હરડેપાક ! – નવનીત સેવક

[હાસ્ય લેખ]

તે દિવસે ઘરની નજીક પહોંચતાં જ નીચેવાળા નાથાભાઈએ મને સીડી ઉપર આંતર્યો. એ કહે : ‘લતાબહેન ઘરગથ્થું અનાજ દળવાની ઘંટી ખરીદી લાવ્યાં છો કે શું ?’
‘ના !’ મેં કહ્યું.
‘તો પછી તમારા રૂમમાં ભોંયતળિયું સરખું કરવા માટે ક્રિકેટના મેદાનમાં વપરાય છે તેવું રોલર તો નથી લાવ્યા ને ?’
‘ના, પણ છે શું ?’
નાથાભાઈ કહે : ‘તમારા રૂમમાં જાણે કુસ્તીનું વિરાટ દંગલ ચાલતું હોય તેવા અવાજો સંભળાય છે. પહેલાં તો મને એમ લાગેલું કે તમે આજે વહેલા ઘેર આવી ગયા હશો અને લતાબહેન સાથે તમારે ફ્રીસ્ટાઈલનો ઝઘડો જામી ગયો હશે !’

નાથાભાઈને ટાળીને હું ઉપર પહોંચ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે એમની વાત સાચી હતી. મારા રૂમમાંથી જાતજાતના ધડાધૂમ અવાજો સંભળાતા હતા. બારણું ખોલીને હું અંદર પ્રવેશ્યો. મેં જોયું તો લતા લોખંડી ખાંડણીમાં કંઈક ખાંડે છે અને લલીકાકી ચન્દ્રની સપાટી જેવી ખરબચડી ફરસ ઉપર પથ્થરથી કંઈક વાટે છે.

ખંડમાં છબીલદાસ એટલે કે મારા પૂજ્ય (મને એ કહેતાં ખરેખર દિલગીરી થાય છે કે એમના નામ આગળ ગંગાસ્વરૂપ શબ્દ હું વાપરી નથી શક્તો – કેમકે મારાં સ્વ. સાસુ સ્વ. થયાં ત્યાર પછી છબીલદાસ ગંગાસ્વરૂપ જેવા જ બની ગયા છે. હાં ! – તો મારા પૂજ્ય….) સસરાજી પણ હતા અને લાલાકાકા એક ખુરશીમાં બેઠા બેઠા લતા અને લલીકાકીને ડાયરેકશન આપી રહ્યા હતા.

મારી ‘એન્ટ્રી’ થતાં જ બધાની નજર મારા તરફ કેન્દ્રિત થઈ. મેં પૂછ્યું : ‘આ બધી શી ધમાલ છે ?’
લતા કહે : ‘તમારું બોડી બહુ નબળું છે ને ?’
‘છે ! જે સ્ત્રીની જીભ સ્ટ્રોંગ હોય તેના પતિના કાન અને શરીર નબળાં જ હોય.’
‘પાછા ભાષણ ઉપર ચઢી ગયા ?’
‘હવે ઊતરી જાઉં છું. મારું બોડી નબળું હોય તેની સાથે આજના આ કડાકા ભડાકાને શી નિસ્બત છે ?’
લાલાકાકા કહે : ‘અમે શું બનાવીએ છીએ તે જાણો છો ?’
‘હા ! તમે બધાં ભેગા થઈને મને બનાવો છો.’
છબીલદાસ આ વખતે હોહો કરીને હસ્યા. કહે : ‘રમણિકલાલને બોલવામાં તમે લોકો નહીં પહોંચો. એમને સીધેસીધું કહી દો કે આ બધી તૈયારીઓ વસાણાની છે !’
‘વસાણું ?’ કહીને મેં લતા સામે જોયું, ‘પ્રેમીલાબહેનના પાકશાસ્ત્રમાં કેરીની ગોટલીનું વસાણું નામની તો કોઈ વાનગી છપાઈ ગઈ નથીને ?’
‘ના, હો ! આ તો લાલાકાકાએ વૈદકની એક ચોપડીમાં વાંચ્યું છે તે પ્રમાણે એમની જાતીય દેખરેખ હેઠળ…’
‘જાતીય દેખરેખ નહીં, જાતિ દેખરેખ હેઠળ એવો શબ્દ પ્રયોગ કર, નહિ તો ગોટાળો થશે.’
‘યુ આર એ મિસ્ટેક…. એટલે કે તમે ભૂલ કરો છો. લાલાકાકા પોતે અમને સૂચનાઓ આપે છે તે પ્રમાણે અમે વસાણું તૈયાર કરીએ છીએ.’

