સાંબેલું, સૂપડું અને સૂંડલા – ભગીરથ બ્રહ્મભટ્ટ

picture[ ‘કુમાર’ સામાયિકમાંથી સાભાર ]

આજે તો પ્લાસ્ટિકનાં, સ્ટીલનાં, ઍલ્યુમિનિયમનાં વાસણો બજારમાં આવી ગયાં છે એટલે સૂંડલાનું ચલણ ઓછું થઈ રહ્યું છે. ગ્રાઈન્ડર અને હૅન્ડમિક્સીના વપરાશે સાંબેલું ભુલાવી દીધું છે અને સૂપડાનો ઉપયોગ પણ ઘણુંખરું રહ્યો નથી, પણ આ ત્રણેય સાધનોથી ઘર ત્યારે જીવતું જણાતું. એ ત્રણેયથી કૃષિપરિવાર બંધાયેલો.

ખાંડણિયો પણ ક્યાં રહ્યો છે ? પહેલાં તો પ્રત્યેક ઘરમાં એક લાકડાનો જડેલો ખાંડણિયો હોય, એ ખાંડણિયામાં ખાંડવાનું કામ થાય, એ ખાંડવાનું જેની મદદથી થાય એને સાંબેલું કહેવાય. સાંબેલું ત્રણેક ફૂટ લંબાઈ ધરાવતું, અસલ ઈમારતી લાકડામાંથી ઘડેલું, કોતરણીવાળું, રંગીન હોય. એના પાયાના ભાગમાં એક લોખંડની રિંગ – ખોળ જડેલી હોય જેને સાંબ કહેવાય. એ સાંબની સહાયથી ખાંડવાનું કામ સરળ બને.

સાંબ શબ્દ યાદ આવતાં કૃષ્ણનો જાંબુવતીથી થયેલો પુત્ર સામ્બ પણ યાદ આવે. યાદવો સાથે મળી કોઈ ઋષિની એણે મશ્કરી કરેલી. ઋષિએ શાપ આપ્યો : ‘જા, તારી કૂખે સાંબેલું જન્મશે.’ એમણે સાંબેલાને નામશેષ કરી નાખ્યું, એની લોખંડની ખોળ દરિયામાં નાખી દીધી, એ કોઈ માછલી ખાઈ ગઈ, કોઈ માછીમારના હાથમાં એ માછલી આવી, તેમાંથી તેણે ભાલો બનાવ્યો અને એ ભાલાથી કૃષ્ણ ભગવાન વીંધાયા હતા અને સ્વધામ ગયા હતા. ભગવાનની મુક્તિનું નિમિત્ત પણ આ સાંબેલું બનેલું.

સાંબેલાનો સંબંધ ખાંડણિયા સાથે છે. ધાન્યના દાણા છૂટા પાડવાનું કામ સાંબેલું કરે છે. દાણા સાથે ભરાઈ રહેલાં તત્વોને વિખૂટાં પાડવાનું કામ ખાંડણિયામાં સાંબેલું કરે છે. સાંબેલાથી કાંગ છડાય, ચણો છડાય. સુદામાએ જે તાન્દુલ કૃષ્ણ ભગવાનને આપેલા એ સાંબેલાથી છડેલા તાંદુલ. સાંબેલાનો સ્વભાવ મુક્તિ આપવાનો છે. સાંબેલું એકાકી છે, એને પણ એકલા રહેવાની આદત છે. સાંબેલું જન્મથી ખૂણો પાળે છે. એના ઉપર કાળના ધબ્બા પડ્યા છે. વાપરનારા બદલાતા રહે છે પણ એ તો એનું એ જ રહે છે. એના કામમાં કોઈ ફરક પડતો નથી. એને મન બધાં સરખાં છે. એ વધુ તો નિસ્પૃહી છે. એને દગોપ્રપંચ ફાવ્યા નથી, એનો ઉપયોગ જે કોઈ કરે એને એ પરિણામ પહોંચાડે છે. ક્યારેય કોઈ એનો ઉપયોગ હિંસક કરવા ઈચ્છે ત્યારે એના રૂદિયામાંથી ચીસ નીકળી પડે છે. સાંબેલું શબ્દપ્રયોગ નાન્યતર જાતિનો છે પણ એનો સૌથી વધુ ઉપયોગ નારી કરતી હોય છે. ‘સવા મણનું મારું સાંબેલું ઘડ્યું પેલા લાલિયા લવારે…’ જેવી લોકપંક્તિઓ બોલાય છે.

