ડોક્ટર સેવકરામ સેવાવાળા (હાસ્ય નાટક) – નીલમ દોશી

[લેખિકા શ્રીમતી નીલમબહેન દોશી(કોલકતા)નું નાટકોને લગતું પ્રથમ પુસ્તક ચાલુ મહિનાના અંતમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ માં પસંદગી પામીને પ્રકાશિત થવાનું છે. હજી પુસ્તક માર્કેટમાં આવે એ પહેલા તેમણે રીડગુજરાતીના વાચકો માટે તેમાંનું આ એક હાસ્ય નાટક મોકલી આપ્યું છે, જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nilamhdoshi@yahoo.com ]

પાત્રો:

ડોકટર….. (30 થી 35 વરસ ની ઉમર છે.)
મગન…..પટાવાળો(મગન:25 વરસ ની આસપાસ ની ઉમર)
બે દર્દી.
સ્થળ……..ડોકટર નું દવાખાનું.

(પડદો ખૂલે છે ત્યારે ડોકટર ખુરશી માં બેઠા બેઠા બગાસા ખાય છે…પછી ઝોલા ખાય છે,માથુ નમી પડે છે….વળી સરખા થાય,વળી નમે….કરતા કરતા ખુરશી પરથી ઉથલી પડે છે….નીચે પોતે ને ઉપર ખુરશી છે….રાડ પાડે છે….)

ડૉકટર : ઓય મા…મગના, એલા મગના….ક્યાં મરી ગયો ?
મગન : (દોડી ને આવે છે.) હજુ ક્યાં મર્યો છું ? હજી મેં કંઇ તમારી દવા લીધી નથી !!
ડોકટર : પણ આમ ઉભો ઉભો જોવે છે શું ?
મગન : અરે જોતો નથી તમને શોધુ છું. હેં સાહેબ, તમે કયાંથી બોલો છો ? ઉપર તો નથીપહોંચી ગયા ને ? તમે જ તમારી દવા નથી લીધી ને ? મને કેમ દેખાતા યે નથી ? (આજુબાજુ જુએ છે…)
ડોકટર: એ ય….અક્કલ ના ઓથમીર…આમ નીચે જો નીચે.
મગન: (પોતાની નીચે જુએ છે) મારી નીચે ? સાબ, મારી નીચે તો કંઇ નથી. પણ આ તમે બોલો છો કયાંથી ?
ડોકટર: અરે મૂરખ તારી નીચે નહીં..આ ખુરશી નીચે..ખુરશી નીચે જો…..
મગન: (બાજુ માં પડેલી ખુરશી નીચે જુએ છે.) હા,સાહેબ,આ ખુરશી નીચે તમારી સ્લીપર પડી છે, પણ સ્લીપર માં તમે કે તમારા પગ કંઇ નથી.
ડોકટર: અરે બુદ્ધુ…એ ખુરશી નીચે નહીં…..મારી…મારી ખુરશી નીચે જો…
મગન: પણ સાહેબ, તમારી ખુરશી જ નથી દેખાતી.કયાંથી જોઉં ?
ડોકટર: અરે હું પડી ગયો છું નીચે….મારી ખુરશી યે પડી છે નીચે….મારી ઉપર
મગન: સાહેબ. ઉપર કે નીચે ? એટલે કે તમે ખુરશી ની ઉપર છો કે ખુરશી તમારી ઉપર ? (નીચે વળી જુએ છે…) ઓહ!!! સાહેબ, આ તો તમે ખુરશી નીચે છો…..ને ખુરશી તમારી ઉપર. પણ હેં સાહેબ આમ ખુરશી નીચે કાં બેસી ગયા ? કોનાથી સંતાઇ ગયા ?

