Category Archives: વાચકોની કૃતિઓ

વાચકોની સુંદર અને પસંદગી પામેલ કૃતિઓ

જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

ખુદમાં ભરચક, ખુદમાં એકાંત છું,
મૌન હલચલ જેવો જ હયાત છું.

જે સમજ છે એ જ અવિચલ રહી,
જ્યાં અડગ છું, એક ઉત્પાત છું.

છેક મક્તામાં સમાવી શક્યો,
હાંસિયાના શબ્દની જાત છું.

ખુદ નથી વશ ખુદના પણ હાથમાં,
પથ્થરો તોડે એ પ્રપાત છું.

છું અનોખો એટલે છું સફળ,
‘કીર્તિ’ નામે એક જજબાત છું.

Advertisements

આડંબરનું ઓઢણું – જિજ્ઞાસા વિહંગ જાની

[ ‘રીડગુજરાતી વાર્તા સ્પર્ધા-2006’ માં પાંચમા ક્રમે આવેલી આ સુંદર કૃતિ માટે શ્રીમતી જિજ્ઞાસાબહેનને (ટેકસાસ, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jjani27@yahoo.com ]

મારી નાની નણંદ વૈશાલી ખૂબ લાડમાં મોંઢે ચઢાવેલી હોવાથી, એ જ્યારે પોતાનો અભિપ્રાય આપે ત્યારે મોટેભાગે અમે બધા જ, એક કાને થી સાંભળી બીજા કાને કાઢી નાખીએ. પણ તે દિવસની વાત જ જૂદી હતી. વૈશાલી તો મોઢું ચઢાવી બીજા રૂમમાં જતી રહી, પણ મારા મનમાં વિચારોનો વંટોળ શરૂ કરતી ગઇ.

વૈશાલી કહે, ‘રચનાભાભી, શરુઆતમાં તો મને પૃથાબેન ઘણાં ગમતાં, પણ આજકાલ તેમનું અભિમાન સાતમે આસમાને ચઢી ગયું છે. એમની પાસે બહુ પૈસો છે, તેથી કંઇ હંમેશાં દેખાડો ન કરવાનો હોય. કહી દેજો એમને કે, મારે લગ્નમાં તેમની પાસેથી કોઇ ભેટ જોઇતી નથી.’

હું પૃથાને લગભગ સત્તર વર્ષથી ઓળખું છું. અમે પાંચમા ધોરણમાં એક જ ક્લાસમાં હતા. પૃથાના પપ્પાનો મોટો બંગલો અમારા સુનયના ફ્લેટની પાછળના ભાગમાં હતો . હું, પૃથા, મારી નાની બેન, તથા બીજા બાળકો બધા સાથે રીક્ષામાં બેસી સ્કૂલમાં જતા અને પાછા આવતા. પૃથા દરેક બાબતમાં મારાથી અને અન્ય સમવયસ્ક વિદ્યાર્થીઓથી ચઢિયાતી હતી. તે ભણવામાં હંમેશાં આગળ જ હોય. તેનો અવાજ પણ એટલો સુરીલો કે શાળાની કોઇ પણ પ્રવૃત્તિ હોય તો પૃથાને પ્રાર્થના, રાષ્ટ્રગીત, ભજન કે શાળા-ગીત તો ગાવાનું જ હોય.
વધુ આગળ વાંચો….

