રંગોની રમત – પ્રવીણસિંહ ચાવડા

હું આ પ્રકારની વાતોમાં માનતો નહોતો. બે-ચાર માણસોએ જુદા જુદા સંદર્ભોમાં કહ્યું હતું – અમુક ઘટના યોગાનુયોગ બને તો એનો કંઈક અર્થ હોય. એ કંઈક શુભનું જ સૂચન કરતી હોય. એમાં માનવું, એનો સ્વીકાર કરી લેવો. આ તો હવામાં દોરાયેલી લીટીઓમાં માનવા જેવી વાત હતી. એક લીટી આમ દોરાયેલ હોય, બીજી આકાશમાંથી નીકળી દૂર બીજા સ્થળે રહેલ અન્ય કોઈ વ્યક્તિ કે પદાર્થ સુધી ખેંચાતી હોય, અને એક દિવસે આકાશી નૃત્ય કરતી કરતી એ બે લીટીઓ એકબીજાની પાસે આવે –

એવી એક લીટીની જેમ મને કૃતિકાનો પરિચય થયો. જો કે આ સંદર્ભમાં ‘પરિચય’ શબ્દ મારે જાણી જોઈને થોડાક વિશાળ અર્થમાં વાપરવો પડ્યો છે. કોઈ વ્યક્તિને મળ્યા વગર એનો પરિચય થયો એમ કેવી રીતે કહી શકાય ?

તે દિવસે શ્રી ગાંધર્વ સંગીતસભાના અમારા વર્ગમાંથી નીકળીને અમે ખૂણા ઉપરથી માયસોર કાફેમાં બેઠાં – હું અદિતિ અને કૃષ્ણા માથુર. અદિતિ મારા મામાની દીકરી થાય અને ત્યારે એ અંગ્રેજી સાહિત્યમાં એમ.એ કરતી હતી. કૃષ્ણા પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની હતી. અમારી અદિતિ શ્રી ગાંધર્વ સંગીતસભાના અસ્તિત્વનું કેન્દ્ર હતી. ગાવા-બજાવવા કરતાં બધાને ભેગા કરવામાં, નાસ્તા કરાવવામાં અને પિકનિક કે પાર્ટી ગોઠવવામાં એને વધારે રસ હતો અને આમ સંગીત સિવાયના બીજા સૂરોથી એ હવાને ધબકતી રાખતી. તે દિવસે વર્ગમાંથી નીકળ્યા પછી મારે બીજે ક્યાંક જવાની ઉતાવળ હતી પણ એ બંને મને હાથ પકડીને ખેંચી ગઈ. કૉફીનું તો નામ હતું. એકવાર અંદર ગયા પછી તો કૉફી એકલી ઓછી જ પિવાય છે ! કેળનાં પાંદડાં ઉપર કેરળની સવાર લઈને આવતી ગરમાગરમ ઈડલી, પછી ઉપમા. પછી સ્ટીલની વાડકીઓમાં કૉફી. દરમ્યાન બંનેનું ખિલખિલ અને ખડખડ તો ચાલુ જ હતું.
એમાં અદિતિએ અચાનક કૉફીનો કપ હવામાં અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે લટકાવીને પૂછ્યું, ‘કૃતિકાને મળવું છે ?’
‘કોણ કૃતિકા ?’
‘છે એક.’
‘કોઈ પણ પ્રકારની આકૃતિ કે કૃતિને હું –’
‘આ તો આકાશના નક્ષત્ર જેવી છે. એમ ઝટ હાથમાં આવે એવી નથી.’