કાકા ઉત્સાહથી કહે : ‘એમાં મેથી, ગુંદર, મુસળી, કૌચાં, ગોખરૂ, હરડે એમ કેટલીય વસ્તુઓ નાખીશું.’
‘હરડે ? વસાણામાં હરડે ?’
કાકા કહે : ‘હરડે જેવું ગુણકારી તો બીજું કંઈ છે જ નહિ. ધારો કે તમને વસાણું ના પચે તો શું થાય ? તમારે હરડે જ લેવી પડે ને ? તેના કરતાં એડવાન્સ હરડેનો પ્રયોગ શું ખોટો ? પેટ સાફ થઈ જાય….!’
‘વસાણું પણ સાફ થઈ જાય ! કોઈ વખત વસાણું ખાનાર પણ સાફ થઈ જાય !’

લાલાકાકાનું મોં હરડેયુક્ત વસાણું ખાધું હોય તેમ કટાણું થઈ ગયું. કાકાને બધા વૈદોની જેમ હરડે તરફ ખૂબ પ્રેમ છે. એમનું ચાલે તો એ રેશનિંગમાંથી ખાંડ ખરીદનારે કમ્પલસરી પચાસ ગ્રામ હરડે ખરીદવી જ એવો કાયદો પણ કરાવે. એક જાતની હરડે એવી ગુણકારી આવે છે કે તેને હાથમાં પકડીને બેસી રહો તો પણ પેટ સાફ થઈ જાય એવી વાત સાંભળ્યાં પછી કાકા રોજ અડધા કલાક સુધી જુદી જુદી હરડેને હાથમાં પકડીને બેસી રહેતા હતા !
મેં કહ્યું : ‘હું વસાણું નહિ ખાઉં.’
‘નહિ ખાવ ?’ બાકીનાં બધાં કોરસમાં બોલી ઊઠ્યાં.
‘નહિ ખાઉં ! વસાણું બનાવતાં મારું ગજવું સાફ થઈ જાય ને પછી પેટ સાફ થઈ જાય તેવો મામલો છે. હું નહિ જ ખાઉં.’
છબીલદાસે કહ્યું : ‘તો કાંઈ નહિ, બધું વસાણું હું જ લઈ જઈશ.’
છબીલદાસનું આ માત્ર સજેશન નહોતું પણ સ્યોર સજેશન હતું. એ કંઈ પણ લઈ જવાની વાત કરે છે ત્યારે મારો અમદાવાદી આત્મા શિખાઉ સંગીતકારના વાયોલિનની જેમ કકળી ઊઠે છે. મેં કહ્યું :
‘તમે કંઈક મૂકી જવાની વાત કરો, મુરબ્બી ! લઈ જવાની વાત ના કરશો. આ ઘરમાંથી એક જ વસ્તુ તમારે લઈ જવી હોય તો તમને છૂટ છે !’
‘શી ?’ કહીને છબીલદાસે ખંડમાં આમતેમ નજર ફેરવી અને ચીજવસ્તુઓની કિંમતનો મનોમન અંદાજ કાઢવા લાગ્યા.
મેં કહ્યું : ‘આ ઘરમાંથી મને પૂછ્યા વિના એક જ વસ્તુ લઈ જવાની તમને છૂટ છે – લતા…. યાને કે તમારી દીકરી યાને કે મારી વાઈફ-ઈન-લૉ !’
લતાએ મારી સામે આંખો કાઢી. છબીલદાસે એથીય ડબલ આંખો કાઢી. કાકા કહે : ‘જોયું ને, રમણિકભાઈ ? આટલા માટે જ હું કહેતો હતો કે વસાણું તમે ખાવ…. ખૂબ ખૂબ ખાવ !’
‘હવે તો ખાવું જ પડશે !’ મેં નિ:સાસો નાખીને કહ્યું.

