એક સારો માણસ !! – નીતિન ત્રિવેદી

[કટાક્ષિકા]

ઍક્ચ્યુઅલી, મને મારી વાતો કરવાની ટેવ નહીં. મારી વાતોમાં ‘હું’ પદ ન આવે. આપણે આપણી જ વાતો કર્યા કરીએ તો સામો માણસ કેવું ધારે ? હું આવી વાતોનું ખાસ ધ્યાન રાખું. કોઈપણ વાતે હું મને કેન્દ્રસ્થાને ન રાખું. મેં ટેવ જ એવી પાડેલી છે. બધાંને મારી આ ટેવની ખબર છે કે હું મારી વાતો ન જ ક્યાં કરું. ને કરું તો કોઈનું ભલું કરું. કદાચ જરૂર પડે, ને મારી વાતમાં એવું કંઈક આવી જાય એવું ક્યારેક બને, પણ એ ય ન છૂટકે જ. સગા સંબંધી કે મિત્રો તો ઠીક, એ સિવાય પણ મારી આ જ છાપ. મારી આ છાપ જાળવવા માટે ઘણું ધ્યાન રાખવું પડે છે. અલબત્ત અભિમાનનો તો મારામાં છાંટો ય નહીં. દંભ તો મારા સ્વભાવમાં પહેલેથી જ નહીં. વળી સમર્પણભાવ પણ મારામાં એટલો જ. ને નામ માટે કોઈ કામ નહીં કરવાનું. હા, એવું કામ કરીએ ને નામ મળે એ જુદી વાત છે.

આ ધરતીકંપ વખતની જ વાત લ્યો ને. એ વખતે અમારી ઑફિસમાંથી સહુએ ઓછામાં ઓછો એક સો એક રૂપિયાનો ફાળો કરવો એવું નક્કી કરેલું. પણ મેં આપ્યા એકસો અગિયાર પૂરા. પછી મળેલ ફાળાની યાદીમાં મેં પેલા ભટ્ટભાઈએ રૂપિયા એકસો એકાવન નોંધાવેલા જોયા. એટલે મેં તરત જ મારો ફાળો રૂપિયા બસો એક કરાવી નાંખ્યો. ત્રણચાર જણે તો ખુશ થઈને ‘સરસ…સરસ’ કહેલું. કોણે કોણે એવું નથી કહ્યું એ પણ મને બરાબર યાદ છે. ઠીક છે, આખરે આ બધું કોના માટે ? દેશ માટે તો હું મરી ફીટવા તૈયાર.

અમારી બ્રાન્ચ ઑફિસમાં બદલી થઈને એક નવી છોકરી આવી છે. દેખાવડી છે. એના આવ્યા પછી અમારા સ્ટાફમાં ઘણાં લટ્ટુ થઈ ગયા છે. પણ પેલી કોઈ કરતાં કોઈને દાદ જ ન દે. પણ હું એટલે અટલ….અચળ…. હવે બન્યું એવું કે પેલા મેહુલિયા જોડે હમણાં હમણાં હળવા માંડેલી. આપણને તો શો વાંધો હોય ! આમે ય મારો તો જીવ જ પરોપકારી. થાય તો કો’કનું ભલું કરવું. મારે એ જોવાનું હતું કે મેહુલ એની જાળમાં ફસાય નહીં. ને પેલીય રહી કાચી કુંવારી. કંઈ ન કરવા જેવું કરી બેઠી તો એની ને એના મા-બાપની આબરુંનું શું ?

પણ એ બંને એમ કંઈ કોઈના વાર્યા વળે નહીં. એટલે પછી મારે એનો રસ્તો કરવો પડ્યો. પેલીના ઘેર મેં નનામો ફોન કર્યો. ને મેહુલિયાના ઘરેય એવી રીતે જ વાત કરવી પડી. પેલીના કૅરેક્ટર વિશે આડુંઅવળું કહેવું પડ્યું. શું થાય ? છૂટકો જ નહોતો. મારે તો પેલી બિચારીનો પગ કુંડાળામાં ન પડી જાય એ જોવાનું હતું. ને એના ઘેર મેહુલિયાના ગોરખધંધાઓ વિશે કહેવું પડ્યું. એ એવાં કોઈ ગોરખધંધા કરતો નથી એ સાચું, પણ એમ ન કરું તો પેલી આગળ વધતી અટકે કેમ ?

