નિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય

[‘નિતાંત’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના]

1970-71ના વર્ષમાં કૉલેજમાં એડમિશન લેતી વેળા મારી સાથે બે ભાઈઓએ એડમિશન લીધું. પરેશ ઝવેરી અને સુરેશ ઝવેરી. અમારી અનાયાસ ઓળખાણ આત્મીય મૈત્રીમાં પરિણમી. કૉલેજના અભ્યાસનો સમય અમે સાથે વિતાવ્યો. બન્નેય ભાઈઓને મુશાયરામાં જવાનો ગજબનો શોખ. એમાંથી જ કદાચ સુરેશ લેખનપ્રવૃત્તિ તરફ વળ્યો હશે. 1973ના અરસામાં એણે લખેલું એક હાઈકુ આજે પણ મને યાદ છે :

ફૂલ ને થડ
આખરે મળ્યા પણ
ચિતામાં બળ્યા

અહીં ભાવના તીવ્રતા અને વેદના અછતી નથી રહેતી. લેખનપ્રવૃત્તિની શરૂઆતના સમયે પણ એની અભિવ્યક્તિમાં સ્પર્શી જાય એવું તત્વ જોવા મળ્યું હતું. કૉલેજનાં વરસો દરમિયાન જ એણે ગઝલની લખવાની શરૂઆત કરી. ગઝલોનો મર્મ, અરુઝ, શેરિયત વગેરેની સમજ એ આપમેળે જ વિકસાવતો રહ્યો. લેખનપ્રવૃત્તિના એક તબક્કે એને ગઝલની શાસ્ત્રીયતા આત્મસાત કરવા માટે ગુરુની જરૂરિયાત વરતાઈ. ગુજરાતના વિખ્યાત ગઝલકાર શ્રી બરકત વિરાણી ‘બેફામ’ પાસે ગઝલનો પદ્ધતિસર અભ્યાસ કરવાનો એને લ્હાવો મળ્યો. ગુરુની અનુમતિ મેળવ્યા પછી જ પોતાની રચના પ્રકાશિત કરવાનો એનો મક્કમ નિરધાર હતો. આથી જ એની રચનાઓ નવમા દાયકા સુધી અપ્રકાશિત રહી. આમ સાતમા-આઠમા દાયકાથી શરૂ કરીને, 2005 સુધીમાં ગ્રંથસ્થ થનાર સુરેશ ઝવેરી ‘બેફિકર’ સાધના અને સંયમનું ઉજ્જવળ દષ્ટાંત બને છે.

સુરેશની મૌલિક કલ્પનાશક્તિ અને શબ્દચિત્રના ઈંગિત આવા શેરમાંથી સ્પષ્ટપણે મળી રહે છે :

સૂરજને ગળથૂથી પાવા
અંધારું નિતાંત હશે ત્યાં.

તો શ્રાવ્ય અનુભૂતિ આવા રવાનુકારી શબ્દોમાં વ્યકત થાય છે.

એક ટીપુ ટપ પડે ટપ ટપ પડે
સાંભળો તો લય મળે વરસાદમાં.

ઘણાખરા શેરમાં એણે પરિસ્થિતિનો નિર્દેશ કરીને વ્યંજના પ્રકટાવી છે :

એક શરત વરસાદે રાખી
દીવો લઈને પાર થવાનું.

*******
નાવ હવે તો તારી ઈચ્છા
બેઉ હલેસાં તટમાં જોયા

મનુષ્યના સ્વભાવ, વૃત્તિઓ અને સંબંધની આંટીઘૂંટીઓ વિશેની એની ઊંડી સમજ અનેક જગ્યાએ ધ્યાન ખેંચે એવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે વ્યંગ, કટાક્ષ અને ક્યારેક રમૂજ કરવાનું પણ સુરેશ ચૂકતો નથી :

વિધવા સામે કંકુ કાઢે
અવતારી સૌ બાવા જોયા.

********
એના ઘરમાં આરસ પણ છે.
ઘરવખરીમાં માણસ પણ છે.

********
બંધ આંખો ક્યાં તને વંચાય છે.
આંખમાં આવી જશે પાણી પ્રભુ.

વ્યંગ, કટાક્ષ અને રમૂજ નિષ્પન્ન કરતી વેળા સુરેશ ઝવેરીનો અભિગમ તિર્યક પણ છે. એની ગઝલમાં પ્રણયની મસ્તી પણ કેન્દ્રસ્થ અનુભૂતિ તરીકે વ્યક્ત થતી જોવા મળે છે.

