મારી મોટરસાઈકલ સવારી – ફાધર વાલેસ

મોટરસાઈકલ ચલાવતાં મને આવડતું નથી. લાઈસન્સ તો છે, કારણકે હું પરીક્ષા આપવા ગયો ત્યારે પરીક્ષા લેનારને મને જોઈને દયા આવી અને ખાતરી થઈ કે આ માણસ તો કોઈ દિવસ મોટરસાઈકલ ઉપર ચડવાનો નથી, અને ચડે તોય મોટરસાઈકલ ચાલવાની નથી, માટે એને લખી આપવામાં કોઈ વાંધો નથી. લખી આપ્યું. અને ખરેખર હું કોઈ દિવસ મોટરસાઈકલ ઉપર ચડ્યો નથી. એટલે કે પાછળ તો જરૂર સિફતથી બેઠો છું, પણ આગળ બેસીને ચલાવી નથી. હાથનું કૌશલ્ય મારા સંસ્કારોમાં નથી, અને કોઈ યંત્ર જોઈને હું તો ભડકું જ છું. એનું સંચાલન ને એનું સમારકામ બીજાઓ કરે. મને તો સાઈકલ ચલાવ્યા (અને એમાં જરૂર પડે ત્યારે હવા પૂરવા) સિવાય મિકેનિકનું કામ ફાવતું જ નથી.

માટે મારા હાથમાં કોઈએ મોટરસાઈકલ સમારકામની હાથપોથી મૂકી ત્યારે મેં ખાલી વિવેકની ખાતર એનાં થોડાં પાનાં ઉથલાવ્યાં. ચિત્રો સરસ હતાં. શબ્દો બિલકુલ ન સમજાય એવા હતા. બીજા ગ્રહના નિવાસીઓ બોલે એવી અમાનવ ભાષા લાગતી હતી. ફક્ત પહેલા પાના ઉપર માનવી સમજી શકે એવી પાર્થિવ ભાષામાં લખેલા થોડા સરળ પ્રારંભિક ફકરાઓ હતા એટલા જ વાંચી શકાય એવા હતા, માટે એના ઉપર મારી નજર ગઈ. પહેલા ફકરાનું પહેલું વાક્ય વાંચ્યું. વાંચતાં વાંચતાં મારું મોં મલકાયું. અને એ પુસ્તક મારા હાથમાં કેમ મૂકવામાં આવ્યું હતું એ તરત મને રમૂજ સાથે સમજાયું.

એ પહેલું વાક્ય મઝાનું હતું. લખ્યું હતું : ‘મોટર સાઈકલનું સમારકામ અસરકારક રીતે કરવા માટે સૌથી પહેલી શરત મનની સંપૂર્ણ શાંતિ રાખવાની હોય છે.’ વાહ ! વાહ ! આ તે મોટરસાઈકલની હાથપોથી હતી કે યોગસાધનાનું શાસ્ત્ર ? મનની શાંતિ જોઈએ કે સમારકામનાં ઓજારો ? પ્રાણાયામ કરવા માંડીએ કે સ્ક્રૂ કાઢવા માંડીએ ? આ ખરેખર નવી રીતે લાગે છે. મોટરસાઈકલના કામ માટે મનની શાંતિ. કુશળતાને બદલે સ્થિતપ્રજ્ઞતા. દુકાનને બદલે યોગશાળા. આ તે કેવી રીત કહેવાય ?

સાચી રીત કહેવાય. હાથપોથીમાં પછી જરૂર કામની સૂચનાઓ આવશે, ચિત્રો આવશે, ન સમજાય એવી ભાષા આવશે, પૂરી માહિતી આવશે, પણ પ્રથમ તો મનની સ્થિતિ જોઈએ, એકાગ્રતા જોઈએ, શાંતિ જોઈએ. હાથ કરતાં મન મોટું. હાથનું કામ ઉત્તમ રીતે કરવા માટે મનની સ્થિરતા, સ્વસ્થતા, એકાગ્રતા જોઈએ. અને એ મોટરસાઈકલના કામ માટે પણ. પ્રથમ મનને સાચવો. એની પાછળ બીજું બધું આવી જશે. હા, મોટરસાઈકલનું સમારકામ અસરકારક રીતે કરવા માટે સૌથી પહેલી શરત મનની સંપૂર્ણ શાંતિ રાખવાની હોય છે.

કૉલેજની પરિક્ષા માટે હું પેપર કાઢતો હતો. ગણિતનું પેપર. એમાં પ્રયોગો આવે, દાખલાઓ આવે, કૂટ પ્રશ્નો આવે. અને શરૂઆતમાં તો થોડી સૂચનાઓ આવે કે આ પેપર કેમ લખવાનું છે. કેટલામાંથી કેટલા પ્રશ્નો, દરેકના કેટલા ગુણ, કુલ કેટલો સમય. એમાં હવે પહેલી સૂચના તરીકે મને એમ લખવાનું મન થયું કે : ગણિતનું પેપર સારી રીતે લખવા માટે સૌથી પહેલી શરત મનની સંપૂર્ણ શાંતિ રાખવાની છે !

