Category Archives: કાવ્યો

સુપ્રસિધ્ધ કવિઓની સુંદર કવિતાઓનો સંગ્રહ

થાય પણ ખરી – કૃષ્ણ દવે

પકડીને આંગળી એ લઈ જાય પણ ખરી,
ઈચ્છાને કોણ રોકે એ થાય પણ ખરી.

રોકી શકો તો રોકો ચેલન્જ છે અમારી,
એ આંખ છે ગમે ત્યાં છલકાય પણ ખરી,

એનામાં છે, હજુ છે એ માછલીપણું છે,
પાણી જુએ કે તરત જ પછડાય પણ ખરી.

એવી છે જાળ એની શંકાય પણ મને છે,
કે લ્હેરખી બિચારી અટવાય પણ ખરી.

દરિયાને પ્હાડ સાથે અથડાવતી હવા પણ,
પીંછું ખરી પડે તો મુંઝાય પણ ખરી.

કેવાં એ ધ્યાન દઈને ટહુકાઓ સાંભળે છે !
વૃક્ષોને વાત એની સમજાય પણ ખરી.

મોજાં સમુદ્રના છો સમજો, જરાક સમજો,
રેતીથી બે’ક પગલી સચવાય પણ ખરી.

એ પાંદડાએ ખરતાં ખરતાં કહેલ અમને,
લીલપની ખોટ એને વરતાય પણ ખરી.

Advertisements

જજબાત – કીર્તિકાન્ત પુરોહિત

ખુદમાં ભરચક, ખુદમાં એકાંત છું,
મૌન હલચલ જેવો જ હયાત છું.

જે સમજ છે એ જ અવિચલ રહી,
જ્યાં અડગ છું, એક ઉત્પાત છું.

છેક મક્તામાં સમાવી શક્યો,
હાંસિયાના શબ્દની જાત છું.

ખુદ નથી વશ ખુદના પણ હાથમાં,
પથ્થરો તોડે એ પ્રપાત છું.

છું અનોખો એટલે છું સફળ,
‘કીર્તિ’ નામે એક જજબાત છું.

દીવો થાય છે – મનીષ પરમાર

બારણામાં રોશની ફેલાય છે,
દૂર ઘરમાં દીવો થાય છે.

કેટલા રસ્તા હવે ડૂબી ગયા,
પગલુ ક્યાં અંધારનું દેખાય છે ?

હુંય તારી આંખના શબ્દો બનું,
પત્ર આજે આંસુનો સમજાય છે.

આ પવનનો હાથ સ્પર્શે ફૂલને,
એટલામાં મ્હેક વરસી જાય છે.

એ પછી વરસાદ ખાબકશે મનીષ –
જળ ભરીને વાદળો બંધાય છે.

એવા રે અમો…. – રતિલાલ બોરીસાગર

[હાસ્ય કાવ્ય]
આ પદ્યરચના નરસિંહ મહેતાના પ્રસિદ્ધ પદ ‘એવા રે અમે એવા’ ની પેરોડી છે. નરસિંહ મહેતાએ પોતાને માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે એટલે મેં પણ મારા માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે. ‘અમો’ સર્વનામનો પ્રયોગ કરવા છતાં એમાં નરસિંહ મહેતાની ખુમારી અને બેફિકરાઈ પ્રગટ થતાં ન લાગે તો ચલાવી લેવા વાચકોને વિનંતી છે. મૂળમાં જ ખુમારી ન હોય તો ‘અમો’ સર્વનામ વાપરવાથી થોડી આવી જવાની ? હા, ‘અમો’ માનાર્થે બહુવચનનો પ્રયોગ છે એમ સમજવું. માનની બાબતમાં માણસે સ્વાવલંબી રહેવું જોઈએ એવો મારો નમ્ર મત છે. ચેરિટીની જેમ માનનો પ્રારંભ પણ માણસે પોતાની જાતની કરવો જોઈએ. બીજા માન આપશે એ આશાએ હાથ જોડીને બેસી ન રહેવું જોઈએ. આ રીતે કાવ્યની પ્રથમ પંક્તિમાં માનવજીવન માટે ગહન ઉપદેશ રહેલો છે તે જોઈ શકાશે.

