નટખટ નટુ – અંજનાબહેન ભગવતી

[બાળવાર્તા]

એક હતો નટુ. તે હતો ભારે નટખટ. ખૂબ તોફાન કરે. તે ઝાડ પર ચઢે અને ડાળી પરથી કૂદકા મારે. નદીમાં તરે અને તેમાં ઝબઝબિયાં કરે. બીજ જેવી કોઈ વાત જ નહીં; આખો દિવસ દોડાદોડ કરે પણ થાકવાનું નામ જ નહીં. એને કુદરતમાં ખૂબ રસ પડે. જાતજાતના પ્રશ્નો તેના મનમાં આવે. કેવા પ્રશ્નો ખબર છે ? માછલી રાત્રે ક્યાં સૂઈ જતી હશે ? ચાંદો દિવસે ક્યાં છુપાઈ જતો હશે ? કરોળિયો જાળુ બાંધવા માટે દોરી ક્યાંથી લાવતો હશે ? ગરોળી ઈંડા મૂકે કે બચ્ચાંને જન્મ આપે ? આવા અસંખ્ય સવાલો તેના મનમાં આવે. શાળામાં આવો એકાદ સવાલ પણ પૂછે તો શિક્ષક કહે કે, આ પ્રશ્ન પરીક્ષામાં પુછાવાનો નથી અથવા આવા પ્રશ્નો પૂછી વર્ગશિક્ષણમાં ડખો કરવા બદલ નટુને પાટલી પર ઊભો કરી દે. તો આવા પ્રશ્નો પૂછવા કોને ?

ખેર, જવા દો એ બધી વાત. એક દિવસ નટુ સફરજન ખાતો હતો. તે ખાતી વખતે તેને ખ્યાલ આવ્યો કે તેનો એક દાંત પડી ગયો છે. ક્યારે તે દાંત પડી ગયો તે ખબર પણ તેને ન પડી. તે દાંત થોડા વખતથી હાલતો હતો. નટુના મનમાં સવાલ થતો હતો કે હાલતા દાંતને સ્થિર કરવા દાંતમાં ક્યો ગુંદર લગાવું ? પણ એવો કોઈ ઉપાય કરે તે પહેલાં દાંત તો પડી ગયો ! તેમાંથી લોહી નીકળ્યું. હવે તે ગભરાઈને મા પાસે ગયો અને માને કહે, જો મા, મારો દાંત પડી ગયો. હવે હું શું કરીશ ? મા, તુ એને પાછો મારા મોઢામાં ચોંટાડી આપને. મા તો આ વાત સાંભળી હસવા લાગી. તેણે વિચાર્યું કે, ‘આજે બહુ દિવસે મારા લાગમાં આવ્યો છે, લાવ જરા એની મશ્કરી કરું.’

મા કહે, ‘અરે, નટુ તારો દાંત ક્યાં ખોવાઈ ગયો ? દાંત ખોળી કાઢે તો હું ચોક્કસ અને ચોંટાડી આપીશ અને હવે તારા બીજા દાંતનું પણ તું બરાબર ધ્યાન રાખજે. ધીમે ધીમે વ્યવસ્થિત રીતે બ્રશ કરજે. જમ્યા બાદ કોગળા કરજે. દાંત સાફ રાખજે. હવે જે બાકીના દાંત છે તે સંભાળજે. દાંત વગર કાંઈ ખવાય નહીં અને ખાધા વગર કાંઈ ચાલે છે કોઈને ?’

નટુ તો આ વાત સાંભળીને ચિંતામાં પડી ગયો. વારંવાર એનું મન આ પડી ગયેલા દાંતમાં, અને તેનાથી પડેલી ખાલી જગ્યામાં ભરાઈ જાય. હવે શું કરવું ? ક્યાં દાંત શોધવો તેના વિચારમાં નટુ પડી ગયો. નટુ દાંતના વિચારમાં બેઠો હતો અને ઉંદર ત્યાં દોડાદોડ કરતો હતો. નટુ કહે, ‘ઉંદર ઊભો રહે, મારે તારું ખાસ કામ છે. મારો એક દાંત ક્યાંક પડી ગયો છે તે તું શોધી આપ ને ! ઉંદર કહે, ‘તે કામ હું કરીશ. મને ખાંખાંખોળાં કરવાની ટેવ છે. એટલે તમારો દાંત શોધવાનો પ્રયત્ન જરૂર કરીશ.’ થોડીવાર પછી ઉંદર પાછો આવ્યો ને કહે, ‘નટુભાઈ ઘરમાં તો મેં ખૂબ શોધખોળ કરી પણ તમારો દાંત મને દેખાયો નહીં.’ નટુ કહે, ‘ઉંદર, તો મને તારો એક દાંત આપી દે ને, તારો દાંત મારા મોઢામાં ચોંટાડી દઈશ…’ ઉંદર કહે, ‘મારા દાંતની વાત ન કરતા. મારે તો કાચાં ફળ, શાકભાજી જે મળે તે ખાવાનું છે. એટલે મારા દાંત તો મારે અણીદાર અને મજબૂત રાખવા જ પડે. કાગળ, કપડું જે મળે તે કાતરવા માટે દાંત વગર તો મારે ચાલે જ નહીં.’

