ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ

[ગઝલકાર શ્રી નટવરભાઈ (કુવૈત) દ્વારા લિખિત ત્રણ બાળ ગઝલો, ‘ધબક’ સામાયિકમાંથી સાભાર. ]

ચાંદામામા

ચાંદા મામા ચાંદા મામા,
વાદળમાંથી આવો સામા.

અમને પ્રિય કુરતા પા’જામા,
તમને તો રૂપેરી જામા.

અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.

દાદાજીની આ ડેલીમાં,
રોજ નિહાળો ખેલ ઉધામા.

ટેવ તમારી અમને આપો,
‘હરદમ એવા, લો ન વિસામા’

જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા કેરા ધામા.

ચકલી ટોળું

ચીં ચીં કરતું ચકલી ટોળું
ફરર્ર ઊડતું ચકલી ટોળું.

ઝાડે ઝાડે બેસે નાસે,
ક્ષણમાં સરતું ચકલી ટોળું.

ચકલી-ચકલો ચકલો-ચકલી,
સંગે ફરતું ચકલી ટોળું.

સૂરજ કેરો મહિમા ગાવા,
કલબલ કરતું ચકલી ટોળું.

સુખ-દુ:ખ સઘળાં ભૂલી જઈને,
કેવું રમતું ચકલી ટોળું !

વાદળ

વાદળ વાદળ હળતાં વાદળ,
ટીપે ટીપે રળતાં વાદળ.

સૂરજ ઢાંકી ફરતાં વાદળ,
પૃથ્વી ઝાંખી કરતાં વાદળ.

કારણસર કરગરતાં વાદળ,
લાગ મળે ગડગડતાં વાદળ.

હસતાં હસતાં રડતાં વાદળ,
રડતાં રડતાં હસતાં વાદળ.

Advertisements

4 responses to “ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ

  1. બાળસ્વભાવને પોષક સરસ રચનાઓ છે,આભાર શ્રી,નટુભાઈનો !

  2. સુંદર પ્રયાસ… બાળકાવ્યો ઘણાં વાંચ્યા છે, પણ બાળ-ગઝલનો આ પ્રયોગ નવતર જણાયો. મજા આવી… આભાર, નટવરભાઈ!

  3. બાળ ગઝલના આ નવતર પ્રયોગને આ વૈશ્વિક માધ્યમ-વેબસાઇટ ઉપર ખુબ આવકાર મળી રહેશે તેવી રજુ થયેલી આ ત્રણે સુંદર બાળ ગઝલોનું સ્તર અને કાઠું જોતાં સમજી શકીએ કે આશા રાખીએ તો તેમાં કાંઇ અતિશયોક્તિ નહિ ગણાય..અભિનંદન નટવરભાઇ જાજલ…