હાસ્ય દરબાર – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન મૂકવામાં આવેલા જૉક્સનો સંગ્રહ. ]

એક ભિખારી એક શેઠ પાસે ગયો અને બોલ્યો, ‘સાહેબ ! આ ગરીબ ભિખારી ને એક રૂપિયો આપો.’
શેઠ કહે : ‘કંઈક વ્યવસ્થિત તો માંગ, એક રૂપિયામાં આવે છે શું ?’
ભિખારી : ‘હું માણસની આપવાની લાયકાત જોઈને માંગુ છું !!’
**************

વાચક : તમને લગ્ન-વિષયક ટચુકડી જાહેરખબર આપી હતી તે તમે બીજા પાને કેમ છાપી ?
તંત્રી : અમારી પાસે જ્યાં જગા હોય ત્યાં જ છપાય ને ?
વાચક : પણ એ પાના ઉપર તો મરણનોંધનું હેડિંગ હતું !
તંત્રી : હેડિંગ ગમે તે હોય, મેટર તો એ જ હતીને !
**************

આ ઈન્દ્રપાલ પણ વિચિત્ર માણસ છે જ્યારે જુઓ ત્યારે નાણાંભીડમાં જ હોય. પૈસા તેની પાસે હોતા જ નથી.
સમજમાં નથી આવતું કે પૈસા વગર તેનું કામ કેવી રીતે ચાલે છે ?
‘કેમ ? શું તે તારી પાસે પૈસા માગવા આવ્યો હતો કે શું ?’
‘ના, પણ હું જ્યારે પણ એની પાસે પૈસા માગવા જઉં છું ત્યારે તે જવાબ આપે છે કે મારી પાસે પૈસા નથી.’
**************

વકીલ (ચોરને) : તને હું જેલમાંથી છોડાવું તો તુ મને શું આપે ?
ચોર : બીજુ તો શું આપું ? સાહેબ, માત્ર હું એટલું વચન આપી શકું કે ભવિષ્યમાં તમારે ઘેર ક્યારેય ચોરી નહીં કરું !
**************

કનુ : બોલ મનુ, કરોડપતિ માણસ પાસે નહિ હોય એવી વસ્તુ મારી પાસે છે.
મનુ : એવી તે કઈ વસ્તુ ?
કનુ : ખબર છે તને ?
મનુ : ના. કહે તો જરા.
કનુ : ગરીબાઈ અને તંગી.
**************

ડૉકટર (દર્દીને) : ‘તમને જાણીને દુ:ખ થશે, પરંતુ તમારે મારી દવા લાંબો વખત કરવી પડશે.
દર્દી : તમને પણ જાણીને દુ:ખ થશે કે તમારે તમારી ફી માટે લાંબો વખત રાહ જોવી પડશે.
**************

છગન : આ બધા માણસો કેમ દોડે છે ?
મગન : આ રેસ છે. જે જીતે ને એને કપ મળે.
છગન : જો જીતનારને જ કપ મળવાનો હોય, તો બાકી બધા શું કામ ખોટી દોડાદોડ કરે છે !?!
**************

પત્ની : તમે મારો ફોટો પાકિટમાં રાખીને ઑફિસે કેમ લઈ જાઓ છો ?
પતિ : ડાર્લિંગ, જ્યારે પણ મને કોઈ મુશ્કેલી આવે છે ત્યારે હું તારો ફોટો જોઉં છું.
પત્ની : એમ ? ખરેખર ! તમને મારા ફોટામાંથી એટલી બધી પ્રેરણા અને શક્તિ મળે છે ?
પતિ : હાસ્તો. ફોટો જોઈને હું એ વિચારું છું, કે કોઈ પણ મુશ્કેલી આનાથી મોટી તો નથી જ ! **************

મહેશ : ઈન્ટરનેટમાં ‘ગૂગલ’ પર કોઈ પણ નામ સર્ચમાં લખો, તો એ મળી આવે.’
સુરેશ : તો કાંતામાસી લખ તો જરા.
મહેશ : એ કોણ છે ?
સુરેશ : એ અમારી કામવાળી છે. સુરતમાં પુર આવ્યું ત્યારની આવી નથી…. કદાચ ગૂગલમાં મળી જાય !!
**************

શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું : ‘બોલો, માખી અને હાથી વચ્ચે શો ફેર છે ?’
એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો : ‘સાહેબ, માખી હાથી પર બેસી શકે, પણ હાથી માખી પર બેસી શકે નહીં.’
**************

છોકરી : આપણે જ્યારે લગ્ન કરીશું એ પછી હું તમારી બધી ચિંતાઓ, મુશ્કેલીઓ, ઉપાધીઓ વહેંચીશ અને તમારી મુશ્કેલીઓ હળવી કરીશ.
છોકરો : પણ, મારે તો કોઈ મુશ્કેલીઓ અને ચિંતાઓ છે જ નહીં !
છોકરી : એ તો હજી હું તમને ક્યાં પરણી છું !!
**************

ગટુ : અલ્યા ચિંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?
ચિંટુ : ના, શું તફાવત ?
ગટુ : મમ્મી રડતા રડતા આ દુનિયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !
**************

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું ‘દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.’
‘કેમ નહીં વળી ?’ દાદાજી બોલ્યા : ‘હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !’
**************

‘તમે બેઉ અદાલતની બહાર જઈને સમાધાન કેમ નથી કરી લેતાં ? છૂટાછેડાની અરજી કરનારાં એક દંપતીને ન્યાયમૂર્તિએ કહ્યું.
‘નામદાર, અમે એ જ કરી રહ્યાં હતાં – પણ ત્યાં જ પોલીસે અમને જાહેર શાંતિનો ભંગ કરવા માટે પકડ્યાં !’
**************

ગટુ : ‘મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.’
નટુ : ‘કેમ ? એમને કશું યાદ નથી રહેતું કે શું ?’
ગટુ : ‘ના યાર, એને બધું જ યાદ રહે છે.’
**************

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી, ‘ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટલનું ખાઈને અને કાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.’
‘માળું, એ તો અચરજ કહેવાય !’ મિત્રે જવાબ વાળ્યો, ‘કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !’
**************

ભાડૂત : બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી પડે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?
મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !
**************

નટખટ નીતાના પપ્પાએ કહ્યું : ‘મને સંગીત પ્રત્યે ખૂબ જ રસ છે. મારી નસેનસમાં સંગીત જ સંગીત છે !’
‘હા પપ્પા, તમે રાત્રે ઉંઘી જાઓ છો ત્યારે તમારી બધી જ નસોમાં રહેલું સંગીત નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે !’ નીતા.
**************

નટુ : ‘મારી પત્ની એટલી બધી હોંશિયાર છે કે એ કોઈપણ સ્થળે કોઈપણ સમયે કલાકો સુધી ગમે તે વિષય ઉપર બોલી શકે છે.’
ગટુ : ‘એમાં શી ધાડ મારી ? મારી પત્ની તો વિષય વગર પણ ગમે તેટલો સમય બોલી શકે છે !’
**************

એક શ્રીમંત શેઠે નવો નોકર રાખ્યો હતો. શેઠે એક વખત તેને પાણી લાવવા કહ્યું. નોકર તરત પાણીનો ગ્લાસ લઈને આવ્યો. શેઠે તેને ધમકાવતા કહ્યું, ‘મૂરખ ! પાણી આ રીતે અપાય ? ટ્રેમાં મૂકી લાવવું જોઈએ, સમજ્યો ?’
નોકરે થોડી વારે ટ્રેમાં પાણી લઈને હાજર થતા કહ્યું, ‘શેઠ ! આ ટ્રેમાનું પાણી ચમચી વડે પીશો કે પછી ચાટી જશો ?
**************

ચંદુ ઑફિસે જવા નીકળ્યો. એની મમ્મીએ કહ્યું : ‘બેટા, ચા પીવી છે ?’
‘ના મમ્મી ! ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.’
‘કેમ, બેટા ?’
‘કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી….’
**************

પત્ની : આ શું લાવ્યા છો ?
પતિ : હું નાટકની ટિકિટો લાવ્યો છું.
પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડુ છું.
પતિ : હા, એ બરાબર, અત્યારથી તૈયાર થા તો તુ તૈયાર થઈ રહીશ. કારણકે ટિકિટો આવતીકાલની છે.
**************