ડોકટર: અરે, કોઇ થી સંતાઇ નથી ગયો મારા બાપ ! પડી ગયો છું પડી. હવે લપ કર્યા વિના મને જલ્દી મદદ કર ઉભો થવામા. (મગન નીચો નમી ડોકટર ને ખેંચે છે.)
ડોકટર: (રાડો પાડે છે) એ ય મૂરખ, પહેલા ખુરશી તો ઉપાડ મારી પરથી…..એમ મૂરખ ની જેમ સીધો ખેંચે છે.
મગન: ઓહ! એટલે પહેલા ખુરશી ને ઉભી કરું ને પછી તમને….બરાબર ને ?
ડોકટર: મ..ગ..નિ..યા.. મરી ગયો….જલ્દી કર (રાડો નાખે છે)
(મગન અંતે ખુરશી ઉભી કરે છે ને ડોકટર નો હાથ ખેંચી એને પણ ઉભા કરે છે.ડોકટર ઉંહકારાકરતા કરતા ઉભા થાય છે.)
મગન: સાહેબ, આ ખુરશી વસ્તુ જ એવી છે ને કે ભલભલા ને પાડી દે.
ડોકટર: એલા, આ કંઇ નેતાની ખુરશી નથી.સમજ્યો ? આ છે ડોકટર સેવકરામ સેવાવાળા ની ખુરશી.
મગન: ડોકટર ખરા પણ દર્દી વિનાના ડોકટર……
ડોકટર: (ગુસ્સાથી) શું ? શું બોલ્યો ?
સાહેબ: એમાં ગુસ્સે શું થાવ છો ? જો કે દુનિયા માં આમે ય એવુ જ છે સાચી વાત થી બધા ગુસ્સે થાય જ. એમાં તમારો જરા યે વાંક નથી. આ તો દુનિયાનો ક્રમ છે. પણ હેં સાબ, એક વાત પૂછું ? આ આપણે એક વરસ થી દવાખાનુ નાખી ને બેઠા છીએ પણ હજુ સુધી કોઇ ઘરાક એટલે કે કોઇ દર્દી આવ્યુ નથી. આ તમે ને હું બે ય નવરા ધૂપ. મને તો ઠીક તમે પગાર આપો છો. પણ….આ….
ડોકટર: ચિંતા ન કર. દર્દી આવશે, જરૂર આવશે…એ સોનેરી દિવસ જરૂર આવશે. ને ત્યારે આ ડોકટર સેવકરામ સેવાવાળા ની કદર થશે. દુનિયા માં એનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. (ગાય છે…) ‘વો સુબહા કભી તો આયેગી……’
મગન: હવાઇ કિલ્લા બાંધવા કંઇ ખોટા નથી. આપણ ને તો મફત માં પગાર મળે છે ને ?
ડોકટર: શું બકબક કરે છે એકલો એકલો ? જા, બહાર જઇ ને બેસ. મારું મન કહે છે આજે જ મારા જીવન નો એ સોનેરી અવસર આવશે. અને હું દર્દી તપાસીશ અને ઓપરેશન કરી મારી જાત ને ધન્ય બનાવીશ.
મગન: હવે તો હું યે એ તમારા ધન્ય દિવસ ની રાહ જોઇ જોઇ ને થાકયો.
ડોકટર: આ ડોકટર થવા માં…. એમ.બી.બી.એસ. થવામાં.. આટલા વરસો લગાડી દીધા તો શું એકાદ-બે વરસ દર્દી ની રાહ નહીં જોઇ શકું ? આમે ય ધીરજના ફળ હમેશા મીઠાં હોય છે. ગીતામાં પણ કહ્યું છે ને કે ‘કર્મ કરતો જા ..ફળ ની આશા ન રાખ.’
મગન: હં….હવે ખબર પડી સાહેબ ને કોઇ એની બહેનપણી ગીતા એ કહ્યું લાગે છે રાહ જોવાનું હેં સાહેબ, સાચું કેજો હોં! આ ગીતા કોણ છે ?
ડોકટર: અરે ઘોઘા, ગીતા એટલે ગીતાજી…..ભગવાન કૃષ્ણ એ અર્જુન ને આપેલ મહાન સંદેશ.!!! પણ.. હવે તારે બહાર જાવુ છે કે નહીં ?
મગન: આ ગયો સમજો….સાહેબ. (જાય છે…)
ડોકટર: અને જલ્દી દર્દી લઇ ને પાછો આવ. એ પરમ ક્ષણ ની રાહ હું અહીં જોઇશ.
મગન: (દોડતો દોડતો આવે છે.) ડોકટર સાહેબ, સાહેબ……
ડોકટર: પણ છે શું ? આમ હાંફે છે કેમ ?
મગન: અરે સાહેબ, આજ નો દિવસ તમારા જીવન ના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાશે…..સુવર્ણ અક્ષરે…
ડોકટર: શું કોઇ દર્દી આવે છે ?
મગન: કેવા સમજી ગયા ? અરે કોઇ નસીબ નો બળિયો… ને અક્કલ નો ઠળિયો…આવી રહ્યો છે, સાવધાન!!!
ડોકટર: અરે જા ,જલ્દી લઇ આવ,કયાંક ભાગી ન જાય.
મગન: અરે, મારા હાથ માં થી છટકવું કંઇ સહેલુ છે ? (જાય છે)
ડોકટર: (ખુશખુશાલ થઇ ને આંટા મારે છે) ‘આજ મારે આંગણે ઉગ્યો સોનાનો સૂરજ…..’

