ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ

[ આ બંને હાસ્ય નિબંધો શ્રી ચિત્રસેનભાઈ શાહ (ગાંધીનગર) દ્વારા લિખિત ‘ધણીને ધાકમાં રાખો’ માંથી લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ]

બસમાં વરસાદ !

સળંગ ત્રણ વર્ષના દુષ્કાળના સમયની આ વાત છે !
‘ત્રણ ત્રણ વર્ષના દુષ્કાળ પછી પણ છત્રી ખરીદનારા વિરલા છે ખરા !’ હું ઉકાઈમાં છત્રી ખરીદવા નીકળેલો ત્યારે લોકો ટોળે વળ્યાં ! તેમાંથી એકે કોમેન્ટ કરતાં કહ્યું.

મારે છત્રીની કેમ જરૂર ઊભી થઈ એ અંગેનો રંગીન ઈતિહાસ એવો છે કે – એ ચોમાસામાં અમારા સદનસીબે એકાદ વરસાદ થઈ ગયો ! પરંતુ અમારા કમનસીબે તે જ દિવસે અમે બસમાં ઉકાઈથી સુરત જતા હતા ! બસની બહાર જેટલો વરસાદ પડતો હતો તેટલો જ વરસાદ બસની અંદર પણ પડતો હતો ! તૂટેલા છાપરાં અને તૂટેલી કાચની બારીઓમાંથી અંદર ધસી આવતા મુશળધાર વરસાદથી બચવા લોકો છત્રી ઓઢીને બેઠા હતા – મારા સિવાય ! કારણકે મારી પાસે છત્રી ન હતી !

અને તે દિવસે હું ભીંજાયો ! એ ઈતિહાસનું પુનરાવર્તન ન થાય તે માટે હું છત્રી ખરીદવા નીકળેલો, કારણ કે ફરીથી આજે મારે બસમાં મુસાફરી કરવાની હતી ! તમે રસ્તામાં હો અને એકાએક વરસાદ તૂટી પડે તો તમે કોઈ ઝાડ નીચે કે કોઈ દુકાન કે ઘરના છાપરા નીચે આશ્રય લઈ શકો પરંતુ ચાલુ બસમાંથી તમે ક્યાં ભાગવાના ?

બસના છાપરા નીચે તો ભીંજાવું જ પડે ! મારી બાજુમાં મેઘાલય બાજુથી આવતા એક સહપ્રવાસી તો બસમાં છત્રી ઓઢીને બેઠેલા લોકોને જોઈ દિગ્મૂઢ બની ગયા ! મને કહે : ‘અમારે ત્યાં ચેરાપુંજીમાં 450 ઈંચ વરસાદ પડે છે પરંતુ બસની અંદર તો ‘સુખા’ ની પરિસ્થિતિ હોય જ્યારે તમારે ત્યાં તો ચાર-પાંચ ઈંચ વરસાદમાં પણ બસમાં ‘બાઢ’ આવે છે ! તમે તો ભાઈ ભારે આગળ વધી રહ્યા છો !’
મેં કહ્યું, ‘બસમાં વરસાદને કારણે વાતાવરણ ઠંડકભર્યું લાગે છે તે ઉપરાંત પણ ઘણી સગવડતાઓ અમારી બસોમાં હોય છે !’

હું એકવાર ઉકાઈથી અમદાવાદ જતો હતો ત્યારે રેકઝીન વગરની સીટ પર લોકો મુખ પર સંપૂર્ણ સંતોષના ભાવ સાથે મુસાફરી કરી રહ્યા હતા ! મારી સામે બેઠેલા એક ભાઈને તો મેં પાટિયા પર ઊપસી આવેલી એક ચૂંક કાઢીને પોતાના ચપ્પલમાં લગાવતાં જોયા ! મેં પ્રશ્નાર્થ ભાવે તેની સામે જોયું તો મને કહે, ‘શું કરીએ ! કંડકટરો પરચુરણ પાછું જ નથી આપતા તેથી આ રીતે પૈસા વસૂલ કરી લઈએ છીએ !’ મેં પણ એક પ્રેમભરી નજર મારા બૂટ પર ફેરવી લીધી ! કારણકે અત્યાર સુધી મારું પણ ઘણું ‘રોકાણ’ આ રીતે કંડકટરો પાસે થઈ ગયું છે ! ગુજરાતમાં તો કંડકટર પાસે પરચુરણ પાછું લેવું એ લોઢાના ચણા ચાવવા જેટલું અધરું છે ! પરચુરણ પાછું માગીએ એટલે એ લોકો એવું મોઢું બગાડે કે જાણે આપણે તેની પાસે વગર ટિકિટે મુસાફરી કરવાની સવલત માગી હોય !

