પાપનો પડછાયો – માવજી મહેશ્વરી

‘હવે સુઈ જાવ ક્યાં સુધી ઉજાગરા કર્યા કરશો ?’ પત્ની સામે જોતાં અજયને લાગ્યું નીતા પોતાની જાત સાથે છેતરપીંડી કરી રહી છે. અંદરથી એ ખળભળી ગઈ છે પણ કળાવા દેતી નથી. કઈ માટીની છે નીતા ?
‘ઊંઘ નથી આવતી. ચા બનાવી છે. થાય છે કે આજે એક સ્ક્રીપ્ટ પૂરી કરી નાખું.’
અજયની પત્નીની આંખમાં કંઈક જુદું દેખાયું અને એણે આંખો ઝુકાવી દીધી. તે અજયની નજીક બેસતાં બોલી, ‘કશું નથી લખવું. ક્યાં સુધી લખ્યા કરશો કોઈક પાત્રોની વાતો ? પોતાની જિંદગીમાં આટલું બની ગયું એ ઓછું છે ? મને એમ હતું કે તમને લખવા પર હવે વૈરાગ્ય આવી જશે. આ જિંદગીથી તમે કંટાળી જશો.’
‘લખવા પર વૈરાગ્ય આવી જશે તો હું કરીશ શું ?’
‘ઘણું કરવા જેવું છે. જે કરવું જોઈતું હતું એના પર ક્યારેય તમારું ધ્યાન ગયું છે ? મને હતું કે આ બનાવ પછી તમે કોઈક જુદો નિર્ણય લેશો.’
‘નીતા, હવે આ ઉંમરે મને બધું કહી રહી છો ? અને મેં ક્યાં ધ્યાન નથી આપ્યું ?’
‘હું અત્યારે વિવાદ કરવા નથી માગતી. પણ એટલું જરૂર કહું છું કે હવે બહારની જિંદગી પરનો મોહ ઓછો કરી ઘરમાં ધ્યાન આપો. પહેલેથી આવું કર્યું હોત તો કદાચ આ દિવસ ન આવત.’

અજયે એકદમ નીતા સામે જોયું. એને લાગ્યું જો નીતા સાથે વધુ વાત થશે તો આરોપીના પાંજરામાં એણે પોતાને જ આવવું પડશે. નીતાના પ્રશ્નના જવાબ મારી પાસે નહીં હોય. એક તો ચારેબાજુથી ટેન્શન છે. હવે ઘરમાં નીતાને નારાજ કરવાનું જોખમ લેવા જેવું નથી. તેણે દિવાલ પર લટકતી છબી સામે જોયું. ગઈસાલ આબુ ગયેલા ત્યારે પડાવેલો ફોટો હતો. પોતાની પુત્રી અને પુત્ર ખડક પર બેઠા હતા.

નીતા સમજી ગઈ અજય શું જુએ છે. તેણે કહ્યું ‘કાલથી ઘરમાં એના જેટલા ફોટા છે તે બધાં હું બાળી નાખીશ.’
અજય અવાચક્શો નીતાને જોઈ રહ્યો. નીતાની આંખોમાં જે દાઝ હતી તે શબ્દોમાં વ્યકત થાય તેમ ન હતી. અજયે ઢીલાસ્વરે કહ્યું ‘ફોટા બાળી નાખવાથી એને ભૂલી શકીશું ?’
‘તમારે જે કરવું હોય તે. હું ભૂલી જઈશ. તમે તો નહીં ભૂલો. તમને ગૌરવ હતું ને દીકરી પર ? તમે તો કહેતા હતા કે મારી દીકરી મારો વારસો સાચવશે. એ લેખિકા બનશે. મારું નામ દિપાવશે. દિપાવી દીધું ને ? હું કોઈને મોં બતાવવા લાયક નથી રહી. જો તમે એને છૂટ ન આપી હોત તો એ છટકી ન જાત. તમે બહારના કાર્યક્રમો, સ્ટુડિયો, શૂટિંગમાં જ્યાં ને ત્યાં તમારી સાથે લઈ ગયા. મને એ બધું ગમતું ન હતું પણ તમને હું કહી શકતી નહોતી. છોકરી કોઈ પ્રદર્શનમાં મૂકવાની ચીજ નથી. તમે એને બધું ઘરમાં પણ શીખવી શક્યા હોત પણ તમને બહારની દુનિયાની વાહ ! વાહ ! જોઈતી હતી. જે ભૂખ તમને દોડાવતી રહી તે ભૂખ તમે એનામાં ઉંમર પહેલાં જ જગાડી દીધી. તમને ખબર હતી કે પ્રસિદ્ધિનો મારગ લપસણો હોય છે છતાં તમારી સગી છોકરીને એ માર્ગ પર લઈ ગયા. મને ખબર છે તમારી કહેવાતી આ કલાની દુનિયાની ભીતર કેટલો કાદવ છે !

