તેજસ્વી કુંડલ – સિંહાસન બત્રીસી

[રાજા ભોજની સુપ્રસિદ્ધ ‘સિંહાસન બત્રીસી’ નામની બાળવાર્તાઓમાંથી સાભાર.]

‘હે રાજન, મારું નામ કામકંદલા અપ્સરા છે અને મારું સ્થાન સ્વર્ગમાં ઈન્દ્રના દરબારમાં છે. આજે મારો ઉદ્ધાર થતાં હું તારા પર ખુશ છું અને આ સિંહાસન પર બેસતા પહેલાં પોતાનામાં કેવા ગુણો હોય તે જાણી લેવા જરૂરી છે. માટે રાજા વિક્રમના વિશેષ ગુણ જાણવા માટે હું કહું તે વાર્તા સાંભળી લે !’

છઠ્ઠા દિવસે ફરીથી જ્યારે રાજા ભોજ તે સિંહાસન પર બેસવાની તત્પરતા દાખવે છે, ત્યારે જ તે પૂતળી સજીવન બનીને તેને વિક્રમ રાજાના ઉમદા ગુણોવાળી વાર્તા કહે છે.

રાજા તથા ઉપસ્થિત તમામ તે સાંભળવા લાગ્યા.
‘રાજા વિક્રમાદિત્ય શાંતિથી પોતાનું રાજ્ય ચલાવી રહ્યો હતો. તેના રાજમાં કોઈ દુ:ખી ન હતું. તે રાત્રે વેશપલટો કરીને પણ પ્રજાનાં સુખદુ:ખ જાણી લેતો અને તેને સર્વથા દૂર કરતો. વળી તેના રાજદરબારમાં કોઈ પણ માનવી પોતાનું દુ:ખ યા મદદ માગવા આવી શકતો હતો. તે માટે કોઈ રોકટોક થતી નહીં. રાજા વિક્રમ બીજાના કાજે પોતાના પ્રાણ પણ સમર્પણ કરી દેતો.

એવા રાજાના દરબારમાં એક દિવસ એક નિર્ધન બ્રાહ્મણ આવ્યો. રાજાએ તેને માનથી આસન આપીને બેસાડ્યો. તેની આગતા-સ્વાગતા કરી અને તેને જરૂરી ધન વગેરે આપવા માંડ્યું.
‘રાજન, આપના સંસ્કારથી હું ખુશ છું, પરંતુ આપ મને જે કાંઈ આપો છો તેના બદલામાં તમારે મારી પાસેથી પણ કંઈક લેવું પડશે !’ તે નિર્ધને પણ પોતાના સંસ્કાર પ્રદર્શિત કર્યા.
‘ભૂદેવ, આપ શું આપશો ?’
‘મહારાજ, હું આપને મહત્વની જાણકારી આપીશ. મને ખબર છે. એ જાણકારી આપને માટે મહત્વની નથી જ, પરંતુ આપના લલાટ પર એ કાર્ય દરમિયાન મૃત્યુ યોગ દર્શાવ્યો છે. મને જાણકારી આપતા વિચાર આવે છે !’

‘ભૂદેવ !’ રાજાએ તે નિર્ધન બ્રાહ્મણને હાથ જોડી વિનવતાં કહ્યું, ‘આપ નિ:સંકોચ મને જાણકારી આપો. મારો મૃત્યુયોગ હું ભોગવી લઈશ, પરંતુ કદાચ તેમાં અન્યનું ભલું થતું હોય તો શું ખોટું છે ?’
‘જેવી આપની મરજી, મહારાજ !’ તે ભૂદેવ બોલ્યો. તેણે જાણકારી આપતા કહ્યું, ‘રાજન, આપની નગરીની ઠીક ઉત્તર દિશામાં દૂર એક વિશાળ પહાડી સ્થાન પર એક સરોવર આવેલ છે. આ સ્થળ ખૂબ એકાંતમાં છે, પરંતુ તે મનોરમ્ય અને રહસ્યમય છે !’
‘શું રહસ્ય છે ?’
‘મહારાજ, એ અલૌકિક દ્રશ્ય નિહાળીને હું ચકિત થઈ ગયો હતો, પરંતુ તેનો પાર પામવાને શક્તિમાન ન હતો !’ તેણે કહ્યું, ‘સરોવરની મધ્યમાં એક સોનેરી સ્તંભ આવેલો છે જે ફક્ત સૂર્યોદયના સમયે જ પ્રગટ થાય છે અને બપોર સુધી પહોંચી જાય છે અને પછી સૂર્યાસ્ત થતાં સુધીમાં પુન: સરોવરની મધ્યમાં ડૂબીને અલોપ થઈ જાય છે. હવે આ વાતમાં શું રહસ્ય છે તે હું જાણી શક્યો નથી !’
‘પરંતુ ભૂદેવ, એ રહસ્ય હું પામીશ !’ વિક્રમે તરત પોતાનો નિર્ણય પ્રગટ કર્યો.
‘મહારાજ, આપના જાનની સલામતી નથી !’
‘પરોપકારના કાર્યમાં હું મારા જીવનની પરવા નથી કરતો, ભૂદેવ. આપ અહીં આરામથી રહી શકો છો. હું પત્તો મેળવીને જ આવીશ !’
વિક્રમ રાજાના મક્કમ નિર્ધાર સમક્ષ સૌ લાચાર હતા.

