વીમા અંગે થોડું તત્વચિંતન – જ્યોતિન્દ્ર દવે

મારા એક મિત્રે એકવાર મારી પાસે આવી વીમો ઉતરાવવાથી થતા ફાયદાઓનું વર્ણન કરવા માંડ્યું.
‘વીમો ઉતરાવવાના ફાયદા તો જાણે સમજ્યો પણ એ ફાયદાનું વર્ણન કરવાથી તમને કંઈ ફાયદો થાય એમ છે ?’ મેં પૂછ્યું.
‘જરૂર. નહિ તો હું અમસ્થો જ આટલી તસ્દી શું કરવા લઉં ?’ એમણે કહ્યું.
‘તમને શો ફાયદો થાય એમ છે ?’
‘હું અહીંની એક જાણીતી વીમા કંપનીનો એજન્ટ બન્યો છું. જો હું તમારા જેવાનો વીમો એ કંપનીમાં ઊતરાવી શકું તો મને સારું કમિશન મળે.’
‘એટલે તમે મને વીમો ઉતરાવવા માટે સમજાવવા આવ્યા છો એમ ?’
‘હા. તમારા લાભની જ વાત છે.’
‘મારા કે તમારા લાભની ?’
‘આપણા બંનેના.’ એમ કહીને એમણે ફરીથી વીમો ઉતરાવવાથી થતા લાભ ગણાવવાની શરૂઆત કરી.
‘ફરીથી એની એ વાત કરવાની જરૂર નથી.’ મેં એમને અધવચ અટકાવીને કહ્યું, ‘મોટામાં મોટા ગેરફાયદાની વાત કરી નહીં.’
‘ગેરફાયદો ? શો ગેરફાયદો ?’
‘પ્રીમિયમ દર વર્ષે ભર્યા કરવું પડે તે.’
‘પણ પ્રીમિયમ ભર્યા વિના પૈસા કોણ આપે ?’
‘એ જ વાત છે ને ! એવી કોઈ કંપની નીકળે ને તેના તમે એજન્ટ થાઓ ત્યારે જરૂર મારી પાસે આવજો.’
‘પણ તમે બે-ત્રણ પ્રીમિયમ ભર્યા પછી ધારો કે ન કરે નારાયણ ને ગુજરી જાઓ તો કેટલો ફાયદો થાય તેનો વિચાર કર્યો ?’
‘કોને ફાયદો થાય ?’
‘કેમ ? તમને.’

