અવાજોનું ઘર – વર્ષા અડાલજા

મધુબહેન ફરી પોર્ચમાં આવ્યાં. દૂર સુધી કોઈ દેખાયું નહીં. સૂમસામ રસ્તાઓ એદીની જેમ લાંબા થઈને નિષ્ક્રિય પડ્યા હતા – કદાચ એમની જિંદગીની જેમ. સૂર્ય ધૃષ્ટતાથી તપતો હતો. શરીર અને મનને લાહ્ય લાગી. પૉર્ચમાંથી પાછાં ઘરમાં આવ્યાં.

ઘર ! પણ આ તો હવે ઘર હતું ! ચારે તરફ સામાનના ઢગ ખડકાયા હતા. બંગલાની પાછળના વરંડા પાસેની બારી પાસે પડી રહેતી આરામખુરશીમાં એ બેસી ગયાં. વેરવિખેર આ સામાનનો બોજ છાતી પર જ ખડકાઈ ગયો હોય એમ એ હાંફી ગયાં. વરંડામાં કપડાં સૂકવવા બાંધેલી ખાલી દોરીઓ પર ચકલી હીંચકો ખાતી હતી, તુલસીક્યારાના ગોખમાં રોજ સાંજે પ્રગટતા દીવાની કાળી મેશ…. લીંબડાની ડાળીએ બાંધેલી માટીની ઠીબ… નાગપાંચમે નાગની પૂજા કરવા આરતીએ કંકુથી ચીતરેલા નાગદેવતા.

મધુબહેન આરામખુરશીમાંથી ઊભાં થઈ ગયાં.
તરસ ખૂબ લાગી. માટલું ખાલી તો નથી કર્યું. ક્યાંક છે ખરું. સામાનના ખડકલામાંથી માટલું શોધવા આમતેમ નજર કરી, પણ ન દેખાયું. એ ચિડાઈ ગયાં. સામાન લેવા આરતી અને વિનય ક્યારનાં આવવાનાં હતાં, અને હજુ સુધી કોઈ ફરક્યું સુદ્ધાં નહોતું. હવે એને મારી શી પડી હોય ? માટલું….પણ માટલું ક્યાં હશે ! આ ગળું ભીંસી નાંખતી તરસ…. પગે કશુંક ભટકાયું ને ઊછળીને પડ્યું. મનને ઠેસ લાગી. વાંકા વળીને એમણે ઊંચક્યું. આ તો પદ્મકાંતનું ટેડીબૅર ! ફાટ્યા-તૂટ્યા શરીરમાંથી બચેલી એક કાચની આંખ એમને સ્થિર તાકી રહી હતી.

બસ આ જ ટેડીબૅર જોઈએ. પદ્મ દુકાનના શો-કેસ સામે આંગળી ચીંધીને રસ્તા વચ્ચે રડવા બેઠો હતો. એને ખૂબ ગુસ્સો આવ્યો. પદ્મની આ આદત એને જરાય ન ગમતી અને દિવાકરે એ જ ટેડીબૅર ખરીદીને એના હાથમાં મૂકી દીધું. આંસુભરી આંખે પદ્મ ખડખડાટ હસી પડ્યો. ઘરે પહોંચ્યા ત્યાં સુધી મોં ચડાવી એ કશું ન બોલી. શું બધી જ જીદ પોષવાની ?
પૉર્ચ ચડી, તાળું ખોલી ઘરમાં પગ મૂકતાં જ દિવાકરે એને બાથમાં લઈ લીધી.
‘ઓ મારી મધુ.’
પતિના સ્પર્શમાત્રથી એ હંમેશાં બંધ કળીની જેમ ખૂલવા લાગતી એનાં હાથમાં છૂટી, હસવું દાબતી એ બોલી…. ‘અરે ઓ પદ્મ…’
‘તે છો ને જુએ. સુખી દામ્પત્ય કોને કહેવાય તેની હું મારા દીકરાને ટ્રેનિંગ આપું છું.’
‘જાઓ જાઓ. ખોટાં લાડ બાળકોને કઈ રીતે લડાવવા એની ટ્રેનિંગ આપો છો.’
‘કરેકટ. અત્યારે એને લાડ લડાવીએ, પછી બુઢ્ઢાં થઈ જઈશું, તો એ આપણને લાડ લડાવશે.’