નીતા હાંફી ગઈ. અજય પાસે જવાબ નહોતો છતાં એણે શંકાથી નીતા સામે જોતાં કહ્યું – એટલે તું કહેવા શું માગે છે ?’

નીતાએ જાણે અજયની કોઈ દુ:ખતી રગ પર હાથ મૂકી દીધો. નીતા મોં ફેરવી ગઈ. અજય ધીમેથી બોલ્યો : ‘હવે એ બધી ચર્ચાઓ વ્યર્થ છે. મેં કંઈ જ ન કર્યું હોય તો તું કહે. મારા હાથ જ્યાં પહોંચ્યા ત્યાં સુધી મેં બધા જ પ્રયત્નો કર્યા. પણ હવે જ્યાં પોલીસ પણ ફાંફા મારીને મુંઝાઈ ગઈ ત્યાં આપણે બીજું શું કરી શકીએ ?’
‘લોકો શું વાતો કરે છે એની ખબર છે તમને ? માણસો કહે છે કે અજયે જાતે પોતાની છોકરીને કોઈક સાથે ભગાડી દીધી છે.’
‘લોકોને શું ? એમને તો આવી વાતોમાં રસ હોય એટલે ગમે તે કહે.’ અજય માંદલું હસ્યો.
‘ના કોઈ એમને એમને એમ આવી વાત ન કરે. જરૂર કોઈ એવી વાત છે જે હું જાણતી નથી, તમે મારાથી છુપાવો છો.’
‘નીતા, આપણે વ્યર્થ ચર્ચા કરીએ છીએ. ક્યાં સુધી એ વાતને યાદ કરી કરીને દુ:ખી થયા કરશું ? હું ભૂલવા માગું છું બધું. મને એના પર વિશ્વાસ હતો. મને દુ:ખ એનું થાય છે કે એણે મને જણાવ્યું નહીં. છતાં એ પુખ્ત છે. એની જિંદગીની માલિક છે. લોકો ચાર દિવસ વાતો કરશે અને ભૂલી જશે.’
‘તમને તો એ બાપ કરતાં મિત્ર વધારે માનતી હતી. તમને શા માટે એણે ન કહ્યું ? એનો કોઈ સાથે અફેર હોય અને એ તમને જણાવે નહીં કે તમને ખ્યાલ ન હોય એ મારા માનવામાં નથી આવતું.’
‘તો શું મેં મારી સગી દીકરીને ભગાડી દીધી ? હું એને કોઈ સાથે પરણાવીને રાજી શા માટે ન કરું ?’

નીતાના હોઠ ભીડાઈ ગયા. ભીતર ભડભડ બળતું હતું. એને શબ્દો મળતા ન હતા. એની આંખમાં પાણી આવી ગયું. છતાં વિચલિત થયા વગર એણે કહ્યું – ‘જુઓ અજય, મેં ક્યારેય તમારી જિંદગીમાં માથું માર્યું છે ? તમે સતત બહાર રહો, સ્ટુડિયોમાં રાતો વિતાવો. મેં ક્યારેય કશું પૂછ્યું છે ? કેટલીય સ્ત્રીઓના ફોન આવે છે એ કોણ છે એના વિશે મેં જાણવાનો ય પ્રયત્ન કર્યો છે ? પણ મને દુ:ખ એ વાતનું છે કે આપણી સગી દીકરીનો પત્તો નથી, લોકો ગંદી વાતો કરે છે, એ ભાગી ગઈ એના કરતાં લોકો એમાં તમારું નામ જોડે છે એ મને ખાઈ જાય છે. તમારું નામ વગોવાય છે.’
અજય જરા ઉશ્કેરાઈ ગયો, ‘પ્લીઝ નીતા, હું ડીસ્ટર્બ છું મને વધારે ડીસ્ટર્બ ન કર. જે બની ગયું તે બની ગયું. હવે મારે યાદ નથી કરવું.’

નીતાએ બહાર જોયું. અધખૂલી બારીની બહાર રાત દેખાતી હતી. હમેશા ઘર ગજાવી મૂકતી દીકરીનું અચાનક ગુમ થઈ જવું તેના માટે અસહ્ય હતું પણ એને અજયની સ્વસ્થતા ડહોળી નાખતી હતી. એને ખબર હતી કે આ અજય પોતાના સંતાનોને જરી તાવ આવતો તો ઊજાગરો કરી નાખતો તે આજે સગી છોકરીના ગુમ થયાને પંદર દિવસ વીતી ગયા છે છતાં પણ નિયમિત ખાય પીએ છે. ટી.વી જુએ છે. જો કે અજયે પોતાની વગ વાપરીને ચારેબાજુ તપાસ કરાવી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. છતાં કોઈ સગડ મળતા ન હતા. અજયને રાજકારણના મોટા માણસો સાથે નજીકના સંબંધો હતા. તેણે જ કહ્યું હતું, ‘અજય, તારા કોઈ પ્રધાનમિત્રને કહેને.’ ત્યારે એણે ઉડાઉ જવાબ આપેલો, ‘આવા કિસ્સામાં રાજકીય માણસોનો ઉપયોગ કરવો સારું નહીં.’

