સંતાન – જિતેન્દ્ર પટેલ

એમના ડેડી ડૉકટરે લખી આપેલી દવા લેવા ગયા હોવાથી દાદીમાનો ખાટલો અત્યારે સાવ રેઢો હતો. ખબરઅંતર પૂછનારાં ઊભા થયાં એવી એમની મમ્મી રસોડામાં જતી રહેલી. એકાંત મળ્યું કે ત્રણે ભાઈબહેનો વચ્ચે ગુસપુસ થવા માંડી.
‘ડેડીએ ખરેખર આપણને બોલાવવામાં ઉતાવળ કરી દીધી છે.’ સ્નેહા એનેય માંડ સંભળાય એટલા ધીમા અવાજે બોલી.
‘મને તો એમ જ કહેવામાં આવ્યું હતું કે કલાક બે કલાકના મહેમાન છે. જે વાહન મળે એમાં બેસીને આવી જા.’ અજયને કોઈના સાંભળી જવાની બીક નહોતી એટલે એણે અવાજ દબાવવાનો પ્રત્યત્ન ન કર્યો.

‘તું દીકરો થયો. તારે આવવું પડે. અમારી પાસે એવી ઉતાવળ કરાવવાની શી જરૂર હતી ?’ દીવાએ પણ અજયની જેમ અવાજ ન દબાવ્યો.
‘હું તો દીદી, છોકરાંને પાડોશીના ભરોસે મૂકીને આવી છું.’
‘ત્યારે મારે તો તારા જીજાજીને એક ટાઈમ પણ બહારનું જમવું ફાવતું નથી. આજ ચોથો દિવસ થયો.’
‘તો મને આટલા દિવસ શો રૂમ બંધ રાખવો થોડો પરવડે. આ હરીફાઈના ધંધામાં ?’ થોડીવાર ચૂપકીદી છવાઈ ગઈ.

‘આટલા દિવસ તો ગયા એ ગયા. કોને ખબર હજુ કેટલું ખેંચશે ?’ સ્નેહા વધારે સમય મૂંગી ન બેસી શકી.
‘અઠવાડિયું તો પાક્કું.’
‘મને તો એનાથી વધારે સમય લાગશે એવું લાગે છે, જો ને, આજ પપૈયું કેટલું બધું ખાઈ ગયા !’
‘તો પછી આપણે શું કરીશું ?’
‘હું તો કાલ નીકળી જવાનું વિચારું છું.’
‘ડેડીને ગમશે ?’
‘મારા ઘરની તકલીફનો વિચાર નહીં કરવાનો ?’
‘ત્યારે હું શેની રોકાઉં ?’
‘હું તો આમે ય રોકાવાની નથી.’ બેઉ બહેનોએ પોતાનો નિર્ણય વ્યકત કરી દીધો કે અજય બોલી ઊઠ્યો, ‘સવારે જ ડેડીને કહી દીધું હતું કે તમે છો પછી અમારું શું કામ છે ?’ પાછી ચૂપકીદી.
‘હું તો નીકળતી વખતે ડેડીને કહી જ દેવાની છું કે મને પછી જ જાણ કરજો.’
‘આમેય દીકરીઓનું અહીં શું કામ હોય ?’
‘હું તો એમ જ કહેવાનો છું કે ડૉક્ટર રિપોર્ટ આપે પછી જ મને ફોન કરવો. ખોટી ઉતાવળ ન કરતાં.’

રાત્રે ત્રણે ભાઈબહેનોએ સાથે મળીને ડેડી પાસે નીકળી જવાની વાત કાઢી. બંને દીકરીઓને તો ડેડી કંઈ ન કહી શક્યા. પણ દીકરા પાસે એમણે ઢીલું ન મૂક્યું : ‘તારે તો રોકાવું પડે.’
‘તમે ને મમ્મી છો પછી મારું અહીં શું કામ છે ?’
‘વખત છે ને કાંઈ થઈ ગયું તો ?’
‘હજી વાર લાગે એમ છે ત્યાં સુધીમાં હું એક ચક્કર મારી જઈશ.’
‘લોકો વાતો નહીં કરે, તને જતો રહેતો જોઈને ?’
‘વાતો શેના કરે ? મારી મમ્મી ખાટલે પડી હોય તો મારે રોકાવું પડે. આમાં તો તમે છો પછી….’
ડેડી વધારે દલીલ ન કરી શક્યા.
‘અને હું શું કહું છું ? ડૉકટર પરીખ મારો મિત્ર છે. એવું કાંઈ બની ગયું તો એને તાત્કાલિક બોલાવી લેજો. એ રિપોર્ટ આપે પછી જ મને જાણ કરજો. મેં એને વાત કરી દીધી છે. તમે કહેશો એવો એ આવી પહોંચશે.’