( સ્ટેથેસ્કોપ ભરાવી અક્કડ થઇ બેસે છે……વળી રહેવાતુ નથી એટલે ઉભો થાય છે.બહાર જોયા કરે છે) ‘મુરગા મિલ ગયા હમે, આજ મુરગા મિલ ગયા મૌકા એક સુહાના મિલ ગયા, સુહાના મિલ ગયા….’ (દર્દી ને આવતો જોઇ એકદમ બીઝી હોવાનો દેખાવ કરી ફોનમાં ખોટે ખોટી વાતો કરે છે….. દર્દી અંદર આવે છે તે સાંભળે તેમ) નહીં નહીં…આજે વિઝિટે નહીં આવી શકાય.આજે દર્દી ઓનો એટલો ધસારો રહ્યો છે કે …i am so tired….શું શું કહ્યું ? બીજા કોઇ ડોકટર નહીં ચાલે ? મારે જ આવવું પડશે ? ok. lets see….(મગન હસે છે.)

દર્દી: ડોકટર સાહેબ બહું બીઝી છો ? બહાર જવાનું છે ? તો હું બીજે જાઉં ? (જવાજાય છે..ડોકટર તેનો હાથ પકડી અંદર ખેંચે છે)
ડોક્ટર: અરે, ના રે ના તમારા જેવા દર્દી મારે આંગણે કયાંથી ? તમારી પ્રતીક્ષામાં તો હું તડપતો રહ્યો છું.
દર્દી: શું ? શું ? કહ્યું ?
ડોકટર: કંઇ નહીં…આ તો એમ જ….હા, તો બોલો…આપને શું તકલીફ છે ?
દર્દી: મને છાતી માં દુ:ખે છે. અહીં આ બાજુ. (ડાબી તરફ બતાવે છે)
ડોકટર: મોં ખોલો જોઇએ.
દર્દી: પણ મને છાતી માં દુ:ખે છે.
ડોકટર: ડોકટર હું છું કે તમે ?
(મોં ખોલે છે.)
ડોકટર: (તપાસવાનું નાટક કરે છે.)ઓ.કે…લાવો તમારી પલ્સ જોઇ લઉં…(કોણી આગળ જોરથી પકડે છે)
દર્દી: ડોકટર સાહેબ, આ શું કરો છો ?
ડોકટર: નાડી તપાસુ છું. અવાજ નહીં.
દર્દી: પણ આ રીતે ? અહીં ?
ડોકટર: આ મારી આગવી સ્ટાઇલ છે. આ નવી ટેકનીકની તમને ખબર ન પડે.
(આંખો બંધ કરી હાથ પકડી ને ઊભા રહે છે….પછી દુ:ખી થયા હોય તેમ માથે હાથ દઇ ને બેસી જાય છે.)
દર્દી: ડોકટર સાહેબ, મને શું થયુ છે ?
ડોકટર: તમને કેન્સર છે.
દર્દી: (ગભરાઇ ને) શું ? મને મ….ને કેંસર ?
ડોકટર: હા, પણ તમે ચિંતા ન કરો. હું ઓપરેશન કરી ને તમને જરૂર સાજા કરીશ…..
દર્દી: પણ મને તો થોડું છાતીમાં દુ:ખતુ હતું. ને તમે કંઇ ટેસ્ટ તો કરાવ્યા નથી. તમને કેમ ખબર પડી ?
ડોકટર: અરે, એ જ તો અમારી ખૂબી છે ને ! અમે કોણ ? ડોકટર સેવકરામ સેવાવાળા. નાડી જોઇ ને નિદાન કરી નાખીએ. ચાલો, હું અત્યારે જ ઓપરેશન કરી નાખુ.
દર્દી: અત્યારે ? આમ ?
ડોકટર: બસ…બસ….બધી ચિંતા મારી ઉપર છોડી દો….
(એકબાજુ જઇ ને) આજે તો ઓપરેશન નો સુવર્ણ અવસર મને આપો…..પહેલો દર્દી…પહેલું ઓપરેશન …વાહ ભઇ વાહ…!!! પછી જેવા તેવા રોગ નું ઓપરેશન શા માટે કરવું ? ‘મારવો તો મીર’ બરાબર ને ? (પ્રેક્ષકો સામે જોઇ ને પૂછે છે.)