‘મને શો ફાયદો થાય ? હું મરી જાઉં પછી મને થોડા પૈસા મળવાના હતા ?’
‘તમને નહિ ને તમારા કુટુંબને મળે.’
‘પણ તેમાં મને શો લાભ ?’
‘તમારા કુટુંબીઓને લાભ થાય તે તમને થયો ન કહેવાય ?’
‘મારા મરવાથી મારા કુટુંબીઓને લાભ થાય એને હું ઉત્તમ સ્થિતિ માનતો નથી.’
‘મર્યા પહેલા પણ વીમાના પૈસા મળે એવી યોજના છે, પણ તે માટે પ્રીમિયમ વધારે ભરવું પડે.’
‘એથી શો લાભ ? ભર્યા હોય તેટલ જ – કે તેથી ઓછા – પૈસા મળે ?’
‘આમ જુઓ તો એમાં લાભ જેવું નહિ દેખાય, પણ એ રીતે પરાણે બચાવ થાય છે. પૈસા હાથમાં રહે તો ખરચાઈ જાય અને વીમો ઉતરાવો તો દર વર્ષે થોડા બચાવીને પણ પ્રીમિયમ ભરવું પડે અને જેટલી મુદતનો વીમો ઉતરાવ્યો હોય તે મુદત પૂરી થતાં સામટી રકમ હાથમાં આવે.’
‘પણ ભવિષ્યમાં પૈસા મળે તે ખાતર વર્તમાનમાં પૈસાની તંગી ભોગવવી પડે તેનું શું ?’
‘એ તો ખરાબ વખત માટે બચત રહે એ ખાતર જરા તંગી વેઠવી જ પડે.’
‘તમે ભોજરાજાની વાત સાંભળી છે ?’
‘ના, પણ અત્યારે સાંભળવાનો મને વખત નથી. બીજી કોઈ વખત કહેજો.’
‘અત્યારે જ કહેવાનો વખત છે. ભોજરાજા દાનમાં મોટી રકમો આપી દેતા તે જોઈને એના મંત્રીએ કહ્યું કે આપત્તીના સમય માટે પૈસા બચાવવા જોઈએ. ભોજે જવાબ દીધો કે શ્રીમાનને વળી આપદા કેવી ? મંત્રીએ કહ્યું ‘કદાચ દેવનો કોપ ઊતરે’ ભોજરાજાએ જવાબ દીધો ‘તો તો ભેગું કરેલું પણ ઘસડાઈ જાય.’ આ વિદ્વાન નૃપતિ અને એના વહેવારુ બુદ્ધિવાળા મંત્રી વચ્ચેના સંભાષણ પરથી તમે સમજી શક્યા હશો કે પૈસો રહેવાનો હોય તો રહે છે, નહિ તો ભેગો કર્યો છતાં પણ જતો રહે છે ! મારો વીમો ઉતારવાની તમે વાત કરો છો, પણ કંપનીનો વીમો ઉતાર્યો છે ?’
‘કંપનીનો વીમો ?’
‘હા, કંપની જ કદાચ સૂઈ નહિ જાય ? મારા અને મારા જેવા અનેકના પૈસા લઈ કંપનીના કાર્યકર્તાઓ રફુચક્કર નહિ થઈ જાય તેની શી ખાતરી ?’
‘કંપની સદ્ધર છે. આટલો અણભરોસો રાખવાની જરૂર નથી.’
‘વીમાનું બધું કામકાજ જ અણભરોસા પર ચાલે છે ને ? માણસ ક્યારે મરી જશે, ક્યારે એ દરિદ્ર થઈ જશે એની ખબર ન હોવાને લીધે જ કોઈક વીમા કંપનીમાં પ્રીમિયમ પર પ્રીમિયમ ભરી છેવટે મોટી રકમ મળે તે ખાતર મથે છે ને ?’
‘ત્યારે. તમારે વીમો નથી ઉતરાવવો એમ જ ને ?’
‘એમ જ. નાની રકમનો વીમો ઉતરાવવાનો કંઈ અર્થ નથી. મોટી રકમનો વીમો ઉતરાવું તો પ્રીમિયમ ભારે ભરવાં પડે. એટલા પૈસા દર વરસે બચાવી શકું એમ છું નહિ. કદાચ પેટે પાટા બાંધી એવાં પ્રીમિયમ ભરું ને થોડા જ વરસમાં ધબાય નમ: થઈ જાઉં તો તમારી કંપનીને ખોટ જાય અને જો જીવતો રહીને પ્રીમિયમ ભર્યા જ કરું તો મને – તમારા મિત્રને ખોટ જાય. આવી ખોટની બાજી ખેલવી એ મારા જેવા સારા ખેલાડીને શોભે નહિ.’
‘ઠીક, તમારી જેવી મરજી. કદાચ વિચાર ફરે ને વીમો ઉતરાવવાની ઈચ્છા થાય તો મને કહેજો.’
‘વિચાર ફરે એવું લાગતું નથી, છતાં કદાચ એમ બનશે તો જરૂર તમને જણાવીશ.’

માનવજીવનની ક્ષણભંગુરતા ને માનવમનની આડાઈ વિષે થોડાંક જ્ઞાનવચનો સંભળાવીને મારા મિત્રે વિદાય લીધી. ‘કોઈને નહિ ને મને શીશામાં ઉતારવા આવ્યા છે ! પણ એમ શીશામાં ઉતરે એ બીજાં, હું નહિ’ એમ એમની પીઠ ફરતાં હું બબડ્યો. એમને કંઈક વહેમ પડ્યો. પાછા ફરી મારી સામું જોયું પણ હું કંઈ બોલ્યો નહિ, એટલે એમણે ચાલવા માંડ્યું. આ વાતને બે-ત્રણ મહિના પણ નહિ થયા હોય ને હું મારા મિત્રને શોધતો ગયો અને એમની કંપનીમાં વીમો ઉતરાવવાની ઈચ્છા એમના આગળ વ્યકત કરી.