અદિતિ તો સરખી વાત કરે નહીં, પણ કૃષ્ણાએ થોડોક પરિચય આપ્યો. કૃતિકા આ સંગીતસભાની જૂની વિદ્યાર્થીની હતી. હું તો ઘણો મોડો, કૉલેજમાં ભણાવવાની નોકરી મળ્યા પછી થોડાક ખૂટતા સૂરોની શોધમાં, ફક્ત હાર્મોનિયમ શીખવાના મર્યાદિત હેતુથી હમણાં જ એ નાની મેડીના દિવ્ય પ્રદેશમાં પ્રવેશ પામ્યો હતો. આ બધાં તો દસદસ વર્ષની ઉંમરથી અઠવાડિયામાં બે વખત અહીં મળતાં હતાં. કૃતિકા શાહ એમાંની એક હતી. આ વર્ષે જ એમ.એ કરવા વડોદરા ગઈ હતી.
‘નામ તો કલાકૃતિ જેવું છે. ઉચ્ચાર કરતાં જ એક શિલ્પ ખડું થાય છે.’
‘ઉતાવળ કરશો નહીં. નામ તો કંઈ જ નથી. નામ જેનું છે એને જોશો પછી જ શિલ્પ શું, સંગીત શું, નૃત્ય શું – આ બધું સમજાશે.’
હું જાણતો હતો. અદિતિ આ બધી વાતો કંઈ ગંભીરતાથી કરતી નહોતી. આ ઉંમરની છોકરીઓ જીવનરસથી એટલી ઊભરાતી હોય છે કે એ શું બોલે એનું મહત્વ નથી હોતું. મહત્વ હોય છે વાતોના ગુલાલ ઉડાડવાનું.

આના બીજા દિવસે રવિવાર હતો. રવિવારનું મારે માટે લગભગ ધાર્મિક મહત્વ હોય છે, તે દિવસે કોઈ કામ કે કોઈને મળવાનું રાખતો નથી. બધા કૌટુંબિક અને સામાજિક તંતુઓ ઢીલા કરી લગભગ ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં વાંચવા-લખવા અને ઊંઘવામાં હું સમય વિતાવું છું. કોઈ વાર વળી સવારે એક ચોપડી અને વૉટરબેગ લઈ સાઈકલ ઉપર કોઈ બગીચામાં પહોંચી જાઉં છું. આ રવિવારે પણ એ રીતે પરિમલ ગાર્ડનમાં રસ્તાથી દૂર ખૂણામાં એક બાંકડા ઉપર ઑસ્પેન્સ્કીની ચોપડી ‘ધ ફોર્થ વે’ લઈને બેઠો. રવિવારની સવાર, બગીચો અને આવું વાંચન એટલે બે કલાકને અંતે ભૌતિક દુનિયાની રેખાઓ બધી લગભગ ભૂંસાઈ ગઈ હતી અને હું શરીરની કોઈ ભારવિહીન અવસ્થામાં તેજ અને આકાશમાં દોલાયમાન હતો. આ સ્થિતિમાં ત્યાંથી નીકળ્યો પછી આપમેળે જ કન્ટેમ્પરરી આર્ટ ગૅલેરીમાં પહોંચી જવાયું. કોનાં ચિત્રોનું પ્રદર્શન હતું એ યાદ નથી. કોઈ ચિત્રની વિગતો પણ યાદ નથી. એટલું યાદ છે કે મુલાકાતીઓના રજિસ્ટરમાં નામ લખવા ગયો ત્યારે એ પાના ઉપર મારાથી બે-ત્રણ લીટી આગળ, સ્પષ્ટ, વજનદાર અને છુટ્ટા અક્ષરોમાં નામ આ પ્રમાણે હતું :

