એલિફન્ટાની મુસાફરી – નટુ મિસ્ત્રી

1954-55ની વાત છે…. જ્યારે મુંબઈ દ્વિભાષી રાજ્ય હતું. ગુજરાતનું અલગ રાજ્ય સ્થપાયું ન હતું. એટલે કલાના વિદ્યાર્થીઓને કલાની ઉચ્ચ પરીક્ષાઓ આપવા માટે મુંબઈની જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાં જવું પડતું.

અમે પણ અમદાવાદના પાંચ મિત્રો બીજા વર્ષની પેઈન્ટિંગની પરીક્ષા આપવા મુંબઈ ગયેલા. કલાની પરીક્ષામાં વાંચવા કરવાનું હોય નહિ. એટલે માનસિક ભાર જરાય ન લાગે. પરીક્ષા લગભગ પંદર દિવસ સુધી ચાલે. ચાલુ દિવસોએ સાંજે અને રવિવારે અલગારી રીતે રખડવામાં નવાં નવાં સ્થળો જોવામાં અમે સહુ મિત્રો સમય પસાર કરીએ.

વચ્ચે આવતા રવિવારના દિવસે પાંચેય મિત્રોએ એલિફન્ટાની ગુફા જોવાનો તથા ત્યાં સ્કેચ-લૅન્ડસ્કેપ વગેરે કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. એ વખતે એલિફન્ટા જવા ગેટવે ઑફ ઈન્ડિયા પાસેથી સવારે 8.00 વાગે એક ફેરી બોટ જાય. જે સાંજે 6.00 વાગે પરત આવે. આ સિવાય ખાસ કોઈ સાધન ન હતું. ત્યાં એલિફન્ટા ટાપુ પર પણ રહેવા-જમવાની કોઈ જ સગવડ ન હતી. એટલે બધા મિત્રોએ નાસ્તા-પાણી સાથે લીધા અને ફેરી બોટમાં ઊપડ્યા ! કલાકની મશીનબોટની મુસાફરી કરી. એલિફન્ટા ટાપુ પર પહોંચ્યા. ફેરીમાં બીજાં પણ ઘણાં મુસાફરો હતાં. બપોર સુધી બધા મિત્રોએ સાથે ફરી ગુફામાંના શિલ્પો જોયા, ચર્ચાઓ કરી, સાથે નાસ્તો કર્યો. પછી કાર્યક્રમ એ રીતે નક્કી કર્યો કે હવે દરેક જણ યોગ્ય લાગે ત્યાં બેસી સ્કેચ-લૅન્ડસ્કેપ વગેરે બનાવે. પરંતુ પાંચ વાગે બોટ પરત જવા ઉપડતી હોઈ સાડા-ચાર વાગે બોટના ધક્કા ઉપર ભેગા થઈ જવું એવું નક્કી કર્યું.

કલાકાર તો અલગારી જીવ. અમારા ગ્રૂપમાં હું, ગજેન્દ્ર શાહ, પ્રમોદ સોની, પીરભાઈ મનસુરી અને ડાહ્યાભાઈ કાબરિયા હતા. દરેક જણ પોતપોતાના કામે લાગી ગયા અને સમય વ્યતીત થવા લાગ્યો. સાડાચારની આસપાસના સમયે ચાર મિત્રો તો ધક્કા પાસે આવી ગયા. પરંતુ ભાઈ પ્રમોદ સોની દેખાયા નહિ. બધાના મનમાં હતું કે હમણાં આવશે, હમણાં આવશે. એમ રાહ જોતાં હતાં. સમય વ્યતીત થતો હતો. પાંચમાં પાંચ મિનિટ બાકી હતી. બોટની વ્હીસલ વાગી. બોટ પર બેસી જવાનો હુકમ છૂટ્યો. અમે ચારેય મિત્રો મૂંઝવણમાં હતા. હજી ભાઈ પ્રમોદ સોની આવ્યા ન હતા. હવે શું ? અમે બધાયે થોડે દૂર જઈ પ્રમોદના નામની ખૂબ બૂમો પાડી. પણ વ્યર્થ. હવે શું ? બોટના મેનેજરે અમને હુકમ કર્યો કે તમે બેસી જાવ….નહિતર તમને મૂકીને અમે ફેરી લઈ જઈશું. પણ અમારા પાંચ સાથીમાં અમરેલીના ભાઈ ડાહ્યાભાઈ કાબરિયા મિલિટરીમાં રહી ચૂકેલા. એટલે ખૂબ જ ખડતલ. તેમણે રસ્તો કાઢ્યો, ‘ભાઈ, તમે ત્રણ જણ ફેરીમાં બેસી જાવ. હું રોકાઉ છું. મિલિટરીનો માણસ છું. મને તરતા ખૂબ ફાવે છે. પ્રમોદ આવશે એટલે એને મારા ખભે બેસાડી હું 20 માઈલ તરીને પણ રાત્રે પ્રમોદને લઈ પાછો ફરીશ.’ અમને કમનેય ફેરી પર બેસવા સિવાય છૂટકો ન હતો. અમારી બોટ રવાના થઈ.

