દિવાળી એટલે… – દિનકર જોષી

[ચિંતનાત્મક]

કહે છે કે દિવાળી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય. દિવાળીના દિવસે એટલાં બધાં કોડિયાં એટલી બધી જ્યોતથી બધું ઝળાંહળાં થઈ જાય કે એ રાત અમાવાસ્યાની ગાઢ અંધકારમય રાત્રિ હોવા છતાં અંધકાર, પરાસ્ત થઈ જાય. આમ પ્રકાશનો વિજય સ્થાપિત થાય.

પણ અંધકારનો આ પરાજય તો દિવાળીના એક જ દિવસે થયો. બાકીના ત્રણસો ચોસઠ દિવસનું શું ? રાત તો રોજ પડે છે. અમાવાસ્યાની ઘેરી કાજળઘેરી રાત પણ વરસમાં બાર બાર વાર આવે છે. એક રાત અંધકારને પરાસ્ત કરવાની શેખી મારનાર માનવસર્જિત પ્રકાશને જોઈને અંધકાર હસતો નહીં હોય ?

કોઈક તત્વજ્ઞાની એવોય સવાલ કરે – પણ આ અંધકાર એટલે શું ? તર્ક શાસ્ત્રનો પહેલો જ પદાર્થપાઠ શીખનારો કોઈક ઉતાવળિયો જણ એનો તરત જ જવાબ વાળે-અંધકાર એટલે પ્રકાશનો અભાવ. પણ આ જવાબ માત્ર અધૂરો જ નહીં – સાવ અતાર્કિક પણ છે એમ તર્કશાસ્ત્રનો જ બીજો પાઠ ભણનારો માણસ તરત જ કહી શકશે. કોઈ વસ્તુની ઓળખ એની વ્યાખ્યા નક્કી કરીને અપાય અને કોઈ વ્યાખ્યા કદી નકારાત્મક હોઈ શકે નહીં. નકારાત્મક વ્યાખ્યાને તર્કશાસ્ત્ર સ્વીકૃતિ નથી આપતું. અંધકારની ઓળખ અહીં તો માત્ર નકારાત્મક વ્યાખ્યાથી જ નહીં, પ્રકાશની ઓળખ આપીને જ નક્કી કરવામાં આવે છે. આ તર્કદોષ છે. અંધકારને આ રીતે ઓળખી શકાય નહીં.

તો પછી અંધકાર કોને કહીશું ?
જે વાતાવરણમાં કશું જોઈ ન શકાય એને અંધકાર કહેવાય ? જે અંધકારમાં, જે વાતાવરણમાં સામાન્ય આંખ તરત જ કશું નથી જોઈ શકતી એ જ વાતાવરણમાં બિલાડી કે ઘુવડની આંખ તો તગતગી ઊઠે છે. એને બધું જ દેખાય છે. તો શું આ આંખ માટે આ અંધારું એ જ પ્રકાશ છે ? અને જે અંધકાર વડે ઘડીક કંઈ નથી દેખાતું એ અંધકાર પણ ઘડીક પછી કોઠે પડી જાય ત્યારે બધું જ સ્પષ્ટ કળાવા માંડે છે. અંધકાર વચ્ચેય આંખ તો ઊઘડી જ જાય છે. તો પછી અંધકાર ક્યાં ગયો ?

અને જેમાં આંખ કશું ન જોઈ શકે એને જ અંધકાર કહેવાતો હોય તો પ્રકાશના અતિરેકને શું કહીશું ? પ્રચંડ પ્રકાશ વચ્ચેય આંખ એનું કામ કરી શકતી નથી. કશું જોઈ શકાતું નથી. આ પ્રચંડ પ્રકાશ એનેય શું અંધકાર કહીશું ? સૂર્યના ધગધગતા ગોળા સામે ક્ષણ બે ક્ષન જેણે નજર અપલક કરી છે એને બધું પૂર્વવત જોતાં પૂર્વે અંધકારનો સાક્ષાત્કાર થાય જ છે. અહીં અંધકાર એના રૂઢ અર્થમાં વ્યાપ્ત થયો નથી અને છતાં એ ક્ષણે અંધારું છવાઈ જાય છે. પ્રકાશ પણ આ રીતે તો અંધકારનો જ જનક થયો.