દર્દી: તમે કંઇ કહ્યુ સાહેબ ?
ડોકટર: ના, ના, કંઇ નહીં….એય મગન,….મગનિયા….ક્યાં મરી ગયો ?
મગન: (દોડતો આવે છે) આ રહ્યો સાબ, તમારી દવા ખાયા વિના મરું ક્યાંથી ?
ડોકટર: હવે મૂંગો રહે…આજે તો તું યે લઇ લે મહાન ડોકટરના આસીસ્ટંટ બનવાનો લહાવો….તને યે પ્રમોશન. પટાવાળા માંથી સીધો મારા જેવા પ્રખ્યાત ડોકટર સેવકરામ સેવાવાળા નો આસીસ્ટંટ. ચાલ, પહેલા આને ઇંજેકશન આપી ને બેભાન કરીએ. (બંને બાંયો ચડાવે છે.) (દર્દી ઉઠવા જાય છે મગન અને ડોકટર તેને પકડી ને સૂવાડી દે છે.)
ડોકટર: એય મગનિયા, બરાબર પકડજે હોં… છટકે નહીં….

(પ્રેક્ષકો સામે જોઇ ને) અને હવે શરૂ થાય છે ….ડોકટર સેવકરામ સેવાવાળા ની જિંદગી નું પહેલું ને ભવ્ય ઓપરેશન!!!! જેના આપ સૌ ભાગ્યશાળી સાક્ષીઓ છો.

મગન: લો, સાહેબ , આ તમારા બધા સાધનો ની પેટી…આજે તો એનો પણ ઉધ્ધાર ભલે થઇ જાય. (પેટી આપે છે.)
ડોકટર: (માથુ ખંજવાળે છે)…. માળુ હારૂ કંઇ યાદ નથી આવતું….શું કરવું ? આ કયાંક મરી જાય તો ? રેવા દે સેવકરામ આ ઓપરેશન નું રેવા દે. બીજું કંઇક વિચાર. (ત્યાં દર્દી પાછો ભાગવા જાય છે, મગન પકડી રાખે છે.)
મગન: સાહેબ, જે આવડતું હોય એ જલ્દી કરી નાખો. નહીતર આ છટકશે હોં…….
દર્દી: સાહેબ, મારે ઓપરેશન નથી કરાવવું.
ડોકટર: ઓકે ઓકે .ચાલો હું વગર ઓપરેશને પણ તમને સાજા કરી દઇશ. તમને પણ યાદ રહેવું જોઇએ કે તમે કેવા મહાન ડોકટર પાસે આવ્યા હતા.
દર્દી: લાગે છે કે એ તો રહી જ જાશે.
ડોકટર: યા. ગુડ રહેવું જ જોઇએ. જુઓ મને તમારા દુ:ખાવા નું સાચુ કારણ અને નિવારણ બંને મળી ગયા. હવે હું છું ને તમારો દુખાવો છે. એય,મગન આમ ઉભો છે શું ? ચાલ, એનું મોં ખોલાવ.