‘આખરે ઠેકાણે આવ્યા ! વીમો ઉતરાવવામાં લાભ છે એમ હવે સમજાયું કે ની ?’ એમણે જરા નવાઈ પામી પણ ખુશ થઈને કહ્યું.
‘ના, હજી પણ લાભાલાભૌ-જયાજયૌ વિષે મારી પાકી ખાતરી નથી થઈ.’ મેં જવાબ દીધો.
‘ત્યારે વીમો ઉતરાવવા માટે આમ સામા ચાલીને કેમ આવ્યા ?’
‘એનું કારણ જુદું જ છે.’
‘શું ?’
‘અંગત છે.’
‘વીમો ઉતરાવવાનું કારણ હંમેશાં અંગત જ હોય છે, પણ ખાનગી રાખવું હોય તો મારે જાણી કામ નથી.’
‘ખાનગી જેવું કશું નથી, પણ વીમો ઉતરાવવાથી લાભ થશે એવી ગણતરીથી હું અહીં નથી આવ્યો.’
‘ત્યારે ગેરલાભ થશે એવી ગણતરી કરીને આવ્યા હશો !’
‘ના, એમ પણ નહિ, પણ તમારા જેવા એક મિત્રે ટોણો માર્યો ને ભાભીના ટોણાથી નરસિંહ મહેતા વનમાં વિચર્યા તેમ હું એ ટોણાનો માર્યો તમારા આગળ આવી પહોંચ્યો છું.’
‘શો ટોણો માર્યો ?’
‘તમે મને વીમો ઉતરાવવાનું સમજાવવા આવ્યા હતા તેની એમના આગળ પ્રસંગોપાત્ત વાત નીકળી ત્યારે એમણે મને કહ્યું,
‘અરે તમારો તે વીમો કોણ ઉતારે ? તમારા મિત્રે નકામી તસ્દી લીધી.’
‘કેમ, મારો વીમો ન ઉતારે ?’ મેં એમને પૂછ્યું.
‘આ તમારું શરીર જુઓ.’ એમણે જવાબ દીધો.
‘જોયું.’ મેં કહ્યું.
‘એમાં કશો ભલી વાર છે ? આવા પાપડપહેલવાનનો વીમો ઉતારવાનું જોખમ ખેડે એવી કોઈ કંપની હોય ખરી? કાચની શીશીનો વીમો કદાચ ઉતારે, પણ તમારો ઉતારવા તૈયાર ન થાય.’ એમણે મને ચીઢવવાના ઉદ્દેશથી કહ્યું.
‘હા.’ એમણે મારું આહ્વાન સ્વીકારતાં જવાબ દીધો.
‘બોલો, શી શરત ?’ મેં પૂછ્યું.
‘મારો વીમો કોઈ ઉતારે તો પહેલું પ્રીમિયમ આપણે આપવું.’ એમણે કહ્યું અને એમને બતાવી આપવા માટે હવે હું તમારી પાસે આવ્યો છું. હું પૈસા બચાવવા ખાતર કે બીજા કોઈ લાભની આશાએ નહિ, પણ કેવળ ઘવાયેલા અહંભાવને સંતોષવા ખાતર વીમો ઉતરાવવા તમારી પાસે આવ્યો છું.’

