હોમવર્ક – અલ્પા શેઠ

[‘જનકલ્યાણ’ સામાયિકના વાર્ષિક અંકમાંથી સાભાર ]

વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતો હતો. અમારા રસ્તા પર પણ ભરાયાં હતાં. એ જોઈને મમ્મીએ કહ્યું : ‘નીચાણવાળા રસ્તા પર તો ગળાડૂબ પાણી હશે. મુંબઈગરાઓનો રવિવાર બગડ્યો. આજે તો સાંજ પણ ઘરમાં જ વિતાવવી રહી. ચાલો આપણે ‘સ્ક્રેબલ્સ રમીએ’
‘રમત શરૂ કરતાં પહેલાં જરા ‘ડિક્સનરી’ લઈ લેજે હં’ પપ્પાએ ગૌરીને કહ્યું.
‘જરા શું કામ, આખી જ લઈ આવું છું.’ કહી ગૌરી ઝટપટ ડિક્સનરી લઈ આવી. હવેથી ગૌરી મોટા-મોટા શબ્દો રચી શક્તી હતી તેથી તેને મમ્મી-પપ્પા સાથે ‘સ્ક્રેબલ્સ’ રમવામાં મઝા આવતી હતી.

રમત પૂરી થઈ. પપ્પાને વધારે માર્કસ મળ્યા હતા એટલે મમ્મી રસોઈ બનાવવાને બહાને તરત જ ઊભી થઈ ગઈ. ગૌરી એનો પાલવ ખેંચતાં બોલી : ‘મમ્મી, પ્લીઝ બેસને, બીજી વાર રમીએ.’
મમ્મી દાદ નહિ આપે એમ લાગ્યું એટલે ગૌરી પપ્પા તરફ વળી, ‘પપ્પા, તમે મમ્મીને કહો ને. નહિતર, આપણે બેઉ રમીએ.’
પપ્પા તરત જ બોલ્યા : ‘ના ભઈ, મારે હવે સામાયિકો વાંચવાં છે.’ અને પછી એમણે મમ્મીને કહ્યું, ‘તું રમને. આજે હવે રાંધવું નથી, આખો દિવસ આપણે ખા ખા જ કર્યું છે ને.’

‘આખરે, છટકબારી તરીકે મમ્મીએ કહ્યું : ‘ગૌરી, ચાલ જોઉં હવે તારું હોમવર્ક કર. આ શનિ-રવિ મેં તને ચોપડીઓ ખોલતી જોઈ નથી.’ આમ તો મમ્મી એની બહેનપણીઓને કાયમ કહેતી હોય ‘અમારી ગૌરીને હોમવર્ક કરવાનું કહેવું જ ન પડે. વગર ટ્યૂશને પણ એ વર્ગમાં મોખરે રહે છે.’

ગૌરી ઊઠીને રસોડામાં ગઈ, ‘ફ્રીજ’ ખોલ્યું, પણ કંઈ ભાવતું નીકળ્યું નહિ. પછીનો હલ્લો હતો નાસ્તાની બરણીઓ ઉપર જેમાં મમ્મી, અચાનક આવી ચઢનાર મહેમાનો માટે નાસ્તો ભરી રાખતી. ઓહ ! એ પણ ખાલી ! પપ્પા તો જાણે કે આખું રસોડું જ હડપ કરી ગયેલા. વાર્તાની ચોપડીઓ પણ કંઈ કેટલીયવાર વાંચી હતી. ટી.વી. બગડી ગયું હતું.
છેવટે ગૌરીએ પલંગમાં લંબાવ્યું અને સ્કૂલ-કૅલેન્ડરનાં પાનાં ફેરવવા લાગી અને મકોડા જેવા અક્ષરો એની સામે તાકી રહ્યા. 23 જૂનનું એ પાનું હતું. બધો જ અભ્યાસ થઈ ગયો હતો. એણે પાનાં ઉલટાવવા માંડ્યા. 9મી જૂનના પાના પર નજર પડતાં જ એ સફાળી બેઠી થઈ ગઈ.

