ગઝલસંહિતા – રાજેન્દ્ર શુક્લ

[ જૂનાગઢના કવિશ્રી રાજેન્દ્ર શુક્લને નરસિંહ મહેતા એવોર્ડ પ્રદાન કરવામાં આવનાર છે એ અનુસંધાનમાં, આ એવોર્ડ ને સાર્થક કરતી એમની બે ગઝલ રચનાઓ એમનાં ગઝલ સંગ્રહ- ‘ગઝલસંહિતા’માંથી સાભાર. ]

rajendra shuklaચેત મછંદર…

ના કોઈ બારું, ના કોઇ બંદર ચેત મછંદર,
આપે તરવો આપ સમંદર ચેત મછંદર!

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર ચેત મછંદર!

કામરૂપિણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર ચેત મછંદર!

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણાં કાળની કંદર ચેત મછંદર!

સાંસ અરુ ઊસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક, આયા જોગંદર ચેત મછંદર!

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂર કી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર ચેત મછંદર!

ચડો ચાખડી, પવન પાવડી, જય ગિરનારી,
ક્યા હે મેરુ, ક્યા હે મંદર ચેત મછંદર!


ગોરખ આયા….

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા!

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદશબદ મિરદંગ બજાયા ગોરખ આયા!

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી અરુ બિખરી માયા, ગોરખ આયા!

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ ભૈરવ સૂર ગાયા ગોરખ આયા!

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સીમટી કાયા, ગોરખ આયા!

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા!

લગી લેહ લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફલ પાયા, ગોરખ આયા!

Advertisements

One response to “ગઝલસંહિતા – રાજેન્દ્ર શુક્લ

  1. મચ્છંદર અને ગોરખની શૃંખલાની સુંદર ગઝલો શોધી લાવ્યા, મૃગેશભાઈ!
    !