આ માણસ ! – વિઠ્ઠલ પંડ્યા

મૅનેજર પર મને ગુસ્સો આવી રહ્યો હતો. ઑફિસ છૂટવાના સમયે જ મને બોલાવીને કહે : ‘વિજય ટ્રાન્સપોર્ટનો હિસાબ જોઈ લખી દો કે પંદર દિવસમાં ચૅક મોકલી આપીશું.’
‘પણ સર…..’
‘ના વિભા ! અત્યારે જ પત્ર જવો જોઈએ.’
હોઠ ભીંસી હું એમની કૅબિનમાંથી બહાર નીકળી. લત્તાના જન્મદિનની પાર્ટીમાં સમયસર આજે હવે નહિ પહોંચી શકાય ! સાહેબને છેક છેલ્લી ઘડીએ જ આવું બધું સૂઝે છે !
વિજય ટ્રાન્સપોર્ટનો ત્રણ મહિનાનો હિસાબ જોવામાં ને પત્ર તૈયાર કરવામાં સહેજે અરધો કલાક નીકળી ગયો. મારો મૂડ ખરાબ થઈ ગયો હતો. નીચે ઊતરી, રસ્તામાં આવતી પોસ્ટ ઑફિસમાં ટપાલ નાખી, ઝડપભેર હું આગળ ચાલી. વળાંક પાસે જઈ મારે રસ્તો ઓળંગવાનો હતો, પરંતુ ચાર ડગલાંયે હું નહિ ચાલી હોઉં ત્યાં, પડખેથી આવતી મોટરબાઈકની હડફટમાં આવી ગઈ !

મને તમ્મર આવી ગયાં. જમણાં પગે ખૂબ વાગ્યું હતું. ખભે ભેરવેલી પર્સ જઈને દૂર પડી હતી, પણ ઊભાં થઈ એ લેવાના મારામાં હોશ નહોતા. બે-ત્રણ માણસો મારી મદદે આવી ઊભા. એક જણે મારી પર્સ લાવી દીધી. બે જણે મને બાવડેથી ઝાલી ઉઠાડવા પ્રયત્ન કર્યો; પરંતુ ઓહ ! મારાથી જમણો પગ જમીન પર માંડી જ શકાતો નહોતો !

‘કેમ ?’ બાવડું ઝાલી ઊભેલામાંથી એક જૂવાને પૂછ્યું, ‘પગમાં કળતર થાય છે ?’
‘હા, ખૂબ જ !’
‘તો કદાચ….ફૅકચર થયું હશે !’
હું લાચાર નજરે એની સામે જોઈ રહી.
‘ગભરાઓ નહિ !’ એ કહેવા લાગ્યો, ‘આ ખાંચામાં જ ડૉક્ટરનું ક્લિનિક છે. ચાલો, અમે તમને ત્યાં લઈ જઈએ !’

આધેડ માણસ પણ ક્લિનિક સુધી મારી મદદે આવ્યો. પછી ‘મોડું થાય છે’ કહી ચાલ્યો ગયો; પરંતુ જોડેનો જુવાન છેક સુધી મારી સાથે રહ્યો. ડૉકટરે મારા પગની ઘૂંટી તપાસી. પછી ઍક્સ-રે લીધો. મને શંકા હતી એ જ નીકળ્યું. ઘૂંટીના હાડકામાં તિરાડ પડી હતી ! મારી મૂંઝવણનો પાર નહોતો. હવે શું થશે ? મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, પરંતુ પેલા જુવાને મને હિંમત આપી :
‘ચિંતા ન કરો. પ્લાસ્ટર કર્યા પછી થોડા દિવસ આરામ લેવો પડશે. તો બે-ચાર દિવસ અહીં જ રહેશો કે પછી ઘેર જવું છે ?’
મારી ઈચ્છા પગે પ્લાસ્ટર થઈ જાય પછી ઘેર જવાની હતી; પરંતુ ડૉકટરે ના પાડી : ‘પ્લાસ્ટર તાજું હોય એટલે બે દિવસ લગી તો દર્દીથી હાલી-ચાલી શકાય જ નહિ !’