ધોરણ પાંચમાનો નવમી જૂન એટલે પહેલો દિવસ. શિક્ષિકાબહેને આગલા વર્ષનું ગણિત તાજું કરવા ત્રીસ દાખલા આપેલા. ‘રોજના ત્રણ કરજો એટલે ઘણું’ એમ કહી ત્રેવીસમીએ દાખલા રજૂ કરવા કહ્યું હતું. જૂન-ત્રેવીસ એટલે તો આવતી કાલ જ. એણે તો એકેય દાખલો ગણ્યો ન હતો. હવે ? એણે ઘડિયાળ ભણી જોયું. નવ વાગ્યા હતા. આ ગણિતના કોયડા ઉકેલવામાં ચાર કલાક તો થાય જ વળી. સરાફ મેડમને તો રજૂઆત પણ સ્વચ્છ, સુઘડ જોઈએ. આ તો હવે થઈ શકે જ નહિ. અશક્ય. હે ભગવાન, હવે શું કરવું ? ભગવાન. મને કંઈક મદદ કરો. આખી રાત તો વરસાદ વરસાવો કે કાલે સ્કૂલમાં રજા પડે, ભગવાન, તમારી પાસે અભ્યાસ કાજે, હું પહેલી વાર જ મદદ માગું છું.

ત્યાંથી એ એના પપ્પા પાસે ગઈ. પપ્પાની કફનીની બાંય ખેંચી એ બોલી : ‘પપ્પા, કાલે આપણને રજા પડશે ? તમને શું લાગે છે ?’
છાપામાં જ મોં ઘાલીને પપ્પા બોલ્યા : ‘આમને આમ વરસાદ પડ્યે રાખશે, તો રજા પડવાની શક્યતા ખરી.’
પછી એ રસોડામાં મમ્મી પાસે ગઈ. મમ્મી દૂધ મેળવતી હતી. એની સૉડમાં ભરાઈને એણે પૂછ્યું : ‘મમ્મી, કાલે રજા પડશે ?’
‘ના રે ભઈ, એવું ન થજો. કાલે બપોરે મેં મારી બહેનપણીઓને જમવા નોતરી છે. ઢોકળાનું પલાળી દીધું છે અને શાક પણ સમારી રાખ્યું છે અને શ્રીખંડ માટે આટલું બધું દૂધ મેળવ્યું છે. કાલે તો ભઈ ઉઘાડ નીકળજો. નહિ તો શ્રીખંડ ખાવાની મઝા પણ નહિ આવે.’

પપ્પાએ તો રજાની શક્યતાય કરી, પણ આ મમ્મીએ તો સાવ પાણી જ ફેરવી નાખ્યું. નિરાશ થઈ ગૌરી ભણવાના ટેબલ સામે ગોઠવાઈ. આમ તો એ ગયા વર્ષના આધુનિક ગણિતના કોયડા જ હતા, જેમાં એને કાયમ પૂરા ગુણ મળતા. પરંતુ આજે ઉચાટને લીધે એનાથી એક પણ કોયડો ઉકેલાતો ન હતો. રિવિઝન માટે મમ્મી-પપ્પાની મદદ લેવામાં ગૌરીને નાનપ લાગતી હતી. હૉમવર્ક નહિ થાય તો શું થશે ? સરાફ મૅડમ શું કહેશે ? કેલેન્ડરમાં લખશે કે હોમવર્ક નથી કર્યું તો ? અત્યાર સુધીમાં એને એક જ વાર ‘રિમાર્ક’ મળી છે તે પણ ‘વર્ગમાં ખાવા બદલ’ ત્રીજા ધોરણમાં, શિક્ષિકાબહેન કવિતા સમજાવતાં હતાં ત્યારે એ ચ્યૂઈંગગમ ચાવતી હતી.