ઘણીવાર બસોમાં બોર્ડ ન હોવાને કારણે જ્યાં જવું હોય તેનાથી ઊલટી દિશામાં મુસાફરી થઈ ગઈ હોવાના દાખલા પણ બન્યા છે ! કોઈવાર અંદરની લાઈટ ન હોય તો કોઈવાર બહારની લાઈટ ન હોય ! બહારની લાઈટ ન હોય ત્યારે ‘એક્સપ્રેસ’નું ભાડું ચૂકવી ‘ગાડાં’ની ઝડપે આગળ વધાય છે ! ઘણીવાર હૉર્ન પણ ચાલુ કંડિશનમાં નથી હોતું. જો કે તેથી કોઈ ફર્ક પડતો નથી, કારણકે બસના દરેક પાર્ટમાંથી અવાજ આવતો જ હોય છે ! બસના પૅસેજમાં પાર્સલો (ઑફિસિયલ કે મોટેભાગે અન-ઑફિસિયલ !) ના ઢગલા હોવાને કારણે ‘હાઈજંપ’ ની પ્રેકટિસ બસમાં જ મળી રહે છે ! વળી કોન્ટ્રેકટરોએ બનાવેલા રસ્તા અને બસની ‘જુગલબંધી’ એવી જામે છે કે અથડાતા, કૂટાતા, પછડાતા, પેસેન્જરો ખડતલ બને છે !

મારું કાર્યક્ષેત્ર ઉકાઈ હોવાને કારણે જ્યારે જ્યારે મારે અમદાવાદથી ઉકાઈ કે ઉકાઈથી અમદાવાદ જવાનું થયું છે ત્યારે ત્યારે મારે અર્ધે રસ્તે બસ બદલવી જ પડી છે ! રસ્તામાં ટાયર પંક્ચર થાય અને ટાયર બદલવા બસમાં જેક હોય નહીં ! ટાયર પંકચર ન થાય તો એન્જિન બ્રેકડાઉન થાય અથવા લીકેજને કારણે રેડિયેટરમાં પાણી ખતમ થઈ જાય ! પાણી લેવા હાઈવે પરના કોઈ ‘પરોઠા હાઉસ’ માં કંડકટર પહોંચે તો જવાબ મળે કે, ‘આ દુષ્કાળમાં પાણી માગતા શરમ નથી આવતી ?! અમે પાંચ કિલોમીટર દૂરથી પાણી ખેંચી લાવીએ છીએ ! પાણીને બદલે જોઈએ તો ‘પરોઠા’ લઈ જાઓ !’ બીજીવાર આ ‘પરોઠા હાઉસ’ પાસે બસ ઊભી નહીં રાખવાની ધમકી અસર કરી જાય છે અને પાણી મળે મળે છે !

ક્યારેક એવું બને છે કે વચ્ચેના કોઈ સ્ટેશને ચા પીવા ઊતરેલો કંડકટર રહી જાય અને બસ ઊપડી જાય, જેની ખબર ડ્રાઈવરને બીજા સ્ટોપે પડે એટલે બસ પાછી કંડકટરને લેવા જાય ! આવા સંજોગોમાં આપણે તો ઉતાવળ હોય તેથી ટિકિટ પાછળ ‘ડ્રાઈવર સાહેબ’ ની સહી લઈ બીજી બસમાં મુસાફરી આગળ વધારીએ ! એટલે આ રીતે 21મી સદીમાં આપણે બસની ઝડપે આગળ વધી રહ્યા છીએ !

