નવો સંબંધ – જય ગજ્જર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુપ્રસિદ્ધ લેખક શ્રી જયભાઈ ગજ્જરનો (ઓન્ટારિયો, કેનેડા) ખૂબ ખૂબ આભાર. ]

પ્લેનને ઉપડવાની દશ મિનિટ બાકી હતી. એક મુસાફર હાંફળો હાંફળો એની સીટ શોધી રહ્યો હતો. કેરન કંઈ વિચારે ત્યાં તો એની બાજુની ખાલી સીટ પર એ બેસી ગયો. એની પાસે એક બ્રિફકેસ હતી તે પગ નીચે મૂકી એણે બેલ્ટ બાંધ્યો. થોડી વાર શાંત બેઠો. પછી કેરન સામે જોઈ બોલ્યો, ‘માફ કરજો. છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડી. મારી રેન્ટેડ કારને રસ્તામાં પંક્ચર પડ્યું એટલે હાઈવે પર કલાક બગડ્યો.’

એના વદન પર હતાશા વરતાતી હતી. મોડા પડ્યાનો રંજ હતો. એક મેગેઝિન લઈ વાંચવા લાગ્યો. બે ચાર પાનાં ઉથલાવી કેરન સામે જોઈને પૂછ્યું, ‘ટોરોન્ટો જાઓ છો ?’
‘હા, તમે ?’ કેરને પૂછ્યું.
‘હું પણ ટોરોન્ટો જાઉં છું. ચાલો સરસ કંપની રહેવાની. લાંબી ટ્રીપ બોર નહિ થાય….’ એણે સીટ પાછળ કરી. ફલોરિડામાં ઈસ્ટર હોલીડે પસાર કરીને કેરન પાછી ફરી રહી હતી.
‘ટોરોન્ટોમાં સેન્ટ કલેર એવન્યુ પર મારો સોફટવેરનો સ્ટોર છે. બહુ સારો ચાલે છે. બહુ બિઝી રહું છું એટલે બ્રેક લઈ ઈસ્ટર હોલીડે માણી આવ્યો. તમે શું કરો છો ?’
‘મારે ટોરોન્ટોમાં કિંગ સ્ટ્રીટ પર કૉમ્પ્યુટરની શોપ છે.’
‘વેરી ગુડ. એક જ વ્યવસાયના છીએ. ક્યારેક મુલાકાત લેજો. કદાચ એકબીજાને ઉપયોગી થઈ શકીશું તો આનંદ થશે. લો આ મારું કાર્ડ.’
‘મારું કાર્ડ પણ તમે રાખો,’ કહેતાં કેરને એનું કાર્ડ આપ્યું.

એ પછી બંને વચ્ચે સફર દરમિયાન ઘણી વાતો થતી રહી. એણે કેરનને ગળે એક વાત ઊતારી કે ચાયનામાં બધું બહુ સસ્તું મળે છે અને ટોરોન્ટોમાં એ વેચવાથી ખૂબ ફાયદો થાય છે. કેરનનો વિશ્વાસ જગાવવા એણે ચાયનાની બે ચાર હોલસેલ કંપનીનાં સરનામાં પણ આપ્યાં.
‘મિ. ચેંગ, આજકાલ અમારો બિઝનેસ સ્લો છે. બહુ કોમ્પિટિશન છે ને ! મારા પર હોંગકોંગના બે ચાર ઈમેઈલ આવેલા પણ મેં ગણકાર્યું નહિ. યુ સીમ ટુ બી રાઈટ પરસન.’
‘મારો બિઝનેસ તો ધમધોકાર ચાલે છે. ઓન ધ કોન્ટ્રરી હું પહોંચી વળતો નથી. કેશનો બિઝનેસ એટલે ટેક્સની કે બીજી ઝંઝટ નહિ. બાય ધ વે, એક માયામીના એજન્ટ સાથે વાત કરીને આવ્યો છું. ટોરોન્ટો જઈ પચાસ હજાર મોકલું તો મને સાત દિવસમાં ચાર હીટ પ્રોગ્રામ – કોરલ ડ્રો, પેજ મેકર, ફોટૉ શોપ અને માઈક્રોસોફટ ઑફિસની – દરેકની અઢીસો અઢીસો સીડી મોકલી આપશે.’
‘ફ્રેઈટનું શું ?’ કેરનને સોદામાં રસ પડ્યો.
‘પચાસ હજારમાં બધું આવી ગયું.’
‘એ તો ચીપ કહેવાય. ચાલો, ટોરોન્ટો આવી ગયું લાગે છે.’
‘વાતોમાં સમય ક્યાં કપાઈ જાય છે એની ખબરે નથી પડતી. નાઈસ ટુ મીટ યુ.’
‘મને તમારી પ્રપોઝલમાં રસ છે. કાલે મારી ઑફિસમાં મને અગિયાર વાગે મળજો.’
‘આપણા એક નવા સંબંધનો ખૂબ આનંદ છે.’ કહી શેકહેન્ડ કરી બંને છૂટાં પડ્યાં.