બીજે દિવસે તે નિર્ધારિત સ્થાને પહોંચી શક્યો, ત્યારે રાત્રિનો સમય થઈ ગયો હતો. આ રાત્રિ તેણે સરોવરના કિનારે પસાર કરી. સરોવર ખરે જ રમણીય હતું. તેનું દ્રશ્ય આહલાદક હતું. તેમાં રૂપાળા મનમોહી લે તેવા હંસ સફેદ બતકનાં યુગલો હતાં. બગલાં, કાચબા અને આજુબાજુ શોભી રહેલાં વૃક્ષો પર નિવાસ કરી રહેલાં પક્ષીઓના કલરવથી તે વાતાવર્ન ગુંજી ઉઠતું. સરોવરમાં ખીલેલાં કમળ અને બીજાં ફૂલ છોડવાઓથી મહેંકી રહેતું. ગમે તેવું ગમગીન મન પ્રફુલ્લ થઈ જાય તેવો અદ્દભુત માહોલ હતો.

સૂર્યોદય પૂર્વે વિક્રમે સ્નાન કરી લીધું હતું. પછી તે સૂર્યોદયની રાહ જોતો હતો. સૂર્યોદય થવાની તૈયારીમાં જ સરોવરની મધ્યમાં ખળભળાટ થવા માંડ્યો અને સોનેરી સ્તંભ ઉજાગર થવા માંડ્યો. રાજા ધ્યાનથી તેને જોતો રહ્યો. જ્યારે તે ખૂબ ઊંચો ગયો, ત્યારે વિક્રમને થયું કે, આ સ્તંભ ઉપર બેસી જવાય તો તેનું રહસ્ય પામી શકાય. તેણે આગિયા વૈતાલને યાદ કર્યો. એટલે તે હાજર થઈ ગયો. તેની મદદથી વિક્રમ સ્તંભ ઉપર ચઢી શક્યો.

સ્તંભ ધીરે ધીરે મધ્યાહ્નના સમયે સૂર્યના રથ સમીપે પહોંચ્યો. અંદર સૂર્ય ભગવાન હતા. તેમની ગરમીથી વિક્રમ રાજા બળીને ભડથું થઈ ગયો. સૂર્ય ભગવાને આ જોયું તો રથના સારથીએ બતાવ્યું કે, આ તો પરદુ:ખભંજન રાજા વિક્રમાદિત્ય છે.

વિક્રમનો પરિચય મેળવતા જ સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ તેને જીવિત કર્યો અને પોતાના કાનમાંથી એક કુંડળ કાઢીને ભેટ આપી વિદાય કર્યો. વિક્રમ સૂર્ય ભગવાનનો સાક્ષાત્કાર કરી પાવન થઈ જે પ્રમાણે ઉપર આવ્યો હતો તે પ્રમાણે નીચે ચાલ્યો આવ્યો. પોતાની યાત્રા સમાપ્ત કરીને તે પુન: પોતાના રાજમાં આવ્યો.

દરબાર ભરાયો હતો, ત્યારે વિક્રમે પોતાની યાત્રાનું વર્ણન કર્યું અને કુંડળ મેળવ્યાની વાત કરી. સૌ તેના પરાક્રમથી ખુશ થયા. વિક્રમે ભૂદેવને વિદાય થતાં કંઈક માગવા કહ્યું તો તેણે સૂર્ય તરફથી મળેલ ઉપહાર કુંડળ માગી લીધું. વિના વિલંબે વિક્રમે તેને તે આપી દઈ વિદાય કર્યો.

જોયું રાજન, કેટલી કિંમતી વસ્તુ પણ તે સામાન્ય માનવીને આપી દેતા ખચકાતો નથી. આવા ગુણ એક રાજાના હોવા જોઈએ !’ આમ કહીને પૂતળી સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગઈ. રાજા ભોજ અસંતોષ પ્રગટ કરતા પુન: પોતાના મહેલ તરફ ચાલ્યા ગયા, પરંતુ મનમાં આવતીકાલનો કાર્યક્રમ બનાવતા રહ્યા.

Advertisements

3 responses to “તેજસ્વી કુંડલ – સિંહાસન બત્રીસી

  1. મારે બત્રીસ પૂતળીની વાર્તાઓ વાંચવી જ હતી.
    આ વાર્તા રજૂ કરવા બદલ ખૂબ જ આભાર…….

  2. બત્રીસ પૂતળીની વાર્તાઓ તો મને ખુબજ ગમે છે.
    આ વાર્તા વાર્તા વાંચી ખુબજ મઝા આવી ગઇ. આ વાર્તા રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને રજુ કરતા રહો એવી અભ્યર્થના.