કા…કા…કા… રસોડાની બારીએ બેસી કાગડો સૂની, જર્જરિત બપોરના ઠાલા શરીરને ચાંચથી ખોદતો હતો. કાગડાને ઉડાડવા એ હાંફળાફાંફળા દરરોજની જેમ દોડ્યા નહીં. રસોડામાં ક્યાં કશું હતું ?
‘બહેન, આ ભંગારમાંથી કંઈ વેચવાનું સે ?’ ખભે કોથળો નાંખી ફેરિયો લોલુપ નજરે પૂછતો હતો.
‘ના…ના..’ ઉતાવળે એ બોલ્યા ને એ જાણે કશું એમાંથી પરાણે લઈ જવાનો હોય એમ આડાં ફરીને ઊભાં રહ્યાં.

તણખલું તણખલું કરીને વસાવેલો આ સામાન હવે ભંગાર બની ગયો હતો ! ક્દાચ હવે બચેલાં ખૂટેલાં વર્ષો પણ ભંગાર બની ગયાં હતાં. ઘસાઈ ગયેલા પૉલિશની ચમક ઊતરી ગયેલી. એક પ્રૌઢ એકલવાયી વિધવાની જિંદગી ભંગાર નહીં તો બીજું શું હોઈ શકે ?

એમને ખ્યાલ પણ ના આવે એમ ધીમે પગલે કોઈ અદશ્ય ચુંબકીય શક્તિથી ખેંચાતાં હોય એમ ખાલી ઓરડાઓમાં ફરવા લાગ્યાં. અહીં જીવાઈ ગયેલી જિંદગીના અવાજો હજી હવામાં હતા. માણસો ચાલી ગયા હતા, અને એમના અવાજો અહીં જ રહી ગયા હતા. ઓહ ! આ ઘર ખાલી કરવાનું હતું ! પણ શું લઈ જશે એ અહીંથી ? આ દીવાલો પર રંગ સાથે ઘોળાઈ ગયેલાં સ્મરણોનું પ્લાસટર ! આ ફર્નિચર સાથે પૉલિશની જેમ ચોંટી ગયેલી કંઈ કેટલીય વાતો ! આ તુલસીના કૂંડામાં ખીલેલી મંજરીની મહેક ! બાળકોની માંદગીમાં કરેલા રાતોના ઉજાગરાનો આંખોનો લાલ રંગ ! સુખદુ:ખ, હસી મજાક, આંસુ, નાની અમથી વાતો, જીવનનો ચડાવઉતાર – એ શું આ બધાનું પોટલું વાળીને અહીંથી લઈ જઈ શકાશે ?

ઓરડામાં ફરતાં ફરતાં સ્મરણોની કેડીએ થઈ એ જાણે જુદા જુદા સમય ખંડોમાં ફરતા હતા. બારીમાંથી ચળાઈને આવતો આ સોનેરી તડકો આજનો, અત્યારની ક્ષણનો નહોતો, ભૂતકાળની કોઈ વહેલી સવારે ભીના વાળ પીઠ પર ફેલાવીને એ કોમળ તડકામાં ઊભી હતી. આ દીવાલ પરથી ઉતારી લીધેલા જૂઈના ફોટાની ખાલી પડેલી લંબચોરસ જગ્યામાંથી જૂઈ એની સામે હસી રહી હતી. એક ખૂણામાં પડેલી તૂટેલી જૂની બાઈસિકલ નવીનક્કોર લાલ ચમકતી થઈ અચાનક દોડવા લાગી. ભૂતકાળમાં ઓગળી ગયેલો નાનકડા પદ્મનો અવાજ અચાનક પ્રગટ થઈ, મોટો બની વિસ્તરતો વર્તમાનને ભરી દેવા લાગ્યો… મમ્મી પપ્પા જો મારી સાઈકલ…….