નાછૂટકે મારે ત્યાં જ રહેવું પડ્યું. કર્મની ગતિ કેવી ન્યારી છે એની મને પ્રતીતિ થઈ. લતાના જન્મદિનની ઊજવણીને બદલે હું અત્યારે જખમી થઈને દવાખાનામાં પડી હતી ! પેલો જુવાન – કશ્યપ મહેતા મારે ખાતર દોઢ કલાક સુધી ત્યાં રોકાયો. જતી વેળા, મારો હાથ થપથપાવી પછી મને હિંમત આપી, મારે ઘેર જઈ બાને આ ખબર આપવાનું વચન આપ્યું અને એની ઑફિસનો ફોન નંબર આપી બોલ્યો : ‘જરૂર પડે તો, સવારે દસથી સાંજે છ સુધીમાં ફોનથી મને ખબર આપજો. કોઈ વાતે મૂંઝાતાં નહિ, મિસ વિભાવરી ! ગુડ નાઈટ !’ બા આવી ત્યાં સુધી હું કશ્યપની ભલમનસાઈનો જ વિચાર કરતી રહી. આવા ધમાલિયા શહેરમાં કોઈની આપત્તિવેળા ઊભા રહેવાનીયે કોઈને ફુરસદ નથી હોતી ! જ્યારે આ માણસ તો જુઓ ! બા આવીને ડૉકટરને ખર્ચ વિષે પૂછવા ગઈ ત્યારે ખબર પડી કે કશ્યપ પોતાની પાસેથી હજાર રૂપિયા ત્યાં ભરીને ગયો હતો !
‘બહુ ભલો માણસ લાગે છે !’ બા કહેવા લાગી, ‘ટૅક્સી કરીને મને ઠેઠ આંઈ લગી મૂકી ગયો.’

સવારે મારો નાનો ભાઈ નીતિન આવીને હજાર રૂપિયા આપી ગયો. મારા મનમાં હતું કે સાંજ વેળા કશ્યપને ફૉન કરી બોલાવી લઈશ અને એના સો રૂપિયા આભાર સહ પરત કરીશ. પણ નમતા બપોરે એને ફોન કરાવ્યો, તો ખબર પડી કે અઠવાડિયા માટે, ઑફિસના કામે, મિસ્ટર મહેતા ભોપાલ ગયા છે ! હવે ? કશ્યપે તો મને ધર્મસંકટમાં મૂકી દીધી ! બે દિવસ પછી ડૉકટરનું બિલ ચૂકવી હું ઘેર ગઈ; પરંતુ ઘેર ગયા પછીયે એનો જ વિચાર કરતી રહી. મારી ઑફિસમાંથી વનિતા મારી ખબર જોવા આવી. એનેય મેં આ વાત કરી :
‘જો ને, વની ! એ માણસ માટે શું કહેવું ? ટૅક્સી કરી બાને છોડવા ક્લિનિક સુધી આવ્યો એ ખર્ચનો હિસાબ એને મન કદાચ ન હોય, પણ આ હજાર રૂપિયા જેવડી રકમ ડૉક્ટરને ત્યાં જમા કરાવી’તી એનીયે એને કિંમત નહિ હોય ?’
‘તારા કહેવા પરથી તો કોક ઓલિયો માણસ લાગે છે !’ કહી વનિતાએ એકાએક પ્રશ્ન કર્યો, ‘એની ઉંમર શું હતી ?’
‘કેમ બાઈ, ઉંમરનું પૂછે છે ?’
‘વિશ્વાસ રાખ. કશ્યપ જુવાન અને કદાચ કુંવારો હશે તો હું એને ખૂંચવી લેવાની નથી !’
‘તારો શો ભરોસો ? માણસ તારી નજરમાં વસી જાય એવો હોય, તો તું ખૂંચવી પણ લે !’
‘હાય !’ કહી વનિતાએ નિશ્વાસ નાખ્યો, ‘હવે મને શક છે કે… મિસ્ટર કશ્યપ મહેતા બીજી કોઈની નહિ – તારી નજરમાં જ વસી ગયા છે !’