‘સૂપડામાં સુવાડ્યા મારા કા’ન જેવી લોકગીતની પંક્તિઓ જાણીતી છે. સૂપડું આમ તો વાંસનું બને, વાંસની સળીઓ ગોઠવી, ચામડામાં મઢી દેવાય ત્યારે સૂપડું તૈયાર થાય. ઘણી વાર તો સૂપડાને માટીથી કે કાગળથી લીંપી દેવામાં પણ આવે, જેથી એનું આયુષ્ય વધે. સૂપડું સ્વભાવે સારગ્રાહી છે. સારગ્રહણ કરી લેવાનું સૂપડા પાસેથી શીખવા જેવું છે. એ સારું સારું સ્વીકારવા અને નિકૃષ્ટને અલગ તારવી આપવાનું કામ કરે છે. સૂપડું સ્વભાવે સારગ્રાહી હોવાનું કારણ એની પહોળાઈ છે. એ લંબકર્ણ હાથી જેવું પહોળું હોય છે. લંબકર્ણવાળા સાંભળે બધું જ, ગ્રહણ ખપ પૂરતું જ કરતા હોય છે. સૂપડાંનું પણ એવું જ. એના ઉદરમાં બધું જ આવે એ પણ નિસ્પૃહભાવે સારાસારનો વિવેક કરી આપી વળી પાછું તટસ્થ થઈ જતું હોય છે. આપણા કોઈ સંતે તો કહ્યું જ છે કે ‘સાધુ ઐસા ચાહિએ જૈસા સૂપ સુહાય’ સાધુ સૂપડા જેવો – સારાસાર ગ્રહણ કરી લે અને નિ:સત્વ હોય એને છોડી દે. આમ, સૂપડું એ નિ:સ્પૃહભાવ ધરાવે છે. સૂપડું વાપરવું એની પણ એક વિશિષ્ટ રીત હોય છે, કંઈ બધી બહેનોને કે બધા ભાઈઓને સૂપડું ચલાવતાં ન આવડે. સૂપડું ચલાવવું-ઝાટકવું. એકધારો અવાજ થાય, કાંકરા-ફોતરાં તરીને અલગ પડે. વજનમાં હલકું હોય તે તરત બહાર નીકળી જ જાય. સૂપડાને ભલે હાથ ચલાવતા હોય, પણ ચાલતું હોય છે સૂપડું જ. સૂપડાને કારણે જ ધાન્ય ખાવા લાયક બને છે. સૂપડું કોઈ પક્ષાપક્ષમાં પડતું જ નથી. એનો વિવેક જ એનો સદગુણ બને છે. રબારી સમાજમાં બાવીસ વરસે લગ્નટાણું આવે છે એટલે સૂપડામાં લગ્ન કરાવવાનો રિવાજ છે, બાળક નાનું હોય એને સૂપડામાં બેસાડી પરણાવાય છે. આજે રબારીસમાજમાં આવાં લગ્નો થાય છે.

સૂંડલા એ માનવશરીર જેવું એક માધ્યમ છે. શરીરમાં જેમ પાર વગરની વૃત્તિઓ હોય છે એ વૃત્તિઓને શરીર સાચવે છે એમ સૂંડલાઓ દ્વારા ઘનપ્રદાર્થોની ફેરબદલી થતી હોય, એમાં રોકડા રૂપિયા ભરો કે અનાજ ભરો એને મન બધું સરખું છે, એ પણ નિ:સ્પૃહભાવે બધું સાચવે છે. પરત કરે છે. આમ સાંબેલું, સૂપડું અને સૂંડલા ત્રણેય નિ:સ્પૃહતાનો પદાર્થપાઠ ભણાવનારા સાધનો છે.