ધોરાજીના બે રહેવાસી રાજકોટમાં ભેગા થઈ ગયા.
‘કાં, કેમ છે ધંધાપાણી ?’
‘ઠીકઠીક છે, ભલા.’
‘તો મને એક દસ રૂપિયા રૂપિયા ઉછીના દેશો ?’
‘હું કેવી રીતે દઉં ? હું તો તમને ઓળખતોય નથી !’
‘ઈ જ મોંકાણ છે ને ! અહીં રાજકોટમાં કોઈ ધીરે નહિ કારણકે મને કોઈ ઓળખતું નથી. અને ધોરાજીમાં કોઈ ધીરે નહિ, કેમ કે ત્યાં સહુ મને ઓળખે.’
**************

ખેતીવાડી કૉલેજનો ગ્રેજ્યુએટ થઈને તાજો જ પાછો ફરેલો કપિલ પાડોશના ખેડૂતને કહે : ‘તમારા લોકોની ખેતી કરવાની પદ્ધતિ હજુ સાવ જૂનીપુરાણી છે. મને ખાતરી છે કે પેલી જામફળીમાંથી દસેક કિલો જામફળ પણ તમે નહીં લેતા હો.’
‘વાત તો ખરી છે.’ ખેડૂત બોલ્યો, ‘એ સીતાફળી છે.’
**************

પતિ : તુ નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાંને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !
પત્ની : તમે વચ્ચે ન બોલો. એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો ?
**************

નટુ : કેમ આટલો બધો મૂંઝાયેલો દેખાય છે ?
ગટુ : ઘેર તારી ભાભી સાથે ઝઘડો થઈ ગયો હતો. એણે અઠવાડિયા સુધી નહિ બોલવાની ધમકી આપી છે.
નટુ : અરે એ તો આનંદની વાત છે ! અઠવાડિયું જલસા કર !
ગટુ : શેના જલસા ! આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે !
**************

એક ગાંડાએ બીજાને કહ્યું : હા, હા સૂર્ય જ છે ભાઈ.
બીજો : ના, ના ચંદ્ર છે ચંદ્ર.
બન્ને વચ્ચે ખાસી ખેચંતાણી ચાલી. અંતે એમણે હતી એટલી બુદ્ધિ વાપરીને ત્રીજા કોઈને પૂછ્યું ‘અરે ભાઈસાબ, આ સૂર્ય છે કે ચંદ્ર ?’
ત્રીજો : મને ના પૂછશો. હું અહીં નવો નવો આવ્યો છું.
**************

એક દારૂડિયાને પોલીસે અટકાવ્યો : ક્યાં જાય છે ?
દારૂડિયો : દારૂના ગેરફાયદા વિશે લેકચર સાંભળવા
પોલીસ : અત્યારે ? રાત્રે ?
દારૂડિયો : હા. ઘરે જાઉં છું.
**************

પત્ની : તમારી સાથે જીવવા કરતાં તો મોત આવે તો સારું !
પતિ : મનેય એવું જ થાય છે કે આનાં કરતાં તો મરી જાઉં તો સારું.
પત્ની : તો તો ભૈ સાબ મારે મરવુંય નથી.
**************

પોતાના નવા શિષ્યને બોક્સિંગના પાઠ શીખવાડીને માસ્ટરે કહ્યું : ‘તારો કોર્સ પૂરો થયો.’
શિષ્ય : હા, સાહેબ.
માસ્ટર : બોલ તારે બીજું કંઈ જાણવું છે ?
શિષ્ય : સર, આ કોર્સ પત્રવ્યવહારથી શીખી શકાય ?
**************

ન્યાયાધીશ : ચોરી માટે તને ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવે છે.
ચોર : માય લોર્ડ, ચોરી તો મારા ડાબા હાથે કરી છે તો આખા શરીરને સજા શા માટે ?
ન્યાયાધીશ : સારું, તો તારા ડાબા હાથને સજા થશે, જા.
ચોર પોતાનો લાકડાનો ડાબો હાથ કાઢી આપ્યો અને ચાલતી પકડી.
**************

Advertisements

2 responses to “હાસ્ય દરબાર – સંકલિત

  1. It is a very nice collection of funny jokes..please can you advice me some books like this..i m very found of short joks,, i prefer to read this often.thanks for a nice reading enjoyment.

  2. ha ha ha ha ha !!
    Funny, !!! very funny jokes !!!