મારી શક્તિઓ – સુરેશ પટેલ

અત્યાર સુધી તો…..
મને એમ હતું કે –
શક્તિ તો પૈસામાં છે,
શક્તિ તો ડિગ્રીમાં છે,
શક્તિ તો બહાર ક્યાંક છે.
પણ, જ્યારે મેં મારી પોતાની અંદર જોયું,
જ્યારે મેં મારી પોતાની તરફ જોયું,
તો મને સમજાયું કે….
શક્તિઓ બધી તો મારી અંદર જ છે.
જ્યારે હું મારી શક્તિઓને ઓળખું, વિકસાવું અને
અભિવ્યક્ત કરું, ત્યારે જ હું સારું ભણી શકું, સારો વ્યવસાય
કરી શકું કે સારો માણસ બની શકું.

મારી શક્તિઓ એટલે –
મારો આત્મવિશ્વાસ,
મારી વિચારવાની ક્ષમતા,
મને થતી ઈચ્છાઓ,
મને થતી લાગણીઓ,
મારી કલ્પના કરવાની ક્ષમતા,
મારી વાતચીત કરવાની ક્ષમતા,
મારી ચાલવાની, દોડવાની, હસવાની ક્ષમતા.
મારી આ શક્તિઓ થકી, હું ધારું તે સર્જી શકું.
અને ‘હું ધારી શકું’, તે છે મારી સૌથી મોટી શક્તિ.

મારી જાત સાથે મારી ઓળખવિધિ જેમ જેમ આગળ વધતી જાય, તેમ તેમ મને મારી શક્તિઓ ઓળખાવા લાગે. સામાન્ય રીતે આપણી ભૂખ વધુને વધુ શક્તિની હોય છે – જે થકી આપણે આપણું ધારેલું કરી શકીએ, આપણને કોઈ મર્યાદા ન નડે.

ઊંડે ઉતરીને જોઈએ તો મૂલત: આ ભૂખ સ્વતંત્રતાની ભૂખ છે. જ્યારે આ ભૂખ સમજાવા લાગે, ત્યારે એ પણ સમજાય છે કે જેને હું અગાઉ મારી શક્તિઓ ગણતો હતો, તે હકીકતે મારી મર્યાદાઓ હતી. જેમકે મારી આર્થિક ક્ષમતાને હું શક્તિ ગણું તો મારી મહત્તમ આર્થિક ક્ષમતા એ મારી મર્યાદા બને છે. મારા એટલાં પૈસાથી જેટલું કરી શકાય તેટલું જ હું કરીશ. એ મર્યાદાથી પર જઈને કશુંક કરવાનું વિચારી પણ શકીશ નહિ. એ જ રીતે મારી સંપત્તિ, સત્તા, શૈક્ષણિક લાયકાતો થકી કંઈ પણ કરી શકવાની મારી મર્યાદાનું ભાન થાય છે.

જો હું શાંત ચિત્તે વિચાર કરું તો મને સમજાય છે કે મારી ખરી શક્તિઓ તો મેં જે મેળવ્યું છે તેમાં નહિ, પણ તે મેળવવા માટેની મારી આંતરિક ક્ષમતાઓમાં રહેલી છે. અર્થાત, મારી શક્તિ મારા પૈસામાં નહિ, પરંતુ મારી વૈચારિક ક્ષમતામાં રહેલી છે. આ વૈચારિક ક્ષમતા થકી જ હું કેવી રીતે પૈસા કમાવા તેનો નિર્ણય લઈ શકું છું.

મારી બીજી શક્તિ છે – મારી ઊર્મિ અનુભવવાની ક્ષમતા. તે થકી હું સાહસિક કલ્પનાઓ કરી શકું છું, વિપરીત બળો સામે પણ ટકી શકું છું.

મારી ત્રીજી શક્તિ છે – મારી કાર્યો કરવાની શારીરિક ક્ષમતા. આ ક્ષમતા થકી હું જોઉં છું, સાંભળું છું, દોડું છું, હસી શકું છું અને વાતચીત કરી શકું છું. આ લેખ હું વાંચી શકું છું – તે મારી શારીરિક ક્ષમતાનું ઉદાહરણ છે.

આમ મારી કાર્યશક્તિ, વિચારશક્તિ અને ઊર્મિશક્તિ એ મારી પોતાની આંતરિક શક્તિઓ છે – જે થકી હું ધારું તે કાર્યો કરી શકું છું, ધારું તેવા વિચારો કરી શકું છું અને ધારું તેવી લાગણીઓ માણી શકું છું. મારી આ શક્તિઓનો સમન્વય કરું, અને વધુ ને વધુ વિકસાવું અને એને અભિવ્યક્ત કરું તો હું જે ક્ષેત્રમાં વિકસવા ઈચ્છું તે ક્ષેત્રમાં વિકસી શકું જ – પછી એ અંગત ક્ષેત્ર હોય કે વ્યાવસાયિક ક્ષેત્ર; સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર. મારી આ શક્તિઓ થકી જ મારે મારા વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે.

Advertisements

3 responses to “મારી શક્તિઓ – સુરેશ પટેલ

  1. SHAKTIe olkhavava mate shaktini
    ajmayas badal bhaishree shuresh
    patel no abhar

  2. Gujrati no prachar karva books mafat ni rakho

  3. પિંગબેક: આંબીએ ઊંચે આકાશને - સુરેશ પટેલ | pustak