પાંચ ગઝલ – મનીષ પરમાર

[‘તાદર્થ્ય’ સામાયિક, ઑક્ટો-2006 માંથી સાભાર. ]

સરવાળા હતા

સાવ ખાલી ડાળ પર માળા હતા,
ઘર ઉઘાડાં બારણે તાળા હતા.

સૂર્ય ઊગે, આથમે ત્યાં લગ પછી,
દિવસ આખો લોહી ઉકાળા હતા.

બાદબાકી જિન્દગીમાં શું કરું ?
શૂન્યના તો રોજ સરવાળા હતા.

મ્હેકથી છોલાય છે મારો પવન –
એટલે તો શ્વાસ સૌ આળા હતા.

રોજ રાતે સૂર્યને પેટાવતો –
મેશથી જો હાથ આ કાળા હતા

…………….
રખડ્યા પછી

આથમેલા સૂર્યને ખડક્યા પછી
રાત આખી કેટલું રખડ્યા પછી !

ક્યાંક રેશમ હાથથી છટકી ગયું –
ચાસની લીલાશને અડક્યા પછી.

રાખમાંથી શહેર બેઠું થાય છે,
એક તણખો આગનો ભડક્યા પછી.

ખૂબ જોખમ મ્હેકનું મારે હતું –
ફૂલ જેવું બાગમાં ઉઘડ્યા પછી.

ટાંકણાને હાથમાં લીધું અને,
પથ્થરે પથ્થર ‘મનીષ’ ગબડ્યા પછી.

………….
રહી છે.

આંગળી વરસાદની સ્પર્શી રહી છે,
ઘર તરફની વાટ તો તરસી રહી છે.

એ સુગંધોના દિવસ શું યાદ કરવા ?
ફૂલ બદલે પાનખર વરસી રહી છે.

સ્વપ્નના જેવી નદીઓ ક્યાંક શોધું –
ભાત ભીની રેતમાં ઊપસી રહી છે.

ઊંચકીને મ્હેક એ આવે શી રીતે ?
આ હવા શેવાળમાં લપસી રહી છે.

કૈં યુગોનાયે યુગો ચાલી ગયા છે,
ક્ષણ હવે તારા વગર તલસી રહી છે.

…………………..
ક્યાં વરસી શકાતું ?

ભેજ થૈને આંખમાં આવી જવાતું,
પારકો વરસાદ, ક્યાં વરસી શકાતું ?

આથમીને અંધકારોમાં ભળ્યો છું,
તેજરૂપે ક્યાંય પાછું ક્યાં અવાતું ?

સ્પર્શ તારા, ડાળખીએ ફૂટવાના,
સાવ સુક્કા ઝાડને લીલું થવાતું.

રાખમાં બેઠું થવાતું એક તણખે,
વાદળું જાણે ધુમાડાનું છવાતું.

ચોટ તારા પ્રેમમાં એવીય લાગી –
જિન્દગીનું પાનું લોહીથી લખાતું.

………….
ચાલી ગયા.

રાતની દીવાલને તોડી તમે ચાલી ગયા,
તેજ થોડું શબ્દમાં છોડી તમે ચાલી ગયા.

સાવ તૂટેલા હૃદયને કેમ સાંધુ હું હવે ?
આથમેલા છાંયડા જોડી તમે ચાલી ગયા.

માર્ગમાં તારા ચરણ ઝૂરે દિવસનાયે દિવસ,
શ્હેર જેવું શ્હેર તરછોડી તમે ચાલી ગયા.

આ સમયની રેતમાં હાંફી જવાનું હોય છે,
અંધકારોમાં ચરણ ખોડી તમે ચાલી ગયા.

ક્યાંક તારા નામની ડમરી શમી જાશે મનીષ,
સુસવાટા જેમ ક્યાં દોડી તમે ચાલી ગયા ?

Advertisements

6 responses to “પાંચ ગઝલ – મનીષ પરમાર

 1. સુંદર ગઝલ સંપુટ…. અભિનંદન, મનીષભાઈ…

 2. રોજ રાતે સૂર્યને પેટાવતો – …
  આંગળી વરસાદની સ્પર્શી રહી છે, …
  … કેવી સરસ કલ્પના.

  બધી જ રચનાઓ સરસ છે. પણ “રહી છે” વધુ ગમી.

 3. કૈં યુગોનાયે યુગો ચાલી ગયા છે,
  ક્ષણ હવે તારા વગર તલસી રહી છે.
  Very emotional.Very good.

 4. Superb, Manishbhai.

  Shu Kalpana kari chhe !!!

 5. Real gems – —

  બાદબાકી જિન્દગીમાં શું કરું ?
  શૂન્યના તો રોજ સરવાળા હતા.

  રોજ રાતે સૂર્યને પેટાવતો –
  મેશથી જો હાથ આ કાળા હતા

  ક્યાંક રેશમ હાથથી છટકી ગયું –
  ચાસની લીલાશને અડક્યા પછી.