આ તો સરખી સહેલીઓ વચ્ચેની માત્ર ગમ્મત હતી; પરંતુ અઠવાડિયા પછીયે એની ઑફિસે મેં ફૉન કરાવ્યો ત્યારેય એ જ જવાબ મળ્યો કે મિસ્ટર મહેતા હજી આવ્યા નથી ! કોણ જાણે કેમ, મને હવે એની ચિંતા થવા લાગી : બહારગામ ગયો છે તે ત્યાં બીમાર તો નહીં પડ્યો હોય ને ? અથવા તો કંઈ અકસ્માત…! પણ ના, મારે એવી ખરાબ કલ્પનાઓ ન કરવી જોઈએ ! ધંધા માટે માણસ બહારગામ ગયો હોય તો બે-ચાર દિવસ મોડુંયે થાય !

ગાંધી ઍન્ડ કંપની મશીનરીના મોટા વેપારી હતા. ચાર દિવસ રહીને મેં ફૉન કરાવ્યો ત્યારે એનો સંપર્ક સધાયો. બાએ અમારું સરનામું આપીને એને કહ્યું : ‘વખત કાઢી અમારે ત્યાં આવી જજો, ભાઈ ! વિભા તમને તે દહાડાની ખૂબ જ યાદ કરે છે.’
– પણ માણસ તો જુઓ ! બે દિવસ લગી રાહ જોવરાવી, ત્રીજે દિવસે સાંજે અમારે ત્યાં આવ્યો !
‘મને તમારા પર સખત ગુસ્સો આવ્યો છે, મિસ્ટર !’ મોં ફુલાવી મેં કહ્યું, ‘જાઓ, હું તમારી જોડે નથી બોલવાની !’
‘સૉરી !’ મંદ સ્મિત વેરીને એ કહેવા લાગ્યો, ‘તમને ક્લિનિકમાં નાખ્યા પછી તમારી ખબર કાઢવા મારાથી આવી શકાયું નહિ ! વૅરી સૉરી !’
‘એ વાત નથી, પણ….’
‘બોલો ને, વિભા ! અટકી કેમ ગયા ?’
‘પહેલાં આ નાસ્તો લઈ લો ! પછી વાત !’
નાસ્તો લેતાં લેતાં એ પૂછવા લાગ્યો :
‘ડૉકટરે પ્લાસ્ટર કાઢી નાખવાનું ક્યારે કહ્યું છે ?’
‘હજી બીજા પંદરેક દિ’ પછી !’
‘ઓહ ! ત્યારે તો નોકરી પર જવાની મુશ્કેલી ઊભી થઈ !’
‘શું થાય ?’ ઊંડો નિસાસો નાખી મેં કહ્યું, ‘નસીબમાં લખેલું હોય એ ભોગવવું જ પડે !’
‘હા, ભોગવવું જ પડે !’ કહી એણેય ધીમો નિશ્વાસ ઠાલવ્યો, ‘પરંતુ એમ છતાં પગે ખોડ ન રહી જાય તો સારું !’
‘હા, નહિ તો…… ખોડવાળી છોકરીને પછી પરણે કોણ ?’
એણે કંઈ પ્રત્યુત્તર ન આપ્યો. નીચું જોઈ ચાનો કપ લઈ મોંએ માંડ્યો. થોડીવાર પછી જવા માટે એ ઊભો થયો ત્યારે મેં એના હજાર રૂપિયા આપવા માંડ્યા. એ જોઈ એ કહેવા લાગ્યો :
‘તો શું આ રકમ પાછી વાળવા જ મને અહીં બોલાવ્યો’તો, વિભા ?’
‘ના, રકમ પાછી વાળવા નહિ, તમારાં દર્શન કરવા માટે ! તમે મને કેટલી બધી રાહ જોવરાવી એ જાણો છો ?’
‘ખેર ! તમારો એક મિત્ર છું એમ સમજી મારી ગુસ્તાખી માફ કરો !’
‘ના, એમ માફ નહિ થઈ શકે ! હું પથારીવશ છું ત્યાં સુધી તમારે રોજ નહિ, તો એકાંતરે મારી ખબર કાઢવા આવવું પડશે, મિસ્ટર !’
‘કોશિશ કરીશ !’
‘તો બા, બારણું બંધ કર ! એમને આપણે નથી જવા દેવાના !’
‘એવી જિદ્દ ન કર, બેટા !’ બાએ કહ્યું, ‘શહેરમાં માણસને એટલી નવરાશ ક્યાં હોય કે એકાંતરે પણ ખબર કાઢવા આવી શકે ? આવશે કો’કવાર !’
‘ના, માસી બા –’ પોતાની ઑફિસ બૅગ ઉઠાવતાં કશ્યપે હસીને કહ્યું, ‘દર્દી માણસને કેટલીક વાર મુલાકાતીઓની હાજરીથી રાહત થતી હોય છે. હું અવારનવાર આવતો રહીશ.’
‘જરૂર આવજો, ભાઈ ! તમારું ઋણ તો અમારાથી ભુલાય એમ નથી !’
‘જુઓ, માસી –’ કહી ખમચાઈને એ ઊભો રહ્યો, ‘ફરીથી એવી વાત કરશો તો હું પછી કદી નહિ આવું, હા !’