નીતાને તેનો જવાબ સાંભળી આઘાત અને નવાઈ લાગ્યા હતા. નીતા બોલ્યા વગર ઊભી થઈ રસોડામાં ચાલી ગઈ. હમેશની જેમ ચાનો થર્મોસ અને બિસ્કીટ અજયના ટેબલ પર મૂકી દીધા. અજયથી નીતાની નારાજગી સહન ન થઈ. તેણે નીતાનો હાથ પકડી બેસાડી દેતાં કહ્યું, ‘તું મારાથી નારાજ થઈ જઈશ તો હું શું કરીશ ?’ અજયે ટ્યુબલાઈટ બંધ કરી અને પોતાના લખવાના ટેબલની ખુરશી પર ટેબલલૅમ્પ ઑન કર્યો. ટેબલ પર પડેલાં પુસ્તકો, કોરાં પાના, પેન ચમકી ઊઠ્યા. તેણે અડધી લખાયેલી સ્ક્રીપ્ટ ઉપાડી. અજય વ્યાવસાયિક લેખક હતો. ફિલ્મો અને ટી.વીની ધારાવાહિક માટે એ લખતો. એની કલમમાંથી નીપજતાં પાત્રો નિર્માતાઓને ન્યાલ કરી દેતા હતા. અજયનું મન સૂમ થઈ ગયું. તેને નીતાના શબ્દો યાદ આવ્યા, ‘તમે સાચું નથી બોલતા !’

અજયે ખુરશીને પીઠ ટેકવી આંખો મીંચી દીધી. પોતાની કલમનો જાદુ એને ઘેરી બેઠો. સામાન્ય વાર્તાકારમાંથી સ્ક્રીપ્ટ રાઈટર બની ગયેલા અજયને પોતાનો વીતેલો વખત ભીંસી નાખતો હતો. એ યાદ કરવા માગતો ન હતો તોય ઘણું બધું યાદ આવવા લાગ્યું. પોતાની આર્થિક સ્થિતિમાં આવતો પલટો, એનું મોટું થતું જતું નામ, નીતાનો અહોભાવ, સતત બહાર રહેવું, અવનવા માણસો, કેરિયર બનાવવા માટે કંઈ પણ ધરી દેવા તૈયાર થતી છોકરીઓ, નવી નવી હૉટલો, એ.સી રૂમો, બહારની ચમક દમક અને ભીતરથી ગંધાતો માણસ !

અજયને લાગ્યું કે તે વધુ યાદ કરશે તો કદાચ સહન નહીં થાય. પોતાની વહાલી પુત્રીનો શો અંજામ આવ્યો હશે તે એને ધગધગતા સળિયાની જેમ છાતીભીતર ઘૂસી ગઈ. એ સાથે એને યાદ આવી એક છોકરી, માસુમ અને બાવીસ વર્ષની ભોળી આંખો. ‘મને કામ અપાવી દેશો ને ?’ – એના એ પ્રશ્નનો ઉત્તર ‘હા’ માં આપ્યો તે પછીનું એ વરસ બાગ બાગ લાગ્યું હતું. પણ અચાનક એક અજાણ્યો અવાજ ફોન વાટે જુદી જુદી જગ્યાએથી આવવા લાગ્યો. એ અવાજમાં હતી બદલો લેવાની પ્રતિજ્ઞા. ઘણા પ્રયત્નો પછી પણ એ ધમકીભર્યા અવાજના સગડ ન મળ્યા. એક તરફ ડર લાગતો હતો તો બીજી તરફ એ કન્યા પરનો મોહ મુકાતો ન હતો. અને અચાનક એક દિવસે એક કવર આવ્યું. પત્રમાં થોડાક જ શબ્દો હતા – ‘તેં અમારી બહેનને બરબાદ કરી છે. અમારી ભોળી બેનને તું જે રસ્તે લઈ ગયો છે ત્યાંથી પાછી વળી શકે તેમ નથી પણ તારી યુવાન દીકરી ગુમ થઈ જાય ત્યારે કોઠીમાં મોં નાખીને રડજે. તારાથી બીજું કંઈ નહીં થાય અને કરવા જઈશ તો ધ્યાન રાખજે તેં અમારી બેનને લખેલા પ્રેમપત્રો અમારી પાસે સલામત છે.’

આ બધું યાદ કરીને અજયની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એન લાગ્યું અત્યારે કદાચ પ્રાણ નીકળી જાય તો કેવું સારું ! શી ખબર કાલ કેવી ઊગશે ?

Advertisements

5 responses to “પાપનો પડછાયો – માવજી મહેશ્વરી

  1. Ajay should not become father. he is not even human being.

  2. what ever you do, it’s comes to you…

  3. What goes around comes round.

  4. Tit for tat but story tell somthing which should be noticeable,