કૃષ્ણલીલા પ્રસંગ – શ્રીમદ્ ભાગવત

krishanaબાલકૃષ્ણ અને બલરામ થોડા મોટા થયા એટલે ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા. બન્ને ભાઈ તેમના નાના-નાના પગને ગોકુળના કાદવમાં ઘસડી ચાલતા હતા. તેમના પગની ઝાંઝરીઓની ઘૂઘરીનો તથા કેડના કંદોરાની ઘૂઘરીઓનો અવાજ બહુ કર્ણપ્રિય લાગતો હતો. તે બન્ને પણ તે અવાજ સાંભળીને ખીલી ઊઠતા. ક્યારેક ક્યારેક તેઓ રસ્તે ચાલતી કોઈ અજાણી વ્યક્તિની પાછળ-પાછળ ચાલી જતા. પછી જ્યારે જોતા કે આ તો કોઈ બીજું છે, ત્યારે ભોળા અને ભય પામેલાની માફક માતાની પાસે પાછા દોડી આવતા.

માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી. તેમનાં સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી. જ્યારે તેમના બન્ને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી. માતાઓ તેમને આવતાં જ ખોળામાં લઈને હૃદય-સરસા ચાંપતી અને સ્તનપાન કરાવતી. ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંતવાળા તે બન્નેનાં મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી.

જ્યારે રામ અને શ્યામ બન્ને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુલમાં ઘરની બહાર એવી-એવી બાળલીલાઓ કરવા લાગ્યા, જેને ગોપીઓ જોયા જ કરતી. જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછરડાની પૂંછડી પકડી લેતા અને વાછરડાં ડરીને આમ-તેમ ભાગતાં, ત્યારે તે બન્ને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછરડાં તેમને ઘસડતાં ઘસડતાં દોડવા લાગ્યાં. ગોપીઓ તેમના ઘરનાં કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી-હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી.

કનૈયો અને દાઉ બન્ને ખૂબ ચંચળ અને મહાખેલાડી હતા. તેઓ ક્યાંક હરણ, ગાય અને શિંગડાવાળાં પશુઓ પાસે દોડી જતા, તો ક્યાંક ધગધગતા અગ્નિ સાથે રમત કરવા લાગતા. ક્યારેક દાંતથી કરડવાવાળાં કૂતરાં પાસે પહોંચી જતા, તો ક્યારેક નજર ચુકાવીને હાથમાં તલવાર લઈ લેતા. ક્યારેક કૂવામાં કે ખાડામાં પડતાં-પડતાં બચી જતા, ક્યારેક મોર વગેરે પક્ષીઓની પાસે ચાલ્યા જતા અને ક્યારેક કાંટા તરફ ચાલ્યા જતા. માતાઓ તેમને રોકવાનો બહુ પ્રયાસ કરતી, પરંતુ તેમનું કાંઈ ચાલતું નહીં. આવી સ્થિતિમાં તેઓ ઘરનું કામકાજ પણ સંભાળી શકતાં નહીં. તેમનું ચિત્ત બાળકોને ભયપ્રદ વસ્તુઓથી બચાવવાની ચિંતામાં સતત પરોવાયેલું હતું.

એક રાત્રે – પૂર્ણચંદ્રની ચાંદનીથી આંગણું સ્વચ્છ લાગતું હતું. યશોદાજી સાથે ગોપીઓ પણ વાતોમાં ગૂંથાઈ ગઈ હતી. ત્યાં જ રમતા રમતાં શ્રીકૃષ્ણચન્દ્રની નજર આકાશમાંના ચન્દ્ર પર પડી. તેમણે પાછળથી આવીને યશોદા મૈયાનો ઘૂમટો તાણી કાઢ્યો. અને પોતાના કોમળ હાથથી તેમના અંબોડાના વાળ ખેંચીને ખોલવા લાગ્યા અને વારંવાર પીઠ થપથપાવવા લાગ્યા.
‘હું લઈશ…હું લઈશ.’ – કાલી બોલીમાં આટલું જ કહેતા હતા.
જ્યારે માને વાત ન સમજાઈ ત્યારે તેમણે સ્નેહાળ દ્રષ્ટિથી પાસે બેઠેલી ગોપીઓ સામે જોયું. હવે તેઓ વિનયથી, પ્રેમથી ફોસલાવીને, શ્રીકૃષ્ણને પોતાની પાસે લઈ આવી અને બોલી – ‘લાલા, તું શું માગે છે, દૂધ ?’
શ્રીકૃષ્ણ : ‘ના.’
‘શું સરસ દહીં ?’
‘ના.’
‘શું ખુરચન ?’
‘ના.’
‘મલાઈ ?’
‘ના.’
‘તાજું માખણ ?’
‘ના.’
ગોપીઓએ કહ્યું : ‘બેટા ! રિસાઈ ન જા. રડીશ નહીં, જે માગીશ તે આપીશું.’
શ્રીકૃષ્ણે ધીરેથી કહ્યું, ‘મારે ઘરની કોઈ ચીજ નથી જોઈતી.’ અને આંગળી ઉઠાવીને ચન્દ્રમા તરફ સંકેત કર્યો.
ગોપીઓ બોલી, ‘અરે મારા બાપ ! આ કાંઈ માખણનો લોંદો થોડો છે ? અરે…રે, આ અમે કેવી રીતે આપીએ ? આ તો વ્હાલો-વ્હાલો હંસ આકાશના સરોવરમાં તરી રહ્યો છે.’
શ્રીકૃષ્ણ : ‘મારે તો એ જ જોઈએ છે. મારે તેની સાથે રમવું છે. હમણાં જ લાવી આપો. જલ્દી કરો. તે દૂર ચાલ્યો જાય તે પહેલાં જ મને લાવી આપો.’ પછી વધારે હઠ પકડી. જમીન પર પગ પછાડીને ‘આપો આપો’ કહેવા લાગ્યા અને પહેલાંથી પણ વધારે રડવા લાગ્યા.