મારે બસમાં મુસાફરી કરતી વખતે છત્રીની જરૂર ઊભી થઈ હતી ! બાકી આમ તો 3-3 વર્ષના દુષ્કાળ પછી છત્રી બનાવતી લિમિટેટ કંપનીના શેરમાં રોકેલા મારા નાણા ડૂબતાં હું જોઈ રહ્યો છું ! ‘વરસાદ’ અને ‘છત્રી’ એ બન્ને ભૂતકાળની વસ્તુ બની ગઈ છે ! અને હવેથી પેઢીને છત્રી ફક્ત મ્યુઝિયમમાં જ જોવા મળશે !

આપણા બાપદાદાઓ કહેતા હતા કે તેમના સમયમાં ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી ! આપણને હસવું આવે છે ! પરંતુ આજથી 20-25 વર્ષ પછી કોઈ વ્યક્તિ ‘વરસાદ’ અંગે આર્ટિકલ લખશે તો તેમાં આ પ્રમાણે લખાશે –
“વીસમી સદીમાં ગુજરાતમાં પાણીની નદીઓ વહેતી હતી ! આકાશમાંથી પાણી પડતું અને લોકો તેને ‘વરસાદ’ કહેતા ! એ ‘વરસાદ’થી પોતાનું મસ્તક ભીંજાયા વગરનું રાખવા લોકો કાળા રંગના એક ‘સાધન’ નો ઉપયોગ કરતા જે ‘છત્રી’ તરીકે ઓળખાતું !”

લેખક છેલ્લે નોંધ મૂકશે કે – “આ તો ગ્રંથોમાં લખ્યું છે બાકી સાચું – ખોટું રામ જાણે !”

સ્ત્રીની નજરે પુરુષ !

સ્ત્રીની નજરે પુરુષ કેવો છે તેનો આધાર નજર કઈ સ્ત્રીની છે તેના પર છે ! કોઈ સામાન્ય ગૃહિણી, કોઈ વ્યાવસાયિક સ્ત્રી કે કોઈ વી.આઈ.પીની પત્ની વગેરેની દષ્ટિએ પુરુષ કેવો છે તેના કેટલાક નમૂના જોઈએ !

સામાન્ય ગૃહિણીની દષ્ટિએ :
[1] ‘માયસ્થેનિયા ગ્રેવીસ’ ની બીમારી લાગુ પડી છે અને વળી લાંબો છે એટલે પોતાની જાતને અમિતાભ સમજે છે !
[2] ચા લેવા દાર્જિલિંગ જાય તેવો છે !
[3] ધારાસભાની ટિકિટ લેવા મોકલ્યો હોય તો સર્કસની ટિકિટ લેતો આવે ! અને પૂછીએ તો કહે કે ધારાસભાની ટિકિટ માટે તો લાંબી લાંબી લાઈનો હતી એટલે હું તો સર્કસની ટિકિટ લેતો આવ્યો છું ! આપણે તો મનોરંજન સાથે જ કામ છે ને ?!
[4] આંખે સે’જ ઓછું દેખાય છે તેમાં તો એ પોતાની જાતને ધૃતરાષ્ટ્ર સમજી પોતાની પત્નીને ‘ગાંધારી’ની જેમ આંખે પાટા બાંધી ‘માટલા ફોડ’ ની પ્રેકટિસ કરાવે છે !
[5] જ્યારે પણ મોંઘવારીની વાત કરીએ ત્યારે સરકારશ્રી ની જેમ જ જવાબ આપશે કે ‘હું મોંઘવારી પર ચાંપતી નજર રાખી રહ્યો છું !’
[6] લગ્ન પહેલાં તેણે દરેક પ્રેમિકાને શાહજહાંની માફક ‘તાજમહલ’ બંધાવવાના કોલ આપેલા છે !