નિયતિ – નિમેષ પટેલ

[‘ગુજરાત’ સામાયિકના અંક-2006 માં પ્રકાશિત થયેલી આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી નિમેષભાઈનો(પોરબંદર) ખૂબ ખૂબ આભાર. ]

સિદ્ધાર્થના ઘરમાં અત્યારે તોફાન પછીની શાંતિ હતી. હજુ થોડીવાર પહેલાં જ સિદ્ધાર્થના ઍરફૉર્સમાં જોડાવાના નિર્ણય બાબતે ઘરમાં ઘમાસાણ વાકયુદ્ધ મચી ગયું હતું. સૌથી વધારે ઉગ્ર વિરોધ વિદ્યાગૌરીનો હતો.
‘ગમે તે થાય. હું મારા છોકરાને ઍરફોર્સમાં નહીં જવા દઉં.’ વિદ્યાગૌરીએ પોતાનો આખરી નિર્ણય સંભળાવ્યો હતો.
‘કમ ઓન મમ્મી, હું હવે કંઈક છોકરો નથી રહ્યો, મને ખબર છે મારા માટે શું સારું છે, શું ખરાબ.’ સિદ્ધાર્થે સહેજ ચિડાઈને કહ્યું હતું. આ કહેતી વખતે જોક એને ખબર જ હતી કે એ વિદ્યાગૌરી માટે તો આજીવન ‘છોકરો’ જ રહેવાનો છે.
‘ભલે બધું ખબર હોય પણ તારે ઍરફૉર્સમાં જવાનું નથી. ભણીને નોકરી જ લેવી હોય તો ઘેર બેઠાં નોકરી ક્યાં ઓછી છે ? અને કંઈ નહીં તો તારા પપ્પાએ આટલી મહેનતથી જમાવેલો ધંધો તો છે જ.’

સિદ્ધાર્થે આશાભરી નજરે નવનીતરાય સામે જોયું, પણ તેમણે સલૂકાઈથી મ્હોં ફેરવી લીધું. નવનીતરાય પોતાના ધંધામાં સતત ખૂંપેલા રહેતા પણ પુત્રની ઍરફોર્સમાં જોડાવાની ઘેલછાથી અજાણ હોય એટલા અલિપ્ત પિતા પણ ન હતા. ભારતીય હવાઈદળના ઑફિસરના જીવનની ઝાંખી મળે એ માટે પોતે જ સિદ્ધાર્થને એકવાર પોતાના કૉલેજકાળના મિત્ર વિંગ કમાન્ડર ખોસલા પાસે લઈ ગયા હતા. પણ અત્યારે એમનાં પત્નીને સમજાવવાની એમની હિંમત ચાલતી ન હતી.
વધુ આગળ વાંચો….

મારું બાળપણ – સદરૂદીન ખીમાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સદરૂદીન ભાઈનો (જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર) ખૂબ ખૂબ આભાર.]

આંચળમાં નમતું, હેતથી નવાઝતું,
કેવું અનોખું છે મારું બાળપણ.

પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્દભુત છે મારું બાળપણ.

મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબી છે મારું બાળપણ.

બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,
કેવું વિચિત્ર છે મારું બાળપણ.

રમકડાંથી રમતું, લોકચાહના પામતું,
કેવું પ્રેમાળ છે મારું બાળપણ.

વડિલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,
કેવું સુખ રૂપ છે મારું બાળપણ.

સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
કેવું વિચારશીલ છે મારું બાળપણ.

જીવનની બેલેન્સશીટ – મૃગેશ શાહ

વ્યક્તિ જીવનભર સતત એ પ્રયાસ કરતો રહે છે કે આવનારા સમયમાં પોતે વધારે ને વધારે સારી રીતે જીવે. બાળકોને શિક્ષણ શા માટે આપવામાં આવે છે ? કારણકે આવનારા ભવિષ્યમાં તેઓ વધારે સારી રીતે જીવનને માણી શકે. નોકરી-ધંધો, તમામ પ્રકારના ઉચ્ચ હોદ્દાઓ, તમામ સિદ્ધિઓ અને સમાજના વિવિધ પ્રકારના ઉચ્ચ પદો – એ બધું ક્યાં જઈને અટકે છે ? જીવનને ઉત્તમ રીતે માણવામાં. ઑફિસનો એક કારકૂન છે એના કરતા તેમના ઉપરી ઑફિસર વધારે સારી રીતે રહી શકતા હશે એમ આપણે માનીએ છીએ. વળી, એથી ઉપર મેનેજર હશે, એ ઑફિસરથી પણ વિશેષ પ્રકારની સુખસગવડ ભોગવતા હશે એમ લાગે છે.

