જીવનપ્રેરક સુવિચારો – સંકલિત

જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી

ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ

માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી

પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી

પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર

પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા

કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ. – વિનોબા ભાવે

સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ

જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ

માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત

બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે. – અનિલ જોશી

કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી. – થોમસ હકસલી

અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે. –રત્નસુંદરવિજયજી

ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે. – જયશંકર પ્રસાદ

સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. – સ્વામી શિવાનંદ

મોટા માણસ ભૂલ ન કરે એવું માનવુંએ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. –
રણછોડદાસજી મહારાજ

જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે. –વિલિયમ રોસ્ટર

બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. –
સરદાર પટેલ

આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. –
સ્ટિવેન્સન

જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. – ખલિલ જિબ્રાન

કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે. – ઈવા યંગ

અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે. – તિરૂવલ્લુવર

ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે. – પેરીકિલસ

જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. – સ્વેટ માર્ડન

અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા. – મહાવીર સ્વામી

સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. – કોલિન્સ

મનનો સ્વભાવ ચંચળ છે. જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે. – સ્વામી રામતીર્થ

વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી. – બર્ટ્રાન્ડ રસેલ

માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. – શ્રી મોટા

જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે. – હેનરી ફોર્ડ

મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. – રવિન્દ્રનાથ ટાગોર

વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે. નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે. સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે. પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે. – શ્રી ભર્તૃહરિ

કોની ઈચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઈચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ? – કેનોપનિષદ

એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો. –કોલિયર

આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે. – બાઈબલ

એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે. – અજ્ઞાત

જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે. – સ્વામી રામતીર્થ

સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ

કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો. – બ્રહ્માનંદ સરસ્વતી

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. – ગાંધીજી

તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. – જે. કૃષ્ણમૂર્તિ

જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે. – ફ્રેન્કલિન

પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે. જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ. – રમણ મહર્ષિ

ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ. – વર્ડઝવર્થ

પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા. – વિનોબા ભાવે

જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. –ગૌતમ બુદ્ધ

ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય. – મહાત્મા ગાંધી

‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે. ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે. લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે. – રમેશ પારેખ

તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી. – ક્રિસ્ટોફર ફ્રાય

જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે. – શેક્સપિયર

એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ

સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. – પં. રામકિકર ઉપાધ્યાય

ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે. – યંગ

નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી. –
સૉક્રેટિસ

પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. – ડૉ. રાધાકૃષ્ણન

તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ

પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે. – જે. કૃષ્ણમૂર્તિ

ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. – કવિ કાલિદાસ

જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. –જલારામબાપા

કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન.

Advertisements

5 responses to “જીવનપ્રેરક સુવિચારો – સંકલિત

  1. Too Good…Keep up the good work Mrugesh bhai..Thanks..

  2. very good your work is good mrugesh bhaivery thanks

  3. this is really inspiring. I am going to print it and share with other who don’t have access to computer.
    Thanks.

  4. khub j saras. ek ek vato hriday ma kotri ne rakhva jevi.

  5. I am very much imprest with this website, especially “Sanklit”