(મગન દર્દી ને પરાણે મોં ખોલાવે છે.અને એમાં એક ચમચો ભરાવી દે છે જેથી દર્દી મોં બંધ ન કરી શકે. ડોકટર સાણસી જેવું હથિયાર લઇ જોર કરી દર્દી ના બે દાંત કાઢી નાખે છે. મગન દર્દી ને પકડી ને ઉભો છે.)
ડોકટર: હાશ!!!!! આખરે કંઇક તો કર્યું……..(દર્દી રાડો નાખે છે)
ડોકટર: શાંત થાવ…શાંત….
દર્દી: પણ…આ મારા દાંત કેમ પાડયા ?
ડોકટર: કેમ પાડયા ? એટલે મારે શું એની રીત બતાવવાની છે ? ચાલો તો બતાવી દઉં મને વાંધો નથી. મગન…..
દર્દી: અરે શું કામ પાડયા એમ પૂછુ છું ?
ડોકટર: જુઓ….પેટનું ઓપરેશન કરવું સારું કે બે દાંત પાડવા ? તમે જ કહો…
દર્દી: દાંત પાડવા….
ડોકટર: તો પછી જે સારું છે એ જ કર્યું મેં. તો પછી આટલી રાડો શું પાડે છે ?
દર્દી: પણ………
ડોકટર: નો પણ…તેં જ કહ્યું ને ? શું સારું છે એ ? તો ભલા માણસ. મેં સારું કર્યું એમાંયે તકલીફ ? જા, હવે તારો છાતી નો દુ:ખાવો મટી જશે.
દર્દી: અરે એ તો હું ભૂલી યે ગયો…આ દાંત ની પીડા માં…..
ડોકટર: (ખુશ થઇ ને) અરે….ભૂલી નથી ગયો…..એ મટી ગયો છે મટી…સસ્તેથી પત્યું…આ નવી ટેકનીક છે. શું સમજયો ? બે દાંત પડાવો ને છાતી નો દુ:ખાવો મટાડો…..
(ત્યાં મગન દોડતો આવે છે)
મગન: સાહેબ….આજે આ શું છે ? સૂરજ કઇ બાજુ એ ઉગ્યો છે ?
ડોકટર: કેમ ? શું છે ?
મગન: અરે આજે બીજો દર્દી આવે છે. એક દિવસ માં બે-બે દર્દી ? રેકોર્ડ કર્યો હોં તમે આજે !
ડોકટર: અમે કોણ ? ડોકટર સેવકરામ સેવાવાળા. વાહ!!!!!
(મોકો જોઇ પહેલો દર્દી ભાગે છે. ત્યાં બીજા દર્દી સાથે અથડાય છે.એટલે તેને પૂછે છે) ‘તને શું થયું છે ? ’
બીજો દર્દી: થોડું છાતી માં દુ:ખે છે.
પહેલોદર્દી: તારા દાંત સંભાળજે…..
બીજોદર્દી:દાંત ? કેમ ?
પહેલોદર્દી: અંદર જઇશ એટલે સમજાઇ જશે.તું આવ્યો,તો હું તો છૂટયો… (કહી ને ભાગી જાય છે)

(બીજો દર્દી: સ્તબ્ધ થઇ ને ઉભો રહી જાય છે.ત્યાં મગન અને ડોકટર: તેનો હાથ પકડી અંદર ખેંચે છે)

[પડદો પડે છે.]

Advertisements

9 responses to “ડોક્ટર સેવકરામ સેવાવાળા (હાસ્ય નાટક) – નીલમ દોશી

 1. ભગવાન બચાવે આવા ડૉક્ટર થી તો હો. 🙂
  સરસ ભજવ્યુ નાટક. 🙂
  🙂

 2. Funny. Very Funny…..

  Just thinking – Are there really any doctors like this? May be there are. Thats why we got this word – “Unt Vaidya”. HA HA HA…..

 3. OMG this is soo hilarious. cool play
  thanks

 4. Really Nice one…
  Short and Sweet Comedy…!!!