કેળાની છાલ – પ્રો. પ્રિયકાન્ત પરીખ

આજે એક વિચિત્ર કેસની સુનાવણી થવાની હોવાથી મુંબઈની હાઈકોર્ટ માનવ મહેરામણથી ઉભરાઈ રહી હતી. સરકારી વકીલો સજ્જ થઈને આવી ગયા હતા. જ્યુરીના સભ્યો પણ આવી ગયા હતા. માનવમેદનીની જિજ્ઞાસાએ ગણગણાટનું સ્વરૂપ લીધું હતું. સિલિંગ ફેનનો કિચૂડ કિચૂડ અવાજ ગણગણાટમાં વધારો કરતો હતો.

અગિયારના ટકોરે નામદાર કોર્ટે પ્રવેશ કર્યો. પંખાના અવાજ સિવાય શાંતિનો સન્નાટો છવાઈ ગયો. નામદાર કોર્ટે આરોપીને હાજર થવા ફરમાન કર્યું. એક યુવાનને બે પોલીસોના પહેરા હેઠળ, કઠેરામાં ખડો કરી દેવામાં આવ્યો. યુવાન વ્યક્તિત્વશાળી હતો. તેના દાઢી વધી ગયેલા ગૌર ચહેરા પર વિષાદ છવાયેલો હતો. તેની આસમાની આંખોમાં કરુણતા ડોકાતી હતી. તેના વાળ વિખરાયેલા હતા. કપડાં અસ્તવ્યસ્ત હતાં.

પાંજરામાં ઊભા રહેતાની સાથે તેણે દષ્ટિને ચોમેર ઘુમાવી. કેટલાક પરિચિત ચહેરા નજરે પડતાં તેણે ક્ષોભથી આંખો ઝુકાવી દીધી. ગીતા પર હાથ મુકાવીને સોગંદવિધિ પૂરી થઈ, ‘જે કહીશ તે સત્ય કહીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહી કહું…’
‘નામ ?’
‘બયાન આપતી વખતે કહી દીધું છે. વારંવાર પૂછીને શા માટે હેરાન કરો છો ?’ આખી અદાલત ખડખડાટ હસી પડી.
‘જે કાંઈ પૂછાય તેનો વિચારીને જવાબ આપો. તમારા એલફેલ શબ્દોની ચુકાદા પર અસર પડશે.’
‘ભલે.’
‘તમારું નામ ?’
‘નિહાર.’
‘તમારા પર આત્મહત્યાના પ્રયાસનો આરોપ છે. તમને કબૂલ-મંજૂર છે ?’
‘ના.’
‘તો પછી પોલીસે તમને આત્મહત્યા કરતાં રેડ હેન્ડેડ પકડ્યા એ વાત ખોટી છે ?’
‘હા.’
‘કારવાળાએ જોરદાર બ્રેક મારી તમને હડફેટમાં આવતા બચાવી લીધા એ વાત પણ ખોટી છે ?’
‘ના. એ વાત સાચી છે.’
તેના વિરોધાભાસી જવાબોથી બધાંને આશ્ચર્ય થયું.

‘મિ. નિહાર, પોલીસનું કહેવું છે કે, બેકારીને કારણે તમે જિન્દગીથી કંટાળી જઈ, આત્મહત્યા કરવા કાર સામે ધસી ગયા હતા, એની સામે તમારે કાંઈ કહેવું છે ?’
‘હું બેકાર છું, બેજાર છું. દુનિયાની નજરે ચિત્તભ્રમ છું એ વાત સાચી છે, પણ હું આત્મહત્યા કરવાના ઈરાદાથી ધસમસતી કાર સામે દોડી ગયો હતો એ વાત તદ્દન ખોટી છે.’ તે ચિત્કારી ઊઠ્યો.
‘તો પછી પૂરપાટ દોડતી કાર સામે તમે શા માટે દોડ્યા હતા ?’
સવાલોમાં પકડ હતી. જવાબોમાં નિખાલસતા હતી, ‘કેળાની છાલ વીણવા માટે દોડ્યો હતો.’ અદાલતની દીવાલોમાં હાસ્ય પડઘાઈ રહ્યું.

