ચેન્જ – મુકુન્દ પરીખ

તે કૉલેજથી ઘરે આવી ત્યારે સાંજના પાંચેક વાગ્યા હતા. ઝડપથી કપડાં બદલીને તે રસોડામાં ગઈ. આમ તો તે ચા કે કૉફી પીતી નથી પણ આજે પપ્પાને કૉફી પીવામાં ‘કમ્પની’ આપશે એમ મનોમન નક્કી કરીને તેણે બે કપ કૉફીનું પાણી લીધું. પાણીની તપેલી ગેસ ઉપર મૂકીને તે નાસ્તાના વિચારમાં પડી. બ્રેડ-બટર, ટોસ્ટ, સેન્ડવીચ, ખારી બિસ્કિટ, ખાખરા, ના….ના…ના… તો બીજું ઘરમાં છે પણ શું ? અને હવે સમય પણ ક્યાં છે ? પપ્પા દસ-પંદર મિનિટમાં આવ્યા સમજો ! તો….! પપ્પાને રોજ ને રોજ એકનો એક નાસ્તો ! ના ચાલે. પપ્પાને આજે ‘સરપ્રાઈઝિંગ’ નાસ્તો આપવાની તેને પ્રબળ ઈચ્છા થઈ. પપ્પાને શું ભાવે છે ? ગળ્યું તો તેમને જોવું પણ ગમતું નથી ! ફરસાણ ! અરે…. પણ એ બધું બનાવવાનો સમય પણ ક્યાં છે ?

તેને એક વિચાર આવ્યો. પપ્પાને પાપડ ખૂબ ભાવે છે. લસણના પાપડ તો પપ્પા જમતાં જમતાં પણ બે-ત્રણ ખાઈ જાય છે. પણ ફ્રાયડ કે રોસ્ટેડ…..! પપ્પાને ફ્રાયડ બહુ જ ભાવે છે. તેણે લસણના પાપડ તળવાનું નક્કી કર્યું. એક, બે, ત્રણ….! ના…. ના…! પાંચ પપ્પાને માટે અને બે પોતાને માટે. તેણે ડબ્બામાંથી સાત પાપડ કાઢ્યા. ગેસ ઉપર ઊકળી રહેલા પાણીને તે વિસરી ગઈ. તેણે ટી-સેટ લેવા પાંજરું ખોલ્યું. ચાલુ ટી-સેટ કાઢ્યો. પણ જોઈને તરત પાછો મૂક્યો. પપ્પાને આજે નવા ટી-સેટમાં કૉફી પિવડાવવાની તેને ઈચ્છા થઈ. ત્વરાથી તે અંદરના ઓરડામાં ગઈ. કબાટ ખોલીને નવો ટી-સેટ કાઢ્યો. રસોડામાં લાવીને કાળજીપૂર્વક સાફ કર્યો અને ‘ટ્રે’ માં ગોઠવ્યો. કોફીના ઊકળી રહેલા પાણીને ઉતારીને કીટલીમાં ભર્યું. દૂધ ગરમ મૂક્યું. પાપડ તળવા તેલ કાઢ્યું. દૂધ ગરમ થતાં થોડી વાર થાય તો સારું ! તે ગેસને ઓછો કરીને ફરી વાર અંદરના રસોડામાં ગઈ.

પપ્પા સાથે બહાર ફરવા જવાની તેને ઈચ્છા થઈ. પપ્પા ‘મૂડ’ માં હોય છે ત્યારે સરસ મજાની વાતો કરે છે. પપ્પા માણસ અને એના સ્વભાવ વિશે ખૂબ અદ્દભુત વાતો કરે છે. પપ્પાના જીવન વિશે ખૂબ ઊંચા ખ્યાલો છે. પપ્પાએ ખૂબ વાંચ્યું છે. પપ્પાએ ખૂબ જોયું છે, અનુભવ્યું છે. ગંભીર વાતને પણ કેટલી સરળતાથી તે રજૂ કરે છે. પપ્પા સાલસ છે ! પપ્પા નિખાલસ છે ! વિચારતાં વિચારતાં તેણે પપ્પાનું કબાટ ખોલ્યું અને પપ્પા માટે સફેદ ઝભ્ભો અને સફેદ પાયજામો કાઢ્યા. પપ્પાને શ્વેત હળવાં વસ્ત્ર અતિ પ્રિય છે. પપ્પાનાં ચંપલ ! લાવ, પોલિશ કરી નાખું ! ના…ના…ના…… ! પપ્પા માટે લાવી રાખેલાં નવાં કોલ્હાપુરી ચંપલ યાદ આવ્યા. તરત જ તેણે નવાં ચંપલ કાઢ્યાં. કપડાં અને ચંપલ લઈને તે દીવાનખાનામાં ગઈ. તેણે સહેજ વિચારીને ‘ટીપોય’ ઉપરથી છાપું ઉપાડ્યું.

