નાની બાળાઓનો મૉર્નિંગ વૉક – રઘુવીર ચૌધરી

સોસાયટીનાં પાંચેક કુટુંબોનાં બાળકોએ એમનાં યુવાન માતાપિતાના જીવ ઊંચા કરી મૂક્યા છે, પરંતુ એમનાં દાદાદાદી એ અંગે બેફિકર છે. યુવાન માતાપિતા એમ માને છે કે એમના વડીલોને ભવિષ્યની ચિંતા નથી. એ ભૂતકાળ વાગોળ્યા કરે છે. ચાલવા જતા વૃદ્ધો કે ઓટલે બેસી વહુવારુઓની ફૅશનો વિશે હસતી સાસુઓને બાળકોનો વાંક દેખાતો નથી. સોસાયટીમાં આવતા જતાં વાહનો વચ્ચે બાળકો આડેધડ કૂદાકૂદ કરતાં હોય, બે રમત ભેગી કરીને કોઈક નવી રમત અજમાવતાં હોય કે જેનાથી જાણીતા ખેલાડી એક રન પણ ન કરી શકે એવાં સાધનોથી ક્રિકેટના અંગત વિક્રમ નોંધાવતા બારીના કાચ તોડતાં હોય, એની આ માતામહીઓ કોઈ બાળકના ઉધાર પાસે નોંધ પણ ન લે. કોઈ ધ્યાન ખેંચે તો કહે : ‘છોકરાં છે, રમે.’ કોઈ ફરિયાદ કરે તો ઠપકો આપે : ‘તમે તો કશી તોડફોડ કર્યા વિના જ મોટાં થયાં હશો !’

હા, અંદરઅંદર જો છોકરાં લડે તો એકએક દાદીમાનો જીવ ઊંચો થઈ જાય. એ આંખના પલકારે ઓટલા પરથી બાળકો પાસે પહોંચી જાય. કોઈને પગે વા છે કે કેમ એનો અણસાર સુદ્ધાં ન આવે. દરેક દાદીમા જાણે ડહાપણની ભરતીનું મોજું ! પળવારમાં સમાધાન થઈ જાય. એ પછી પણ રમત ચાલુ હોય. દાદીમા એમને ઘેર પહોંચે. વહુને કામમાં ટેકો કરવાનો ન હોય તો પણ સલાહસૂચન તો હોય જ. છેવટે અંધારું વધી જતાં ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ જોઈ બાળકોને ઘરમાં બોલાવી લેવાનાં. બાળકો હાથપગ ધોવાનો નિયમ પાળે પણ મોં લૂછી ખાવા બેસવાને બદલે ટી.વી. ચાલુ કરે. ટી.વી.માં શું જોવું, ક્યાં સુધી જોવું, બાકી લેસન રાત્રે પૂરું કરવું કે સવારે એ અંગે ઘરમાં બે-ત્રણ અભિપ્રાય પ્રવર્તે. બાળકો એ મતભેદનો લાભ લઈ પોતાને ઠીક લાગે એ કરે.

ભણેલીગણેલી અને આધુનિક મમ્મી દીકરીને ઠપકો આપે.
‘અનુ, છેલ્લી પરીક્ષામાં તારો કેટલામો નંબર આવ્યો ?’
‘યાદ નથી. પ્રગતિપત્રક જોઈ લે.’
‘જુઓને સીધો જવાબ પણ આપે છે ? ટી.વીમાં ડોકું ઘાલીને બેસી ગઈ છે.’
‘પાંચ ફૂટ દૂર બેઠી છું. ડેડીએ પાંચ ફૂટનું અંતર રાખવાનું કહેલું, ભૂલી ગઈ ?’
‘ડેડીએ તને આ સિરિયલ જોવાની ના નથી પાડી ?’
‘મને ખબર નથી. એ ઘેર આવે પછી તો હું ટી.વી બંધ કરી દઉં છું.’
‘તું ઠોઠની ઠોઠ રહેવાની’