સવારે જે વાહન હાથ આવ્યું એમાં બેસીને ત્રણે ભાઈબહેનો નીકળી ગયાં. અજય જતાં જતાંય ડૉક્ટરના રિપોર્ટની વાત યાદ કરવાનું ભૂલ્યો નહીં.
બપોરે અજય ઘેર પહોંચ્યો એવો પાછળ ડેડીનો ફોન આવ્યો.
‘પહોંચી ગયો ?’
‘હા, બાથરૂમમાંથી નાહીને નીકળું જ છું. કંઈ કામ હતું ?’
‘બીજું તો શું હોય ? દાદીમા ગયા.’
‘હેં ! એવું લાગતું તો નહોતું. ડૉક્ટરને બતાવ્યું ?’
‘ના.’
‘મેં તમને કીધું નથી ? તમે પહેલાં ડૉક્ટરને બોલાવો. એ રિપોર્ટ આપે પછી મને ફોન કરો.’
‘સારું.’ ડેડીએ ફોન મૂકી દીધો.

અજયે અડધો કલાક રાહ જોઈ. ડેડીનો ફોન ન આવ્યો. એણે સામેથી ફોન કર્યો. રીંગ વાગતી રહી. સામેથી કોઈએ ઉપાડ્યો નહીં. થોડીવારે એણે વધુ એક પ્રયાસરૂપે ફોન કર્યો. આ વખતે સામેથી રિસીવર ઊપડ્યું. અજય આક્રોશપૂર્વક બોલી ઊઠ્યો : ‘કોણ ?’
સામેથી : ‘ડેડી.’
‘ક્યારનો રીંગ કરું છું કેમ કોઈ ઉપાડતા નથી ?’
‘તૈયારીમાંથી નવરો પડું તો ને ! એકલો છું. કેટલે પહોંચી વળવું ?’
‘તૈયારી થવા માંડી ?’
‘તો કોની રાહ જોવાની ?’
‘ડૉક્ટરને ન બોલાવ્યા ?’
‘એમાં શું બોલાવે ?’
‘તમેય ખરા છો !’
‘તું ક્યારે નીકળે છે ?’
‘પણ તમે….’
‘શું ?’
‘ડૉકટરને કેમ ન બતાવ્યું ?’
‘હવે શું ? ડાઘુઓયે આવવા માંડ્યા.’
‘મને લાગે છે તમે કંઈક છુપાવો છો. તમારે મને ત્યાં બોલાવવો છે એટલે…..’
‘શું બકે છે ?’
‘તો પછી તમે ડૉક્ટરને બોલાવતા કેમ નથી ? મેં ડૉકટર પરીખને અહીંથી બે વાર ફોન કર્યો. એ કહે કે કોઈ બોલાવવા આવે તો હું જાઉં ને ! તમે એને….’
‘હવે તો નનામી બંધાય એટલી જ વાર છે.’
‘પણ તમને ડૉક્ટર બોલાવવામાં વાંધો શું છે ?’
‘ડૉક્ટર બોલાવું ને એ વળી કદાચ………..’
‘હે ! હું નીકળું જ છું’ અજય ઉતાવળે બોલી ઊઠ્યો. પણ ત્યાં સુધીમાં ડેડીએ ફોન મૂકી દીધો હતો. એના એ શબ્દો રિસીવર સાથે અથડાઈને પાછા ફર્યા !

Advertisements

2 responses to “સંતાન – જિતેન્દ્ર પટેલ

  1. Looks like a case of suicide. May be Dadima didn’t overcame the sorrow of her own grand childrens’ negligence.