ટેબલ ઉપર કપડાં મૂકીને છાપાં વડે ઢાંકી દીધાં. ચંપલ ટેબલ નીચે સરકાવી દીધાં. હવે પપ્પાને ખરેખર બનાવવાની મજા આવશે એમ એણે અનુભવ્યું. તેણે નિરાંતનો શ્વાસ લીધો. બસ…. બધું બરાબર છે પણ….પણ… ના….. કંઈક ખૂટે છે. તે પાછી વિચારમાં પડી ગઈ. કંઈક યાદ આવ્યું…..! તે પોતાના ભૂલકણા સ્વભાવ પર હસી. મમ્મી યાદ આવી. મમ્મીનું કામ એટલે મમ્મીનું કામ ! એના કામમાં કશી ઉણપ ન હોય ! એન્ડ ઓલ્સો શી વોઝ વેરી મચ ગ્રેસફુલ ! ચાલ, નવું ટેબલ-કલોથ કાઢવા દે. તેણે પાછું કબાટ ખોલ્યું. નવું ટેબલ કલોથ કાઢ્યું. ટેબલ-કલોથને પળવાર જોઈ રહી. મમ્મીની પસંદગી વિશે તેને ખૂબ માન થયું. કબાટ બંધ કરીને સીધી દીવાનખાનામાં ગઈ. તરત જ ટેબલ-કલોથને ટેબલ ઉપર બિછાવ્યું, ફરી ભૂલ ન થાય માટે.

બસ….બસ….. હવે તો પપ્પા આવે એટલી વાર ! ગેસ ઉપર મૂકેલું દૂધ યાદ આવતાં તે રસોડામાં દોડી ગઈ. દૂધ ઉતારી લીધું. મિલ્ક-પોટ ભરીને ‘ટ્રે’ માં મૂક્યો. લાવ, હવે પાપડ તળી નાખું ! પણ પપ્પાને આવતાં કદાચ વાર થાય તો….! તો પાપડ ઠંડા થઈ જાય….. ! ને પપ્પાની મજા મારી જાય ! એટલે ગેસ બંધ કરીને તે દીવાનખાનામાં ગઈ. પપ્પાની રાહમાં આંટા મારવા લાગી. એકાદ મિનિટ પસાર થઈ. કોલબેલની ઘંટડી રણકી. તેણે બારણું ખોલીને પપ્પાને આવકાર્યા. તેમના હાથમાંથી પુસ્તક વગેરે લઈ લીધાં. બારણું બંધ કરીને પપ્પાની પાછળ આવીને ઊભી રહી.

‘ડૉકટર, બેટા, તું ક્યારે આવી ગઈ ?’ પપ્પાએ વહાલથી પૂછ્યું.
‘ડૉકટર થવાની હજી ઘણી વાર છે, પપ્પા ! હજી તો પહેલું વર્ષ છે.’ તે લાડમાં બોલી.
‘સમય જતાં શી વાર લાગવાની છે, બેટા ! હવે તો તું ડૉકટર થઈ ગઈ સમજને.’ પપ્પાએ હળવા થઈને સોફામાં બેસતાં બેસતાં કહ્યું.
‘ચાલો, હવે વાતો પછી કરજો. હાથ મોં ધોઈ લો એટલે કોફી અને નાસ્તો લાવું.’ તેણે ખૂબ લાગણીપૂર્વક કહ્યું.
‘હા, બેટા… હા…. તું બરાબર તારી મમ્મી જેવી છે !’
‘કેમ પપ્પા !’
‘મારી કેટલી બધી કાળજી રાખે છે.’
‘હવે આમ તો વાતો જ કરવી છે કે….!’
‘…..લે, ચાલ હું હાથ-મોં ધોઈ આવું છું ! તું કોફી લઈ આવ.’