શાસ્ત્રીય સંગીતકારની દષ્ટિએ :
‘આ…આ….ઈ….ઈ…તા…ના..રી…રી..’ આમ તો એ 21મી સદીમાં કેમના ચાલશે ?!

સ્મગલરની પત્નીની દષ્ટિએ :
અમારા ‘એ’ તો બિચારા કેટલું ‘ઢસરડું’ કરે છે ! મારું તો માનવું છે કે એમણે જાપાનથી એક રૉબોર્ટ લાવી દેવો જોઈએ એટલે પત્યું ! પછી રૉબોર્ટ જ બધું કર્યા કરશે !

લેડી ટેલિફોન ઑપરેટરની દષ્ટિએ :
ફોન પર તો ‘ફેવિકોલ’ લઈને ચીટકી જાય તેવો છે ! અમારી સાથે વાતચીત કરવા એ જાણી જોઈને ‘જાપાન’ નો કોલ બુક કરાવે અને કેન્સલ કરાવે – દિવસમાં દસ વાર !

જ્યોતિષની પત્નીની દષ્ટિએ :
દુનિયા આખીના ‘ગ્રહો’ જુએ પરંતુ પોતાના ઘરનાં જ ઠેકાણાં નહીં !
કોમ્પ્યુટર પ્રોગ્રામરની દષ્ટિએ :
રોજેરોજની રસોઈનું ‘સાપ્તાહિકી’ અગાઉથી કોમ્પ્યુટર પર તૈયાર કરે તેવો છે !

અમારા એક મિત્ર પોતાની પત્નીથી બહુ ગભરાતા હોય છે ! એક વાર નાટક જોવા ગયેલા ! આવતાં મોડું થયું તેથી ‘બેલ’ મારી શ્રીમતીજીની ઊંઘમાં ખલેલ પાડવાની હિંમત ચાલી નહીં ! તેથી ઘણા મનોમંથન પછી બહારની લૉબીમાંથી ગૃહપ્રવેશ કર્યો ! શ્રીમતીજી ખખડાટથી જાગી ગયાં અને તાડૂકી ઊઠ્યાં, ‘ધણી છો કે ધાડપાડુ ?’ – આમ કોઈ કોઈ સન્નારીની દષ્ટિએ ધણી ધાડપાડુ જેવા હોય છે !

અને છેલ્લે – અમારા એક વી.આઈ.પી મિત્રની પત્ની (પોતાનું નામ જાહેર ન કરવાની શરતે !) પોતાના પતિ વિશે કહે છે કે –
‘એ તો સાવ વડાપ્રધાન જેવા છે ! પોતાની જાતને વિક્રમાદિત્ય સમજી ‘નગરચર્યા’ કરવા નીકળી પડે છે ! કોઈના પણ ઝૂંપડા કે ઘરમાં જઈ પૂછે છે, ‘તમને કેરોસીન તો બરાબર મળે છે ને ? – શું ખાવ છો ? પાણી કેટલે દૂરથી લાવો છો ?’ વગેરે !

મેં તો તેમને ચોખ્ખું કહી દીધું છે કે આવી ‘લકઝરી’ આપણને ન પોષાય ! કારણકે આપણે તો ઑફિસે જવાનું હોય, બાળકોને એડમિશન અપાવવાનાં હોય, ‘કૃપાગુણ’ થી પણ છેવટે પાસ કરાવવાનાં હોય, લાઈનોમાં ઊભા રહેવાનું હોય ! આવી હજાર જાતની ચિંતા હોય ! આ બધામાંથી ‘ફ્રી’ થાવ ત્યારે ‘વિક્રમાદિત્ય’ થજો !

Advertisements

5 responses to “ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ

  1. very funny
    nice “KATAKSHKATHA”

  2. ઓ……મૃગેશભાઈ !
    સરસ વાર્તાઓ મૂકવા બદલ અભિનંદન !

  3. પિંગબેક: ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ « રીડગુજરાતી : પુસ્તક પરિચય

  4. પિંગબેક: ધણીને ધાકમાં રાખો – ચિત્રસેન શાહ | pustak