એક કરોડની લોટરી લાગે તો ? – નટવર શાહ

પ્રશ્ન વાંચી હું ગંભીર વિચારમાં પડી ગયો !

મારાં પત્નીએ મને ઢંઢોળતાં કહ્યું, ‘તમે આમ શેખચલ્લીના વિચારે ચઢશો નહીં. તમારા હાથમાંથી ચાનો કપ નીચે ટેબલ પર ઢોળાશે તો મારા કામનાં કાગળિયાં પલળી જશે અને મને લાખોનું નુકશાન થશે !’

હું કરોડના વિચારમાં હતો ત્યાં આ લાખની વાતમાં મને પણ રસ પડ્યો. મેં કહ્યું, ‘તને વળી લાખોનું નુકશાન કેવી રીતે ?’
‘કેમ વળી ? ગઈ કાલે મેં જે લૉટરીની ટિકિટો ખરીદી છે તે બધી ત્યાં ટેબલ પર જ પડેલી છે ને ?’
સ્ત્રીઓની આવી હરકતો હું કદી ગંભીરતાથી લેતો નથી, તેથી ફરી મેં ગંભીરતાથી વિચારવાનું જ ચાલું રાખ્યું !

લૉટરી લાગે એટલે પહેલું કાર્ય બૅન્કમાં ખાતું ખોલાવવાનું કરવું પડે. હું જાણું છું કે બૅન્કવાળાઓની મારે ત્યાં લાઈન લાગશે. આમાંથી જે જે બૅન્કોએ મારા ચેક પાછા કાઢ્યા છે તે બૅન્કવાળાઓને તો હું તરત જ પાછા કાઢીશ ! વળી હું એવી જ બૅન્કમાં ખાતું ખોલાવીશ કે જે બૅન્ક મને નવી નોટો કચવાટ વગર આપે, મારી જૂની નોટો હસતા મોંએ સ્વીકારે અને મારે જરૂર હોય ત્યારે પરચૂરણની સગવડ પણ કરી આપે !

મારી બૅન્કના ખાતામાં લૉટરીના પૈસા બરાબર જમા થઈ ગયા છે તેની જાતે ખાતરી કર્યા પછી હું આભારવિધિ શરૂ કરીશ. ઈશ્વર પરનો બધો રોષ ભૂલી જઈને, મોડે મોડે પણ તેણે મારા સામું જોયું તેથી પહેલાં હું તેનો આભાર માનીશ. બીજો આભાર હું પેલા 9,99,999 ઉદારદિલ દાતાઓનો માનીશ જેમના દસ દસ રૂપિયાના ફાળા વગર મારું કરોડપતિ થવાનું સ્વપ્ન સિદ્ધ થઈ શક્યું જ ન હોત ! પછી આભાર માનીશ હું મારી ધર્મપત્નીનો, મારા લેણદારોનો, ખિસ્સાકાતરું ભાઈઓનો – કે જેમણે મારા ખિસ્સામાં દસ રૂપિયાની નોટ સલામત રહેવા દીધી અને હું લોટરીની ટિકિટ ખરીદી શક્યો !

મારી બીજી યોજના આ મુજબ રહેશે :

[1] હું લૉટરીની ટિકિટ ખરીદવાનું સદંતર બંધ કરી દઈશ. જિંદગીમાં બે વખત મોટી લૉટરી કોઈને લાગી હોય તેવું કદી સાંભળ્યું છે ?

[2] ઘરનું ફર્નિચર, રાચ-રચીલું, મારો પોષાક વગેરે બધું બદલાવી નાખીશ. આ બધું ભપકાદાર બનાવીશ તેવું રખે માનતા. અત્યારે મારી પાસે ‘કંઈ’ નથી ત્યારે ‘કંઈક’ છે તે બતાવવા માટે મારે, મને પસંદ ન હોય તેવા પ્રકારનું આ બધું વસાવવું પડે છે ! પણ જ્યારે મારી પાસે ‘કંઈક’ હોય ત્યારે ‘કંઈક’ છે તેવો દેખાવ કરવાની જરાય જરૂર નથી. તેથી મને જે પસંદ હોય તે જ વસ્તુ હું સ્વતંત્રપણે વસાવી શકીશ.