જેમનો ઘરસંસાર ખેતીની આવકે ચાલતો હોય, જેમનાં ઘર માટીનાં-નળિયાંનાં હોય, દુધાળાં ઢોર જેમનો પગાર કરતાં હોય એવાં પરિવારોમાં સાંબેલું, સૂપડું અને સૂંડલા રોજિંદાવ્યવહારમાં વધુ વપરાશમાં લેવાતાં હોય. આ ત્રણેયમાં પરોવાઈને દિવસ પસાર થાય. ઘરવખરીમાં અનાજ રાખવાની મોટી કોઠીઓમાંથી અનાજ બહાર નીકળે સૂંડલામાં, સૂડલેથી આવે સૂપડે… સૂપડેથી પહોંચે સૂંડલે, અને પછી ઘંટીના આરામાં… ચક્ર ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે.

એક ઓરડાવાળું ઘર. ઓરડે દીવાલ ઉપર શોભતા હોય સૂડલા, દૂધાળાં ઢોર આંગણે વાગોળતાં હોય, ખેતીનાં સાધનો અને ખેતપેદાશ ઓસરીમાં સચવાય, ઘરવખરીમાં અનાજ રાખવાની કોઠીઓ અને પટારો. માટીના કોઠલા. અભરાઈ ઉપર ગોઠવેલાં કાંસા, તાંબા, પિત્તળ વગેરેનાં વાસણો ને જોડાજોડ કાગળના બનાવેલા સૂંડલા. એક ખૂણે ઘંટી, વળગણી, વળગણી નીચે સૂપડું પડ્યું રહે…. સૂપડામાં પડ્યું હોય બટાકા કે સુકાઈ જતાં રિંગણ જેવું કશુંક. ઓસરીમાં જમીનમાં બનાવેલું ખાંડણિયું અને નજીક ખૂણામાં રહેતું સાંબેલું. સાંબેલા ઉપર માના, ભાભીના, કાશીમાના પંજાની છાપ પડી હોય. ખાંડણિયાને પ્રતાપે ચૂલા ઝળહળતા રહે. ચૂલો જીવતો હોય એમાં સૂપડાની સહાય હોય, સૂંડલાની સહાય હોય અને સાંબેલું ય કારણરૂપ બને. સૂંડલામાં દાણા આવે, એ દાણા ખાંડણિયે ખંડાય, સૂપડે ઝટકાય, ઘંટીએ દળાય પછી ચૂલે ચઢે. પહેલો રોટલો કૂતરાનો થાય. પણિયારા પર સફેદ ગળણે બાંધેલા માટીના ગોળામાંથી એક લોટો પાણી…. રોટલા સાથે આંગણે નંખાય. કૂતરાં આવે. ઘરમાં નાનું ઘરમંદિર… નાની સૂંડલીમાં લાવેલાં ફૂલ દેવને ચઢે. વળગણી ઉપર લટકતાં લૂગડાં આખા દિવસનો અહેવાલ જોયા કરે, વાંચ્યા કરે. ગોખલામાં હોય દીવો. દીવાના ઉજાસમાં સાંબેલું હસે. ખાંડણિયો ઊંઘે અને સૂંડલા ઊંધા મુકાય. સૂપડું જોયા કરે.