મધુબહેન સ્તબ્ધ ઊભાં રહ્યાં.
આ બંગલો કેટલી હોશથી કંપનીમાંથી લોન લઈ દિવાકરે બંધાવ્યો હતો ! પોતે કેટલો વિરોધ કર્યો હતો !
‘સાવ નિર્જન જગ્યામાં આમ બંગલો બાંધવો છે, તે હું કેટલી એકલી પડી જઈશ એનો કોઈએ વિચાર કર્યો છે ?’
આરતી અને જૂઈ સાથે બોલ્યાં હતાં, ‘પણ અમે તને એકલી પડવા જ નહીં દઈએ ને !’
પદ્મ છાતી કાઢીને બોલ્યો : ‘અરે જારે જા… તમે બંને ચકલીઓ તો પાંખ આવી કે ઊડી સમજો. મમ્મીને તો હું જ રાખીશ.’

ખંડની દીવાલોમાં ચણાઈ ગયેલા અવાજો ધીમે ધીમે ખરતા રહ્યા.
– પણ કોઈ સાથે ન રહ્યું. એને જે ભય હતો એ સાચો પડ્યો. આખરે એ એકલી જ પડી. અહીં આ ઘરમાં પ્રસન્નતાની, આનંદની મધુર ક્ષણોની જે છલોછલ ભરતી ચડી હતી એમાં એ ડૂબી ગઈ હતી, અને અચાનક એક દિવસ એણે જોયું તો એ કાંઠે ફેંકાઈ ગઈ હતી. અને પાણી દૂર દૂર સુધી ઓસરી ગયાં હતાં. નિર્જન રેતાળ કાંઠે એ એકલી બેઠી હતી – સદંતર એકલી. આરતી અને જૂઈ લગ્ન કરીને સાસરે ચાલી ગઈ હતી. પદ્મ એન્જિનિયરિંગના વધુ અભ્યાસ માટે પરદેશ ગયો હતો. એ ત્યાંથી નિયમિત પત્ર લખતો : મમ્મી, પપ્પા તમે બન્ને બહુ યાદ આવો છો. અહીં જે રીતે માણસોની એકબીજા તરફની ઉદાસીનતા જોઉં છું ત્યારે મને યાદ આવે છે આરતી, જૂઈનો પ્રેમ, તમારી નિ:સ્વાર્થ લાગણીઓ અને આપણા કુટુંબની હૂંફ. ઘણીવાર મોડી રાત્રે થિજાવી દેતી ઠંડીમાં સ્મરણોને તાપણે તાપું છું.
તો વળી છેલ્લે તો એમ લખતો : મમ્મી બસ, બહુ થયું. સાબદી થઈ જજે. આવું છું હોં ! રૂપાળી વહુયે શોધવાની તૈયારી કરી રાખજે. ધામધૂમથી જ પરણીશ. પપ્પાએ ધોતિયું, ટોપી પહેરવા પડશે. ને તુ રામણ-દીવડો ખરીદી રાખજે ને માથે પેલું શું કહેવાય ? યસ યસ, મોડ – હા, એ જોઈશે જ. જરીકિનારની બાંધણી પહેરવી પડશે ને ગાવુંય પડશે (અમે ઈડરિયો ગઢ જીત્યા રે..) મોંએ કરી લેજે.