એક પ્રસંગકથા યાદ આવે છે.

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. મારી પાછળ લાગ્યો છે. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે. મને કોઈક એવું સ્થળ આપો કે જ્યાં હું શાંતિથી હંમેશાં રહી શકું.’
પ્રભુએ જોયું – અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડી વારમાં પ્રકાશનો ઉદય થાય છે. પ્રકાશ પેલા અંધકારને એ સ્થિર થાય, ન થાય એ પૂર્વે તો હાંકી કાઢે છે, હજારો, લાખો, વરસોથી આમ પ્રકાશે, અંધકારને ક્યાંય સ્થિર થવા નથી દીધો.
‘વત્સ ! તારી વાત સાચી છે.’ પ્રભુએ કરુણાભર્યું હસીને કહ્યું : ‘જા, તું પ્રકાશને મારી પાસે લઈ આવ. હું એને જરૂર કહીશ.’
પ્રભુએ પોતાની વાત સાંભળી છે – સ્વીકારી છે એ જાણીને પ્રસન્ન થયેલા અંધકારે પ્રકાશને પકડીને પ્રભુ પાસે રજૂ કરવા હર્ષભેર દોટ મૂકી. પણ આ દોટ પ્રકાશના સામ્રાજ્યના સીમાડે પગ દેતાવેંત ખુદ અંધકારનું વિલોપન થઈ ગયું. અંધકાર ઓગળી ગયો.

હારેલા-થાકેલા અંધકારે પ્રકાશને પકડવા માટે બીજી દિશામાંથી દોટ મૂકી. બીજી દિશામાંય એના તો એ જ હાલહવાલ થયા. જેવો પ્રકાશનો પ્રદેશ આરંભાય કે અંધકારનું વિગલન થઈ જાય. સ્વયં અંધકાર પ્રકાશમય બની જાય. જેવું અંધકારનું આત્મવિલોપન થાય કે તરત જ પેલી ફરિયાદ પ્રકાશ પ્રત્યેની અસૂયા અદશ્ય થઈ જાય. પ્રકાશના પ્રદેશમાં ન કોઈ ફરિયાદ, ન કોઈ અસૂયા.

પણ અંધકારની અસૂયા ઓસરી ગઈ છે એમ માનીને પ્રકાશ બીજી દિશામાં જાય કે તરત જ અંધકાર સળવળી ઊઠે. એને ફરી વાર બધું સાંભરી આવે. પ્રકાશને પરાસ્ત કરીને એને નસાડી મૂકવા એક વાર જો એને પ્રભુ સમક્ષ લઈ જવામાં આવે તો…બસ ! તો પછી અંધકારનું જ શાશ્વત રાજ્ય. પણ આ પ્રકાશને પકડવો શી રીતે ? પ્રકાશને પકડવાની અંધકારની આ દોટ હજી આજેય ચાલુ છે. પ્રકાશ પકડાતો નથી – ઊલટું પ્રકાશમાં અંધકારનું વિગલન થઈ જાય છે એટલે જ પ્રકાશ શાશ્વત છે, અંધકાર નહીં.

પણ અંધકાર ન હોત તો પ્રકાશનું મૂલ્ય પણ પરખાત શી રીતે ? અંધકારની ખુશ્બૂ કવિ માણી શકે છે. પૂનમની રાત્રે જે સૌંદર્ય મંડિત થાય છે એથી સહેજેય ઊંણું નહીં એવું રૂપ અમાવાસ્યાની રાત્રેય પ્રકૃતિ ધારે છે. અમાસની રાતના રૂપને ઓળખવા માટે કવિની આંખ જોઈએ, કામપીડિત પ્રેમીની નહીં.

