હાલો થોડી વાત્યું કરીએ – મન્નુ શેખચલ્લી

[હાસ્યલેખ : નવનીત સમર્પણ ‘દીપોત્સવી અંક’ માંથી સાભાર. ]

આ હંધાય હાસ્યકારું ને સાહિત્યકારું ભેગા મળીને કીધે રાખે છે કે ગુજરાતી પરજામાં આ ખોડ છે, ને ઓલી ખાંપણ છે. હંધાય એક જ ગાણું ગાય છે કે આપણે રૂપિયાપૈશાની વાંહે દોડીએ છંઈએ પણ સાહિત્યની, કલાની આપણને કાંય કદર જ નથી. વળી જાણે ઘસાયેલી રેકોર્ડુંની પિન્યું ફસાણી હોય એમ કીધે રાખે છે કે જુઓ જુઓ ઓલ્યા બંગાળીયુંને જુઓ… મરાઠીયું ને જુવો….

પણ બાપલ્યા, અમારું કહેવું એમ છે કે કદી તમે બિહાર કે પુરીમાં ગ્યા છો ? આપણે ઈ પરજા પાંહેથી હજી જે શીખવાનું છે ઈ શીખ્યા જ નથી ! હજીયે મોડું નથી થ્યું. ગુજરાતી પરજા બિહારી સંસ્કૃતિનાં લક્ષણોની અવગણના કરશે તો અમને ઈ વિચારતાં કંપારાં આવે છે કે બાપલ્યા, આપણી આવનારી ગુજરાતી પેઢીયુંનું ભવિષ્ય શું ?

હવે તમે પૂછવાના કે મન્નુભાઈ, તમે ઓલ્યા બિહારીઓ અને ભૈયાવમાં વળી શીખવા જેવું હું ભાળી ગ્યા છો ? તો હાંભળો. એમની પાંહે મરદાનગી છે ! આપણા એક ચિંતક-સાહિત્યકાર કીધે રાખે છે કે જે ઘરમાં પાંચ ચોપડીયું નો હોય ન્યાં તમારી દીકરી નો દેતા ! પણ ન્યાં બિહાર-યુપી પંથકમાં જરૂર કોઈ એવો મરદમુછાળો થઈ ગ્યો હશે, જે ન્યાંની હંધીય પરજાને હમજાવી ગ્યો લાગે છે કે ‘અલ્યાવ, જેના ઘરમાં બે તમંચા કે એક બેનાળી બંદૂક નો હોય, એના ઘરમાં દીકરી દે ઈ બે બાપનો !

આપણે એમ નથી કે’તા કે બાપલ્યા આપણેય રોજનાં બબ્બે અપહરણું કરવા મંડો ! પણ કમસે કમ ઘરમાં એક તમંચો તો રાખતા જાવ ! ઘરનાં પટારાને કબાટ્યું માં શેર-સર્ટિફિકેટું ભર્યાથી તમારાં નામું કાંઈ ઈતિહાસને ચોપડે લખાવાનાં નથી. હવે તો સૌરાષ્ટ્રમાં નવા પાળિયાયે થાતા નથી. તો પછી બાકી શું રહ્યું ? પોલીસના ચોપડા ! અલ્યા નબળા નમૂછિયા ગુજરાતીઓ, તમારે તો આમ ને આમ સાત સાત પેઢીયું વઈ જાશે પણ પોલીસના ચોપડે નામ નંઈ નોંધાણાં હોય તો તમારો વંશવેલો તેમને યાદ શી રીતે રાખશે ? શું સાતમી પેઢીએ તમારાં ટાબરિયાં તમને એમ કહીને યાદ કરશે કે ‘જુઓ, આ રર્યા અમારા લાભુદાદા, વીસમી સદીની ત્રાણુંની સાલમાં જ્યારે હરસદ મે’તાની વાંહે વાંહે જી મંદીનો કડાકો બોલી ગ્યો’તો એમાં લાભુદાદાના સાત લાખના સાડી સત્તર હજાર થઈ ગ્યા’ તા….છતાંય વજ્જરની છાતી રાખીને હાર્ટ-ઍટેકને જીરવી ગ્યા’ તા!’

હવે બોલો, આવા તે કાંઈ શિલાલેખું હોતા હશે ?

ટૂંકમાં, આજની ગુજરાતી પરજા જે રીતે તમંચા, રિવોલ્વોરું, બેનાળિયું ને હેન્ડ ગ્રેનેડુંથી વિમુખ થાતી જાય છે ઈ આવનારા અંધકારમય ભવિષ્યની એંધાણીયું છે, ભાઆઆય ! હજીય કવ છું ચેતી જાવ….

એક મિનિટ, તમે અમને અટકાવીને એમ નો પૂછતા કે મન્નુભાઈ આમ અવળી વાત્યું કાં કરો ? કાંઈ ભાંગ-બાંગ પીધી છે કે શું ? કારણકે અમે બિહારમાં જઈને એમને સાહિત્યમાં રસ લેવાની વાત્યું કરી ત્યારે ઈ લોકો પણ એકબીજાને તાળી દઈને હસવા માંડ્યા’તા. ‘ઈ સુસરે શેખચિલ્લી કી ખુપડિયા ઘુમ ગઈ હૈ કા ?!’

– કહેવાનો મતલબ એટલો જ છે મારા વ્હાલા સલાહઘેલા ગુજરાતીઓ, ટુંડ્ર પ્રદેશમાં કોઈ બરફ નો ખરીદે તો વાંક પરજાનો નહિ, વેચનાર ફેરિયાનો છે. કંઈ હમજ્યા ?

One response to “હાલો થોડી વાત્યું કરીએ – મન્નુ શેખચલ્લી

  1. અને એસ્કિમો લોકો ને જે ફ્રિઝ વેચી આવે તે જ ખરો વેપારી …