કૃ તિ કા શા હ

હું ઝડપથી ફરી વળ્યો પણ ખાદીનું પાટલૂન અને ઝભ્ભાવાળા એક ચિત્રકાર જેવા ભાઈ ઉપરાંત તે વખતે ગૅલેરીમાં બીજી ચાર જ વ્યક્તિઓ હતી. સિત્તેરેક વર્ષના વૃદ્ધ, પચાસેક વર્ષનાં ગૃહિણી અને ખાદીનાં સફેદ ફ્રૉક અને લીલા રંગના કમરપટ્ટાના ગણવેશમાં એકબીજાની કમરે હાથ વીંટાળી એક ચિત્ર સામે ઊભેલી બે છોકરીઓ. અંધારામાં ખાલી મેદાનમાં ચાલતાં ગાલ પાસે કોઈ સાડીનો છેડો ફરફરી ગયો હોય એવું મને લાગ્યું. તરત બહાર નીકળીને બે બાજુ ફૂટપાથ ઉપર નજર કરી, પણ ત્યારેય હું મારી મૂર્ખાઈથી સભાન હતો. એટલા માણસોમાં કઈ નિશાની ઉપરથી હું એને ઓળખવાનો હતો ? પણ તે દિવસે મોડે સુધી પેલી વજનવિહીન સ્થિતિ તો ચાલુ રહી જ.

એક દિવસ માયસોર કાફેમાં મેં અદિતિ અને કૃષ્ણાને મને થયેલા અનુભવની વાત કરી. અદિતિએ તરત જ તાળી માટે મારી સામે હાથ ધર્યો. મેં પૂછ્યું : ‘કેમ ?’
‘પહેલાં તાળી તો આપો.’
મેં સમજ્યા વગર હાથ એની હથેળીમાં મૂક્યો. ‘મારા ભઈલા !’ હું એનાથી પાંચેક વર્ષ મોટો છું છતાં ચિંતિત સ્વરે એણે મને લાડથી કહ્યું ‘તું ભેખડે ભરાણો !’
અદિતિ કોણ જાણે ક્યાંથી આવા પ્રયોગો શોધી લાવે છે અને ઔચિત્ય જોયા વગર એનો છૂટથી ઉપયોગ કર્યે જાય છે. મહિના-બે મહિનામાં એ ઘસાઈ જાય છે અને એની જગ્યાએ ‘ઊનાની ઓલી કોરનો’ કે એવો કોઈ નવો પ્રયોગ આવે છે. દેશના નાણાપ્રધાન સામે પણ એને વૈચારિક વાંધો હોય તો કહે, ‘એ તો ઊનાની ઓલી કોરનો છે.’
ભેખડે ભરાવાના ચિત્રાત્મક પ્રયોગથી મને થોડીક અગવડ અને વ્યથાનો અનુભવ થયો એટલે મેં અસ્વસ્થતાથી પૂછ્યું : ‘કેમ ?’
અહીં એકવચનનો ઉપયોગ છોડી દઈ એણે કહ્યું, ‘એને તમને મળવું છે.’
‘કોને ?’
‘કૃતિકાને વળી, બીજા કોને ?’
‘પણ –’
‘કુમાર મેગેઝીનમાં તમે કંઈ કવિતા લખી છે, ઉષાનાં ગુલાબી સપનાંને એવું બધું ?’
વિવેચક તરીકે અદિતિની મર્યાદાઓ જાણતો હોવા છતાં આવો આક્ષેપ મને કોઈ રીતે સ્વીકાર્ય નહોતો. અહીં એ અંગેનો વિવાદ પ્રસ્તુત નહોતો, તેથી તે વાત જવા દઈ મેં પૂછ્યું ‘હા, એનું શું છે ?’
‘કૃતિકાને ખૂબ ગમી છે. થેલામાં સાથે લઈને ફરે છે.’
‘તેં વાત કરી હશે. મોટા ઉપાડે કહ્યું હશે મારો કઝિન છે.’
‘કમ ઓન, યાર ! હું આવું બધું વાંચુ એવી છું ? એણે જ સામે ચાલીને થેલામાંથી પેલું ફેંદાયેલું મૅગેઝિન કાઢ્યું હતું – “એક સરસ કાવ્ય વાંચ્યું છે” કહેતાં.’

