બે પાંખડી – સંકલિત

ક્યાં ગઈ – ભગવતીકુમાર શર્મા

જાન ઊઘલ્યા પછી પાલખી ક્યાં ગઈ ?
એક શરણાઈ થઈ ગળગળી ક્યાં ગઈ ?

વાળ આવી ઝરૂખે જે સૂકવી જતી,
સોળ-સત્તરની એ છોકરી ક્યાં ગઈ ?

હું કિનારા સમો કેમ સુક્કો બન્યો ?
મારી નાડમાં વહેતી નદી ક્યાં ગઈ ?

પતઝડે હાથ ઊંચા કરી પણ દીધા;
તો પછી લીલીછમ ડાળખી ક્યાં ગઈ ?

હું તો દીવાનખંડે જ બેઠો હતો;
ભીંત પરની એ મારી છબી ક્યાં ગઈ ?

આંખમાં આંસુ આવે એ દુર્લભ બન્યું;
ખારાં પાણીની બે માછલી ક્યાં ગઈ ?

મેં કવિતાના પુસ્તકમાં મૂકી હતી,
ફૂલની એ સૂકી પાંખડી ક્યાં ગઈ ?

ભવોભવ – ધૂની માંડલિયા

સતત ચાલવાનું અને થાકવાનું
પ્રણયમાં તો કાયમ આમ જ થવાનું.

પલાંઠી વળે તો મળે પદ પરમ, પણ –
કરું શું ? આ અંદર થતી આવ-જા નું

મુલાકાત ક્યાં ક્યાં થઈ આપણી આ ?
લખો ઠામ-ઠેકાણું એકેક ઘાનું.

હજી ભાગવાનું બને શક્ય સહુથી,
નથી શક્ય પોતા થકી ભાગવાનું.

ઊછળકૂદ કરતો નથી કેમ દરિયો ?
થયું મોત નક્કી કોઈ ખારવાનું.

મને એટલે તો ગમે જીવવાનું,
મરું તો થશે શું ? – શ્વસું એ હવાનું ?

તમે ચોર રીઢા તમારા જ ઘરના,
છતાં ક્યાં સૂઝે છે હજી જાગવાનું ?

પ્રભુ પાસ ‘ધૂની’ આ વરદાન માગે,
ગઝલ થઈ ભવોભવ અહીં જન્મવાનું.

Advertisements

3 responses to “બે પાંખડી – સંકલિત

 1. પલાંઠી વળે તો મળે પદ પરમ, પણ –
  કરું શું ? આ અંદર થતી આવ-જા નું

  મુલાકાત ક્યાં ક્યાં થઈ આપણી આ ?
  લખો ઠામ-ઠેકાણું એકેક ઘાનું.

  મને એટલે તો ગમે જીવવાનું,
  મરું તો થશે શું ? – શ્વસું એ હવાનું ?

  – સુંદર મજાના શેર… મજા આવી, મૃગેશભાઈ… હવાની ફિકરમાં ન મરવાની વાત તો જાણે દિલને સ્પર્શી ગઈ… કોઈ અદભૂત ક્ષણે જ આવો વિચાર સંભવી શકે…

 2. This very good Web site so many reading material in this i want rediand material on : When I Baceme a Butter fly” Apl arrange to send it