એ પત્ર વાંચી એ કેવી હરખઘેલી થઈ ગઈ હતી ! કંસાર રાંધીને એ ને દિવાકર જમ્યાં હતાં. આરતી અને જૂઈ તો બહેનપણીઓમાંથી, સગાંવહાલાંમાંથી પસંદ કરી કરીને સારી સારી છોકરીઓનું લિસ્ટ બનાવતાં. રવિવારે સાંજે બન્ને બહેનો આવતી. એ હોંશથી દીકરી જમાઈ માટે રસોઈ કરતાં. પછી બધાં સાથે પૉર્ચમાં બેસી એ લિસ્ટમાંથી યુવતીઓની ચર્ચા કરતાં, પસંદ-નાપસંદ કરતાં, જુદી જુદી ખરીદીઓ માટે યોજના કરતાં….

પછી ધીમે ધીમે, ખ્યાલ પણ ન આવે એ રીતે લગ્નની વાતો ઝાંખી થતી ગઈ. પછી પીળા પડી ગયેલા જૂના ફોટોગ્રાફ જેવી એક સ્મૃતિચિન્હ બની ગઈ. પદ્મ હવેનાં પત્રોમાં લખતો : ભણવાનું તો પૂરું થઈ ગયું છે. તુરત જ આવવાનો વિચાર હતો. પણ મને એક સારી નોકરી મળે છે, અનુભવ અને પૈસા બન્ને મળશે. જો મમ્મી નારાજ ન થતી, મોડ ને રામણદીવડો ખરીદી લીધાં છે ને ? પૈસા લઈને આવીશ એટલે ઉપર માળ ચણાવીશું. એક જ વર્ષની વાર છે હવે તો.

સાંજે પોર્ચમાં એ અને દિવાકર બન્ને બેસતાં. દીકરીઓ એમના સંસારમાં ખૂંપતી જતી હતી. ઘડી ઘડી આવવાનું તો શી રીતે બને ? એ ખાલી ખીચડી કે ભાખરી રાંધતાં. પછી સાંજના ઓળાઓ લંબાતા જઈ રાત્રિમાં ભળી જતા ત્યારે બન્ને ત્યાંથી પૉર્ચમાંથી ઊઠી જતાં. દિવાકર ક્યારેક એની ઉદાસીને ફૂલ જેવી હળવી સુગંધિત કરવા કેટલી કોશિશ કરતો ! ખૂબ હસ્યા કરતો. ગમે ત્યાંથી વાતને પકડી લાવવાની કોશિશ કરતો ને ક્યારેક કહેતો :
‘મધુ, માણસે એકલા જીવવાની ટેવ પાડવી જ જોઈએ. ધીમે ધીમે, પાથરેલી બિછાતની જેમ જીવન સંકેલતા જઈ અસ્તિત્વમાં કેન્દ્રિત થઈ જવાનું. ખરી રીતે તો આપણે ભરયુવાનીમાં હોઈએ, આપણી આસપાસ બધાં હોય ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. પરિસ્થિતિમાંથી ગેરહાજર રહેતાં શીખી જવાનું. બસ, પછી જો જીવવાની મજા આવે છે તે !’

એ આઘાત પામી પતિની વાત સાંભળતી. દિવાકરે આવી વાતો તો કદી કરી નહોતી. હવે તો દિવાકર નિવૃત્ત થઈ ગયા હતા. ફુરસદની તો વાત જ શી પૂછવી ? ફુરસદ જ ફુરસદ. એ લાંબે સુધી ફરવા જતા, નવા નવા શોખ કેળવતા. બંગલાના નાનકડા આંગણામાં નવાં નવાં ફૂલો ઉગાડવા, બાગકામ વિષે જાત જાતનાં પુસ્તકો વાંચી, એમાંથી નોંધ ઉતારતા, પ્રયોગો કરતા, આકાશદર્શનનાં પુસ્તકો લાવેલા. પછી રાત્રે તારાઓ, ગ્રહો અને નક્ષત્રોને આકાશમાં શોધતા રહેતા.
…..પણ એ મન ખોલી શકતી નહીં. બાળકો સાથે એવી મમતાની ગાંઠ વળી હતી કે ખૂલી જ નહીં. એ ચિડાતી, ધૂંધવાતી, કયારેક રડી પડતી પણ દિવાકર સ્નેહથી એને સંભાળી લેતા, કહેતા – અરે મધુ હું છું ને તારી સાથે, પછી તારે કોઈની શી જરૂર છે ?
– અને અચાનક દિવાકર ચાલ્યા ગયા..