આ બધી આકાશી વાતો હતી તે હું સમજતો હતો છતાં કૃતિકાને મળવાની, એને એકવાર જોવાની ઈચ્છા થતી હતી. મારે આ લોકોને તો કહેવાય નહીં – કંઈક ગોઠવો ! રજાઓમાં, શનિરવિમાં ક્યારેક એ વડોદરાથી અમદાવાદ આવતી. એ આવીને જાય પછી અછડતી વાતમાં મને જણાવવામાં આવતું – તમને યાદ કરતી હતી. કહેતી હતી એકવાર મળવું છે.

જે માણસને જોયું ન હોય, જેનો ફોટો પણ જોયો ન હોય, એની ભૌતિક આકૃતિ કલ્પ્યા વગર મન તો રહેતું નથી. સિતાર, અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ, કવિતા, ચિત્રકલામાં રસ – આ બધું એક માણસમાં યાદ કરવા માટે કોઈ આકાર તો જોઈએ. મારા મને કોઈ પ્રયત્ન વગર, એના પોતાના નિયમોને આધારે એક આકૃતિ નક્કી કરી લીધી હતી. – ઊંચી, પાતળી અને શ્યામ. આ આકૃતિ અસ્પષ્ટ હતી, ચહેરાની રેખાઓ પ્રગટ થતી નહોતી, પણ બે-ત્રણ તત્વો સ્પષ્ટ હતાં. એક તો ગતિ. લગભગ હવામાં લહેરાતી હોય એમ કૃતિકા શાહને હું બધે ગતિ કરતી જોતો. ખભે ખાદીનો થેલો લટકાવી, છૂટા કેશ સાથે ફૂટપાથ ઉપર, લાઈબ્રેરીમાં, યુનિવર્સિટીનાં ખુલ્લાં મેદાનોમાં, રેલવેસ્ટેશન ઉપર – બધે ખૂબ ઝડપથી, કોઈની સામે જોયા વગર, હોઠ ઉપર એક અંગત સ્મિતની રેખા સાથે એ ફરતી હતી. ગતિ ઉપરાંત દેખાતાં હતાં આંખો અને દાંત. સ્વચ્છ સફેદ દાંત અને ભીના ચળકાટવાળી આંખો. સહેજ શ્યામ, ફિક્કા ચહેરામાંથી એ આંખો મારી ઉપર મંડાતી હતી.

કોઈ રંગ, કોઈ રહસ્ય મને ચારે તરફથી ઘેરી રહ્યું હતું. નિરાંતે, કોઈ ઉતાવળ વગર, સૃષ્ટિનો એક નવો છંદ મારા કાન સુધી આછો આછો આવતો હતો. કોઈ વૃદ્ધ ચિત્રકાર આકાશના કૅન્વાસ ઉપર એક લીટી દોરી રમૂજથી મારી સામે જોઈ રહેતો હતો, ‘આ ?’ અને હું હા-ના જવાબ આપું એ પહેલાં એ જ પીંછી ઊંધી કરી એનાથી કૅન્વાસ ઉપર એક હળવો ટકોરો મારતો હતો અને સિતારનો એક ધીમો સૂર નીકળતો હતો. એ વૃદ્ધ આંખો ઝીણી કરી પૂછતો હતો ‘આવું ?’
હું બોલી ઊઠતો હતો, ‘હા, આ. હા, આવું જ.’

