અહીં હાજર હોત તોપણ સમજૂતી ન થઈ શકી હોત.’

તે પછી થોડી જ મિનિટોમાં ટપુભાઈ અને અનિલભાઈ વચ્ચે એક જમીનનો સોદો નક્કી થઈ ગયો. ટપુભાઈ જમીન લે-વેચ કરતા અને અનિલભાઈ મોટાં બાંધકામ કરતા. બધું પતી ગયા પછી ટપુભાઈએ પૂછ્યું : ‘અનિલભાઈ, એવું તે શું હતું કે, તમે સોદો થવાની તૈયારીમાં હતો છતાં મને મૂકીને ચાલ્યા ગયા ?’
‘એ મારી અંગત બાબત છે. જાણીને શું કરશો ?’
‘તમને વાંધો ના હોય તો કહો. મને જાણવાની જિજ્ઞાસા છે.’
વધુ આગળ વાંચો….

પાપનો પડછાયો – માવજી મહેશ્વરી

‘હવે સુઈ જાવ ક્યાં સુધી ઉજાગરા કર્યા કરશો ?’ પત્ની સામે જોતાં અજયને લાગ્યું નીતા પોતાની જાત સાથે છેતરપીંડી કરી રહી છે. અંદરથી એ ખળભળી ગઈ છે પણ કળાવા દેતી નથી. કઈ માટીની છે નીતા ?
‘ઊંઘ નથી આવતી. ચા બનાવી છે. થાય છે કે આજે એક સ્ક્રીપ્ટ પૂરી કરી નાખું.’
અજયની પત્નીની આંખમાં કંઈક જુદું દેખાયું અને એણે આંખો ઝુકાવી દીધી. તે અજયની નજીક બેસતાં બોલી, ‘કશું નથી લખવું. ક્યાં સુધી લખ્યા કરશો કોઈક પાત્રોની વાતો ? પોતાની જિંદગીમાં આટલું બની ગયું એ ઓછું છે ? મને એમ હતું કે તમને લખવા પર હવે વૈરાગ્ય આવી જશે. આ જિંદગીથી તમે કંટાળી જશો.’
‘લખવા પર વૈરાગ્ય આવી જશે તો હું કરીશ શું ?’
‘ઘણું કરવા જેવું છે. જે કરવું જોઈતું હતું એના પર ક્યારેય તમારું ધ્યાન ગયું છે ? મને હતું કે આ બનાવ પછી તમે કોઈક જુદો નિર્ણય લેશો.’
‘નીતા, હવે આ ઉંમરે મને બધું કહી રહી છો ? અને મેં ક્યાં ધ્યાન નથી આપ્યું ?’
‘હું અત્યારે વિવાદ કરવા નથી માગતી. પણ એટલું જરૂર કહું છું કે હવે બહારની જિંદગી પરનો મોહ ઓછો કરી ઘરમાં ધ્યાન આપો. પહેલેથી આવું કર્યું હોત તો કદાચ આ દિવસ ન આવત.’
વધુ આગળ વાંચો….

સંતાન – જિતેન્દ્ર પટેલ

એમના ડેડી ડૉકટરે લખી આપેલી દવા લેવા ગયા હોવાથી દાદીમાનો ખાટલો અત્યારે સાવ રેઢો હતો. ખબરઅંતર પૂછનારાં ઊભા થયાં એવી એમની મમ્મી રસોડામાં જતી રહેલી. એકાંત મળ્યું કે ત્રણે ભાઈબહેનો વચ્ચે ગુસપુસ થવા માંડી.
‘ડેડીએ ખરેખર આપણને બોલાવવામાં ઉતાવળ કરી દીધી છે.’ સ્નેહા એનેય માંડ સંભળાય એટલા ધીમા અવાજે બોલી.
‘મને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે કલાક બે કલાકના મહેમાન છે. જે વાહન મળે એમાં બેસીને આવી જા.’ અજયને કોઈના સાંભળી જવાની બીક નહોતી એટલે એણે અવાજ દબાવવાનો પ્રત્યત્ન ન કર્યો.

‘તું દીકરો થયો. તારે આવવું પડે. અમારી પાસે એવી ઉતાવળ કરાવવાની શી જરૂર હતી ?’ દીવાએ પણ અજયની જેમ અવાજ ન દબાવ્યો.
‘હું તો દીદી, છોકરાંને પાડોશીના ભરોસે મૂકીને આવી છું.’
‘ત્યારે મારે તો તારા જીજાજીને એક ટાઈમ પણ બહારનું જમવું ફાવતું નથી. આજ ચોથો દિવસ થયો.’
‘તો મને આટલા દિવસ શો રૂમ બંધ રાખવો થોડો પરવડે. આ હરીફાઈના ધંધામાં ?’ થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ.
વધુ આગળ વાંચો….

