તારાઓનું આકાશી સખ્ય – કાકા કાલેલકર

છેક નાનપણથી તારા જોવાની મને મજા પડતી. રાત્રે, ચાલતી બળદગાડીમાં પથારી પાથરી સૂતા હોઈએ, ગાડી ખુલ્લી હોવાથી પથારીમાં સૂતાં સૂતાં આકાશના તારા તરફ ધ્યાન જાય. એ બધું હજી યાદ છે. તે વખતે, કોક કોક ઠેકાણે, મોટા મોટા તારાનો મજાનો ત્રિકોણ થાય છે, વાંકોચૂકો ચતુષ્કોણ થાય છે. અમુક તારા એક લીટીમાં આવે છે, એટલું જ જોવાનો આનંદ. એના કરતાં વિશેષ કશું જ જાણું નહીં. લોકોને પણ તારા વિશે બોલતા સાંભળ્યા ન હતા. સૂરજ, ચાંદામામા અને બંનેને કોક કોક વખતે થતાં ગ્રહણો વિશે ખૂબ સંભળાતું. ગ્રહણ કેમ થાય છે, શું બોલવાથી સૂરજ અને ચાંદાના ગ્રહણમાંથી મુક્તિ થાય છે અને દાન પણ તે વખતે કેમ આપવું જોઈએ – એની વાર્તાઓ ખૂબ સાંભળેલી. પણ તેથી તારાના જ્ઞાનમાં કશો ઉમેરો થયો નહીં.

ત્યાર પછી શુક્ર, મંગળ, ગુરુ અને શનિ વિશે સાંભળવાનું મળ્યું. ગ્રહણ થાય તે પહેલાં એના ‘વેધ’ લાગે છે, એ વાત કેમે કરીને ધ્યાનમાં આવે નહીં. તારાઓ ઝબક-ઝબક ચળકે છે, ગ્રહો ચળકતા નથી. એમનો પ્રકાશ સ્થિર હોય છે. એવો ભેદ જાણ્યો, ત્યારથી ચમક-ચમક તારાઓના સખ્યનો પ્રારંભ થયો.

અહીં મારે એનો આખો ઈતિહાસ આપવો નથી. ગંગનાથ વિદ્યાલયમાં કામ કરતો હતો ત્યારે દેશપાંડે સાહેબને મળવા એમ.ગોવિંદ પૈ કરીને મંગળૂર તરફના એક વિદ્વાન આવેલા. એમને મોઢે આકાશના તારાઓ વિશે ઘણું જાણ્યું અને 1903 માં મેટ્રિક કલાસમાં એસ્ટ્રૉનોમી નામની એક પ્રાથમિક ચોપડી વાંચી હતી એનું જ્ઞાન ફરી જીવતું થયું. મોટો લાભ એ થયો કે મોટા મોટા તારાનાં દેશી નામ અને અંગ્રેજી નામ એકસાથે જાણતો થયો. અમુક અમુક તારાઓનાં મંડળો થાય છે. એમનાં પણ દેશી અને વિદેશી નામથી પરિચિત થયો. એટલું જ નહીં, પણ આપણાં પુરાણોમાં અને પરદેશનાં પુરાણોમાં તારાઓ વિશે જે જૂની કથાઓ છે, તેમાં નવો જ રસ પડવા લાગ્યો.

તારા કેમ ઊગે છે, કેમ આથમે છે વગેરે જ્ઞાનમાં ઠીક ઠીક ઉમેરો થયો. ‘ભૂગોલચિત્રમ’ નામના નકશાઓનું આલબમ મેં વસાવ્યું. દેશી-વિદેશી ઘણી ચોપડીઓ વાંચી અને સ્વભાવે કેળવણીકાર હોઈ, મારા જ્ઞાનનો હું પ્રચાર પણ કરવા લાગ્યો. જે લોકો સાંભળવા આવે, તેમને તારામંડળના સદસ્ય ગણી, તેમની સાથે દોસ્તી કેળવવા લાગ્યો. મારા કારણે તારાઓનો ચેપ જેમને લાગ્યો એમની સંખ્યા નાનીસૂની ન હતી. પણ અત્યારે ત્રણ નામ ખાસ યાદ આવે છે. વડોદરામાં હું શિક્ષક હતો તે વખતના ત્યાંના એક વિદ્યાર્થી, વિનોબા. મુંબઈના એક વેપારી હીરાલાલ અમૃતલાલ શાહ અને મહાત્મા ગાંધી. 1930માં સરકારની કૃપાથી મહાત્માજી સાથે યરવડા જેલમાં રહેવાની તક મળી ત્યારે એમને આકાશના તારાઓ બતાવતો જતો. તે વખતે એમને બહુ રસ ન પડ્યો, પણ પાછળથી એ રસ જબરદસ્ત રીતે વધ્યો – એ વિશે મહાદેવભાઈએ અને એમણે પોતે જ લખ્યું છે.