બીજે દિવસે એની શોપ પર જતાં પહેલાં કેરને એની કાર સેન્ટ કલેર એવન્યુ પરથી લીધી. દુકાન બંધ હતી પણ કાર્ડ પ્રમાણે દુકાનનું પાટિયું હતું. આજુબાજુની બે ચાર દુકાનો બંધ હતી એટલે વીકલી હોલી ડે હશે એમ માની એણે ચેંગમાં વિશ્વાસ બેઠો.

બરાબર અગિયાર વાગે ચેંગ એને મળવા આવ્યો. એની સમયની ચીવટ એને ગમી. ચેંગે ઑફિસમાં શાંતિથી થોડી વાતો કરી ઑર્ડર કન્ફર્મેશનની કોપી આપી. કેરને ચેક તૈયાર રાખ્યો હતો.
‘મેમ, ચેક સર્ટિફાઈડ આપવો પડે છે.’ ચેંગે બહુ નમ્રતાથી કહ્યું.
‘નો પ્રોબલેમ.’ કહી એણે એના એકાઉન્ટન્ટને બેંકમાં મોકલી ચેક સર્ટિફાઈડ કરાવીને એને આપ્યો.
‘થેંક્યું મેમ. ગુડ લક. ફરી મળીશું. જ્યારે પણ કામ પડે ત્યારે મળજો.’ કહી સ્મિત સહ શેકહેન્ડ કરી એણે વિદાય લીધી.

બીજે દિવસે કેરનને શરદી થઈ જતાં એની શોપ પર ન જઈ શકી. ત્રીજે દિવસે ઑફિસમાં જતાં પહેલાં ક્યુરિઓસિટી ખાતર સેન્ટ કલેર એવન્યુ થઈ એની કાર લીધી. શોપ બંધ જોઈ એને શંકા જતાં શોપ સામે કાર પાર્ક કરી એની બાજુની દૂકાનમાં એ દૂકાન વિષે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બે મહિનાથી એ દુકાન બંધ હતી અને એનો માલિક કોઈ ચેંગ નહિ પણ સરદારજી હતો.

કેરનને ફાળ પડી. એ બેંકનું પેમેન્ટ અટકાવવા સીધી એની બેંક પર ગઈ. બેંક મેનેજરે કહ્યું, ‘તમે જેને નામે ચેક ઈસ્યુ કરેલ તે ભાઈ એ ચેકના રોકડા પૈસા એ જ દિવસે લઈ ગયા હતા.’
કેરનને પોતે છેતરાઈ ગયાનો ખ્યાલ આવી જતાં પૂછ્યું, ‘એ ભાઈનું અહીં ખાતું છે ?’
‘ના. એમની બે આઈ.ડી ચેક કરી અમે પૈસા આપેલા.’
‘મને એ બે આઈ.ડીની કોપી આપશો ?’
કેરન કોપી લઈને નજીકની પોલીસચોકીએ ગઈ.
કોપી જોઈને પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું, ‘ફરગેટ ઈટ, મેમ. આ જ આઈ.ડી. ના આ બે દિવસમાં તમે ચોથા ફરિયાદી છો.’
કેરનના પગ જમીન સાથે જડાઈ ગયા. કાપો તો લોહી ના નીકળે !

Advertisements

5 responses to “નવો સંબંધ – જય ગજ્જર

 1. વિશ્વાસ,અવિશ્વાસ,અતિવિશ્વાસ અને અંધવિશ્વાસ :
  વિચારણીય શબ્દો છે !સમજવા જેવા છે.આભાર !

 2. નવો સંબધ તો કડવાશ ભર્યો નીકળ્યો.
  મણવતભાઇ ની વાત સાચી છે કે વિશ્વાસ,અવિશ્વાસ,અતિવિશ્વાસ અને અંધવિશ્વાસ આ ચારેય શબ્દો સમજવા જેવા છે.
  વ્યવ્હારુ વાર્તા માટે જયભાઇ ગજજર ને અભિનંદન.

 3. Jay Gajjar bhai ni Navo Sambandh vaanchi. Majedar chhe.Manwant bhaini vaat taddan saachi. Aapan ne fark karta aawadvun joi ane ej bahu diificult chhe.

  by the way, Jay Gajjar bhai maara bahu saara mitra chhe. Ame ek bijane madta rahiye chhiye.

  CONGRATS Jay bhai.

  FIROZ KHAN
  Editor ‘Hindi Abroad’
  Brampton (Canada)

 4. o my god… that’s why never talk to strangers… u don’t know them.. they r just like wind who comes with the tornadoes and then leave with that pace.. u can’t put your trust in their hands.

  anyways, it was a great story… thanks.

 5. Lovely story. The writer Jay Gajjar deserves congrats. We need not become panicky or suspicious but at the same time we must use our sense of judgement.
  Pritam Surti
  Toronto(Canada0.