મારો મિત્ર વીમો ઉતરાવવા માટેનો બધો વિધિ પતાવ્યો ને પછી મને કંપનીના ડૉકટર પાસે એ લઈ ગયો. ડૉકટરે મારા શરીરની બરાબર તપાસ કરી અને સંતોષ વ્યકત કર્યો, પણ પછી જ્યારે વજન લીધું ત્યારે એનું મોં ઊતરી ગયું. કાળબળની સામે ટકી રહેવાની મારા શરીરની શક્તિ માટે ભારે સંશય એના મનમાં પેદા થયો. મેં મારી વાચાળતાનો પૂરેપૂરો ઉપયોગ કરી એ સંશયાત્માના સંશયને દૂર કરવા પ્રયત્ન કર્યો પણ એનો સંશય ગયો નહિ. આખરે મેં એમને કહ્યું, ‘ડૉકટર, મરણને શરીર સાથે સંબંધ છે. – શરીરના વજન સાથે નહિ. ઓછા વજનવાળો વહેલો મરે, ભારે વજનવાળો મોડો એવો કોઈ નિયમ યમદેવ પાળતા નથી. મારા કરતાં વધારે વજનવાળાને આ ખાંધ પર ઊંચકીને હું સ્મશન પહોંચાડી આવ્યો છું. અહીં આપણે ત્રણ ઊભા છીએ. એમાં મારું વજન સૌથી ઓછું છે. મારા મિત્રનું મારાથી વધારે છે ને તમારું સૌથી વધારે હોય એમ દેખાય છે. પણ આપણા ત્રણમાંથી કોણ પહેલું જશે એ કહી શકાય એમ નથી. (ભાગ્યયોગે એ ડૉકટર જ પહેલા સિધાવ્યા !) એટલે એ વિષેની ચિંતા દૂર કરી તમે કંપનીને પણ નચિંત કરો.

આખરે અમુક વધારાની રકમ નક્કી કરી મારો વીમો ઉતારી શકાય એવો પ્રબંધ કરવામાં આવ્યો. જેની જોડે મેં શરત કરી હતી તે મિત્રને મળી મેં મારું પહેલું પ્રીમિયમ ભરી દેવા એને કહ્યું. ‘પણ વધારાની રકમ તમારે આપવી પડશે એટલે આપણી શરત બરાબર પળાઈ નથી.’ એમ કહીને એ પોતાની જવાબદારીમાંથી છટકી ગયા.

મારો વીમો ઉતારનારી કંપનીએ મને પત્ર લખીને મારા દીર્ધાયુષ માટેની કામના વ્યકત કરી ત્યારે મને બહુ સારું લાગ્યું. હું લાંબું જીવું એવી ઈચ્છા બહારનાઓ પણ રાખે છે એ જાણી મારી આત્મગૌરવની લાગણીને સંતોષ થયો. પ્રીમિયમ ભલે ભરવાં પડે પણ મારા દીર્ધ જીવનની કામના એક મોટી સંસ્થા રાખે એ કંઈ સાધારણ વાત ન કહેવાય. હું કદાચ પૂરેપૂરાં પ્રીમિયમ ભર્યા પહેલાં જગતમાંથી વિદાય લઉં તો કંપનીને ખોટ જાય માટે મારા દીર્ધ જીવનની ઈચ્છા એના સ્વાર્થ ખાતર જ રાખે છે એમ કહી શકાય, પણ એ રીતે જોતાં પણ મારા અકાળ મૃત્યુથી કોઈક મોટી સંસ્થાને ખોટ જાય એ વાત શું મારા અભિમાનને ઓછી પોષક છે ? ઘરનાઓ તો રડે પણ મોટી કંપની પણ મારા જવાથી ખોટ ભોગવે એવી શ્રીમંતાઈ ને સિદ્ધિ મેં પ્રાપ્ત કરી એ મારે માટે ઓછા ગૌરવની વાત નથી.

આમ તો વીમા વિષે વિચાર કરવાનો મને વખત જ નહોતો મળ્યો. પણ આ પ્રસંગને લીધે વીમાવાળાઓ જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તે તરફ મારું ધ્યાન ગયું. પ્રાચીનકાળના સાધુસંતો ને ભકત કવિઓ મરણનો ડર બતાવી આપણને ઈશ્વરાભિમુખ થવાની પ્રેરણા આપતા. લોકોને ધર્મમાંથી શ્રદ્ધા ઘટી ગઈ એટલે એ મૃત્યુનો આ પ્રકારનો સામાજિક ઉપયોગ કરવાની તક એમના હાથમાંથી જતી રહી. પણ એ તકને વીમાવાળાઓએ બરાબર ઝડપી લીધી. પોતાના મતનો પ્રચાર એ પ્રાચીનકાળના સંતજનો મૃત્યુની ભીતી બતાવીને કરતા, હવે વીમાના એજન્ટો પોતાના ધંધાનો પ્રચાર મૃત્યુની મદદ વડે કરી રહ્યા છે. જીવન ક્ષણભંગુર છે માટે વીમો ઉતારવો એવો નવો ધ્વનિ આજે સંભળાઈ રહ્યો છે અને તત્વચિંતનના સબળ સાધન સમું મૃત્યુ ધંધાદારી ધોરણે ચાલતી કંપનીઓના સંચાલક માટે પણ એવું જ બળવાન સાધન બની શક્યું છે.