આટલી સર્વસામાન્ય અને જરા લાંબી પ્રસ્તાવના કરી, તારાઓના ગૂઢ અનુભવો વિશે ચાર શબ્દો કહેવા માગું છું. એમાં ચર્ચવા જેવું કશું નથી. એ અનુભવો નોંધવાની જ માત્ર વાત છે.

રાષ્ટ્રીય કેળવણી ના અમારા પ્રયોગો સરકારે અશક્ય કર્યા. ક્રાન્તિકારી કામ પણ આશાસ્પદ જણાયું નહીં ત્યારે, ચારેકોરથી નિરાશ થયેલો હું, હિમાલયની યાત્રાએ ગયો (સન 1912). પાછા વળવાની દાનત હતી જ નહીં, ઘરના લોકો કોક વાર, સંભાષણ પરત્વે યાદ આવે, પણ એમના પ્રત્યેની આત્મીયતા પ્રયત્નપૂર્વક ભૂંસી નાખી હતી. હિમાલયનો પ્રદેશ અજાણ્યો અને લોકો અજાણ્યા. મારા જેવા અનેક પ્રાન્તના યાત્રીઓનો ભેટો થાય એટલે વાતો જરૂર કરીએ. છતાં આખો દિવસ સ્વજનોમાં તો અમે ત્રણ જ – સ્વામી આનંદ, અનંતબુવા મરઢેકર અને હું. આખા જીવનમાંથી કાયમને માટે ફેરફાર કરેલો હું, જાણે જૂના જીવન માટે મરી જઈ, નવું જ જીવન જીવતો હોઉં એમ લાગતું. ત્રણ જણા વાતો કરીએ ત્યારે જૂના જીવનની વાતો કરતી વખતે એ જાણે પૂર્વ ભવની હોય એમ જ લાગતું !’ ‘હવે એમની સાથે સંબંધ શો ?’ એ જાતનો પ્રશ્ન ફરી ફરી મનને પૂછીને જીવનપરિવર્તનની ઘટના મનમાં સ્થિર અને મજબૂત કર્યા કરતો હતો. આવા વાતાવરણમાં, આકાશના તારાઓ જ મારા જૂના, કાયમી અંગત મિત્રો હતા. આ અજાણ્યા મુલકમાં, જાણે સદાના ઉત્તમ સખાઓ તરીકે એમનું દર્શન થાય ત્યાં સુધી હું અજાણ્યા પ્રદેશમાં નથી, એ જાતનું આશ્વાસન મનમાં ઊગવા લાગ્યું અને ગંભીર થવા લાગ્યું.

અને તેથી જ એ ગ્રહો, એ તારાઓ, એનાં અમુક અમુક મંડળો – દાખલા તરીકે, વૃશ્ચિક રાશી, મઘા પાસેની સિંહ રાશી, હંમેશાં દેખાતા સપ્તર્ષિ – એમનાં નામ અત્યારે લઉં છું ત્યારે પન સગાંવહાલાંઓ અને જીવનસાથીઓનાં નામ લઉં છું એવો જ ભાવ જાગ્રત થાય છે. પણ હિમાલયના વાતાવરણમાં, અનેક પહાડોનાં શિખરો વચ્ચે સાંકડા થયેલા આકાશના ત્રિકોણમાં કે વાંકાચૂકા આકારોમાં તારાઓ દેખાય ત્યારે એ બધા જીવતા સાથીઓ થવા લાગ્યા. એ ભાવના કોક કોક વાર અત્યંત ઉત્કટ થતી અને તેથી હૃદયમાં જે લાગણીઓ અને કંપનો ઊભા થતાં હતાં, તેનું વર્ણન શી રીતે કરું ?