સૂપડું-સૂંડલા કાગળથી લીંપાય. કાગળ પલાળાય, કુટાય – લોટ થાય, એનાથી સૂપડાં લીંપાય, સૂંડલા લીંપાય, કેટલાક સૂંડલા તો કાગળના જ બને. તાંસળાં, તપેલાં, માટલાં ઊંધા મૂકી એની ઉપર કાગળનો લોટ થેપાય, ઠંડો પડે એટલે ઉખેડી સેવાય અને તૈયાર થાય સૂંડલો. એક પાત્ર તૈયાર થાય. નકામા કાગળ પલાળાય. એમાં મેથીનો લોટ ઉમેરાય, ક્યારેક આમલીના કચૂકાનો લોટ પણ ઉમેરાય. લોટ-લુગદી થઈ જાય પછી જ એનો ઉપયોગ થતો. મારાં બા આવી લુગદી તૈયાર કરી એક માટલું ઊંધું વાળે. એના ઉપર થેપી નાખે. એને આઠેક કલાક પછી ખોલે. સૂંડલા-સૂંડલી તૈયાર થઈ જાય. ઉપરથી પડે પણ તૂટે નહિ. એને રંગ પણ કરાય, રમચી કે ચૂનો. એ ઓરડામાં ભરાવાય. એની પણ શોભા. ખળામાં પાકેલું અનાજ કોઠારમાં ભરવા માટે એનો ઉપયોગ થાય. દળણું કાઢવા માટે વપરાય. નાની સૂંડલીમાં દાણા લઈ બા શાક લેવાય જતાં. એ વખતે લોખંડનાં તગારાં અને સ્ટીલનાં વાસણો ઓછાં, પ્લાસ્ટિક તો હતું જ ક્યાં ? સૂંડલા જ વપરાય. જેવી ઘરમાં જરૂરિયાત એ પ્રમાણે સૂડંલા બને. દરેક ઘરમાં બેચાર તો હોય જ. સૂંપડું એક જ હોય, સાંબેલું પણ એક જ. જે દ્રવ્યથી સૂંડલા બને એ જ દ્રવ્યનો ઉપયોગ કરી વાંસની સળીઓ – ખાપટોનાં સૂપડાં લીંપાય અને એનું આયુ વધે. ઘણી વાર તો એવા સૂપડામાં કાગળનો લોટ પાથરી એક નવું જ કાગળનું સૂપડું બનાવતાં – જેમાં અપવાસનું ધાન્ય સાફ થાય – રાજગરો, રાજગરાનો લોટ, મોરૈયો વગેરે.

ખાંડણિયામાં સાંબેલા વડે અનાજ ખંડાય, સૂપડાં વડે સાફ થાય પછી તેનો આહારમાં ઉપયોગ થાય છે. સ્ત્રીપુરુષે પણ સમાજમાં સુખ-દુ:ખ, હર્ષશોક, આધિવ્યાધિની ખાંડણીમાં પ્રસંગ-ટાણું-અવસર-કાળનું સાંબેલું ખાંડે પછી જ ફોતરાં દૂર થાય એટલે કે અહંકાર, વાસના, મોહ જેવાં દૂષણોથી મુક્ત થવાય એવી અર્થવ્યંજના લઈને એ ઉપકરણો બેઠા છે. આપણે કેવળ એનો સ્થૂળ ઉપભોગ જ ન કરીએ, સૂક્ષ્મ અર્થને પણ સમજીએ. મરમીઓએ લોકસાહિત્યમાં એને કંઈ અમથું સ્થાન આપ્યું હશે ?

Advertisements

3 responses to “સાંબેલું, સૂપડું અને સૂંડલા – ભગીરથ બ્રહ્મભટ્ટ

  1. Very interesting article. It is amazing how we can learn so much from the simplest things around us. It reminded me of the famous poetry lines about sambelu..

    polu che te vagyu tema kari te shi karigari,
    Sambelu vagade to hu janu ke tu shano che.

  2. ગણેશજીનાં કાન સુપડા એવા એટલે જ કહેવાય છે કે નકામી વાતો કાંકરા અને ફોતરાની જેમ ઉડાડી દેવી.

    સુંદર લેખ મૂકવા બદલ આભાર

  3. Amazing Article. Thank you Bhagirathbhai & Mrugeshbhai.