તો હવે મારો, સૉરી, અમારો પરિચય આપતી પદ્યરચના નીચે મુજબ છે :

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રે;
સાઠ થયાં પૂરાં તોયે અમો રહ્યા એવા છે એવા રે.

સાઠે બુદ્ધિ નાઠે એની ચિંતા અમોને નાહીં રે;
આવ્યું હોય ઈ જ જાયે, એવો નીમે જગતની માંહી રે.

મન જેનું મરકટના જેવું રાતદી’ કરે ઉધામા રે;
રોગ ઘણેરા દેહની માંહી પડ્યા છે નાખીને ધામા રે.

કામકાજ કશું ના કરીએ…. કશું અમોને ના ફાવે રે;
વાંચ્યા કરીએ લખ્યા કરીએ, એની તોલે કશું ના આવે રે.

સમારંભમાં પ્રમુખ થાતા, નામ ભલે અજાણ્યું રે;
છેલ્લી ઘડીએ કોઈ ના પાડે, અમને ટીલું તાણ્યું રે.

હળવા સાહિત્યનો હું લેખૈયો, મુજને વાચક વહાલા રે;
હસવાથી જે દૂર રહેશે તેના ફોગટ ફેરા ઠાલા રે.

મારું બાળપણ – સદરૂદીન ખીમાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી સદરૂદીન ભાઈનો (જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર) ખૂબ ખૂબ આભાર.]

આંચળમાં નમતું, હેતથી નવાઝતું,
કેવું અનોખું છે મારું બાળપણ.

પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્દભુત છે મારું બાળપણ.

મોજ-મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
કેવું અજાયબી છે મારું બાળપણ.

બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,
કેવું વિચિત્ર છે મારું બાળપણ.

રમકડાંથી રમતું, લોકચાહના પામતું,
કેવું પ્રેમાળ છે મારું બાળપણ.

વડિલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,
કેવું સુખ રૂપ છે મારું બાળપણ.

સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
કેવું વિચારશીલ છે મારું બાળપણ.

પાંચ ગઝલ – મનીષ પરમાર

[‘તાદર્થ્ય’ સામાયિક, ઑક્ટો-2006 માંથી સાભાર. ]

સરવાળા હતા

સાવ ખાલી ડાળ પર માળા હતા,
ઘર ઉઘાડાં બારણે તાળા હતા.

સૂર્ય ઊગે, આથમે ત્યાં લગ પછી,
દિવસ આખો લોહી ઉકાળા હતા.

બાદબાકી જિન્દગીમાં શું કરું ?
શૂન્યના તો રોજ સરવાળા હતા.

મ્હેકથી છોલાય છે મારો પવન –
એટલે તો શ્વાસ સૌ આળા હતા.

રોજ રાતે સૂર્યને પેટાવતો –
મેશથી જો હાથ આ કાળા હતા
વધુ આગળ વાંચો….

મૃગજળનું સરનામું – સતીશ ડણાક

દર્પણ

દર્પણની આરપાર કેવો વિંધાયો છું !
ખુદને ખબર નથી કેવો રુંધાયો છું !

આકાશ જેવું આકાશ તેથી જ ચૂપ છે,
ઘનઘોર મેઘ થઈને કેવો ભિંજાયો છું !

ઝાંઝવાંની મોહક અદાનું દ્રશ્ય અદ્દભુત,
અફાટ રણની વચ્ચે કેવો મુંઝાયો છું !

કેવી અજબ લીલા છે રંગોના આવરણની,
આકારની લીલામાં કેવો લિલાયો છું !

ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું !

ભૂરા નગરનો ટ્હૌકો કળ્યા કરે સતત,
ઊભી દીવાલ વચ્ચે કેવો ભિંસાયો છું !

પીળા સફેદ ચહેરા ઓઢી ઉદાસી બેઠા,
ખાલીપણાના વનમાં કેવો ભુલાયો છું !
વધુ આગળ વાંચો….