એ ગયો, પણ એ પછી મોડી રાત લગી હું અજંપો અનુભવી રહી. આ માણસમાં એવું કયું વ્યક્તિત્વ હતું કે મારું દિલ એની પ્રત્યે ખેંચાઈ રહ્યું છે ? એણે એનું વચન નિભાવ્યું. પગનું પ્લાસ્ટર કાઢી નાખ્યું એ દરમિયાન ચાર વખત એ આવી ગયો . મને એથી કેટલું સારું લાગ્યું ! એકવાર તો વાતવાતમાં મેં એને પૂછી નાખ્યું :
‘આટલા નફિકરા થઈ ફરો છો તે ઘરની લગીરે જવાબદારી માથા પર નથી શું?’
‘જવાબદારી ઓઢી લેનાર મા-બાપ બેઠાં હોય પછી મારે ચિંતા રાખવાની શી જરૂર ?’
‘કોણ કોણ છે ઘરમાં ?’
‘ઘણાં બધાં !’
‘તો એ ઘણાં બધાં ભેગું એક જણ વધારે નહિ શમાવી શકો તમે ?’ એવા શબ્દો મારી જીભને ટેરવે આવી અટકી ગયા. એના મનનો પાર પામ્યા વિના એવી અધીરાઈ શા કામની ?
દોઢેક મહિનાની પથારી પછી પાછી હું ઑફિસે જવા માંડી. હવે મારી અને કશ્યપની મુલાકાતો વધવા માંડી હતી. હું સાંજે મારી ઑફિસ નીચે એની રાહ જોતી ઊભી હોઉં અને એ આવે ત્યારે અમે જોડે ચાલીએ. મને એ મનમાં વસી ગયો હતો. એની પ્રત્યેની લાગણી દિનપ્રતિદિન વધતી જતી હતી. એકવાર મારી બા સાથે વાત કરી એનું મન પણ જાણી લીધું. એણે હા પાડી હતી. હવે જો કશ્યપ હા કહે અને એનાં મા-બાપની સંમતિ હોય તો મારે હંમેશ માટે એનાં થઈને રહેવું હતું ! તે સાંજે અમે હૉટલમાં જ બેઠાં હતાં. મેં એના હાથ પર હાથ મૂકી કહ્યું :
‘એક વાર મારે તમારું ઘર જોવા આવવું છે.’
‘મારું ઘર ખાસ જોવાલાયક નથી, વિભા !’
‘ભલે ન હોય ! પણ હું આવીને જ રહીશ !’
‘અચ્છા ! આવજો….’
‘ક્યારે આવું ?’
‘તારી ઈચ્છા થાય ત્યારે !’
‘ભલે તો કાલે વાત !’
પરંતુ એ દિવસે એ ન આવ્યો. મારી ઑફિસ નીચે પોણો કલાક સુધી એની રાહ જોઈ, પણ એનો પત્તો જ નહોતો ! શું થયું હશે ! એની ઑફિસમાં જ રોકાઈ ગયો હશે કે પછી…….