એ લીટી એક દિવસ ખૂબ નજીક આવી ગઈ.
હું બાલ્કનીમાં બેઠો બેઠો વાંચતો હતો. જોડેના ફલૅટવાળાં કલ્પનાબહેન કપડાં સૂકવતાં હતાં. બંને બાલ્કની એટલી નજીક કે ખભા ઉપરથી ઝભ્ભો કે સાડલો લઈને ઝાટકે તો મારી આંખો સુધી ચોમાસું આવી જાય. એમ એક વાર મારી આંખ મીંચાઈ ત્યાં એ બોલ્યાં, ‘ચાર દિવસ બહાર હતા ?’
‘હા, જૂનાગઢ ગયો હતો.’
‘કૃતિકા યાદ કરતી હતી.’
ના, આ રીતે વાત ન થાય. ના, આ તો આકાશમાંથી તમાચો મરાય છે –
મેં ઊભા થયા વગર, શક્ય એટલી તટસ્થતાથી પૂછ્યું, ‘કોણ ?’
‘તમારી વાત કરતી હતી. તમારી કઝિન કોઈ છે, એમ.એ કરે છે ?’
ત્યાં અનિલભાઈ બંડીભેર બહાર આવ્યા, ‘હા ભાઈ, કૃતિકા યાદ કરતી હતી. આની ભત્રીજી થાય ને.’
‘સગી નહીં. કુટુંબના હિસાબે. કે’કે ઘેર હોય તો મળીએ. પણ બાને પૂછ્યું તો કે’ જૂનેગઢ ગયા છે.’ કલ્પનાબહેન બોલ્યાં.
મને જૂનાગઢની ઐતિહાસિકતા માટે જે માન હતું તે ઊતરી ગયું. મારી ભટકવાની પ્રવૃત્તિ વિશે પણ અનેક ઘસાતા વિચારો આવ્યા.
મેં ક્ષીણ અવાજે કહ્યું, ‘ફરી કોઈ વાર.’
‘ફરી વાર બીજા જનમમાં.’ કલ્પનાબહેને ભીના ટુવાલને મોટો ઝટાકો માર્યો, ‘એનું કંઈ ઠેકાણું નહીં. હમણાં વળી આદિવાસીઓની સેવાનું પકડ્યું છે.’
‘એ શું ?’
એનો જવાબ અનિલભાઈએ આપ્યો. ‘તમને ખબર નથી ? એમ.એ નું પડતું મેલીને કોઈ સંસ્થામાં જોડાઈ ગઈ છે અને વાંસદા-ધરમપુરના કોઈ ગામડામાં રહે છે.’
મારા મનમાં રહેલી પેલી આકૃતિમાં જે થોડુંક ખૂટતું હતું તે ઉમેરાઈ ગયું. અને તેજની એ રેખાઓ જમીન ઉપરથી ઊંચકાઈ.

આ પછી લાંબા સમય સુધી કૃતિકા વિશે કંઈ સાંભળવા મળ્યું નહીં. અમારી અદિતિનાં લગ્ન થઈ ગયાં. કૃષ્ણા માથુર ઍરફોર્સના એક જવાનને પરણીને જામનગર ચાલી ગઈ. મારા મન સમક્ષ ગુજરાતના નકશામાં દક્ષિણના ભાગમાં જંગલોની ઉપર એક નાનકડો તેજપુંજ લટકતો દેખાતો ત્યારે મને હસવું આવતું. ખૂબ રમૂજ થતી. ક્યારેક છાતીમાં દુખાવા જેવું થતું. આટલી વેદના વચ્ચે એ પણ ખબર હતી કે આ જે પામ્યો હતો એ ઓછું નહોતું. કુદરતે મને એની કોઈ દિવ્ય રમત માટે પસંદ કર્યો હતો.

આનાં બે-એક વર્ષ પછી હું મુંબઈથી આવતો હતો. બપોર પછી સુરત સ્ટેશન આવ્યું ત્યારે મન તંદ્રના પ્રદેશમાં હતું. મારા કમ્પાર્ટમેન્ટમાંથી બે માણસ ઊતર્યા અને બે ચડ્યા. એક વેપારી જેવા ભાઈ બારી પાસે બેઠા. પચીસેક વર્ષની એક સ્ત્રી સીટની બીજી બાજુ ખૂણામાં બેસી ગઈ. મને ભૂખ નહોતી. પાણીની એક બૉટલ લઈ હું બારી પાસે બેઠો હતો. એક ચોપડી પાસે હતી તે ઉઘાડીને બે-ચાર પાનાં વાંચતો હતો અને પાછી બંધ કરીને બાજુમાં મૂકી દેતો હતો. આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયત્ન કરી જોયો પણ ઊંઘ આવતી નહોતી.

