નીકળ – મનહર જાની

રોક્કળ ને રોદણામાંથી નીકળ
બાચકા-બાખોણિયામાંથી નીકળ.

મૂક તડકે સાત પેઢીનો સંબન્ધ
વૈતરાં – વાણોતરાંમાંથી નીકળ.

લાગણીઓના લબાચા લઈ બધા
ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ

આ રીતે ફતવા ન કર માણસતૂણસ
પાંગળા પોતપણામાંથી નીકળ.

ઊઠ ઊભો થા ગમે ત્યાં જા બીજે
માંદગીના માંદણામાંથી નીકળ.

જૂનવાણી સ્વપ્નના સિક્કા લઈ
આંખના ઈસ્કોતરામાંથી નીકળ

જા ભૂલી જા કક્કો-બારખડી બધું
આ ગઝલના ગોખલામાંથી નીકળ

આ અભય વરદાન છે ‘મનહર’ તને
જા રદીફ ને કાફિયામાંથી નીકળ

Advertisements

One response to “નીકળ – મનહર જાની

  1. સરસ ભાષાકર્મ… શબ્દોને નિચોવીને અર્થ કાઢવાની રમત ખરી પણ તે વળી સફળ પણ……અભિનંદન…