અચાનક એ મોટો વજનદાર પથ્થર પોતાના પર ગબડી પડ્યો હોય અને એ ચગદાઈ ગઈ હોય એમ કેટલાય દિવસો ઊંડી બેહોશીમાં પસાર થઈ ગયા. આરતી ને જૂઈ આવ્યાં હતાં. અમેરિકન પત્નીને લઈ પદ્મ થોડા દિવસ માટે આવ્યો હતો. દિવસો પાંખો ફેલાવી પક્ષીઓનાં ટોળાંની જેમ ક્યાંના ક્યાં ઊડી ગયા હતા ! ધીમે ધીમે સૌએ પોતપોતાની દુનિયામાં પાછાં ફરવાની તૈયારી કરવા માંડી. પદ્મની ઈચ્છા મમ્મીને થોડા મહિના જોડે પરદેશ લઈ જવાની હતી. આરતી-વિનયને મમ્મીના પાસપોર્ટ, વિસાની માથાકૂટ સોંપીને એ ગયો. બન્ને બહેનો મમ્મીને વારાફરતી પોતાને ઘરે લઈ જવા માગતી હતી. પણ ના, ના, મને ન ફાવે, કહી એમણે વાત ટાળી દીધી હતી. શરૂ શરૂમાં તો થોડા મહિના આરતી ને જૂઈ લગભગ રોજ આવતાં, પછી એ પણ ઓછું થતું ગયું.

રોજ બપોરથી જ એ પૉર્ચમાં આવીને બેસતાં. સામે પતિની ખાલી ખુરશી રહેતી. સૂર્યાસ્ત થતો. સૂર્યે ભરાવેલા નહોરના સોનેરી ઉઝરડા ક્યાંક ક્યાંક હજી વરતાતા. તડકાનું એકાદ ખાબોચિયું હજી દેખાતું. પછી સઘળું અંધકારમાં વિલીન થઈ જતું. હવે તો ખીચડી કે ભાખરી કોને માટે કરવી ! ક્યારેક દૂધ પી લેતાં, ક્યારેક જૂઈ કે આરતી ટિફિન મોકલતાં. એમાંથી બે કોળિયા ખાઈ લેતાં, પણ બધું રસકસ ને સ્વાદ વગરનું. રાતના અંધકારથી એ ઘેરાઈ જતાં ત્યારે માંડ ઊઠતાં, અને શરીર ધકાવીને ધરમાં આવતાં. સૂની ગલી ને સૂનું ઘર. પતિના મૃત્યુનું શલ્ય તો સતત ખૂંચતું પણ પદ્મ તો જાણે કટાર બની છાતીમાં ઊતરી ગયો હતો. બસ, સાવ જ છોડીને ચાલ્યો ગયો ! હા, પોતે તો વર્તુળના પરિઘ પર હતો ને ? સૌનાં જીવનનું કેન્દ્ર તો એમનો પોતાનો સંસાર હતો.

અને અચાનક એક રાત્રે આરતી, જૂઈ આવીને આ બંગલો ખાલી કરવાની વાતો કરવા લાગ્યાં. જૂઈના ઘરની પાસે ગામમાં જ એક નાનું ઘર બન્નેએ ભાડે રાખ્યું હતું. એમણે ઘણી ના પાડી. હવે આ ઉંમરે નવી જગ્યામાં મન ગોઠે નહીં. પણ એ બન્ને તો જળોની જેમ વળગી હતી. ના મમ્મી આટલે દૂર એકાંતમાં, આવા બંગલામાં રહો, એટલે તમારી ચિંતા અમને રહ્યા કરે.
તો એમ વાત છે. માત્ર મારી ચિંતા થતી હતી. હું બોજ હતી !
જૂઈ બે દિવસ રહી ગઈ હતી. બધો સામાન ખાલી કરાવડાવ્યો હતો અને આરતી-વિનય ટ્રક લઈને સવારથી આવવાના હતાં. અને બપોર થઈ ગઈ હતી. હા, સામાનના ખડકલામાં મા ભૂખી બેઠી હશે, એય કાં તો યાદ રહ્યું નહીં હોય !