[3] લૉટરી પહેલાંના સગાં-સંબંધી મિત્રોને ‘મૂળ’ તથા લૉટરી પછીના સગા-સંબંધી મિત્રોને ‘નવા આવેલા’ તરીકે ગણીશ. આવા સગાં-મિત્રો લૉટરી પહેલાં આખી જિંદગી દરમિયાન કેટલા થયાં તથા લૉટરી પછી એક વર્ષમાં કેટલાં થયાં તેની નોંધ રાખી તુલના કરીશ.

[4] જુદા જુદા વિષય પરત્વે મારી સાથે મતભેદ ધરાવનારાઓને ફરી પકડીશ ! મારા વિચારો તેમના ગળે ઊતરે છે કે નહીં તેની ફરી કસોટી કરીશ !

[5] જુદી જુદી ફેકટરીઓ નાખીશ. મારી દષ્ટિએ આજની તાતી જરૂરિયાત આ પ્રમાણે છે :

(અ) સંચાથી પેન્સિલની અણી કાઢતાં અણી બટકી જાય અને તેના જે નાના નાના ટુકડા પડે છે તેનો સદુપયોગ હજુ કોઈને સૂઝયો નથી. આવા ટુકડાઓ હું વિદ્યાર્થીઓ પાસેથી કિલો દીઠ વાજબી ભાવે ખરીદી લઈશ અને તેમાંથી કલાત્મક ચીજો બનાવી વિદેશ નિકાસ કરી શકાય, તેવી ફેકટરી નાખીશ.

(બ) દાઢી કરતા હોઈએ ત્યારે મોટા ભાગે દાઢીના વાળને બદલે દાઢી જ છોલાય છે – લોહી નીકળે છે. આનું ખરું કારણ આખરે મેં શોધી કાઢ્યું છે. આનું કારણ આપણે રેઝરમાં વચ્ચે બ્લેડ મૂકીએ છીએ તે જ છે. જો બ્લેડ જ ન મૂકીએ તો લોહી જરા પણ નીકળતું નથી. તેથી બ્લેડ મૂક્યા વગર ફકત રેઝરથી જ દાઢી થઈ શકે તેવી જાતના રેઝર બનાવવાની ફેકટરી નાખીશ.

(ક) ચોપડાનું ગમે તેટલું વજન હોય, છતાં શાળાએ જતા બાળકને થેલો સાવ હળવો ફૂલ જેવો લાગે તેવા ખાસ પ્રકારના થેલા બનાવવાની ફેકટરી નાખીશ.

અંતમાં, એક શેઠના ડાહ્યા દીકરાને એક રૂપિયામાં આખો ઓરડો પ્રકાશથી ભરી દીધો હતો તેથી બોધકથા જાણીતી છે. તો પછી વિચાર આવે છે કે એક કરોડ રૂપિયામાં આખા વિશ્વમાં પ્રકાશ પાથરી શકાય કે નહીં ?

Advertisements

6 responses to “એક કરોડની લોટરી લાગે તો ? – નટવર શાહ

 1. પેલા લોટરી લાગવા તો દો , પછી વિચારીશુ સાહેબ.

 2. હવે તો લોટરી લાગ્યા પછીનો લેખ પણ વાંચવો પડશે… કે ફેકટરીઓ ખૂલી કે’ની?
  🙂

 3. ” ભેંશ ભાગોળે..છાશ છાગોળે….ઘેર ઝૈડકા ”

  આ બધા તો ધાડ આવતા પહેલાં જ ઝેર ખાનારા !

  એક કરોડની લોટરી માટે પ્ર્ભુપ્રાર્થના !યાદ તો કરશો ને ?

 4. It is said that success ( read it as money) is relative, it brings so many relatives. 🙂

 5. અંતમાં, એક શેઠના ડાહ્યા દીકરાને એક રૂપિયામાં આખો ઓરડો પ્રકાશથી ભરી દીધો હતો તેથી બોધકથા જાણીતી છે.

  મેં આવી કોઇ બોધકથા સાંભળી નથી. એટલે કંઇ ખબર ના પડી.. કોઇને ખબર હોય તો જરા સાર આપશો ??

 6. BODHKATHA BAHUJ SARI CHE……..LOTRI NI TICKET LEVA VALA E KHAS VANCHAVI