થાય પણ ખરી – કૃષ્ણ દવે

પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી,
ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી.

રોકી શકો તો રોકો ચેલન્જ છે અમારી,
એ આંખ છે ગમે ત્યાં છલકાય પણ ખરી,

એનામાં છે, હજુ છે એ માછલીપણું છે,
પાણી જુએ કે તરત જ પછડાય પણ ખરી.

એવી છે જાળ એની શંકાય પણ મને છે,
કે લ્હેરખી બિચારી અટવાય પણ ખરી.

દરિયાને પ્હાડ સાથે અથડાવતી હવા પણ,
પીંછું ખરી પડે તો મુંઝાય પણ ખરી.

કેવાં એ ધ્યાન દઈને ટહુકાઓ સાંભળે છે !
વૃક્ષોને વાત એની સમજાય પણ ખરી.

મોજાં સમુદ્રના છો સમજો, જરાક સમજો,
રેતીથી બે’ક પગલી સચવાય પણ ખરી.

એ પાંદડાએ ખરતાં ખરતાં કહેલ અમને,
લીલપની ખોટ એને વરતાય પણ ખરી.

One response to “થાય પણ ખરી – કૃષ્ણ દવે

  1. krushna uncle ,prarthana bhagyesh jha.olkho cho ne!!!aadbhut rajuaat..maja aavi gai