તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

4 responses to “તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા

  1. આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો ……

    શું જોઇતું’ તું ?……….વાહ કવિ !

  2. જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
    એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    liked very much….

  3. aap bolya te shabdo…..

    Shu vaat chhe?
    Adbhut panktio……

    Thank you Anilbahi….

    Amol

  4. very good poem