ખુદ ન્યાયમૂર્તિનો પણ હાસ્યને દબાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, છતાં તેમણે હથોડી ઠોકી, ‘ઓર્ડર…ઓર્ડર…’
‘તમે બધાં હસો છો ? હસો, ખૂબ હસો, હસીને હાંફી જાવ ત્યાં સુધી હસો. એક વખત એવો હતો કે હું પણ બીજાની પરિસ્થિતિ પર સમજ્યા વગર હસતો હતો. હું ખુદ રડ્યો ત્યારે મને ભાન થયું કે, હાસ્યની ભીતરમાં કરુણતા ઘુઘવાતી હોય છે.’ નિહાર બેબાકળો બની બોલી ઊઠ્યો.
‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહો. કાનૂનમાં ફિલસૂફીને સ્થાન નથી.’ સરકારી વકીલ તેજ અવાજે બોલ્યો.
‘અને ફિલસૂફીમાં કાનૂનને સ્થાન નથી. મને સમજવા માટે મારા જીવનની પાશ્ચાદ ભૂમિકા રજૂ કરવા નામદાર કોર્ટ થોડો સમય આપે એવી વિનંતી છે.’
‘જે કહેવું હોય તે મુદ્દાસર કહો.’

‘બાળપણથી હું ખૂબ મશ્કરો હતો. મોજ મઝા અને અલ્લડપણાના સંગમને હું જિંદગી સમજતો હતો. સામાની વેદના સમજ્યા વગર હું યેનકેન પ્રકારેણ હસી લેતો. ખાસ કરીને રસ્તાની વચ્ચે કેળાની છાલ પાથરીને અન્ય લપસે એની રાહ જોતાં ચૂપચાપ ઊભો હતો. અબાલવૃદ્ધ સ્ત્રી કે પુરુષ લપસે ત્યારે ખડખડાટ હસવાનો આનંદ ઊઠાવતો હતો.

મેં કેટલીય મેકઅપથી ચહેરા રંગી, પોતાના દેહસૌંદર્યનું પ્રદર્શન કરતી રૂપાંગનાઓને, મોડર્ન મજનૂઓને અને જિંદગીને આરે ઊભેલાં વૃદ્ધોને લપસાવી પાડી તેમના રકાસમાંથી ભરપેટ આનંદ અનુભવેલો. મારા પર ચીડાતા પિતાશ્રીને તેમજ શિક્ષકો અને સહાધ્યાયીઓને પણ મેં છોડ્યા નહોતા. હું સોળેક વર્ષનો થયો ત્યારે પિતાશ્રી મૃત્યુ પામ્યા હતા. પિતાશ્રી ઈમાનદાર કારકૂન હતા. એટલે અમારા માટે લાંબી મૂડી મૂકી ગયા નહોતા. માત્ર વડીલોપાર્જિત મકાન અને લોહીનું પાણી કરીને બચાવેલા રૂપિયા મૂકી ગયા હતા. મને હવે માત્ર બાનો જ સહારો હતો. કમાણીનું સાધન બંધ થઈ જતાં ગરીબાઈની વિટંબણા, હાડમારી અને મજબૂરી અમારા જીવનને ઘેરી વળ્યાં, માતાએ એકટાણાં, વૈતરું, હવાતિયાં અને લોકોનાં કામો કરીનેય મને પિતાશ્રીની ઊણપ સાલવા દીધી નહોતી, છતાં મારામાં ગંભીરતા પ્રવેશી નહોતી.

યૌવનની લપસણી ભૂમિ પર કદમ માંડતાં મેં બારમું ધોરણ એંશી ટકા માર્કસ સાથે પાસ કર્યું. સગાં-સંબંધીઓએ મને બાને મદદરૂપ થઈ પડવા સલાહ-સૂચનો કર્યાં. મને પણ તેમની વાત યોગ્ય લાગી, પણ ભણી ગણીને, ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરીને ‘મોટો માણસ’ બનાવાનાં સોનેરી સ્વપ્નો મારી આંખોમાં અંજાયેલાં હતાં. મારા અંતરની અભીપ્સા માતા સમક્ષ વ્યક્ત થઈ ગઈ. મારી વાત સાંભળી ક્ષણભર તો માતાના ચહેરા પર ચિંતા લીંપાઈ ગઈ, પરંતુ તરત જ ચિંતા ખંખેરી નાખી ચહેરા પર આનંદપ્રગટાવી કહ્યું, ‘તારા પિતા હયાત હોત તો તને ન ભણાવત ? તારે ભણવું હોય એટલું ભણ. તારી મા હજુ જીવતી છે.’

