મૃગજળનું સરનામું – સતીશ ડણાક

દર્પણ

દર્પણની આરપાર કેવો વિંધાયો છું !
ખુદને ખબર નથી કેવો રુંધાયો છું !

આકાશ જેવું આકાશ તેથી જ ચૂપ છે,
ઘનઘોર મેઘ થઈને કેવો ભિંજાયો છું !

ઝાંઝવાંની મોહક અદાનું દ્રશ્ય અદ્દભુત,
અફાટ રણની વચ્ચે કેવો મુંઝાયો છું !

કેવી અજબ લીલા છે રંગોના આવરણની,
આકારની લીલામાં કેવો લિલાયો છું !

ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું !

ભૂરા નગરનો ટ્હૌકો કળ્યા કરે સતત,
ઊભી દીવાલ વચ્ચે કેવો ભિંસાયો છું !

પીળા સફેદ ચહેરા ઓઢી ઉદાસી બેઠા,
ખાલીપણાના વનમાં કેવો ભુલાયો છું !

………..
બંધ બારણે

બંધ બારણે ટકોરા માર્યા,
દિવસ સૂરજના કેવા આવ્યા !

આવળ-બાવળ-શૂળ-બોરડી,
વનમાં કાંટા કેવા વાવ્યા !

ડાળે ડાળે ફૂલ ખીલ્યાં’તાં,
રંગ ગજબના કેવા લાવ્યા !

મધ્યરાત્રિએ વહાણું વાયું,
સપન મજાનાં કેવાં ભાવ્યાં !

ઊઘડ્યા અક્ષર અવળા-સવળા,
અર્થ કક્કાના કેવા ફાવ્યા !

વિસ્મયની ભઈ, સંતાકૂકડી,
આભે દરિયા કેવા ગાળ્યા ?

બંધ બારણાં ખૂલી ગયાં, લ્યો,
આંખે દશ્યો કેવાં ભાળ્યાં !

Advertisements

3 responses to “મૃગજળનું સરનામું – સતીશ ડણાક

  1. ઊર્મિના આ તરંગો ઉપગ્રહ બનીને ધૂમે,
    કક્ષાની બહાર જઈને કેવો ફુલાયો છું
    Wonderful.

  2. પિંગબેક: મૃગજળનું સરનામું – સતીશ ડણાક | pustak

  3. બંધ બારણે

    Its too Good…