વેદકાલીન ઋષિએ પ્રકાશના આધિપતિ તરીકે ‘મિત્ર’ ને સ્થાપિત કર્યો છે. આ મિત્ર આકાશમાં વિચરતો દેવ છે. મિત્ર એટલે સૂર્ય. સૂર્ય એટલે પ્રકાશ. સૂર્યને સંબોધીને સંખ્યાબંધ સૂક્તો ઋગવેદમાં છે. વેદકાલીન આર્યોએ આ પરમ પ્રકાશને દેવરૂપે કલ્પીને એનું સ્તવન કર્યું તો ગ્રીક સંસ્કૃતિએ પણ એનું આહવાન કર્યું છે. પ્લેટોએ સૂર્યને સદગુણ અને સદાચારના પ્રતીક તરીકે ઉચ્ચ સ્થાને મૂક્યો છે. ઈરાની પ્રજાએ પણ સૂર્યપૂજાને સ્થાન આપ્યું છે. ઋગવેદના ઋષિએ સૂર્યને ‘હિરણ્યાક્ષ’ ‘હિરણ્યાસ્ત’ અને ‘હિરણ્યજીહ્વ:’ એમ ત્રણ શબ્દોથી ઓળખાવ્યો છે. જે સોનેરી નેત્રોવાળો છે, જે સોનેરી હાથવાળો છે અને જે સોનેરી જીભવાળો છે તે સૂર્ય – તે પ્રકાશનો દેવ. અને પ્રકાશનો આ દેવ કંઈ માત્ર દિવસે જ નથી પ્રકાશતો, રાત્રિના અંધકાર વચ્ચેય પ્રકાશ તો અદશ્ય હોય જ છે એમ આ સૂક્તો માં કહેવાયું છે. પ્રકાશ કદી વિલોપાય નહીં, એ અદશ્ય હોય-ઘડીક અંધકારના કોચલા હેઠળ છવાયેલો હોય – ઘડીક આપણે જોઈ શકતા ન હોઈએ એવું બને પણ પ્રકાશ કદી લુપ્ત થઈ શકે જ નહીં.

પ્રકાશને ગળી જતો લાગતો આ અંધકાર એટલે પાપ. અને આ પાપ માનવસ્વભાવની નબળાઈનું પરિણામ છે એ સત્ય સમજીને વેદની ઋચા તરત જ પ્રકાશના દેવને વિનમ્રતાપૂર્વક કહે છે : ‘હે ભગવન સૂર્યદેવ ! અમારાથી અમારી માનવસહજ નબળાઈને લીધે જે કંઈ પાપ થયાં હોય એને તારો પ્રકાશ પાથરીને દૂર કરજે (ઋગવેદમંડળ-4, સૂક્ત-54, મંત્ર-3) આ જ સંદર્ભમાં ગાયત્રી મંત્રને પણ સંભારવા જેવો છે. આ મંત્ર પણ સૂર્યની જ ઉપાસના અને ઋગવેદની જ દેણગી છે. માણસ અંધકારથી ડર અનુભવે છે. અંધકારને દૂર કરવાં એ કોડિયાં પ્રગટાવે છે. તેલ પૂરીને જ્યોતિ જલાવે છે. અંધકારને પરાસ્ત કરવા પ્રકૃતિએ પ્રગટાવેલા સૂર્યના અવિરત પ્રયાસોમાં યથાશક્તિ ફાળો આપે છે. પણ કોડિયાનો પ્રકાશ તો એમાં પુરાયેલા તેલ અને વાટની મર્યાદાને જ આધીન છે. અંધકારને કોઈ મર્યાદા નથી. તેલ-વાટની મર્યાદાથી એને શી રીતે જીતી શકાય ? અંધકારને જીતવા માટે તો સૂર્ય જ ઊગવો જોઈએ અને આ સૂર્ય કંઈ માત્ર આકાશમાં જ નથી ઊગતો. માણસના અંતરમાંય પ્રકાશની એક જ્યોતિ રૂપે એ ઊગી શકે છે. એક વાર અંતરમાં પ્રકાશની એક જ્યોતિ પ્રગટે એ પછી બહારનાં સ્થૂળ અંધારાં કશું જ અંધકારમય કરી શકે નહીં.

Advertisements

4 responses to “દિવાળી એટલે… – દિનકર જોષી

  1. Very nice article… Very appropriate for the festive season.

  2. I read some of the ‘DIWALI Ank’ It is realy a wonderful. Keep it up.

  3. દિ વાળે તે દિવાળી.
    ઉત્તમ ચિંત્તનાત્મક લેખ.
    આભાર.

  4. પિંગબેક: ટચલી આંગળીએ ગોવર્ધન - દિનકર જોષી | pustak