પતિ મહત્વનો કે શહેર ? – જ્યોતિ ઉનડકટ

[‘ચિત્રલેખા’ માંથી સાભાર. ]

જિંદગી અણધારી રીતે ફંટાઈ જાય અને એ સ્વીકારી ન શકાય ત્યારે માણસ નેગેટિવ વિચારોને આધીન થઈ જાય છે. આવી જ વેદના હમણાં વડોદરામાં મળી ગયેલી રચના નામની એક પ્રિયદર્શિનીની છે.

પરિણીત રચના ગંભીર ડિપ્રેશનમાં છે. આંખો નીચે કૂંડાળાં અને એનો ભાવહીન ચહેરો જોતાં લાગે છે કે જાણે એ મહિનાઓથી માંદી હોય. કોએ જ નવી વાતનો રોમાંચ એને સ્પર્શતો નથી. હમેશાં હસતી રહેતી રચનાને જાણે કોઈની નજર લાગી ગઈ છે. રાજકોટમાં ઊછરેલી રચના ભૌતિકશાસ્ત્રની સ્નાતક છે. પંદર વર્ષ પહેલાં એનાં લગ્ન જ્ઞાતિના જ યુવાન કિરીટ સાથે થયાં હતાં. આજે રચના-કિરીટને બારેક વર્ષનો એક દીકરો પણ છે.

વાત એમ છે કે કિરીટનો વડોદરામાં ટૅક્સટાઈલ અને ગાર્મેન્ટનો બિઝનેસ હતો. એમાં મંદી આવતાં કિરીટે વડોદરાને બદલે જેતપુર રહેવાનું પસંદ કર્યું. કેમ કે ત્યાં વધુ કમાણી થાય એમ હતી. એ લોકો વરસેક પહેલાં જેતપુર શિફ્ટ પણ થઈ ગયાં. જો કે દસેક વર્ષ વડોદરા રહેલી અને ત્યાં મોટું મિત્રવર્તુળ બનાવી ચૂકેલી રચનાનો જેતપુરમાં જીવ ન લાગ્યો. કિરીટના બિઝનેસમાં તો ફરી બરકત આવી પણ રચના વડોદરાને મિસ કરવા માંડી. જેતપુર જેવા નાનકડા ગામમાં એ ન તો ગોઠવાઈ શકી કે ન કોઈ બહેનપણી બનાવી શકી. પરિણામ એ આવ્યું કે એ ડિપ્રેશનમાં સરી ગઈ.
વધુ આગળ વાંચો….

આપણી આંતરબાહ્ય શુદ્ધિ – ચંદ્રકાન્ત શેઠ

[અખંડ આનંદ નવે. 2006 માંથી સાભાર.]

આપણે ત્યાં એક સારો રિવાજ છે, દિવાળી આવતાં સુધીમાં ઘરને વાળીઝૂડી, તેની સાફસફાઈ કરી તેને રંગાવવા, સજાવવાનો; આંગણું હોય ત્યાં રંગોળી પૂરી તેને સોહામણું કરવાનો. વર કે કન્યાને લગ્નની ચોરીમાં પધરાવવા પૂર્વે તેને જેમ સૌન્દર્યપ્રસાધનોથી સજધજ કરવામાં આવે છે તેમ નવા વર્ષને આવકારતાં પૂર્વે, એનું સ્વાગત કરતાં પૂર્વે આપણે દિવાળીના દિવસોને રઢિયાળા ને ઉજમાળા કરીએ છીએ ! શ્યામળી દિવાળીની રાતનેય આપણે ધરતીના હીરા જેવા – ધરતીના તારા જેવા – દીવડાઓથી ઝગમગતી કરી આપણે આપણા આનંદ-ઉલ્લાસની અનોખી આતશબાજી ખેલીએ છીએ. નવા વર્ષના આગમનને વધાવવા માટે આપણે જાણે આપણા બત્રીસે કોઠે દીવા પેટાવીએ છીએ ! તનમનધનથી આપણે નવા વર્ષને શુકનવંતુ ને ઊજળું કરવા મથીએ છીએ. દરેક દિવાળીએ આપણે આપણાં જર્જર-જૂનાં વસ્ત્રો તજી, નવાં વસ્ત્રો સજી જાણે નવો જન્મ ધારણ કરીએ છીએ – નવું જીવન પામીએ છીએ.