નજરના તીરથી રમશો, અધરના નીરથી રમશો
ભરી’તી શ્વાસમાં પણ રાસની રમઝટ ખબર નો’તી

*********
છે કલમ કાગળ અને રંગો બધા
ફૂલને પણ ફૂલ જોવા ખત લખો.

********
ફૂલોનાં પોતાં મૂકી જો
જેવો તેવો તાવ નથી જા.

ટૂંકી બહરની ગઝલમાં અને મત્લા ગઝલમાં પણ ખૂબીપૂર્વક ભાવ વ્યક્ત થતો જોવા મળે છે.

હું ઉકેલી ના શક્યો
સ્મિતની બારાખડી

********
જાગી ગયો છું સાવ મને કંઈ ખબર નથી
મારા જ હાવભાવ મને કંઈ ખબર નથી

છેલ્લાં પચ્ચીસેક વરસથી આવતા રહેલા ગુજરાતી ગઝલના અનેક સ્થિત્યંતરોને સુરેશ ઝવેરીએ જોયા છે. આધુનિક સંવેદનશીલતાના સંસ્કારો પણ એણે ઝીલ્યા છે. છતાંય એનું લક્ષ્ય તો પરમ્પરાગત રીતે ચાલી આવતું ગઝલનું ભીતરી સૌંદર્ય જ રહ્યું છે. ગઝલ એટલે ગોઠડી. આગવી અભિવ્યક્તિમાં ઊતરી આવતી પ્રેમી-હૃદયની ગોઠડી – એવી પારમ્પરિક સમજ સાથેનું સ્પષ્ટ અનુસંધાન પણ વારંવાર જોવા મળે છે. સુરેશની ગઝલમાં આન્તર-બાહ્ય શુદ્ધતા છે. એનામાં અનેક છંદોલયમાં વિહરવાની ફાવટ અને ગઝલના આન્તરિક સૌંદર્યને સાકાર કરવાની ક્ષમતા છે. આ ગઝલનું મહત્વપૂર્ણ પાસું છે એની મૌલિક કલ્પનાશીલતા અને અભિવ્યક્તિની તાજગી. એની અરૂઢતા અને સંમોહક પદાવલિ સુરેશ ઝવેરી ‘બેફિકર’ ના ગઝલવિશેષો છે. જોકે ચીલાચાલુ ગઝલોમાં જોવા મળતું ચપટું ચાતુર્ય સુરેશ ઝવેરીની ગઝલોમાં ક્યારેક આવી ચડે છે. એ સિવાય ‘નિતાંત’ ની રચના એક શક્તિશાળી કવિને ઉપસાવે છે. પરમ્પરાનું સૌંદર્ય સિદ્ધ કર્યા બાદ હવે ગઝલનાં નવાં પ્રસ્થાનો સાથે કદમ મેળવવા માટે અને ગઝલને નવું પરિમાણ આપવા માટે સુરેશ એની શક્તિ દાખવે તો સરવાળે એની ગઝલને લાભ જ થશે. એમાં અનુભવાતી તાજગી વિશેષ સ્મરણીય બની રહેશે.

Advertisements

One response to “નિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય

 1. અરે વાહ.. આજે તો તમે એક ગઝલકારની ઘણી બધી ગઝલોની ઝાંખી એક સાથે આપી દીધી.

  એક ટીપુ ટપ પડે ટપ ટપ પડે
  સાંભળો તો લય મળે વરસાદમાં.

  આના પરથી એક ગીત યાદ આવ્યું :
  સુનને વાલે સુન લેતે હૈ, કણ કણમેં સંગીત હો…
  ધડકન તાલ હૈ, સાંસ હૈ સુર, જીવન હૈ એક ગીત હો…

  મને આ પંકિતઓ પણ ખૂબ ગમી.

  હું ઉકેલી ના શક્યો
  સ્મિતની બારાખડી
  ********
  જાગી ગયો છું સાવ મને કંઈ ખબર નથી
  મારા જ હાવભાવ મને કંઈ ખબર નથી

  હવે એ કહો… ‘નિતાંત’માંથી કોઇ એક-બે આખી ગઝલ ક્યારે આપશો ??