રેશમા કહેતી હતી કે વર્ષ દરમિયાન તમારા કેલેન્ડરમાં ત્રણ ‘રિમાર્ક’ લખાય તો તમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે. સરાફ મૅડમ એની બાબતમાં એવું નહિ કરે. આજ સુધીમાં એણે ક્યારેય ‘હોમવર્ક’ બાબતમાં બેદરકારી નથી દાખવી. ગણિતની પરીક્ષામાં એ કાયમ મોખરે રહેતી. વળી, સરાફ મૅડમની તો એ કેટલી લાડકી હતી અને તેથી જ એને વધારે ડર લાગતો હતો. એમની નજરમાંથી ઊતરી પડવાનો. ‘હૉમવર્ક’ ન કર્યાની ‘રિમાર્ક’ નો બટ્ટો વર્ષભર કેલેન્ડરમાં ટંકાઈ રહેશે !

એણે સૂવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિચારો આવતા જ રહ્યા. એને સપનું આવ્યું કે ‘એસમ્બલી’ સમયે પ્રિન્સિપાલે બધાંની વચ્ચે એનો ‘કેપ્ટન’ નો બિલ્લો કાઢી લીધો. પછી, એ પસાર થતી ત્યારે છોકરીઓ એકમેકને કોણી મારીને કહેતી, ‘આ પેલી જ ને, જેનો બિલ્લો લઈ લેવામાં આવ્યો હતો !’

સવારે ઊઠીને જોયું તો પાણી સાવ જ ઊતરી ગયાં હતાં અને ભીના રસ્તા સૂર્યના પ્રકાશમાં ચમકતા હતા.
‘મમ્મી, આજે મારી તબિયત જરાય સારી નથી. હું આજે સ્કુલમાં નહિ જાઉં.’ એણે નરમ સાદે વિનવણી કરી. મમ્મીએ શંકાભરી નજરે એની સામે જોયું. મમ્મીને એની બહેનપણીઓ આવે ત્યારે ગૌરીનું ડબડબાટ જોઈતું નહતું. એના કપાળ તથા ગળા પર હાથ મૂકી જોઈને મમ્મીએ કહ્યું : ‘તને જરા પણ તાવ નથી. હમણાં તો તું જા જ. બપોર સુધીમાં પણ ઠીક ન લાગે તો ‘રિસેસ’માં ટિચરને કહીને, સીતાબાઈ સાથે પાછી આવજે.’
‘હે ભગવાન, દયા કરી મારે માટે કંઈક તો કર. હું કાયમ ડાહી છોકરી રહી છું. આ એક જ વાર મને બચાવી લે. મારે કેપ્ટન રહેવું છે. હું સ્કૂલના ‘ચૅપલ’માં જઈને બાર વખત ‘હેલ મરી’ ની પ્રાર્થના કરીશ અને દસ વાર ‘અવર ફાધર’ની. સાંજે દેરાસરમાં જઈને દસ ના, વીસ વાર નવકાર બોલીશ. પણ મને એકવાર, બસ આ એક જ વાર બચાવી લે.’ ગૌરીએ ઘણી આજીજી કરી.

પરંતુ સ્કૂલ-બસ સમયસર આવી પહોંચી. સવારે પ્રાર્થનાખંડમાં ગૌરીએ સરાફ મૅડમને જોયાં. ખ્રિસ્તિ શિક્ષિકાઓ મધ્યે, મોટા લાલ ચાંદલાવાળાં સરાફ મૅડમ જુદાં જ તરી આવતાં હતાં. કડક ગુલાબી સાડી અને અંબોડાની એક બાજુએ ખોસેલું એવું જ ગુલાબી ગુલાબ !
ગૌરી આજે ખૂબ જ શાંત હતી. બપોરે ‘રિસેસ’ માં કૅપ્ટન તરીકેના ફેરા પણ એણે ન માર્યા. એની ખાસ બહેનપણી રેશમાએ એને પૂછ્યું : ‘તારી તબિયત તો ઠીક છે ને ?’ ઉત્તરમાં ગૌરી મ્લાન હસી. મમ્મીએ સીતાબાઈ સાથે મોકલેલાં શ્રીખંડ-પૂરી તથા ઢોકળાં એણે ખાધાં નહિ.