જમાનાની ચક્કીમાં પીસાઈ-પીલાઈ, લોકોનાં કપડાં સીવીને, મરીમસાલા બનાવી આપી, પાપડ કરી આપી બાએ મને કૉલેજ મોકલ્યો. પુત્રના ઉત્કર્ષની અભિલાષી એક મા શરીર કાંતતી રહી. આટલું થવા છતાં મારામાં ગંભીરતા પ્રવેશી નહોતી. કૉલેજનું મુક્ત વાતાવરણ અને મારો મસ્તીખોર સ્વભાવ. પછી પૂછવું જ શું ? મારા મશ્કરા સ્વભાવને કારણે હું કૉલેજમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ પડ્યો. સ્થિતિ તદ્દન સામાન્ય છતાં મિત્રમંડળ વિસ્તરતું ચાલ્યું. બાએ પરિશ્રમથી પેદા કરેલા પૈસા વટ્ટ પાડવા હું મિત્રો પાછળ વાપરવા લાગ્યો. મારા આનંદી-મશ્કરા સ્વભાવને લીધે હું સુહાનીના પરિચયમાં આવ્યો. અમારો પરિચય પ્રેમમાં પરિણમતાં મારા જીવનમાં આનંદ, ઉલ્લાસ અને ચૈતન્યનાં ફૂલો ફૂટવા લાગ્યાં.

હું બી.કોમના છેલ્લા વર્ષમાં હતો ત્યારે વાર્ષિકોત્સવ પ્રસંગે સુહાનીના પિતા રાયચંદ દીવાન મુખ્ય મહેમાન તરીકે પધારવાના હતા. વાર્ષિકોત્સવની દબદબાભેર તૈયારીઓ થઈ ગઈ. કૉલેજના ઑડિટોરિયમ સુધી બ્લુ કાર્પેટ પથરાઈ. તોરણો બંધાયાં. હૉલમાં સેન્ડલ સ્પ્રે છંટકારાયો. કૉલેજનું ઑડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું. કૉલેજિયન રંગબેરંગી લેટેસ્ટ ફેશનનાં ડ્રેસીસ પહેરી, અંગોપાંગનું પ્રદર્શન કરતી આમ તેમ લહેરાઈ રહી હતી.

મુખ્ય મહેમાનની રાહ જોવાતી હતી. નિર્ધારિત સમય કરતાં સમારંભના મોટાભાગના મુખ્ય મહેમાનો, પ્રમુખો, અધ્યક્ષો, અતિથિ વિશેષો મોડા આવવામાં પોતાની શાન સમજતા હોય છે. હું ‘સ્વાગત સમિતિ’ માં હોવાથી મુખ્ય મહેમાનને સત્કારવા સમિતિના અન્ય સભ્યો સાથે પ્રવેશદ્વાર પર ઊભો હતો. સામે સુંદર સુંદર વિદ્યાર્થીનીઓ બ્લેક કલરનાં સાડી-બ્લાઉઝ પહેરી, કુમકુમ તિલક કરવા, ગુલાબનું ફૂલ આપવા, ગુલાબજળનો છંટકાવ કરવા સ્મિત છલકાવતી ઊભી હતી. કાર્યક્રમ સમય વીતવા છતાં શરૂ ન થતાં ‘ઓડિટોરિયમ’ અકળામણ, અસંતોષ અને ઘોંઘાટથી ઊભરાઈ રહ્યું. લાઉડ સ્પીકરમાં ગીત વાગી રહ્યું હતું. ‘કજરા રે કજરા રે તોરે કારે કારે નયના….’