ખાલી ઓરડાઓમાં ફરી મધુબહેન બહાર આવ્યાં ત્યારે જીવનની નાની-મોટી ગલીઓ વટાવતાં માંડ અહીં સુધી આવી પહોંચ્યા હોય એમ ખૂબ થાકી ગયાં હતાં. મોં બેસ્વાદ બની ગયું હતું અને ફરી પેલી તરસે ઊથલો માર્યો હતો. સામાનનાં ઢગમાંથી માંડ બહાર નીકળી, પૉર્ચમાં આવ્યાં. રાત્રે એમણે સામસામે ગોઠવેલી બન્ને ખુરશીઓ એમ જ ગોઠવેલી પડી હતી. હવેથી આ પતિની સામેની ખુરશી પણ ખાલી જ રહેવાની હતી. બસ, હવે બધું ખતમ થઈ ગયું હતું. અહીં ભર્યોભર્યો સંસાર જિવાયો હતો એનું કોઈ સ્મરણ નહીં રહે. દિવાકરે પ્રેમથી વાવેલા ફૂલછોડ કરમાઈ જશે. આ બે ખુરશી પર બીજા કોઈ બે બેસશે. આ ઘર હવે જશે. એમણે મમતાથી ખુરશી પર હાથ ફેરવ્યો, અને એમાં બેસીને આંખ મીંચી. બંધ આંખોમાં કેટલાં દશ્યો ઊભરાવા લાગ્યાં ! હા, આ ઘર સ્મરણોનો ટીંબો હતું. અને આ ખુરશીમાં એ બેસે કે સિંહાસનની બત્રીસ પૂતળીઓની જેમ એક પૂતળી જાણે એમના ભૂતકાળની કોઈને કોઈ વાર્તા માંડતી.

‘મમ્મી, ઊઠ. ઊંઘી ગઈ કે શું ?’
એ ઝબકી ગયાં. આરતી, વિનય, જઈ અને સુબંધુ બધાં જ બાળકોને લઈને આવી પહોંચ્યા હતાં. જૂઈ ટિફિન લાવી હતી. આરતીની મોટી દીકરી થરમૉસમાં ઠંડું પાણી લાવી હતી. છોકરાંઓ સામાનમાં રમવા લાગ્યાં હતાં, અને ક્ષણભરમાં તો શોરબકોર મચી ગયો હતો.
‘કેમ સામાન માટે ટ્રક નથી લાવ્યા ? કે પછી ફુરસદ નથી મળી ?’ એમણે રૂક્ષતાથી પૂછ્યું.
‘મમ્મી, તું પહેલાં મારી વાત તો સાંભળ.’
બધાં પૉર્ચમાં પગથિયાં પર બેસી ગયાં.
‘જો મમ્મી, સુબંધુ આજે જ બહારગામથી આવ્યા, પછી અમે બધાંએ આખી વાતની નવેસરથી ચર્ચા કરી. મમ્મી, આ સામાન ને બધું આમ જ રહેવા દે. આપણે બંગલો વેચવો નથી.’
એ આંખો ફાડી સાંભળી રહ્યાં. ખરેખર ? આ ઘર, એના સમય ભૂતકાળ સાથે આમ જ રહેશે ?
‘હા મમ્મી. આ ઘર સાથે આપણાં કેટલાં સ્મરણો છે ! અમે રિટાયર થઈશું, ભવિષ્યની કોને ખબર છે ? – કદાચ પદ્મ પાછો આવે. અમે અહીંયા રહીશું તારાને પપ્પાની જેમ આ બે ખુરશીમાં આમ જ બેસીશું તને ને પપ્પાને યાદ કરીશું. અમારાં જીવનને વાગોળીશું. ભાઈબહેનોનાં આટલાં બાળકો છે. કોઈકને કોઈક તો અહીં આવશે, રહેશે, સ્મૃતિની આલબમનાં પાનાં ફેરવશે. હા મમ્મી, આ ઘર તો તારા ને પપ્પાનાં પ્રેમનો – મમતાનો વારસો છે.’