તારાઓની મદદ લઈને જ હું કહી શકું કે હિમાલયમાં આવ્યા પહેલાં જમીન, પાણી, પહાડો, જંગલો, સમુદ્રો, નદીઓ, પ્રપાતો અને બહુ બહુ તો આકાશનાં વાદળો – એ બધી આપણી દુનિયા એમ લાગતું અને સૂર્ય, ચંદ્ર સાથેના ગ્રહો, નક્ષત્રો, અને તારાઓ એ દૂરની અજ્ઞાત, અનંત દુનિયા, એવો ભેદ મનમાં રહેતો. હિમાલયમાં રાત્રે આકાશદર્શન કરતી વખતે એથી બરાબર ઊલટું જ થઈ જતું. આકાશના તારાઓ, ગ્રહો, એમની ગતિઓ અને નક્ષત્રો એ બધાં મારાં આત્મીયજનો એમનું આકાશ એ જ મારી દુનિયા, અને જે દુનિયા ઉપર હું રહેતો હતો, જેનો નવો નવો સ્પર્શ મારા પગને રોજ અનેક માઈલો સુધી થતો હતો, જે દુનિયાનું પાણી હું પીતો હતો, જેનાં જંગલોની છાયામાં હું બેસતો હતો – એ આખી દુનિયા હવે, પ્રમાણમાં, પરાઈ થઈ ગઈ ! અહીંની નદીઓ, અહીંના પર્વતો અને અહીંના લોકો રોજ બદલાતાં. એ મારાં નથી; પણ જેમણે મારો સાથ છોડ્યો જ નથી એ તારાઓ જ મારા ઓળખીતા, અંગત મિત્રો અને સાથીઓ, આત્મીયજનો છે. એમ જ આ ચિરપરિચિત અને કોઈ કાળે દગો ન દેનારી જ્યોતિઓ વિશે થવા લાગ્યું. નજીકની દુનિયા પરાઈ અને દૂરની દુનિયા સ્વકીય – એ અનુભવ અદ્દભુત તો હતો જ. એને માટે તૈયારી તો શું, અપેક્ષા પણ ન હતી, કલ્પના પણ ન હતી. એકાએક આ પરિવર્તન સાચું થઈ ગયું. અને જાણે શરીરના રોમરોમથી એ અનુભવું છું એમ લાગવા માંડ્યું.

અને પછી એ બધા આકાશના રહીશો મારે માટે જીવતા થયા. દરેકનું જુદું વ્યક્તિત્વ, એટલે કે જીવતું વ્યક્તિત્વ, હું અનુભવવા લાગ્યો અને એમાં એક રાત્રે (મને ખ્યાલ છે તે પ્રમાણે જમનોત્રી પહોંચતાં પહેલાંની રાત્રે) એ તારાઓમાં મને ભગવાનનાં દર્શન થવા લાગ્યાં.

રાતનો વખત હતો. ચાંદરણું પણ ન હતું. સાંજના પ્રકાશમાં કેટલાંક પર્વત-શિખરો જાણે ગેરુવી કફની ઓઢીને આરામ કરે છે એવું લાગતું હતું. એજ ઠેકાણે, એ જ પહાડોની માથે તારાઓ દ્વારા ભગવાનનાં દર્શન થવા લાગ્યાં અને ગીતાનું વચન મોઢામાંથી નીકળ્યું : સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે || આનો અનુવાદ મેં એકવાર કરેલો – This Personality is What is Called Adhyatma (સ્વભાવ એટલે Personality એ અર્થ મેં મારા સ્નેહી મહાદેવ મલ્હાર જોશીના કોઈ લેખમાં વાંચ્યો હતો અથવા એમની સાથી ચર્ચામાં મેં સાંભળ્યો હશે.) પણ એ વિચારની મદદથી જ રાતના એ અદ્દભુત અનુભવનું રહસ્ય હું સમજતો થયો. એનું કાર્યકારણ એ વખતે પણ મનમાં સ્પષ્ટ થયું ન હતું; આજે પણ એના પર વધારે પ્રકાશ પાડી શકું તેમ નથી.

અને છતાં, તે રાત્રે જે દર્શન થયાં એ હિમાલયના મારા બે-ત્રન ઉત્કટ અનુભવ કે ‘દર્શન’માનું એક ગણું છું.

એવો જ અનુભવ ધોળે દહાડે પવાલી પાસે જોયેલાં હિમાલયનાં અસંખ્ય ધોળાં શિખરો દ્વારા થયો હતો એટલું જ અહીં નોંધી રાખું છું. જો કે હિમાલયનો અનુભવ ખરો, પણ તારાઓનો નહીં. [‘હિમાલયનો પ્રવાસ’ – કાકા કાલેલકર, જુલાઈ 1941 ની ગુજરાતી આવૃત્તિમાંથી સાભાર. ]

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.