પપ્પા ઊભા થઈ બાથરૂમમાં ગયા. તે પળવાર અતીતમાં ડૂબી ગઈ. પપ્પાનો પડ્યો બોલ ઝીલી લેતો મમ્મીનો ઉત્સાહી અને હસમુખો ચહેરો તેની સમક્ષ તરવરવા લાગ્યો. મમ્મી નથી ત્યારે પપ્પાની કાળજી રાખવાની તેની ફરજ છે તેમ તેને લાગ્યું, પણ તરત જ તે વર્તમાન ક્ષણની ફરજ વિશે સભાન થઈ. તે રસોડામાં દોડી ગઈ.
કપડાં બદલીને પપ્પા દીવાનખાનામાં આવ્યા. સોફા ઉપર બેઠા.
તે રસોડામાંથી કૉફી અને નાસ્તાની ‘ટ્રે’ લઈને પ્રવેશી. ‘ટ્રે’ ને ટીપોય ઉપર મૂકી. પપ્પાના મુખ ઉપર પ્રસરી રહેલા આશ્ચર્યને જોવાની લાલચે તે પપ્પા સમક્ષ ઊભી રહી.
‘અ….હો….હો… કંઈ મજાનો નાસ્તો બનાવ્યો છે ને પિન્કી બેટાએ….’ પપ્પાએ સાનંદાશ્ચર્ય કહ્યું.
‘આ તો તમને ગઈ કાલે ટોસ્ટ આપ્યાં હતાં એટલે ચેન્જ ખાતર..’
‘આજે લસણના પાપડ તળ્યા છે, કેમ ખરું ને ?’
‘એકની એક ચીજ કરતાં કંઈ ચેન્જ હોય તો સારું.’
‘હા, હા. તારી મમ્મી પણ કંઈ ને કંઈ નવું નવું કર્યા જ કરતી.’
‘પપ્પા, ક્યાં મમ્મી ને ક્યાં હું !’
‘સમજ્યા…. પણ… આ… નવો ટી-સેટ, નવું ટેબલ-કલોથ….’
‘તમને ભાવતી ચીજ હોય ત્યારે….’
‘…નવો ટી-સેટ, નવું ટેબલ-કલોથ…. બધું જ નવું નવું…. તારી મમ્મીની માફક… કેમ બેટા ?’ પપ્પાએ સ્મિત વેરીને કહ્યું.
‘તમેય શું પપ્પા ! મારી મજાક કરો છો ? ચાલો, હવે કોફી ઠંડી થઈ ગઈ.’

પપ્પા સાથે સોફા ઉપર બેસીને તેણે કોફી બનાવી. બંને પાપડ ખાતાં ખાતાં કોફીના ઘૂંટ ભરવા લાગ્યાં.
‘હું હળવોફૂલ થઈ ગયો છું. મારા માથેથી એક મોટો બોજ ઊતરી ગયો છે.’
‘શાની વાત કરો છો પપ્પા !’
‘તારી.’
‘મારી ?’
‘હા… તારી મમ્મીનું સ્વપ્ન સાકાર થયું છે. અમારો પિન્કી બેટો ગળે સ્ટેથોસ્કોપ ભરાવીને હૉસ્પિટલના વોર્ડમાં એક દર્દીથી બીજા દર્દી પાસે, બીજાથી ત્રીજા અને ત્રીજાથી ચોથા….’
‘બસ…બસ…. પપ્પા, હજી તો ખૂબ વાર છે ! ઓછામાં ઓછાં પાંચ છ વર્ષ તો ખરું જ !’
‘વર્ષો તો પલકારામાં વીતી જશે. એક વાર મેડિકલમાં પ્રવેશ મળી ગયો એટલે…હાશ…..’
‘ચલો, હવે જલ્દી નાસ્તો કરી લો.’

તે ઊભી થઈ ને અર્ધમરકતા ચહેરે દીવાનખાનામાં આંટા મારવા લાગી. એક પળે ફૂલદાનીના ફૂલને ઋજુતાથી સ્પર્શ્યું તો બીજી પળે નેપકીન વડે ટેબલની ધૂળ ખંખેરી. પપ્પાને કૉફી પૂરી કરીને કપને ‘ટ્રે’ માં મૂકતાં જોઈ તે તેમની સામે જઈને ઊભી રહી.
‘પપ્પા, આજનું છાપું વાંચ્યું ?’
‘કેમ, છે કંઈ ખાસ સમાચાર ?’
‘વાંચો એટલે ખબર પડે !’
‘લાવ, ક્યાં છે ?’
‘પેલા… ટેબલ ઉપર.’
પપ્પા ઊભા થયા. ટેબલ ઉપરથી છાપું લીધું અને ગંભીરતાથી વાંચવાનું શરૂ કર્યું. પિન્કીએ ખડખડાટ હાસ્ય વેર્યું.
‘કેમ હસે છે બેટા ?’
‘તમને કંઈ જ ખબર ના પડી.’
‘શાની ?’
‘છાપા નીચે શું હતું ?’
‘અરે… આ તો મારો ઝભ્ભો અને પાયજામો છે !’ ઝંખવાઈને ટેબલ તરફ જોઈને કહ્યું.
‘અને ટેબલ નીચે શું છે ?’
‘કંઈ નથી !’ ધ્યાનથી ટેબલ નીચે જોઈને તે બોલ્યા.
‘બરાબર જુઓ !’
‘હા….હા….આ… તો મારાં નવાં ચંપલ છે ! કોણે બહાર કાઢ્યાં ? હં…. અ… સમજાયું.. પિન્કી બેટાનું પરાક્રમ લાગે છે.’ ટેબલ નીચે વળીને જોતાં જોતાં તે બોલ્યા.