જીવન ચંચળ છે ત્યારે શું કરવું એ પ્રશ્ન પ્રાચીનોને ઊઠતો ત્યારે જાણકારો તરફથી જવાબ મળતો : ‘ભજન કરો.’ આજે અર્વાચીનોના મનને એ પ્રશ્ન સતાવે છે ત્યારે રહસ્યભેદુઓ કહે છે, ‘વીમો ઉતરાવો’ ગમે તેમ પણ સંચય કરો – ધર્મનો કે ધનનો.

સદેહે મુક્તિ મળે કે મૃત્યુ પછી જ મુક્તિ મળે એવો આપણા તત્વજ્ઞાનનો એક કૂટ પ્રશ્ન છે. જ્ઞાનમાર્ગના ઉપાસકને માટે જીવન્મુક્તિ મળી શકે છે, ભક્તિમાર્ગના અનુયાયીઓ માને છે કે મૃત્યુ પછી જ મુક્તિ મળી શકે, જીવતાં નહિ. આ બંને બની શકે એમ છે એમ મને વીમો ઉતરાવતી વેળા સમજાયું. જો ઓછા પ્રીમિયમ ભરીએ તો મૃત્યુ પછી વીમાની રકમ મળે ને વધારે પ્રીમિયમ ભરીએ તો જીવતાં પણ વીમાની રકમ મળી શકે એ જ રીતે જ્ઞાન ને વૈરાગ્યનાં પ્રીમિયમ ભરનારને જીવતાં મુક્તિ મળે, ભક્તિનું પ્રીમિયમ ભરનારને મરણોત્તર મુક્તિ મળે.

આમ, જીવનની ચંચળતા, મૃત્યુની નિશ્ચિતતા, દ્રવ્યાદિની અસ્થિરતા ને જીવન્મુક્તિ ને મરણોત્તરમુક્તિ એ બંનેની સંભવિતતા : આવા આવા માનવજીવનના ગૂઢ અને રહસ્યભર્યા પ્રશ્નોનું સમાધાન એ જેમ તત્વચિંતનનો વિષય છે, તેમ વીમાનો પણ વિષય છે. અને એ રીતે જોતાં વીમો ઉતરાવવા માટેનો ઉપદેશ કરનારાઓ આપણા પ્રચ્છન્ન ને ધંધાદારી તત્વચિંતકો છે – જો કે એ વાત એ પોતે કે આપણે કોઈ પણ જાણતા નથી.

Advertisements

8 responses to “વીમા અંગે થોડું તત્વચિંતન – જ્યોતિન્દ્ર દવે

 1. very good article. i was a financial advisor before a couple of years, and this reminds me of the hardship someone has to do to sell a life insurance policy!

 2. well, joytindra dave is outstanding. he knows very well how to laugh readers. i am a big fan of him because of his funny thinking always makes me laugh. even thanks to read gujarati. com through this website i can read such things though i am in sydney so its hard to read hard copy but readgujarati makes easy for me.
  thanks again,
  keep it up,
  i proud to be a gujarati!!!!!!
  jay trivedi
  SYDNEY

 3. AS ALWAYS, I LOVE JYOTINDRA DAVE AND HIS ARTICLES.

 4. It shows why Jyotindra is Hasyendrs. What a combination of wit, sarcasism & philosophy of struggling life.

 5. hi,
  The best thing about him, he always present laughter with life philosophy and life issues, his practical approach is unique. that is why he is different than others.
  Trupti

 6. વિજયસિંહ મંડોરા

  જ્યોતિન્દ્ર એટલે બસ જ્યોતિન્દ્ર એમની વાત જ ન થાય. ખુબ જ સુંદર લેખ આપવા બદલ thanksgujarati.