સાવ સાચી વાત છે. ગણિતની પરીક્ષા સારી રીતે લખવા માટે ગણિતનું જ્ઞાન જોઈએ, અભ્યાસક્રમની તૈયારી જોઈએ, બુદ્ધિ જોઈએ, યાદશક્તિ જોઈએ. હા, એ બધું જોઈએ. વિશેષ જોઈએ તો મનની શાંતિ. મનની શાંતિ ન હોય તો વાંચેલું પ્રમેય પણ ન આવડે અને ગણેલો દાખલો પણ ન બેસે. પ્રશ્નો ખોટા સમજે, જવાબો ખોટા લખે, ઉતાવળ કરે, ભૂલો ઉપર ભૂલો કરી બેસે. પરીક્ષા પછી સાચી ફરિયાદ કરે : બધું આવડતું હતું તો લખી શક્યો કેમ નહિ ? મનની શાંતિ ન હતી એટલે. યુનિવર્સિટીને હવે સમજાવી પડશે કે દરેક પરીક્ષાની શરૂઆતમાં થોડાં યોગાસનો ફરમાવે અને પ્રાણાયામ કરાવે. પછી પરિણામ સુધરશે ને !

એક વખત હું મોટરસાઈકલ ઉપર એક ગામથી બીજે ગામ જતો હતો. એટલે કે હું પાછળ બેઠો હતો અને મારો એક મિત્ર કુશળતાથી મોટરસાઈકલ ચલાવતો હતો. એ પોતે મોટરોનો જાણકાર ને નિષ્ણાત હતો એટલે વિશ્વાસ સાથે ચલાવતો હતો અને હું નિશ્ચિત મને પાછળ બેસીને વેગનો લહાવો માણતો હતો. વૃક્ષોનું સરઘસ, ક્ષિતિજનું આમંત્રણ, પવનનો સ્પર્શ, સડક ઉપર ઊડતી મોટરસાઈકલ પર બેસવાની કેટલી મઝા આવે ! હા, અને મુશ્કેલી પણ આવે. કાબેલ ડ્રાઈવરના હાથ નીચે અને પગ વચ્ચે પણ મોટરસાઈકલ વીફરે, જીદ પકડે, હડતાળ ઉપર જાય અને એના બે મોટરેસરો નીચે ઊતરીને અને રસ્તાની વચ્ચે ઊભા રહીને આવતી જતી મોટરોના ડ્રાઈવરોનું ધ્યાન દોરવા ફાંફાં મારે. અમે ફાંફાં માર્યા. હાર્યા. મોટર બગડે ત્યારે હોર્ન વગાડવા સિવાય બીજો કોઈ ઉપાય મને આવડતો નથી, પણ મોટરસાઈકલમાં હોર્ન પણ નહિ વાગે એટલે મારું જ્ઞાન કામમાં નહિ આવે. મારો મિત્ર મોટરોનો નિષ્ણાત હતો એ કામે લાગ્યો. જોતજોતામાં મોટરસાઈકલના ભાગ છૂટા કરીને સડક ઉપર પ્રદર્શનરૂપે પાથરી દીધા. મને બીક લાગી કે કોઈ કાગડો આવીને એકાદ સ્ક્રૂ ઉપાડી જશે, એટલે ચાડિયાની માફક હું કાગડાઓને અને ચકલીઓને દૂર રાખવામાં રોકાયો. મારો પ્રશ્ન હતો કે આ બધા ભાગો છૂટા તો કર્યા, પણ ભેગા કરશે શી રીતે ? ક્યાં સુધી મારે પક્ષીઓથી એનું રક્ષણ કરવું પડશે ? પણ એ નિષ્ણાત હતો, અને બીજે ગામ પહોંચવાની ઉતાવળમાં પણ હતો એટલે ઝટ દઈને છૂટા ભાગ જોડી દીધા અને ફરી મોટરસાઈકલ ઊભી કરી. એ ઊભી તો થઈ, પણ ચાલી નહિ. લાત મારી તોય ચાલી નહિ, ધક્કો માર્યો તોય ચાલી નહિ. છેવટે મહામહેનતે મોટરસાઈકલ એક ખટારામાં ચડાવીને અમે પાસેના ગામમાં પહોંચી ગયા અને એક ગેરેજની સામે ઊતર્યા. મિકેનિકને બોલાવીને મારા મિત્રે કહ્યું : ‘અમને ઉતાવળ છે એટલે રિક્ષા કરીને બીજા ગામમાં જઈએ છીએ. એટલામાં તમે મોટરસાઈકલ બરાબર તપાસીને ઠીક કરો. એમાં ખાસ્સું કામ તમારે કરવું પડશે. મેં જોયું છે એટલે જાણું છું. સાંજે અમે પાછા આવીશું ત્યારે તૈયાર કરી રાખશો. જે બિલ હશે તે ચૂકવીશું.’ મિકેનિક ખરેખર મનની સંપૂર્ણ શાંતિવાળો માણસ હતો. એણે આરામથી કહ્યું : ‘એક મિનિટ જોવા દો, સાહેબ.’ મોટરસાઈકલની પાસે ગયો. ટાંકીનું ઢાંકણું ખોલ્યું. અંદર જોયું. હલાવ્યું. પછી શાંતિથી કહ્યું : ‘ટાંકીમાં એક ટીપું પણ પેટ્રોલ નથી. હું ભરી આપું.’ ભરી આપ્યું. કિક મારી. પગના પ્રથમ સ્પર્શથી મોટરસાઈકલનું એન્જિન ફટ ફટ કરતા સંતોષના અવાજ સાથે ચાલું થયું. મોટરસાઈકલ ચલાવવા મનની શાંતિ જોઈએ. અને ટાંકીમાં પેટ્રોલ જોઈએ. મારો નિષ્ણાત મિત્ર અને હું મોટરસાઈકલ ઉપર સવાર થઈને પવનવેગે ત્યાંથી ભાગી ગયા. બીજા ગામમાં પહોંચવાની અમને ખરી ઉતાવળ હતી.