બેઉએ ખડખડાટ હાસ્ય વર્યું. તેઓ ધીમે ધીમે શાંત થયાં. પાસે ઊભેલી પિન્કીના બરડે હાથ ફેરવતાં ફેરવતાં પપ્પા એકદમ ગંભીર બની ગયા.
‘બેટા…. થોડા દિવસથી મારા મનમાં એક વાત ઘોળાય છે.’
‘શી.’
‘કહું ?’
‘એમાં પૂછ પૂછ શું કરો છો ? કહો ને….’
‘આવ, નિરાંતે બેસીને વાત કરીએ.’ જઈને તે સોફા ઉપર બેઠા.
‘બોલો પપ્પા… શું કહો છો ?’ જઈને તે પપ્પા પાસે બેઠી.
‘કંઈ ખાસ નથી. આમ તો તું સમજું છે એટલે બીજો કંઈ વાંધો નથી. પણ તને વાત કરી રાખી સારી. એટલે મારા વિશે ગેરસમજ ન થાય. હવે તો તારે કૉલેજ અને હૉસ્પિટલ બંનેમાં ધ્યાન આપવું પડશે. સવારથી સાંજ સુધી તું ભણવામાં રોકાયેલી રહેવાની. ત્યારે ઘર સંભાળી લે અને આપણને ઘરના બોજામાંથી મુક્ત રાખે એવી વ્યક્તિની જરૂર મને સતત સતાવ્યા કરે છે.’
‘તમે… રસોઈ માટે કોઈ બાઈ રાખવાની વાત કરો છો ? પપ્પા… મને કોઈ માણસને નોકર બનાવવાનું ગમતું નથી.’
‘હા… અને…ના… એક રીતે જોઈએ તો તું સાચી છે. પણ…’
‘…પણ શું ? કંઈ સમજાય એવું કહો તો ખબર પડે !’
‘કરુણાને તો તું ઓળખે ને ?’
‘કોણ… પેલાં તમારી પાસે ક્યારેક ક્યારેક આવે છે તે ?’
‘હા.’
‘તે શું છે એમનું ?’
‘ખૂબ લાંબુ વિચારીને તેણે ઓફર કરી છે.’
‘શેની પપ્પા ?’
‘મારી સાથે લગ્ન કરવાની’
‘હેં !’
‘માણસને એની જરૂરિયાતના સંદર્ભમાં મૂલવવો જોઈએ. કંઈ ગેરસમજ ન કરતી. વિચારી રાખજે. આપણે સાથે રહેવાનું છે એટલે તારી ઈચ્છા જાણવી જરૂરી છે.’
‘મારી ઈચ્છા….!’

પિન્કી એકદમ સોફા ઉપરથી ઊભી થઈ ગઈ. સ્વીચ-બોર્ડ પાસે જઈને તેણે ટ્યૂબલાઈટની સ્વિચ ઓન કરી. દીવાનખાનામાં પ્રકાશ પથરાયો. સદાય હસતો મરકતો પપ્પાનો ચહેરો પથ્થર જેવો જડ થતો તે જોઈ રહી. અસહ્ય. તેણે આંખો બંધ કરી દીધી. તે ઊંડા વિચારમાં ડૂબી ગઈ. થોડી ક્ષણો પસાર થઈ. તે સળવળી. આંખો ઉઘાડી. સ્વસ્થ થઈને ટેબલ પાસે ગઈ. ટેબલ ઉપરથી ઝભ્ભો પાયજામો અને ચંપલ ઉપાડીને પપ્પા પાસે આવી.
‘લો… કપડાં બદલી લો. હું પણ આવું છું. જલ્દી કરજો. જવાનું મોડું થશે.’
‘ક્યાં જવાનું છે ?’ પપ્પાએ તંદ્રામાંથી ઝબકીને પૂછ્યું.
‘કરુણામાસીને ત્યાં…’
ક્ષણ પહેલાંના ભૂતકાળને દૂર દૂર હડસેલવાનો હોય તેમ પિન્કી ટીપોય ઉપરથી ‘ટ્રે’ ઉપાડીને સડસડાટ રસોડામાં ચાલી ગઈ.

Advertisements

6 responses to “ચેન્જ – મુકુન્દ પરીખ

 1. Really life takes change at every moment.

 2. સ્વીકારી લીધું કહેવાય.

 3. આમાં પિતાનું કયું શાણપણ ?

  વાર્તા કુતુહલ પ્રેરક છે.આભાર !

 4. ચેંજ અને તે પણ આટલો જલ્દી. એ સંભાળજો …

 5. બાપનાં અરમાન તો દિકરી જ પુરા કરી શકે,અને વેદના પણ સમજી શકે.
  મહાન ત્યાગ કહેવાય પણ આ ન્યાયી નથી.
  બાપ સ્વાર્થી કહી શકાય.