એ પ્રદેશની રેલ્વેની મુસાફરીમાં એક સ્થળ આવે છે જ્યારે દિવસે કે રાતનો કોઈ પણ ભાગ હોય છતાં હું બારી બહાર કંઈ સમજ્યા વગર જોયા કરું છું. તે દિવસે પણ નર્મદાનદી આવી ત્યારે એ દશા થઈ. બારીના સળિયા પકડી મેં થોડીવાર પૂર્વમાં અને થોડીવાર પશ્ચિમમાં એમ ફાંફાં માર્યા કર્યા. નદીનો પુલ પૂરો થયો અને ટ્રેનનાં પૈડાંએ એમનો સાધારણ લય પ્રાપ્ત કર્યો ત્યારે અચાનક અંધારામાં જાગી ગયેલા બાળક જેવી મારી સ્થિતિ હતી.
ત્યારે કોઈના સ્વરનો સ્પર્શ થયો, ‘આ ચોપડી જોવા લઉં ?’
બારી પાસે બેઠેલી સ્ત્રી ધીમું હસતી મારી સામે તાકી રહી હતી. તરત જ મેં ચોપડી એની સામે ધરી. એ ચોપડીનાં પાનાં ફેરવવા લાગી ત્યારે મેં એને બરાબર જોઈ. જીન્સ ઉપર હૅન્ડલૂમનો ઝભ્ભો પહેરેલો હતો. ખભા સુધીના વાળ છુટ્ટા હતા. ચહેરો શ્યામ છતાં ઘાટીલો હતો.

એણે ચોપડી હાથમાં રાખીને જ કહ્યું, ‘ટ્રેનની મુસાફરીમાં કોઈ આવું વાંચતું નથી. મોટે ભાગે જેક્રી આર્ચર કે સિડની શેલ્ડન જ જોવા મળે છે.’
હું વાંચતો હતો એ ચોપડી હતી ઈટેલો કેલ્વિનોની ‘અવર ઍન્સેન્સ્ટર્સ !’ સ્વાભાવિક રીતે પછી આ પ્રકારનું સાહિત્ય, એની શૈલીની વાતો થઈ. એણે ચોપડીઓનાં નામોની ફેંકાફેંક ન કરી છતાં વાંચવા જેવું ઘણું એણે વાંચ્યું હતું એવી છાપ મારા મન ઉપર પડી.
વચ્ચે એણે અચાનક કહ્યું, ‘હું તમારી પાસે બેસું ? ટ્રેનના અવાજમાં વાત કરતાં નથી ફાવતું.’ મેં ખસીને એને માટે બારી પાસે જગ્યા કરી દીધી.
બેસતાં જ એણે કહ્યું, ‘કલાનાં સ્વરૂપો વચ્ચે ભેદ દેખાવ પૂરતો જ છે. કેટલીય વાર્તાઓ સંગીતની સાવ નજીક પહોંચી જતી હોય એવી નથી લાગતી ?’
‘તમને સંગીતમાં રસ ખરો !’ મેં પૂછ્યું.
‘ક્યારેક સિતાર વગાડું છું.’
(હે યોગાનુયોગના દેવતા !)
‘બીજું કંઈ ?’
‘થોડુંક પેઈન્ટિંગ કરી લઉં છું, પણ આ તો બધી રમતો. કંઈ ગંભીર ઊંડાણ કદાચ તમારા જેવાને ન દેખાય.’ કહી એ હસવા લાગી.
(હે આકાશમાંથી લીટીઓ દોરી જુદા જુદા ખંડોને મેઘધનુષથી જોડતા દેવતાઓ !)
એ હાસ્ય તો મને ખૂબ પરિચિત હતું. એ આંખો પણ અને ચામડીનો એ રંગ પણ. સુકાતા કંઠે મેં પૂછ્યું, ‘કેમ, મારા જેવાને એટલે ?’
એણે હાથમાંની ચોપડી ઉઘાડી એના પહેલા પાને મારા હાથે લખાયેલા નામ ઉપર આંગળી મૂકી. ‘ક્યારનીય વિચારતી હતી. તમે કવિતા લખો છો ને ?’
મેં સહેજ આગળ નમીને પૂછ્યું, ‘તમે કૃતિકા શાહ ?’
(ત્યારે રંગોના દેવતા આકાશમાં ખડખડાટ હસ્યા હશે. એમણે યોગાનુયોગનો વિભાગ સંભાળનાર દેવતાના ખભે ધબ્બો માર્યો હશે.)
એણે સહેજ ખચકાઈને કહ્યું, ‘ના મારું નામ તો રાધિકા. રાધિકા શાસ્ત્રી.’