સમાજના તમામ પ્રકારના હોદ્દા, વિવિધ પદો અને ઉચ્ચ સ્થાનો આપણને બહારથી રૂપાળા દેખાય છે પરંતુ એ સ્થાનની જેમ જેમ નજીક જઈએ તેમ વાસ્તવિક દ્રશ્ય તો કંઈક જુદુ જ દેખાય છે ! દાખલા તરીકે આપણે ત્યાં માતા-પિતાની બાળપણથી ઈચ્છા બાળકોને ડૉક્ટર કે એ પ્રકારના કોઈ ઉચ્ચ શિક્ષણ અપાવવાની હોય છે. આ વાત સાંભળવામાં સારી લાગે છે પરંતુ જ્યારે વાસ્તવિકતાનો સામનો કરવામાં આવે છે ત્યારે તેમાંથી અનેક પ્રકારની તાણ ઊભી થતી હોય છે. ડૉક્ટર બનવા માટે મેરીટ-લીસ્ટમાં સ્થાન મેળવવા આકરી મહેનત, અનેક રાતોના ઉજાગરા અને એ પછી પણ જો એડમિશનમાં રહી જવાય તો ડિપ્રેશન ! કદાચ ડૉકટર બની જવાય તો પણ પ્રેકટિસ ચલાવવા માટેની મહેનત, આખો દિવસ કલીનીકમાં ગાળવાને લીધે કૌટુંમ્બીક સાન્નિધ્યનો અભાવ વગેરે વગેરે.
વધુ આગળ વાંચો….

મનનના સવાલો – અમિત પરીખ

[‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006’ માં તૃતિય સ્થાન મેળવનાર આ કૃતિ બદલ શ્રી અમિતભાઈ પરીખને (મુંબઈ) ખૂબ ખૂબ અભિનંદન. વાર્તામાં લેખકે માનવીના જીવનલક્ષી ધ્યેયને બાળકના મુખથી પ્રશ્ન સ્વરૂપે રજૂ કરીને એક વિશિષ્ટ પ્રકારની રજૂઆત કરી છે. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amitt.parikh@gmail.com ]

નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે.

આજે મનન ઘણે દિવસે લાલાની સેવા કરતા દાદીની બાજુમાં બેઠો હતો. દાદીની પૂજા પૂરી થઈ એટલે એમણે મનનને પ્રસાદનો ચોખ્ખા ઘીનો લાડુ આપ્યો. મનને લાડુ ખાતા ખાતા પૂછ્યું :
‘દાદી તમે રોજ આ લાલાની સેવા કેમ કરો છો ?’
‘કારણકે એ સર્વશક્તિમાન ભગવાન છે.’
‘આટલા નાના ?’
‘અરે એ તો શ્રીકૃષ્ણ નાના હતાં ને તે સ્વરૂપ છે. તને દાદાએ કૃષ્ણ ભગવાનની વાર્તાઓ કીધી છે ને.’
‘હા પણ તો તમે એ મોટા કૃષ્ણની પૂજા કેમ નથી કરતાં ? મોટા થઈને એ બગડી ગયા’તા ?’
‘અરે પાગલ એવું બોલાય ? એ તો મને લાલા સ્વરૂપે ગમે છે એટલે એની સેવા કરું છું.’