હા, મોટરસાઈકલનું સમારકામ અસરકારક રીતે કરવા માટે સૌથી પહેલી શરત મનની સંપૂર્ણ શાંતિ રાખવાની હોય છે. અને આખું જીવન શું એક જાતની મોટરસાઈકલ સવારી જેવું નથી ?

Advertisements

8 responses to “મારી મોટરસાઈકલ સવારી – ફાધર વાલેસ

 1. મનની શાંતિનો કેવો સુંદર, નિખાલસ ઉપદેશ છે ?અને તે પણ હળવી ભાષામાં ?ફાધર ! નમન !મૃગેશભાઈની સુંદર શોધ !

 2. NICE ARTICLE ! ! KHAREKHAR BAHU J SARAS! FATHER NA LEKHO MATE KOI PAN COMMENT KARAVI E JARA VADHU PADTU GANAY , AMARA JEVA BALKO MATE ! !

 3. સુરેશ જાની

  જ્યારે જ્યારે ફાધરનો લેખ વાંચું છું ત્યારે ત્યારે મારી જુવાની યાદ આવી જાય છે. તેમની શૈલી વિશિષ્ટ અને સચોટ છે.
  આવા મોટા ગજાના લેખમાં ઊમેરો કરવાનું મારું ગજું નથી , પણ એટલું જરૂર કહેવા માંગુ છું કે મનની શાંતિ નો એક બહુ જ સારો રસ્તો – દિવસમાં થોડોક સમય પણ સર્જ્જનાત્મક કાર્ય કરવાનો છે. થોડાક સમય માટે પણ આવું, અર્થોપાર્જન સાથે નહીં સંકલાયેલું કાર્ય આખા દિવસ માટે આપણી બેટરી ચાર્જ કરી નાંખે છે.

 4. Really a good post ! we have read Father’s articles on philosophy and chintan-manan , but this light hearted atricle gives very important lesson of “Man ni samata” as I put it. It just reminded me a book named “The monk who solf his ferrari” by Robin Sharma though there is no link between the two.

  To calm the mind is effectively going beyond mind. Our vedik dharma puts so much emphasis on meditation. Meditation is not a process, it is a way of living life. In stead of siting in meditation for some time, we should make our whole life as a practice of meditation.

  One last note:
  Q: which mind is “Buddha” mind ?
  A: “No mind” is “Buddha” mind.

 5. While surfing on your website, ENJOYED FATHER’S Artical.
  Our family and specially me takes pride of my teacher and Mentor.
  Good work and well done.
  Rajendra-(Rajoo)

 6. father vallesh gujarati sahitya ma aadarniya nam jivan na every work mate man ni shanti anivarya chhe shant man thi kam karvathi safalta malej chhe aavo sundar artical prakashi karva badal read gujarati ne aabhinandan

 7. Dear Father
  Can I include this LEKH in my publication Heritage Overseas published in Sydney for Sydney Gujaratis??? I am asking your permission.Please say yes.
  Jignasa
  Heritage Overseas
  Sydney
  Australia
  sanskrutiinfo@yahoo.com