એ સાથે બહાર તેમ મારી ભીતર રંગોની નવી વ્યવસ્થા ગોઠવાઈ પણ ઝળહળાટ સહેજ પણ ઓછો થયો નહીં. બારી પાસે રાધિકાના કેશ એની આંખોની આજુબાજુ ઊડતા હતા અને એની બહાર મોટું વર્તુળ રચી ઊડતું હતું એનું હાસ્ય.

કૃતિકા ક્યારેય મળી નથી. હમણાં અદિતિ પાસેથી જાણ્યું કે એ તો ધરમપુરના આદિવાસીઓને પણ પડતા મૂકીને ફિલ્મદિગદર્શનનો ડિપ્લોમા કરવા લંડન ઊપડી ગઈ હતી અને ત્યાં એક કૅનેડિયનને પરણી ગઈ હતી.

લગ્ન પહેલાં કે પછી રાધિકાએ મને ક્યારેય પૂછ્યું નથી કૃતિકા શાહ કોણ. પૂછશે તો કહીશ – તું.

Advertisements

16 responses to “રંગોની રમત – પ્રવીણસિંહ ચાવડા

 1. એક મનોરંજક વાર્તા. કોઇને જોયા મળ્યા વગર એ વ્યકિતની કલ્પના કરવી અને પછી એને મળવાની તિવ્ર ઇચ્છા થાય એટલી હદે એ વ્યકિત માટે ની વાતો સાંભળવી, એને મળવાની ઉભી થયેલ તકો ગુમાવતા જવું અને અંતે ક્દી ના મળેલ વ્યકિતને ગુમાવી દેવી..હવામાં ની લીટીઓ..?!!

  જે કદી આપણુ ના હતું કે થશે એની ખબર જ ના હોય તો તે ગુમાવવાનો અફસોસ ના કરવો. નાયક નું અંતિમ પગલું બરાબર જ છે.

 2. Really good story ! and I liked this “Una ni oli par no” , a pure Kathiyavadi slang !!

 3. a very unique way of expression… loved reading it.

 4. Very interesting story…nicely written by Pravinsingh!

 5. hmm… very nice story. with all the vivid informations. wow… nice ending!!

  thanks..

 6. Too good sir… Keep it up…

 7. “Dharo ke Aek Sanj AApne malya” Ghazal ni yad apavi gai varta

 8. Very nice & interesting story sir… I liked sir

 9. lekhak ni bajuni balcony ni jem, mara shudhi vachant aavi gayi aa vanchine, ne thoduk bhinjavi pan gayi, radaysprasi, Thanks

 10. If I asked “who are you” by the writer, I would be confused to decide from Krutika and Radhika!!!!! Well, this may be my way to express my ‘wow!’ to the fantastic way of telling a story caring such a tender subject. Hats off!! Pravinsinhjii, You are the writer we Gujarati readers are waited for a long!

 11. “Hatke” story chhe. While reading the story, I was confident and sure that I know the end of the story. But it took twist suddenly. I love this type of stories. Very nice