અને વસાણાનું ઉત્પાદન ફરીથી જોરશોરથી શરૂ થયું. હું કપડાં બદલીને આરામથી બેઠો. જાતજાતની વસ્તુઓ ખંડાતી, પીસાતી, ચળાતી હતી તેથી જાણે દવાની ગોળીઓ બનાવવાની ફૅકટરીમાં બેઠો હોઉં તેવી વાસ આવતી હતી. ખંડની વચમાં મોટું તબકડું મૂકેલું હતું અને તેમાં મસાલા ભેગા થઈ રહ્યાં હતાં તે જોતાં લાગતું હતું કે આ વસાણું એ અમારું સંયુક્ત સાહસ છે. છબીલદાસ જે પ્રેમથી વસાણાના મસાલા તરફ જોઈ રહ્યા હતા તે જોતાં એમ લાગતું હતું કે અમારા આ સંયુક્ત સાહસોના એ ‘ફ્રી પાર્ટનર’ હતા. મસાલાનો રંગ ક્ષણે ક્ષણે બદલાતો હતો. કાકાએ એમાં જે વસ્તુઓ નખાવી હતી તે અનેક રંગની હતી. એ બધું ભેગું થયા પછી મસાલાનો રંગ કાળો બન્યો અને એ જ કારણે વસાણાનો રંગ પણ કાળો જ બન્યો. વસાણું તૈયાર થયું. તેના ચોરસા પડી ન શકાયા એટલે લાડવા બનાવ્યા. થોડો ભૂકો વધ્યો તે છબીલદાસ આરોગી ગયા.

પછી લતા એક રકાબીમાં એક લાડુ લઈને આવી. મને કહે : ‘લ્યો ચાખો જોઈએ !’
મેં વસાણા તરફ એક નજર નાખી. એનો રંગ એવો હતો કે મારા માથાના વાળ કાટખૂણે આવી ગયા. મેં એ લાડુ હાથમાં લીધો. એની વાસ મારા નાકમાં થઈને ભેજામાં ઘૂસી, એટલે હું અડધો માંદા જેવો થઈ ગયો.
‘નહિ ખવાય’ મેં કહ્યું.
‘નહિ ખવાય ?’ લતાએ પૂછ્યું.
‘ના, નહિ ખવાય. એનો કલર અને એની વાસ એકબીજા સાથે એટલા બધાં મેચ થઈ જાય છે કે આ હરડેયુક્ત વસાણું ખાઈશ તો હું જ સાફ થઈ જઈશ તેવું લાગે છે.’
‘તમારે ખાવું જ પડશે, મારા સમ.’ લતાએ કહ્યું અને મારા મોં સામે લાડુ ધર્યો.
મેં કહ્યું : ‘તું મને ખવડાવે તો છબીલદાસના સમ…..!’
‘તમે સમ ન ખાશો. એને બદલે લાડુ ખાઓ.’
મેં અસહાય નજરે લતા સામે જોયું. વસાણાની વાસ એવી હતી કે મારાં જડબામાં જાણે ઑટોમેટિક સ્પ્રીંગો ગોઠવી હોય તેમ એ બંધ જ રહેવા માટે જોર કરતાં હતાં !