થોડી થોડી વારે સૂચનાઓ ફંગોળાતી, ‘ટૂંક સમયમાં કાર્યક્રમ શરૂ થશે.’
મને મુખ્ય મહેમાનની મોટાઈ પર ગુસ્સો આવ્યો. પ્રતીક્ષાની પરાકાષ્ઠાએ મુખ્ય મહેમાનની કાર આવી પહોંચી. પ્રિન્સિપાલ સાહેબ સત્કારવા દોડી ગયા. કેમેરાની ફલેશ ઝબકી ઊઠી. ‘મારે આવવામાં મોડું થયું. સૉરી….દિલગીર છું.’ કહીને એઓ ઝડપથી પ્રવેશદ્વાર તરફ આવવા લાગ્યા. મેં ગજવામાંથી કેળુ કાઢી, તેની છાલ મુખ્ય મહેમાનના પગ આગળ નાખી. એમાં તો બાળપણથી મારી માસ્ટરી હતી. પોતાની મહત્તા સૂચક બગલાની પાંખ જેવાં સફેદ કાંજી કરેલાં વસ્ત્રો પહેરેલા મુખ્ય મહેમાનનો પગ કેળાની છાલ પર પડ્યો. ક્ષણવાર માટે સ્કેટિંગની મોજ માણી તેઓ લપસી પડ્યા. તેમનાં સફેદ કપડાં પર ધૂળના ડાઘ પડી ગયા. તેમને થોડુંક વાગ્યું છતાં પ્રિન્સિપાલ સાહેબ અને બીજા પ્રોફેસરોની મદદથી ઊભા થઈ ગયા.

આ દશ્ય જોનારાં ખડખડાટ હસી પડ્યાં. હું પણ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને પ્રિન્સિપાલ સાહેબ પણ હસવું ખાળી ન શક્યા. બળતામાં ઘી હોમાયું. મહેમાન પદ શોભાવ્યા વગર મુખ્ય મહેમાન વિદ્યાર્થીઓને ‘રાસ્કલ….ઈડિયટ’ કહી ગુસ્સામાં ચાલી ગયા. તેમની પ્રોક્સીમાં અતિથિ વિશેષને મુખ્ય મહેમાન પદ સોંપી, વાર્ષિકોત્સવ સંપન્ન થયો. મારા કારસ્તાનને સામે ઊભેલી સુહાની જોઈ ગઈ હતી. તે મારા પર ખૂબ ગુસ્સે થઈ. ‘તારે મારા ડેડીની માફી માંગવી પડશે.’
મેં કહ્યું : ‘પોતાની મોટાઈનું પ્રદર્શન કરાવવા આટલી બધી વ્યક્તિઓને રાહ જોવડાવવા બદલનું આ ફળ ખાસ મોટું નથી. હું માફી નહીં માગું.’ અને મારી આદત મુજબ ખડખડાટ હસી પડ્યો, ‘સુહાની, ટેક ઈટ લાઈટલી.’ મારા હાસ્યે સુહાનીના અંતર પર અંગારા ચાંપ્યા અને ગુસ્સામાં ને ગુસ્સામાં તે મારી ‘ફ્રેન્ડશીપ’ માંથી જન્મેલ ‘લવ’ ને છોડીને ચાલી ગઈ.