હવે આ તરફ જોઈએ તો ભાઈ પ્રમોદ દૂરના સ્થળ પર વૉટર કલર લૅન્ડસ્કેપ કરવા બેઠેલો. તેને સમયનું ભાન જ ન રહ્યું. કલાકાર આખરે કલાકાર જ છે. કામ પૂરું થતાં સમયનું ભાન થયું. ઝટપટ સામાન પેક કરી દોડ્યો તો દૂર દૂર ફેરી બોટ જતી જોઈ. હવે શું ? તે તો એકદમ ભાંગી પડ્યો.

પણ ધક્કા પર એક અડગ ઉભેલી વ્યક્તિને જોઈ પ્રમોદને હિંમત આવી. પણ નજીક આવતાં જોયું તો પોતાનો મિત્ર ડાહ્યાભાઈ કાબરિયા ધૂંઆપૂંઆ થઈ ઊભો છે. પ્રથમ તો પ્રમોદને બરાબર ધમકાવી નાખ્યો. પણ ‘હવે શું ?’ પરિસ્થિતિનું ભાન થતાં બન્ને રડી પડ્યા. પણ ડાહ્યાભાઈ હિંમતબાજ માણસ. ધક્કાની આજુબાજુ જઈ બૂમો પાડવા માંડી કે જેથી કોઈ હોય તો ખબર પડે. ધક્કાની ફરતા છેડે એક નાનકડી મશીન બોટ પડેલી. એને એની આજુબાજુ થોડી ચહલપહલ વરતાઈ. બંને મિત્રો ત્યાં દોડયા. ચારપાંચ પરદેશી મુસાફરો લઈ એક મશીન બોટ એલિફન્ટા બતાવવા આવેલી. તેઓ હવે પરત જવાની તૈયારી કરતા હતા. બંને મિત્રોએ દોડતા ત્યાં પહોંચી પોતાની આપવીતી કહી. પણ બોટમાં બે જણ વધારાના બેસે એવી કૅપેસિટી ન હતી એવો ખુલાસો બોટના નાવિકે કર્યો. ફરીથી નિરાશા વ્યાપી. પણ ડાહ્યાભાઈનું ડહાપણ કામ લાગ્યું. તેમણે વિનંતી કરી કે એક જણને બેસાડો. હું એકલો બેસીશ. અને આ પ્રમોદ નાના બાળક જેવો નાજુક છે. હું તેને ખોળામાં બેસાડીશ. આવી વાત પર બધાને હસવું આવી ગયું. બધા સાથે બેઠા અને અંધારું થાય એ પહેલાં મુંબઈના પરામાં ગેટ-વે પર હેમખેમ પરત આવ્યા. બધા મિત્રોના જીવ પછી જ હેઠે બેઠા.

Advertisements

One response to “એલિફન્ટાની મુસાફરી – નટુ મિસ્ત્રી

  1. very good article showing the behavior of artists.artists are always algari and get absorbed in what they do.