વસાણું ખાવા માટે મને લલચાવા લાલાકાકા કહે : ‘વસાણામાં સાકર નાખી છે.’
‘તમે કહો તો સાકર વીણીને ખાઈ જાઉં.’
‘અરે, પણ તેમાં ગાયનું ઘી પણ નાખ્યું છે !’
‘એ ઘીને પાછું ગાયમાં નાખી દો.’
‘તમે નહિ જ ખાઓ ?’ લતાએ હવે જરા ગુસ્સામાં પૂછ્યું : ‘અમે વસાણું બનાવવા માટે કેટલી બધી મહેનત કરી છે…..?’
‘તો હવે એટલી મહેનત પૂરતી ગણી લે. મને ખવડાવવાની મહેનત કરીશ તો વધારે થાક લાગશે.’
કાકાએ કહ્યું : ‘તમે તો કેવા ડાહ્યા છો… કેવા કહ્યાગરા છો…. એક બટકું ચાખો.’
‘હા, હા…. એક જ બટકું… લ્યો ઉપર પાણીનો એક ગ્લાસ પી જજો.’
મેં કહ્યું : ‘પાણીના એક ગ્લાસથી શું થશે ? વસાણાની વાસ કાઢવા મારે અઠવાડિયા સુધી એક એક ડોલ પાણી પીવું પડશે.’
‘તો પછી ના છૂટકે મારે બધું વસાણું લઈ જવું પડશે.’ છબીલદાસે કહ્યું.

એમની ધમકીની અસર મારા આત્મા ઉપર થઈ. મને આત્માનો અવાજ સંભળાયો કે બચ્ચા રમણિક, તું જો આ વસાણાનું બટકું ખાવાની કસોટીમાંથી પાર નહિ ઊતરે તો છબીલદાસ તૈયાર જ બેઠા છે….!
મેં લાડું હાથમાં લીધો અને કહ્યું : ‘તો તો મારે ખાવું જ પડશે…ઓ…..!’
‘એ શું ?’
‘કંઈ નહિ….ઓ…ઓ…!’
લતાએ કહ્યું : ‘તમે મોં પહોળું કરો. હું એમાં વસાણાનું બટકું મૂકું છું. ઉપર પાણી પી જજો.’
‘લાવ….ઓ…ઓ…ઓ………!’

નાક બંધ રાખીને મેં બટકું ચાવવાનો પ્રયત્ન કર્યો. વસાણાની વાસથી બચવા માટે લતાએ નાકે સાડીનો છેડો રાખ્યો હતો. બટકું મોમાં મૂકીને એણે પાણીનો ગ્લાસ ધર્યો. હું પાણી સાથે એ કટકો પેટમાં ઉતારી ગયો એની અસર ત્રણ દિવસ સુધી રહી.

વસાણા સામે હાર માની લઈને મેં છબીલદાસને મારા ભાગનું વસાણું આપી દીધું. (એ ન ખાધું તેથી હું તંદુરસ્ત રહી શક્યો છું) છબીલદાસે વસાણું કોઈને સસ્તામાં વેચી દીધું તેથી એમની તબિયત સારી છે. સાંભળ્યું છે કે એ વસાણું લેનાર એને એથીય સસ્તામાં વેચવા માટે પ્રયત્નો કરી રહ્યો છે.

4 responses to “હરડેપાક ! – નવનીત સેવક

 1. શીર્ષક વાંચતા થયુ કે દેશી ઓસડિયા ની વાતો હશે , પરંતુ અહીં તો સુંદર મજાનો હાસ્ય લેખ છે.
  બહુ જ મજા આવી. 🙂
  નવનીતભાઇ ને અભિનંદન.

 2. it’s so funny
  i just keep laughing rightnow.

  Thank you,

 3. મઝા મઝા પડી ગઈ…..સરસ હાસ્યલેખ છે.અનેક અનેક આભિનંદન…

 4. Hasvaaman jaraa pan banaavat na karvi pade . Navneetbhai kharekhar N A V N E E T pirse chhe.Mazaa aavi,Pirso bhai pirso.