બીજી ગોપીઓએ કહ્યું, ‘બેટા ! રામ-રામ. આમણે તમને ફોસલાવી દીધા છે. આ રાજહંસ નથી. આ તો આકાશમાં રહેવાવાળો ચન્દ્રમા છે.’
શ્રીકૃષ્ણે હઠ પકડી – ‘મને તો એ જ આપો. તેની સાથે રમવાની મારી બહુ ઈચ્છા છે. હમણાં જ આપો, હમણાં જ આપો.’ જ્યારે બહુ રડવા લાગ્યા ત્યારે યશોદાજીએ ખોળામાં લઈ લીધા અને વ્હાલ કરતાં બોલ્યાં – ‘મારા પ્રાણ ! આ નથી તો રાજહંસ અને ન ચન્દ્રમા છે. છે તો આ માખણ જ. પરંતુ તને આપવા યોગ્ય નથી. જો, તેમાં કાળું-કાળું વિષ લાગેલું છે. તે ઉત્તમ હોવા છતાં તેને કોઈ ખાતું નથી.’
શ્રીકૃષ્ણે કહ્યું – ‘મૈયા ! મૈયા ! આમાં વિષ કેવી રીતે લાગી ગયું ?’ વાત બદલાઈ ગઈ. માએ ખોળામાં લઈ મીઠા-મીઠા શબ્દોમાં કથા સંભળાવવાનો પ્રારંભ કર્યો. મા-દીકરા વચ્ચે પ્રશ્નોત્તરી શરૂ થઈ.

યશોદા : ‘લાલા ! એક ક્ષીરસાગર છે.’
શ્રીકૃષ્ણ : ‘મા ! એ કેવો છે ?’
યશોદા : ‘બેટા ! આ તો તું જે દૂધ પીએ છે ને, તે દૂધનો જ એક સમુદ્ર છે.’
શ્રી કૃષ્ણ : ‘મા ! કેટલી ગાયોનું દૂધ ભેગું કર્યું હશે, ત્યારે સમુદ્ર બન્યો હશે ?’
યશોદા : ‘કનૈયા ! તે ગાયનું દૂધ નથી.’
શ્રીકૃષ્ણ : ‘અરે મા ! તું મને ફોસલાવી રહી છે. ભલા, ગાય વિના દૂધ હોતું હશે ?’
યશોદા : ‘બેટા ! જેમણે ગાયોમાં દૂધ બનાવ્યું છે, તે ગાય વિના પણ દૂધ બનાવી શકે છે.’
શ્રીકૃષ્ણ : ‘મા ! એ કોણ છે ?’
યશોદા : ‘તે ભગવાન છે. તેમની પાસે કોઈ જઈ શકતું નથી એવો છે.’
શ્રીકૃષ્ણ : ‘સારું, હવે આગળ કહે.’
યશોદા : ‘એકવાર દેવતાઓ અને દૈત્યોમાં લડાઈ થઈ. અસુરોને મોહિત કરવા માટે ભગવાને ક્ષીરસાગરનું મંથન કર્યું, મંદરાચલનો રવૈયો કર્યો, વાસુકિ નાગનું નેતરું. એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો વલોવવા લાગ્યા.’
શ્રીકૃષ્ણ : ‘જેમ ગોપીઓ દહીં વલોવે છે, એમ ને મા ?’
યશોદા : ‘હા બેટા ! તેમાંથી જ કાલકૂટ નામનું વિષ નીકળ્યું.’
શ્રીકૃષ્ણ : ‘મા ! વિષ તો સાપમાં હોય છે, દૂધમાંથી કઈ રીતે નીકળ્યું ?’
યશોદા : ‘બેટા ! જ્યારે શંકર ભગવાને તે વિષ પી લીધું ત્યારે તેના થોડા છાંટા જમીન પર પડ્યા. તે પીને સાપ વિષધર થઈ ગયા. તો બેટા ! ભગવાનની જ એવી કોઈ લીલા છે, જેથી દૂધમાંથી વિષ નીકળ્યું.’
શ્રીકૃષ્ણ : ‘સારું, મા ! એ તો બરાબર છે.’
યશોદા : ‘બેટા ! (ચન્દ્રમા તરફ દેખાડતાં…) આ માખણ પણ તેમાંથી જ નીકળ્યું છે. તેથી થોડું વિષ તેમાં પણ લાગી ગયું. જો, જો, એને જ લોકો કલંક કહે છે. તો મારા પ્રાણ ! તું ઘરનું જ માખણ ખા !

કથા સાંભળતાં-સાંભળતાં શ્યામસુંદરની આંખોમાં નિદ્રા આવી ગઈ અને માએ તેમને પલંગ પર સુવાડી દીધા.

Advertisements

One response to “કૃષ્ણલીલા પ્રસંગ – શ્રીમદ્ ભાગવત

  1. Simply the Great, Krishna Lila is the Imagination of Most Beautiful Time in Ancient India. Who can not Heartly Enjoty it ????