રિસેસ પછી તરતમાં ગણિતનો વર્ગ હતો. ઘંટ વાગ્યો એટલે બધાંની સાથે કૂચ કરતી એ છાનીમાની પોતાની બેઠક પર ગોઠવાઈ ગઈ. સરાફ મૅડમ આજે મોડાં હતાં. નવાઈની વાત હતી ! દસ મિનિટ વીત્યાં બાદ પણ સરાફ મૅડમ ન દેખાયાં ત્યારે એમને બોલાવવા ગૌરીએ શિક્ષકોના ખંડમાં જવું પડ્યું. મરાઠીના ગોખલેબાઈ ત્યાં બેઠાં હતાં.

‘સરાફ મૅડમ ? ઓહ, એ તો આજે વર્ગમાં નહિ આવે. એક ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. સવારે સ્કૂટર પર બેસીને ઑફિસમાં જતી સમયે એમના પતિને અકસ્માત નડ્યો છે. એમની સ્થિતિ ગંભીર છે. જા, વર્ગને બરાબર સાચવજે. છોકરીઓને કહેજે કે શાંત રહે અને એમના માટે પ્રાર્થના કરજો.’

ગૌરી વર્ગ તરફ ભાગી, એણે જેમતેમ સમાચાર કહ્યા અને બે હથેળી વચ્ચે મોઢું રાખી એ બાંકડા પર મૂઢની જેમ બેસી પડી. જ્યારે એ ઘેર પહોંચી, ત્યારે એ મમ્મી પાસે ધસી ગઈ. એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસતો હતો. ‘મમ્મી હું બહુ દુષ્ટ થઈ. પણ, પણ મારે, આવું ન’તું જોઈતું, ખરેખર આવું ન’તું જોઈતું. મમ્મી, હવે શું થશે ?’

મમ્મીએ એના સુંવાળા કાળા વાળ પર હાથ ફેરવ્યો અને એનાં આંસુ લૂછવા પ્રયત્ન કર્યો. પરંતુ એ છોકરીએ તો રડે જ રાખ્યું. એને કોઈ દિલાસો આપી શકે એમ ન હતું.

Advertisements

6 responses to “હોમવર્ક – અલ્પા શેઠ

 1. OMG… so sad.. this has happend to me so many times in India, but not like this, but once my teacher’s husband has died, which i can never forget. and some others were miracles, like my home work was incomplete or i was not able to do it, and i would pray to the God Before i enter in my school and then after i enter in the class, i would come to know that the Teacher is Absent. LOL. yeah but this has happend only 2 or 3 times.
  But that tragic, i can never forget that… it is the saddest part of my life…

  this story reminded me of my past..

 2. બાળ માનસને ચિત્રણ આપતી સરસ વાર્તા.

 3. Balako ni duniya pan etlij jatil hoy che jetli motao ni. Temna man ma pan aavu manomanthan cheltuj rehtu hoi che. Khub saras lekh.

 4. છેવટે તો ગૌરીની પ્રાર્થના ફળી! પરંતુ મુશ્કેલીમાંથી
  ઉગરવાનો ઉપાય ખોટો !હોય એ તો ! સાચુંખોટું તો
  કોણ જાણે છે ? આભાર !

 5. Kag nu besvu ane dadi nu padvu ema kag no sho vank.
  Jivan ni aa haqikat che jeno abhas gauri sathe thyo.
  Saras Alpa, khub j saras rite jivan ni haqikat ne bachpan ma porvi didhi.

 6. baal maans ketlun bhulun hoy chhe!…jindagi ni rafataar tau chaalyaa ja karey pan aa rite ek-bijaa kissaao ney gunthi levaani tev jo man maan ghar kari jaay tau maaNas “andh shradhdhaalu” thayee jaay. Pan aamaan thi Gauri samaysar kaarya pataavi levaanun shikhe ke jethi bhagwaan ney aavi prarthana na karavi padey tau ekandarey Gauri ney j laabh thaavaanau!