અનુ દાદીમા સામે જોઈ લાચારીથી પૂછે છે : ‘હું ખરેખર ઠોઠ છું દાદીમા ?’
‘મને તો તું જેવી છે એવી જ ગમે છે. ખાય છે, નિશાળે જાય છે, ગીત ગાય છે, રમે છે અને સવારે મોડે સુધી ઊંઘે છે, દવાનું ખર્ચ કરાવતી નથી. તારી ઊંચાઈ, વજન બધું જ વધે છે તો હોશિયારી પણ વધતી જ હશે ને !’
અનુને વખાણ સાંભળવા કરતાં ટી.વીમાં વધુ રસ પડે છે. એથી એની મમ્મીને બોલવાની તક મળે છે :
‘બધી બહેનપણીઓ પાછળ પાછળ ફેરવવાની આવડતને તમે હોશિયારી કહેતાં હો તો અનુ હોશિયાર ખરી !’
‘એમાં તને નેતૃત્વનો ગુણ દેખાતો નથી ?’ – દાદીમા ગંભીરતાથી વહુને પૂછે છે.
‘જે દિવસે એ પહેલો નંબર લાવશે એ દિવસે હું એને હોંશિયાર કહીશ.’
‘તું કાયમ પહેલો નંબર લાવતી ?’
‘હા.’
‘ટકા કેટલા લાવતી ?’
‘સાઠ-પાસઠ.’
‘અનુ કેટલા ટકા લાવે છે ?’
‘સિત્તેર-પંચોતેર, કોઈ વાર એંશી.’
‘તોય તને ઓછા પડે છે ? હું તો અનુની યાદશક્તિ પર વારી જાઉં છું. કેટલી બધી સિરિયલો વિશે એને ખબર છે. બધાં પાત્રોનાં નામ યાદ છે એને. કોઈ સિરિયલમાં વાર્તા જેવું હોય તો એ પણ એ ફટાફટ કહી દે. ગયા અઠવાડિયે મેં એને કહ્યું કે આ સિરિયલ હવે આવતા અઠવાડિયે પૂરી થશે તો એણે મક્કમ અવાજે કહ્યું : હજી તો એ છ મહિના ચાલશે. આગળ શું શું આવશે એ પણ એણે કહી બતાવ્યું ! ત્રિકાળજ્ઞાની હોય એમ !’
‘આપણાં બાળકોને ત્રિકાળજ્ઞાની સાબિત કરવા બદલ આ સિરિયલોનો આપણે આભાર માનવો જોઈએ. પણ તમે એની ખોટી તરફેણ કરવાને બદલે કહો : એ સવારના નવ સાડાનવ સુધી ઊંઘે છે એ તમને ગમે છે ?’

દાદીમા જરાક ખમચાયાં. ઊંઘતું બાળક દાદીમાને કાયમ વહાલું લાગ્યું છે. પણ પોતે અનુને હોશિયાર માને છે એની સાથે એની આ મોડે સુધી ઊંઘવાની ટેવ મેળ ખાતી નથી. એમણે જવાબ આપતાં પહેલાં અનુ સાથે વાટાઘાટ કરી લેવાનું જરૂરી માન્યું. ચર્ચાને અંતે અનુએ કહ્યું :
‘તમે જ કહો દાદીમા, મારે પિકનિકમાં જવાનું હતું ત્યારે છ વાગ્યે જાગી ગઈ ન હતી ?’ અહીં જવાબદારી પૂરી થઈ ગઈ હોય એમ એણે ટી.વી તરફ મોં ફેરવી લીધું.

‘મને લાગે છે કે એની નિશાળ વહેલી સવારની નથી માટે અનુ મોડે સુધી ઊંઘે છે. વહેલાં જાગીને આપણી સાથે કજિયા કરવાને બદલે ઊંઘવામાં એને ડહાપણ લાગતું હશે. જોકે હું માનું છું કે વહેલા ઊઠવાની ટેવ સારી ગણાય.’

અનુ ટી.વી બંધ કરી દાદીમાના ખોળામાં બેઠી. કહે : ‘પેલી નાનકડી કીકી નથી ? કાલે સવારે કીકીને ઘરમાં મૂકી એનાં ડેડી-મમ્મી ચાલવા ગયેલાં. કીકી જાગી ગઈ. બહારથી તાળુ હતું. કીકીએ રોકકળ કરી મૂકી. આજુબાજુના ફલેટવાળાં ભેગાં થઈ ગયાં. પણ કરે શું ? કીકીને માબાપ સામે બે વાંધા હતા. એને સાથે લઈ ન ગયાં અને અંદર પૂરીને ગયાં. હવેથી એ કીકીને સાથે લઈને જવાનાં છે. કદાચ તેડવી પડશે. મમ્મી, તું ને ડેડી ચાલવા કેમ જતાં નથી ?’
‘તારા ડેડી મોડા આવે છે, સવારે જાગી તૈયાર થઈ કામે જાય છે. બાકી, મને તો મૉર્નિંગ વૉક બહુ ગમે.’

