જિંદગીનું ભાથું – આશુતોષ

સને 1951-52 સુધી હું મુંબઈમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન ખમીસના ખિસ્સામાંથી બે-એકવાર નાની નાની રકમો બજારમાં ઊપડી ગઈ. સ્વભાવ ખર્ચાળ એટલે નાની રકમો પણ મોટી લાગી અને જગત પરથી વિશ્વાસ ઊઠવા લાગ્યો.

એ જ અરસામાં ઑફિસના કામે મારે દિલ્હી જવાનું થયું. ફ્રન્ટિયરની થર્ડકલાસની મુસાફરી એટલે વર્ણનાતીત ! મુસાફરી દરમિયાન બંડીમાંથી પાકીટ જ કોઈએ તફડાવ્યું. દિલ્હી સ્ટેશન ઉપર કોટના ખિસ્સામાં ચાર-આઠ આનાની મૂડી રહી ગઈ. સામાન્ય રીતે હું પ્રમાણિક માણસ છું. કસોટીનો કાળ મેં અનુભવ્યો નથી તેમ જ જરૂર પૂરતા પૈસા પણ જ્યારે જોઈએ ત્યારે મળી રહ્યા છે એટલે સંપૂર્ણ રીતે પ્રમાણિક રહી શક્યો છું. પણ ઉપલા ત્રણેક પ્રસંગોએ પ્રમાણિકતા માટેની મારી માન્યતાને જબ્બર ધક્કો લગાડ્યો. ચોરાયેલા પૈસા ભરપાઈ કરવા ઉછીના લેવા પડ્યા અને પરત કરતાં નાકે દમ આવી ગયો. એટલે પ્રમાણિક રહેવામાં સાર નથી, મુર્ખાઓ જ દુનિયામાં પ્રમાણિક રહે છે એવા એવા વિચાર આવવા માંડ્યા.

દરમિયાન એક અદ્દભૂત પ્રસંગ બન્યો. મારું શરીર સારું નહોતું એટલે ઑફિસે મોડો જતો. કુર્લાથી બેસવાનું થતું એટલે કુર્લાથી જ ઊપડતી ગાડીમાં બેસી બોરીબંદર ઊતરતો. નિરાંતે સૂવાનું મળતું. એમ સૂતાં સૂતાં જતાં એક દિવસ પાટલૂનના ખિસ્સામાંથી પાકીટ નીચે પડી ગયું. બોરીબંદર સ્ટેશન બહાર નીકળતાં પાસ બતાવવા પાકીટ કાઢવા ગયો તો ખિસ્સું ખાલી ! પાછો દોડ્યો, પણ એટલામાં ગાડી ઊપડી ગઈ !

એ જ દિવસે કાબલાદેવી ઉપર રહેતા એક ભાટિયા ભાઈનો કુર્લા કોર્ટમાં કેસ હતો. તેઓ કેસમાં હાજરી આપવા એ જ ટ્રેનમાં જતા હતા એટલે તેમને એક પાકીટ મળ્યું. પાકીટ ઉપર નામઠામ તો હતું જ નહીં. પણ એક વીમા કંપનીની ભેટ હતી એટલે તેનું નામ હતું. એ ભાઈ તો પાકીટ લઈ ઊપડ્યા કંપનીમાં.

ત્યાંથી તો ઘણાં પાકીટો વહેંચાયેલાં એટલે એમનો એ પ્રયત્ન સફળ ન થયો. ઘેર આવી એમણે ઝીણવટથી પાકીટ તપાસવા માંડ્યું. અંદરથી કોટમાંની એક લોન્ડ્રીની રસીદ મળી. પણ રસીદ ઉપર નામ ફક્ત ટૂંકાક્ષરી હતું. એટલે ગૂંચવાયા અને આવ્યા કોટમાં લોન્ડ્રીવાળા પાસે. સદભાગ્યે લોન્ડ્રીવાળો મને ઓળખતો હતો એટલે એમણે પોતાનું સરનામું આપી મને તેમની રૂમે આવવાનું કહેવા લોન્ડ્રીવાળાને કહ્યું. હું ગયો અને એ ભાઈએ મને પાકીટ આપ્યું. હું તો આભો જ બની ગયો. એ ભાઈને તો ફરજ બજાવ્યાનો સંતોષ થયો હશે, પરંતુ મારે માટે તો એમણે જીવનનું ભાથું બાંધી આપ્યું. દુનિયા ઉપર ગુમાવેલો વિશ્વાસ ફરી બેસાડ્યો.

ત્યારબાદ ટૂંક સમયમાં જ મોટામાં મોટું પ્રલોભન મારી સામે આવ્યું. જિંદગીમાં કમાઈ ન શકું એટલા રૂપિયાની લાલચ મળી. એ ભાઈના 40,000 રૂપિયા બચે એમ હતા. પણ ક્ષણનોય વિચાર કર્યા સિવાય ‘મને માફ કરો’ કહી હું ચાલતો થયો.

Advertisements

8 responses to “જિંદગીનું ભાથું – આશુતોષ

 1. Its nice article. I liked reading. I know a lady who wanted to pay back a bank loan against her husband’s wish. Her words were : “35,000 ma maaro banglow nathi bandhavano. ane suppose bandhato hoy to maare evo banglow nathi joyato”.

 2. આવા દાખલા અનેક હોય છે!માણસ વિવશ બને ત્યારે ઇશ્વરની
  મદદ આવી પડે !નિર્ધનતા લાચારી લાવે છે તે આનું નામ !
  પણ પ્રામાણિકતા કાચું સોનું છે.લેખક પરિચય હોત ,તો ઠીક થાત .

 3. મૃગેશ,તમારુ બ્લોગ બહુ જ સરસ છે. ડિજાઈન પણ સારુ છે. મને થોડી થોડી જ ગુજરાતી આવડે છે. i wish i could understand it! બ્લોગિંગ માટે શુભેચ્છા!

 4. સુરેશ જાની

  પ્રમાણિકતા સારી વસ્તુ છે, તેમ તો બધા કહે છે, પણ આશુતોષ ભાઇ જેવા પ્રમાણિક માણસોને આપણા સમાજમાં વધારે સહન કરવું પડે છે તે પણ હકીકત છે. પ્રમાણિક માણસ ભોટ છે અને આપણે તો કેવા ચાલાક છીએ તેવું કેટલા ખરેખર નથી માનતા? સંપત્તિ માટેની હોડમાં સામાજિક નીતિમત્તાનો કેટલો બધો હ્રાસ થયો છે?

 5. IMANDAARI kisi ki mohtaaj nahi honi chahiye ! agar mohtaaj hai to buniyad kachhi hai saab! check your self ! good story for inspiration

 6. Bhagvanne ghare der chhe pan andher nathi, mate hamesh niswarth, pramanik, saral raho.

 7. loyalty is best quality i like this article