મને ખાતરી હતી કે ગુસ્સો ઊતરી જતાં સુહાની મને મળશે, પણ આટલી જલદી રીસ ઉતરે તો શ્રીમંત-ઉદ્યોગપતિની લાડલી કેમ કહેવાય ? બીજે દિવસે વાર્ષિકોત્સવની રજા હતી. ત્રીજે દિવસે કૉલેજમાં સુહાની સામી મળી. મેં તેની સામે સ્મિત કર્યું, પણ તે મારી સામે મોં મચકોડી ચાલી ગઈ. મારા સ્વમાન પર ઘા થયો. મેં પણ તેને બોલાવવાનું બંધ કરી દીધું અને તેનો ગુસ્સો ઉતરી જાય તેની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ પછી મેં કૉલેજની લાઈબ્રેરી આગળ સુહાનીને જોઈ. મેં તેને કહ્યું, ‘સુહાની, પ્લીઝ, મારી વાત તો સાંભળ. સફાઈ પેશ કરવાનો મોકો તો આપ.’
‘હું તારા જેવા રાસ્કલ સાથે વાત કરવા તૈયાર નથી. આજ પછી મને બોલાવવાની કોશિશ કરીશ તો પોલીસને કમ્પલેઈન કરીશ.’
મારા સ્વમાન પર બીજો ફટકો પડ્યો. પછી તો હું ભવોભવનો વેરી હોઉં એમ સુહાની ‘ઓપોઝિટ કેમ્પ’ માં જોડાઈ ગઈ. છડે ચોક મારું ભૂડું બોલવા લાગી. હું ધારત તો એના વિશે ગમે તેવી અશ્લીલ અફવાઓ ફેલાવી એને બદનામ કરી શકત. કારણકે અમારા પ્રારંભાયેલા પ્રેમપ્રકરણથી કૉલેજના છોકરા-છોકરીઓ વાકેફ હતાં. મારું મિત્રમંડળ પણ વિશાળ હતું, પણ હું ચૂપ રહ્યો, કારણકે સંબંધો દરમિયાન જેણે મારા જીવનને ઉત્સાહથી ભરી દીધું હતું એને બદનામ કરવાનું યોગ્ય ન લાગ્યું. ભલે એણે સંબંધો છોડી દીધા.

મેં બી.કૉમની ડિગ્રી ફર્સ્ટ કલાસમાં પ્રાપ્ત કરી. મારા ભણતર ખાતર જેણે પોતાનું હીર નીચોવી નાખ્યું હતું એ મારી બાનું શરીર કૃશ બની ગયું હતું. બૅરિસ્ટર, એમ.બી.એ, સી.એ. થવાની મારી મહાત્વાકાંક્ષા પર પૂર્ણવિરામ મૂકી દીધું. મેં નોકરીની શોધ કરવા માંડી, ત્યારે મને જિન્દગીની વાસ્તવિકતાનું ભાન થયું. પ્રત્યેક સવારે આશાભર્યા હૈયે નીકળી જતો અને રાત્રિના અંધકાર જેવા નિરાશ હૈયે પાછો ફરતો. વગર ઈન્ટરવ્યૂ આવ્યે મોટી ઑફિસોમાં જતો. “No Vacancy” જવાબ મળતો અને અરજીઓ કર્યા પછી ઈન્ટરવ્યૂ આવતો તો પસંદગી થતી નહીં. રોજી-રોટીની તલાશે મને હસવાનું ભૂલાવી દીધું. હવે હું હસવા માગતો હતો છતાં હસી શકતો નહોતો.
મારી બા આતુરતાથી પૂછતી : ‘બેટા, નોકરી મળી ગઈ ?’
‘ના’ કહેતા હૈયું ચીરાઈ જતું.
‘મળી જશે બેટા. પુરુષાર્થ ચાલુ રાખ. ઈશ્વર પર શ્રદ્ધા રાખ.’ ઝળઝળિયાં છૂપાવી, બા મને ઉત્સાહ આપતી.

આખરે એક સંબંધીની લાગવગથી એક અંગ્રેજી દૈનિકની ઑફિસના રવાનગી વિભાગમાં ત્રણ હજારની નોકરીથી શરૂઆત થઈ. ‘મોટા માણસ’ બનવાનું સ્વપ્નું કરમાઈ ગયું. બા માંદી રહેવા લાગી. વધતી જતી વયે કૃશ શરીરની માંદગી વધારી. ડૉકટર….દવા…ઈન્જેકશન… ખૂબ ખર્ચો થવા લાગ્યો. માંદગી ન પકડાતાં જનરલ પ્રેક્ટિશનરે સુપર સ્પેશ્યાલિસ્ટને બતાવવાનું સૂચન કર્યું અને ફોન કરી એપોઈન્ટમેન્ટ નક્કી કરી આપી. સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરે બાને તપાસી એક્સ-રે, સોનોગ્રાફી કઢાવી આવવાનું કહ્યું. બાએ ઘસીને ‘ના’ પાડી. ‘ઘરડા પાન ખાતર જુવાન પાને ખરી જવાની જરૂર નથી.’ પણ હું ન માન્યો. બાના સમર્પણનું મને ભાન હતું. એકસ-રે, સોનોગ્રાફીનો રિપોર્ટ જોઈ ડૉક્ટરે કહ્યું, ‘હાર્ટ પહોળું થાય છે. વાલ્વ બદલવો પડશે. બહુ મોડું થાય તે પહેલાં ઑપરેશન કરાવી લો.’
‘સાહેબ, ખર્ચ શું થાય ?’ હિંમત કરીને મેં પૂછ્યું.
‘સવાલાખ…દોઢલાખ… વાલ્વ અને રૂમની પસંદગી મુજબ પેકેજ…’ ડૉક્ટરે નિ:સ્પૃહભાવે કહ્યું.