ખરેખર તો, દિવાળી નિમિત્તે આપણે સાફસફાઈ ને સાજસજાવટ માટે જે કંઈ કરીએ છીએ તે આપણે બારેય માસ, રોજેરોજ કરવું જોઈએ. ‘ચોખ્ખું ઘરનું આંગણું’ કે ‘ચોખ્ખો ઘરનો ચોક’ તો આપણાં હંમેશાં હોવાં જોઈએ. આપણું ઘર પણ ચોખ્ખું હોવું જોઈએ ને એ ઘરમાં રહેનારા આપણેય તન-મનથી, બહારથી-અંદરથી ચોખ્ખા હોઈએ તે અનિવાર્ય છે. ચોખ્ખાઈ એ ઊંચા ચારિત્ર્યનું અને સદાચારનું લક્ષણ છે. અંદર-બહારથી ચોખ્ખાઈ આપણને બધી રીતે – મનસા, વાચા, કર્મણા, ચોખ્ખા રહેવા પ્રેરિત-પ્રોત્સાહિત કરે છે; આપણને સદવિચાર અને સદવર્તન માટેનું પર્યાવરણ – એ માટેની સુવિધા પૂરી પાડે છે. આપણી આંતરબાહ્ય સ્વચ્છતા કે શુદ્ધિ ચારિત્ર્યલક્ષ્મીના શુભાગમનની છડી પોકારનારી બની રહે છે.
વધુ આગળ વાંચો….

ભીડમાં ભીંસાતી જિંદગી – ભગીરથ બ્રહ્મભટ્ટ

[જલારામદીપ – નવે.2006માંથી સાભાર.]

સ્હેજ મોકળાશ મળે તો જરા વિચારજો આપણે ક્યાં છીએ ? આપણને ચાંદનીનો સ્પર્શ હોય કે ઝરણાંની ગતિ, ફૂલનું હાસ્ય હોય કે પર્વતની મક્કમતા – કશું કહેતાં કશું અસર જ કરતું નથી. કેમ આમ ? આપણે ક્યારેક આત્મનિરીક્ષણ કર્યું છે ખરું કે આપણે કેમ સંવેદનાશૂન્ય થતા જઈએ છીએ ? પ્રકૃતિ સાથે આપણે કોઈ કહેતાં કોઈ નાતો રહ્યો છે ખરો ? પ્રકૃતિએ આપણી સાથે જે સંબંધો સ્થાપ્યા એ આપણે જાળવી શક્યા ખરા ? એ સંબંધો કોણે ક્ષીણ કર્યા ? કેમ ક્ષીણ કર્યા ? પ્રકૃતિએ વરેલા નિર્દોષ સૌંદર્યનો આપણે આહ્લાદ શા માટે લઈ શકતા નથી ? આકાશનો આવકાર આપણે ક્યાં સંભળાય છે ? ધરતીનું હેત આપણે પ્રમાણી શકીએ છીએ ખરા ? આપણે કેમ કોયલ મયૂરના ટહુકાને, કૂતરાની હાલકડોલક પૂંછડીમાં પુરાયેલી પ્રીતિને ઓળખી શકતા નથી ? આપણે વૃક્ષોની વેદના સાંભળીએ છીએ ખરા ?

પ્રકૃતિના પ્રેમમાં આપણે ડૂબકી મારતાં ડરીએ છીએ કે એ તરફનું વિચારતા જ નથી ? જે માનવી એક સમયે પ્રકૃતિનો જ એક ભાગ ગણાતો હતો એ માનવી આજે પ્રકૃતિથી લુપ્ત થઈ રહ્યો છે, વિચ્છેદાઈ રહ્યો છે ? આવું શા માટે થતું જાય છે ! આપણે વૃક્ષો સાથે કે સૂરજ સાથે કોઈ મૈત્રીભાવ કેળવ્યો છે ખરો ? આપણે એમની સાથે વાત કરવાનો વખત કાઢ્યો છે ખરો ? આપણે એમને સાંભળવા – સમજવા કોશિશ કરીએ છીએ ખરા ? આપણે તો પ્રકૃતિના અપાર વહાલને ઝીલવાને બદલે એનાથી કપાઈ ગયા છીએ. કપાઈ ગયાની વેદના પણ આપણે અનુભવી શકતા નથી એ કેટલી વિડમ્બના !
વધુ આગળ વાંચો….