નટુ તો નિરાશ થઈ ગયો. તને થયું લાવ દાંત બગીચામાં જઈને શોધું. બગીચામાં ઝાડ પર દોડતી ખિસકોલી જોઈ. ખિસકોલી ફળ, કઠણ બી જે આવે તે તેના આગલા બે પગ વડે પકડી તેના તીણા તીણા દાંત વડે પટપટ ખાય છે. લાવ એને મારા દાંતની વાત કરું.
‘ખિસકોલી, ખિસકોલી ઊભી રહે. મારો દાંત ખોવાઈ ગયો છે. તો તું તારો એક દાંત મને આપને.’
ખિસકોલી આ સાંભળીને હસવા લાગી અને કહે, ‘નટુભાઈ મારે તો રોજ કઠણ, પોચી જાતજાતની વસ્તુઓ ખાવાની હોય છે. એટલે મારે તો બધા દાંત સાબૂત જ જોઈએ, અમે કાંઈ રસોઈ પકવતા નથી, જે મળે તે કાચું કોરું ખાઈએ છીએ એટલે દાંત તો મારા મજબૂત જોઈએ જ. એ મારાથી ન અપાય.’

નટુભાઈ તો આગળ ચાલ્યા, ત્યાં મળ્યા સસલાભાઈ. સસલાભાઈ તો ગાજર ચભડ ચભડ ખાતા હતા. નટુ તેને કહે, ‘સસ્સારાણા, વાહ શું સરસ ગાજર ખાવ છો. મારા મોઢામાં પણ પાણી આવે છે. સસલાભાઈ, મારો એક દાંત ખોવાઈ ગયો છે તો તમારો એક દાંત મને આપો ને.’
સસલાભાઈ કહે ‘તમે તો મારા ભાઈબંધ છો. પણ મારો દાંત તમને મારાથી ન અપાય. મારે મૂળા, ગાજર વગેરે ખાવાનું. દાંત તો મારે મજબૂત અને સરસ રાખવા જ પડે. લો, આ ગાજર જોઈએ તો આપી દઉં. નટુ કહે ‘ના, દાંત વિના ગાજર ખાવાની મઝા ન આવે.,’

નટુભાઈ તો નિરાશ થઈ ગયા. ત્યાં તેમની નજરે એક ચકલી ચઢી. ચકલીબહેન તો માળો બનાવવાની ધમાલમાં હતાં. આમ ઊડે તેમ ઊડે, તણખલાં શોધી લાવે અને માળામાં ગોઠવે. જરાયે ફૂરસદ નહીં. નટુ કહે, ‘ચકલીબહેન, ઊભાં રહો. મારું એક કામ કરો. મારો દાંત ખોવાઈ ગયો છે. તો તમારો એક દાંત મને આપો ને. ચકલી બહેન તો આટલા કામમાં પણ ઊભાં રહ્યાં અને ખડખડાટ હસી પડ્યાં. ચકલી કહે, ‘નટુભાઈ, લો ક્યો દાંત જોઈએ છે, લઈ લો ! એમ કહી ચકલીએ તો ચાંચ પહોળી કરી. નટુભાઈ તો જોતા જ રહી ગયા. ચકલીને એક પણ દાંત ન મળે. ચકલી કહે, ‘નટુભાઈ, અમારે પક્ષીઓને દાંત ન હોય. અમે ચાંચથી ખોરાક પકડીને ખાઈ જઈએ, એટલે હવે બીજા કોઈ પક્ષીને દાંત માટે પૂછતાં નહીં !

નટુભાઈ તો આગળ ચાલ્યા, ત્યાં વાંદરાભાઈ મળ્યા. ઝાડપર બેઠા બેઠા કેરી ખાતા હતાં. નટુ વાંદરાને પૂછે, ‘વાંદરાભાઈ, મારું એક કામ કરશો ?’ વાંદરો કહે, ‘ચોક્કસ કરીશ.’ નટુ કહે, ‘વાંદરાભાઈ, મારો એક દાંત ખોવાઈ ગયો છે. તો તમારી પાસે દાંત છે એમાંથી મને એક દાંત આપોને. વાંદરો કહે, ‘એમાં શી વાત છે. મારે વધારેના દાંત તો મેં મારી વાંદરીને સાચવવા આપ્યા છે. હમણાં જઈને લઈ આવું છું.’ નટુભાઈ કહે ‘મેં મગર અને વાંદરાની વાર્તા વાંચી છે. એમ કહી તમે ભાગી જશો, મને અત્યારે જ એક દાંત આપી દો ને.’ વાંદરો કહે, ‘મારા મોઢામાંથી ન કઢાય. હું હમણાં લઈને આવું છું.’ એમ કહીને તે હૂપહૂપ કરતો દોડી ગયો.

નટુ ‘ઊભો રહે….’ એમ કહેતો જાગી ગયો…. મમ્મી ત્યાં જ ઊભી હતી. તે પૂછે, ‘શું થયું બેટા ? કોની જોડે વાત કરે છે ?’
નટુએ પોતાના સ્વપ્નની વાત કરી. બધાં પ્રાણીઓને કહ્યું કોઈ પોતાનો એક પણ દાંત આપવા તૈયાર નથી. હવે હું શું કરીશ ? મમ્મી કહે, ‘નટુ, તું ચિંતા ન કરીશ. આ તો તારો દૂધિયો દાંત હતો એ પડી ગયો. એટલે એની જગ્યાએ કાયમી દાંત આવશે. થોડા દિવસ જવા દે એટલે ધીમે ધીમે નવો દાંત આવી જશે. આ સાંભળી નટુભાઈ તો ખુશ થઈ ગયા. અને ‘નવો દાંત… નવો દાંત….. વાહ ભાઈ વાહ…. !’ કરતા નાચવા લાગ્યા.

Advertisements

3 responses to “નટખટ નટુ – અંજનાબહેન ભગવતી

  1. Really its vary nice and true.Sometimes children asks such questions we are getting confused.