બીજે દિવસે એની ઑફિસમાં મેં ફૉન કર્યો, તો જાણવા મળ્યું કે એ સાહેબ આવ્યા જ નથી ! લો, કહે છે કે આવ્યા નથી ! મને એના પર ગુસ્સો આવ્યો અને પાછી ચિંતાયે થઈ. આથી ઑપરેટરને વિનંતી કરી એના ઘરનું સરનામું મેં મેળવ્યું.

સાંજે ઑફિસેથી છૂટી એને ઘેર જવા મેં ટૅક્સી કરી. એનું ઘર મળતાં વાર લાગી નહિ. પહેલે માળે એ લોકો રહેતાં હતાં. એ ડોસી કદાચ એનાં બા જ હશે. મને આવકાર દઈ કહ્યું :
‘અમારા એક સગાં કાલના ગંભીર હતા તે કાલે જરા વહેલો નીકળી ગયો હતો. આજે એમની સ્મશાનયાત્રામાં ગયો છે.’
‘કોણ આવ્યું છે, બા ?’ કહેતી એક યુવતી પ્રવેશી.
‘કશ્યપની ખબર કાઢવા આ બહેન આવ્યાં છે.’ કહી ડોસીએ યુવતીનો મને પરિચય કરાવ્યો, ‘આ સવિતા, મારા દીકરા કશ્યપની વહુ છે અને આ પગ ઢસડતી બેબી આવી એ એની દીકરી છે. બે વરસની હતી ત્યારથી જ પોલિયોને લીધે બિચારી અપંગ થઈ ગઈ છે, બહેન !’

મારી બોલવાની શક્તિ સાવ હણાઈ ગઈ હતી. તોયે ઊભાં થઈ, ‘હું જાઉં, બા !’ એટલું બોલી બહાર નીકળી ગઈ. દાદર ઊતરતાં થયું કે વગર વાગ્યે મને તમ્મર આવી જશે અને પાછો પગ ભાંગી બેસીશ ! માંડ માંડ હું નીચે પહોંચી. મારું સુંદર સપનું રોળાઈ ગયું એનું જેટલું દુ:ખ ન હતું એટલી વેદના કશ્યપની પરિસ્થિતિ જોઈ-જાણીને થઈ ! છતાં એ માણસ તો જુઓ !

કાચબો અંગો સમેટીને બેસી જાય એમ આ માણસ પોતાની વેદના અંદર સમેટીને જીવી રહ્યો છે !

Advertisements

7 responses to “આ માણસ ! – વિઠ્ઠલ પંડ્યા

  1. Heart touching…
    Breaking heart of character and also readers !

  2. This is exactly opposite case that we usually come across. People keep on whining about their own personal problems. Here, Kashyap shows caring and loving heart towards others in difficulty. Helps the needy person in whatever best he can. Probably he understands “the pain” first hand seeing her crippled baby and that is the reason he is so caring for others pain.
    Very good topic, well described.

  3. Sorry, I meant “his” crippled baby, not “her” crippled baby.