મારું મસ્તક ઘૂમવા લાગ્યું, ‘આટલી મોટી રકમ ક્યાંથી લાવું ? સ્થિતિ ન હોવાથી મેડિકલેઈમ ની પોલિસી પણ કઢાવી નહોતો શક્યો. આજે પણ મારી કમાણીમાંથી અડધી રકમ તો ડૉક્ટરો અને ટેબલેટસ પાછળ થાય છે. ખૂબ મુશ્કેલીએ પેટ ભરાય છે. ઑપરેશનની રકમ ક્યાંથી લાવું ?’ પહેલાંની રમુજવૃત્તિ, હવે રુદનવૃત્તિ બની ગઈ.

હજુ ય વેદના વધુ ઘુંટાવવાની હોય એમ જે દૈનિકમાં હું કામ કરતો હતો એ દૈનિકના માલિકના પુત્ર સાથે સુહાની પરણી હતી. સુહાનીને ખબર પડી કે, એની ચોથી જાગીરમાં હું નોકરીએ છું એટલે શેઠાણીની અદાથી મળવા આવી. મેં તેની સામે જોયું પણ નહીં. તેનું સ્વમાન ઘવાયું. અમેરિકન પોલિસી મુજબ સાંજે ઘરે જાઉં તે પહેલાં મારા હાથમાં એક કવર પકડાવી દેવામાં આવ્યું. જેમાં ચાલુ મહિનાનો અને ત્રણ મહિનાની નોટિસનો પગાર હતો. પત્રમાં લખ્યું હતું, ‘તમારું કામ અને વર્તન સંતોષકારક ન હોવાથી આવતીકાલથી તમને છૂટા કરી દેવામાં આવે છે. સાથે ચાલુ મહિનાનો અને નોટિસનો પગાર સામેલ છે.’

‘નારી દેવી બની શકે છે.’ એનો અનુભવ બા દ્વારા થયો હતો પણ, ‘નારી નાગણ પણ બની શકે છે.’ નો અનુભવ સુહાની દ્વારા થયો. હાતાશામાં અટવાતાં ઘેર આવ્યો ત્યારે બાની હાલત ખૂબ જ બગડી હતી. જિન્દગીએ મોત સામે મોરચો માંડ્યો હતો. પાડોશીઓને બાને સોંપી ડૉક્ટરને બોલાવવા દોડ્યો. મારો પગ કેળાની છાલ પર પડ્યો અને હું સામેથી ધસમસતી કાર સાથે અથડાયો અને દૂર ફંગોળાઈ ગયો. જીવનમાં અનેકને લપસાવનાર હું પહેલી જ વખતે લપસ્યો અને તે પણ એવો કે, જેની ચોટ હું જીવનભર નહીં ભૂલી શકું. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે, હું સરકારી દવાખાનાના જનરલ વોર્ડમાં પડ્યો છું. ઠેર ઠેર થયેલા જખમ પર પાટાપિંડી કરવામાં આવી હતી.
મેં મારી બાની ખબર કઢાવી તો ખબર પડી કે, એ ગઈકાલે રાતે જ મૃત્યુ પામી છે. હું હૈયાવિદારક ચીસ સાથે ફરીથી બેભાન બની ગયો. ફરી ભાનમાં આવ્યો તો ડૉક્ટરે નિદાન કર્યું, ‘અકસ્માતની ચોટ અને બાના મૃત્યુના આઘાતથી હું ચિત્તભ્રમ બની ગયો છું.’ મેં ચીસ પાડી, ‘હું સંપૂર્ણ સ્વસ્થ છું.’ એનો અર્થ એ ઘટાવાયો કે મેં માનસિક સમતુલા ગુમાવી છે.