મનનની ઉત્કંઠા વધી ગઈ. ‘તો તમને હું વધુ ગમું કે આ લાલો ?’
‘અરે ગાંડા, ભગવાન અને માણસ વચ્ચે સરખામણી હોય ? તું તો મારો લાડલો જ છે ને.’
‘તો દાદી તમે મને વઢીને કારેલાનું શાક ખવડાવો છો અને આ લાલાને રોજ બધું ભાવતું જ આપો છો. કારેલા પણ ભગવાને જ બનાવ્યા છે ને તો એમને જ કેમ ન ભાવે ?’
‘હેં ?’ દાદી આ સવાલથી થોડા ડરી ગયા કે ક્યાંક હવે મનન એના ગજબના સવાલોનો મારો ન ચાલુ કરી દે.
‘સારું એને પણ કાલથી કારેલા આપીશ બસ, ખુશ ?’
વધુ આગળ વાંચો….

શ્યામા, સોહમ, …સુનામી – નીલમ દોશી

[‘રીડગુજરાતી વાર્તા સ્પર્ધા-2006’ માં ચતુર્થ સ્થાન (પ્રથમ ત્રણ વિજેતા સિવાયની અન્ય દશ કૃતિઓમાં પ્રથમ સ્થાન) મેળવનાર બદલ આ કૃતિ માટે શ્રીમતી નીલમબેહન દોશીને (કોલકતા) ખૂબ ખૂબ અભિનંદન. આપ શ્રી લેખિકાબહેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nilamhdoshi@yahoo.com ]

કુદરતની સામે થવા મથતા માનવીને કુદરત જ્યારે તેનું ત્રીજું નેત્ર ખોલી….ધરતીકંપ, વાવાઝોડું, જવાળામુખી કે સુનામી જેવા સ્વરૂપે પોતાના રૌદ્રરૂપના દર્શન કરાવે છે, ત્યારે માનવી ને પોતાની મર્યાદાનો, વિવશતા નો એહસાસ થાય છે. કુદરતના તાંડવ નૃત્ય આગળ માનવી 21મી સદીમાં પણ વામણો બની જાય છે. કુદરત ની એક લપડાક ક્ષણમાત્ર માં બધું ખેદાન-મેદાન કરી નાખે છે. અલબત્ત સંહારના આવા ભયાનક પ્રસંગોએ માનવતાના મંગલરૂપના દર્શન પણ અચૂક થાય જ છે. માનવીની ઉદાત્ત ભાવના, તેની અંદર રહેલી સદવૃત્તિ પણ ત્યારે જ જાગી ઉઠે છે. કવિ કલાપીની પ્રસિદ્ધ પંકિત – ‘જે પોષતું,તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી’ ની યાદ અનાયાસે આવી જાય છે.

તાજેતરમાં આવેલ સુનામીના તોફાનની જેમ જ વરસો પહેલા પણ એકવાર આ જ રીતે તેનું ત્રીજું નેત્ર ખોલ્યું હતું. સમુદ્રી વાવાઝોડાએ ત્યારે પણ આ જ રીતે કાળો કેર વર્તાવેલ. કિનારાના સેંકડો ગામડાં તણાઇ ગયા હતા. નાના નાના ટાપુઓ પર વસ્તીનું નામોનિશાન નહોતુ રહ્યું. કુદરતનું સર્જનાત્મક સ્વરૂપ જેટલું વિસ્મયજનક અને રોમાંચકારી છે, એટલું જ ભયાનક છે તેનું સંહારક સ્વરૂપ. ‘ધન્ય છે કિરતાર તારી કળા, તેં દીધી ચેતના,તેં દીધી ચેહ.’

ફક્ત સ્થાનિક લોકો જ નહી,દરિયાકિનારે ફરવા ગયેલ સેંકડો સહેલાણીઓ પણ ફસાઇ ગયા હતા. કોઇનું સર્વસ્વ લૂંટાઇ ગયુ હતું, તો કોઇ સદભાગી નવજીવન પામી શકયા હતા. કુદરતે જાણે હાહાકાર કરી મૂકયો હતો. માનવી કુદરત સામે અવળચંડાઇ કરે તો કુદરત માનવીને તેની મર્યાદાઓનું ભાન કોઇ પણ રીતે કરાવ્યે જ રાખે છે.
વધુ આગળ વાંચો….