ચોરીની દવા – નાનાભાઈ ભટ્ટ

કાઠિયાવાડના એક મોટા શહેરમાં ભટ્ટજી રહે. ભટ્ટજી નાનપણમાં તો બહુ ગરીબ, પણ મોટા થયા ત્યારે રાજ્યમાં રાજવૈદ થયા અને પૈસેટકે સારી રીતે સુખી થયા.

ભટ્ટજી એક વાર રાજદરબારમાંથી ઘેર આવ્યા. ડેલીએ આવીને બારણું ઉઘાડે છે ત્યાં એક આદમી ફળીમાં તડકે મૂકેલા ઘઉંને પોતાની કોથળીમાં ભરતો જાય અને વચ્ચે વચ્ચે ચારે બાજુ નજર નાખતો જાય. ભટ્ટજી આ જોઈને છાનામાના ડેલીમાં લપાઈ ગયા. અને પેલો આદમી કોથળીમાં ઘઉં ભરીને ડેલી બહાર નીકળ્યો.

આદમી બહાર નીકળ્યો ત્યાર પછી તરત જ ભટ્ટજી તડકે મૂકેલા ઘઉં પાસે ગયા અને ત્યાં ઘઉંનો કોથળો તથા મોટી થાળી પડી હતી તે હાથમાં લીધાં, ઘરમાંથી છાલિયું પણ લીધું અને ડેલી બહાર નીકળ્યા.

પેલો આદમી શહેરના રસ્તા પર નિરાંતે ચાલ્યો જતો હતો. ભટ્ટજી તેની આગળ થઈ ગયા અને સામે આવીને બોલ્યા : ‘ભલા માણસ, એકલા ઘઉં લઈને શું નીકળ્યો ? લે આ વધારાના ઘઉં તથા જમવા માટે આ થાળી અને વાડકો.’

ભટ્ટજીનાં આવાં વચનો સાંભળીને પેલો આદમી ભોંઠો પડી ગયો અને હવે મારું શું થશે તેની ચિંતામાં પડ્યો. પણ ભટ્ટજી તો થાળી, વાડકો અને ઘઉં તેની પાસે મૂકીને રસ્તે પડી ગયા.

પાછળથી થોડીવારે પેલો આદમી ભટ્ટજીને ઘરે આવ્યો, તેમના દવાખાનામાં નોકર રહ્યો. અને જિંદગીભર એક પ્રમાણિક સેવક તરીકે ભટ્ટજીના કુટુંબમાં રહ્યો.

ચરક-સુશ્રુતની પોથી ઉથલાવનારા અને દેશી દવાનાં પડીકાં વાળનારા ભટ્ટજીએ ચોરીની દવા કરી અને દરદી સાજો થયો.

Advertisements

4 responses to “ચોરીની દવા – નાનાભાઈ ભટ્ટ

 1. Really sweet n short story…

  thanks 🙂

 2. આવા તો ટચૂકડા અનેક પ્રસંગો હોય છે, જગતમાં.
  આ નમૂનો અહીં અસ્થાને નથી.પ્રામાણિકતા બધા
  શીખીને જન્મતા હોતા નથી.એવું જ ચોરીનું પણ.
  બોધદાયક વાર્તા બદલ અભિનંદન !

 3. chor ne maf kariye to j dava thay ne!

 4. વેંત ઉંચેરા માનવી કદાચ આવા લોકોને જ કહેવાય.