એવા રે અમો…. – રતિલાલ બોરીસાગર

[હાસ્ય કાવ્ય]
આ પદ્યરચના નરસિંહ મહેતાના પ્રસિદ્ધ પદ ‘એવા રે અમે એવા’ ની પેરોડી છે. નરસિંહ મહેતાએ પોતાને માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે એટલે મેં પણ મારા માટે ‘હું’ ને બદલે ‘અમો’ સર્વનામ વાપર્યું છે. ‘અમો’ સર્વનામનો પ્રયોગ કરવા છતાં એમાં નરસિંહ મહેતાની ખુમારી અને બેફિકરાઈ પ્રગટ થતાં ન લાગે તો ચલાવી લેવા વાચકોને વિનંતી છે. મૂળમાં જ ખુમારી ન હોય તો ‘અમો’ સર્વનામ વાપરવાથી થોડી આવી જવાની ? હા, ‘અમો’ માનાર્થે બહુવચનનો પ્રયોગ છે એમ સમજવું. માનની બાબતમાં માણસે સ્વાવલંબી રહેવું જોઈએ એવો મારો નમ્ર મત છે. ચેરિટીની જેમ માનનો પ્રારંભ પણ માણસે પોતાની જાતની કરવો જોઈએ. બીજા માન આપશે એ આશાએ હાથ જોડીને બેસી ન રહેવું જોઈએ. આ રીતે કાવ્યની પ્રથમ પંક્તિમાં માનવજીવન માટે ગહન ઉપદેશ રહેલો છે તે જોઈ શકાશે.

તો હવે મારો, સૉરી, અમારો પરિચય આપતી પદ્યરચના નીચે મુજબ છે :

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રે;
સાઠ થયાં પૂરાં તોયે અમો રહ્યા એવા છે એવા રે.

સાઠે બુદ્ધિ નાઠે એની ચિંતા અમોને નાહીં રે;
આવ્યું હોય ઈ જ જાયે, એવો નીમે જગતની માંહી રે.

મન જેનું મરકટના જેવું રાતદી’ કરે ઉધામા રે;
રોગ ઘણેરા દેહની માંહી પડ્યા છે નાખીને ધામા રે.

કામકાજ કશું ના કરીએ…. કશું અમોને ના ફાવે રે;
વાંચ્યા કરીએ લખ્યા કરીએ, એની તોલે કશું ના આવે રે.

સમારંભમાં પ્રમુખ થાતા, નામ ભલે અજાણ્યું રે;
છેલ્લી ઘડીએ કોઈ ના પાડે, અમને ટીલું તાણ્યું રે.

હળવા સાહિત્યનો હું લેખૈયો, મુજને વાચક વહાલા રે;
હસવાથી જે દૂર રહેશે તેના ફોગટ ફેરા ઠાલા રે.

Advertisements

2 responses to “એવા રે અમો…. – રતિલાલ બોરીસાગર

  1. એવાં તે અમે એવાં આખોદિવસ રીડગુજરાતી વાંચ્યા કરીયે
    અને ચશ્માનો નંબર વધારતાં રહીયે.

  2. good poem,hasva ni maja j aave pan hasavva mate pan moklay evi,
    `vachhya kariye lakhya kariye eni tole kashu aave na ‘e vat ghani gami.