પછી ખબર પડી કે એ કાર સુહાનીની હતી. બેદરકારીથી કાર ચલાવવા બદલ ડ્રાઈવરને એક વર્ષ જેલની સજા થઈ હતી. તેને પત્ની અને ત્રણ બાળકો છે. કેળાની છાલ પરથી હું લપસ્યો તેમાં મારો કે ડ્રાઈવરનો શો વાંક ? કેળાની છાલે કેવો અનર્થ સર્જ્યો. રસ્તામાં પડેલી કેળાની છાલ પરથી હું લપસ્યો. સારો થયો ત્યાં આત્મહત્યા કરવાના આરોપસર મને અદાલતમાં ખડો કરી દેવામાં આવ્યો. સાહેબ, આ છે મારું બચાવનામું. હું ચિત્તભ્રમ નથી.’

સરકારી વકીલે મારું બયાન સાંભળી ગર્જના કરી, ‘મિ. નિહારે હમદર્દી જન્મે એવી દાસ્તાન કહી કોર્ટનો સમય બરબાદ કર્યો છે. એક ચિત્તભ્રમ આદમીના લવારા પર વિશ્વાસ ન કરી, નામદાર કોર્ટે અને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ.’ ન્યાયમૂર્તિએ ચુકાદો જાહેર કર્યો : ‘હવે એની ખબર રાખનાર મા પણ હયાત નથી માટે જાહેર સલામતી માટે આવા માણસો ખતરનાક હોવાથી અને થાણાની મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ કરી દેવો.’ ચુકાદો સાંભળી નિહારે ચીસોથી અદાલત ગજાવી મૂકી, ‘હું પાગલ નથી. ચિત્તભ્રમ નથી. મને પાગલ બનાવનાર તમે બધા પાગલ છો. ભગવાનના મંદિર જેવા પવિત્ર ગણાતા ન્યાયમંદિરમાં પણ અન્યાય થાય છે ? અદાલતમાં આજે સત્યનો સૂરજ આથમી ગયો છે, પણ આ અદાલત આખરી અદાલત નથી. આ અદાલતની ઉપર એક બીજી અદાલત પણ છે જ્યાં સાચો ન્યાય તોળાય છે.

નિહારે ચોમેર નજર ફેરવી. તેના જીવનનો તમાશો જોવા કેટલાય પરિચિત ચહેરા નજરે પડ્યા. તેની સામે જોઈ, સૂચક સ્મિત કરતી સુહાની હતી. તેના ઉદ્યોગપતિ પિતા રાયચંદ દીવાન હતા, પ્રિન્સિપાલ હતા, કૉલેજના સહાધ્યાયી મિત્રો હતા. તેણે નજરને નમાવી દીધી. બે પોલીસોએ તેને કચકચાવીને પકડી લીધો, ‘છોડી દો, હું પાગલ નથી. તમે પાગલ છો.’ બંદૂકધારી પોલીસોએ તેને મેન્ટલ હૉસ્પિટલમાં લઈ જવા વાનમાં બેસાડી દીધો. તે વલોપાત કરતો રહ્યો.

થોડા દિવસ પછી જે અખબારમાં તે નોકરી કરતો હતો, તેના છેલ્લા પાન પર તેની તસવીર સાથે સમાચાર પ્રગટ થયા હતા. ‘થાણાની મેન્ટલ હૉસ્પિટલમાંથી નાસી છૂટેલો પાગલ કેદી નિહાર કેળાની છાલ પરથી લપસી જતાં, એક ટ્રક સાથે ટકરાઈ, ઘટનાસ્થળે જ કરુણ રીતે મૃત્યુ પામ્યો છે.’

Advertisements

3 responses to “કેળાની છાલ – પ્રો. પ્રિયકાન્ત પરીખ

  1. એક કરુણ પણ સરસ વાર્તા …

  2. saras, khado khode te pade te aanu naam

  3. Ghana divase Shri Parikh ni kalam no jadu vanchava malyo khub j karun pan samajva jevi story chhe.