આંસુના ધુમ્મસમાં હાસ્યનું ઉજ્જવળ કિરણ પડ્યું. મધુબહેને આંખો ઢાળી દીધી.

Advertisements

14 responses to “અવાજોનું ઘર – વર્ષા અડાલજા

 1. The story brought tears to my eyes!
  Excellent.

 2. karun vastavikta, saras varta thanks

 3. i don’t completely agree with the mentality of the main character of the story. Why should she feel so lonely when she had such a caring husband after her children left? prem ane moh vacche bahu paatali rekhaa hoy chhe. jo baalako maate prem hoy to emanaa sukh maa sukhi thavaanu hoy, emanaa virah maa dukhi nahi… trane chhokaraao sukhi chhe ne potaane biji koi vaat nu dukh nathi e shu ochhu kukh chhe? jivan ne aapane jevu banaaviye evu bane chhe. positive drasti raakho to badhu sundar laage chhe. I know that life becomes so difficult when someone very close leaves, but afterall you have to live the rest of the live, for good.

 4. I was touched the way author has described the mental battle Madhubahen goes through and rememberance of her past with her family. It helps young generation realize and see themselves in their parents shoes. Feel now, what their parents feel and understand. Thank you for all that!

 5. ખરેખર જીવનનીવાસ્તવિક્તાનુ અદભૂત ચિત્રણ થયુ છે

 6. અત્યંત સંવેદનશીલ વારતા.આવી સરસ વારતા માટે વર્ષાબેનનો આભાર.

 7. whenever I read Varsha didi’s article, tears come in my eyes naturally. I wanted to see you didi, and finally I have seen you at Bhavan’s library during one occation and you had given some personal lacture at reading library’s 3rd floor, and I was there thruout your session. I never missed your article. some of articles was excellent and even on vietnam’s war are really very sanvedansil. But in this artical I also agree with comment given by Riddhi. Thanks for such reallistic articles.

 8. A fine social story.

 9. madhuben sukhi hata. balko sara chhe, to patina mritiu pachhi bangalama koi samajseva karvi joiae. garib chhokrao ne bhanavva, niradhar lokone madad karvi ghana kamo kari shake .

 10. varsha madam,
  jyarthi mane samjan padva mandi tyarthi thi main mari school ni library man thi aemni books vanchvani sharooaat kari.aatish is my favorite book.as i m sciense student i dont like stories wid much more description stories man pan have aevi mentality thai gayi hhe ke explanation ne bypass karvu hahhpan madam na explanation man ke description man aevo to jadu ane chumbak jevi asar hoy chhe ke ek pan word miss karvanu man nathi thatu.she is one of my favoritee author.about this article is just one word very good

 11. I couldn’t stop my tears.Excellent.

 12. Varshaben ni Varta vanchine koi aansu roki sake to j navai, darek varta jane apna dwara jivai rahi hoy tem lage, Kharekhar khub j saras varta
  Varshaben ni badhij vartao saras hoy chhe, temani haji koi aavi j hraday ne sparshti varta mukva vinanti

  Ami

 13. અપેક્ષા.. અપેક્ષા .. અપેક્ષા .. બધા દુઃખોનું એક જ મૂળ .
  વાર્તા વાસ્તવિક છે, પણ નકારાત્મક છે. બંગલો રહે તો જ આનંદ પાછો આવે?