આ વાતને બે દિવસ પણ થયા ન હતા ને વહેલી સવારે અનુના નામની બૂમ પડી. એની ત્રણેક બહેનપણીઓ ‘મોર્નિંગ વૉક’ માટે સજીને આવી પહોંચી હતી. અનુ જાગી એવી જવા તૈયાર થઈ. પણ મમ્મી એમ જવા દે ? સ્વેટર પહેરાવી, બુટ શોધી આપી રીતસર વિદાય આપી. દાદાદાદી છાપાં બાજુ પર મૂકી ઊભાં થઈ ગયાં હતાં. બહેનપણીઓ અનુને આગળ કરી ચાલી. ચાલવાની કસરતના બધા લાભ મળે એવી શાસ્ત્રીય પદ્ધતિએ બાળાઓ ડગ માંડતી હતી.

દાદાદાદીને આજનું શિક્ષણ અધૂરું લાગતું હતું. પ્રાચીન ગુરુકુળોમાં અને પશ્ચિમની ઢબે ચાલતી આધુનિક શાળાઓમાં સવારથી સાંજ સુધી બાળકોને સર્વાંગી શિક્ષણ અપાય છે. આપણાં શહેરોની ગોડાઉન જેવી શાળાઓ બાળકોને ગોખણિયાં બનાવે છે અને શિક્ષકોને ટ્યુશનિયા.

બધાંએ ધાર્યું હતું કે આ આઠ-નવ વર્ષની બાળાઓ બે-ત્રણ દિવસમાં એમના ‘મોર્નિંગ વૉક’નો મહત્વાકાંક્ષી કાર્યક્રમ સમેટી લેશે પણ એ અનુમાન ખોટું પડ્યું. નજીકના બાગમાં બાળક્રીડાંગણ પણ હતું. એનો સવારમાં ઉપયોગ થતો ન હતો. અનુની ટોળીએ એના પર કબજો જમાવ્યો. કલાક સવા કલાક પછી બધાં ઘેર આવે. સામે ચાલીને ચા-નાસ્તો માગે. નાસ્તો સ્વાદિષ્ટ લાગે. મમ્મીનો આભાર માને.

વહેલા જાગવાની ટેવ પડતાં રાતની સિરિયલો જોવાનું આપોઆપ ઘટી ગયું. અનુ અંદાજ મેળવવા પાંચેક મિનિટ ટી.વી સામે બેસે પણ પછી જાહેરાત આવતાં એ બગાસાં ખાવા લાગે. પછી આ સિરિયલોમાં ખાસ કશું આગળ વધતું નથી એમ માની એણે રાતના નવ સાડાનવે ઊંઘવાનું શરૂ કર્યું. એને સાથ આપવા દાદીમા પણ વહેલાં સૂઈ જતાં.

એક સવારે બધી બાળાઓનાં દાદીમા મૉર્નિંગ વૉકમાં જોડાયાં. વાની બીકથી આખો દિવસ બેસી રહી ફક્ત બોલવાની કસરત કરતાં બે દાદીમા પણ પહેલાં ઘસરડા કરતાં ચાલ્યાં પછી એમના પગ પણ છુટ્ટા થઈ ગયા. બાગમાં બાળક્રીડાંગણના સામા છેડે હાસ્ય-કલબ ચાલતી હતી. વગર કારણે હસવાની આ પ્રવૃત્તિ પહેલાં તો માતામહીઓને હાસ્યાસ્પદ લાગી હતી પછી એમનેય દ્વિધા જાગી. પૌત્રીઓની રમત જોવી કે હાસ્ય-કલબમાં જોડાવું ?

બાળાઓ એમની રમત પૂરી કરી હાસ્યકલબના પ્રૌઢોના બુલંદ હાસ્યની ‘મિમિક્રી’ કરતી એ જોઈ પ્રૌઢોનું અનુગામી હાસ્ય જીવતં બની ઊઠ્યું. શાળામાં લાંબામાં લાંબા હાસ્ય બદલ અનુને પ્રથમ ઈનામ મળ્યું. એથી એની મમ્મીને લાગ્યું કે અનુ સાચે જ હોશિયાર છે.

Advertisements

2 responses to “નાની બાળાઓનો મૉર્નિંગ વૉક – રઘુવીર ચૌધરી

  1. That was a good story. Walking in the morning is thousand times better than wasting time watching stupid serials on TV.

  2. mata/pita temaj vadilo sathe
    nanabhulkaone sachi shikh apto LEKH
    saras