હવે તો બે ય એકબીજા સામે જાણે ઘુરકિયા કરે છે. ભલે કરે. એનો વાંધો નહીં. કોઈનું સારું થતું હોય તો થોડું ખોટું ય બોલવું પડે. પણ બેયના જીવન તો ન બગડે. આવાં તો પૂણ્યનાં કેટલાંય કામ કર્યા કરું. મનમાં સહેજે અભિમાન ન આણું. આ તો વાત નીકળી એટલે કહી દીધું. બાકી જીભનો ટાંકો ય નહીં તોડવાનો ને ! કાનને દોષ લાગે….

એમ તો અમારી સામે રહેતાં બે પાડોશીઓને પહેલેથી જ બહુ સારું બને. પાડોશીઓ વચ્ચે સારું બને એ તો સારું જ કહેવાય ને ! જો કે એ બંને કુટુંબોને એકબીજાનાં કેટલાંક અવગુણોની ખબર નહીં. હવે માની લો કે પછીથી ક્યાંક, ક્યારેક એવી ખબર પડે તો શક્ય છે કે એમને આઘાત લાગે. ઓછું આવે. સંબંધો બગડે. હવે જો એ બંનેને સમયસર આવી બાબતની જાણ થઈ જાય તો બંને ચેતતા રહે. ચેતતા રહે એ સદા સુખી. વ્યવહારમાં સાવધાની વર્તે તો સંબંધો પણ જળવાઈ રહે. મોડે મોડેથી ખબર પડે એના કરતાં સમયસર ખબર પડે તો સમય સચવાઈ જવા જેવું શુભકાર્ય ગણાય. મોડી ખબર પડે તો એમને આઘાત લાગે કે અરરર, આટલો સમય ભ્રમમાં રહ્યાં ! એટલે ઉમદા લાગણીથી મેં બંને પાડોશીઓને યોગ્ય સમયે એકબીજાની અજાણી બાબતોથી સારી રીતે વાકેફ કર્યા. આ પછી એવું બનવું જોઈએ કે મેં ધાર્યું હતું. પણ બન્યું એવું કે બંનેમાંથી કોઈ સાવધ ન રહ્યા. સાવચેતીથી સંબંધો સાચવવાના હતા, પણ ન સચવાયા. ઊલટું, બંનેને વાતે વાતે વાંકુ પડવા લાગ્યું. હવે તો એમને ઊભાય બનતું નથી. અરેરે, શું ધાર્યું હતું ને શું થઈ ગયું ? ક્યાં જશે આ જગત ?

કેટલીક વાર તો ધરમ કરતાં ધાડ પડતી હોય છે. ઘણાં સુખી હોય તો હું એને વધારે સુખી કરવાનો પ્રયત્ન કરું. ને જો એ વધુ દુ:ખી થઈ જાય ને સરવાળે મારો વાંક નીકળે તો મને દુ:ખ ન થાય ? મારા આખા સર્કલમાં….. કેટલાંક કહે છે કે મારે વળી સર્કલ કેવું ? પણ હું તો આખા વિશ્વને મારું સર્કલ જ ગણું છું. રિલેશનશીપનું ગ્લોબલાઈઝેશન !

હા, તો ધરમ કરતાં ધાડ પડવાની વાતમાં એવું છે કે અમારા એક સંબંધી કુટુંબમાં સાસુ-વહુને સારો એવો મનમેળ. આવા મનમેળથી ભલા કોણ રાજી ન થાય ? હું તો એમને જોઉં ને આંખ ઠરે. એમના મનમેળને દ્રઢ બનાવવા એ સાસુ-વહુને મેં વળી અલગ અલગ ટીપ્સ આપી. હવે બન્યું એવું કે ટિપ્સનું પીટ્સ થઈ ગયું. એટલે કે અવળું થઈ ગયું. એમનું ચાલતું હતું સવળું. એ કાયમ સવળું જ રહે એવો મારો શુભ આશય. પણ એ બંને ટીપ્સ પ્રમાણે વરતવા ગયા એમાં માંડી ચકમક ઝરવા. પછી તો બરાબરની જામવા લાગી. અંતે વહુ-દીકરો બીજે રહેવા ગયા ને સાસુ-સસરા અહીં રહી ગયા. હવે એમને સરખું ચલાવતા ન આવડ્યું એમાં હું શું કરું ?

આવું જ પેલા જય અને વિજયના કેસમાં બન્યું હતું. બંને જિગરી દોસ્તો. બંનેને એકબીજા વગર ચાલે નહીં. તમે એ બંનેને સાથે જૂઓ તો ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે… તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે….’ એવું ગાતાં હોય એમ લાગે. ઈતિહાસમાં દોસ્તીની એવી કેટલીય અમરગાથાઓમાં આ જોડીની ગાથા યે ઉમેરવાનું મન થાય. મારો પ્રયત્ન માત્ર આ જોડીની દોસ્તી અમર થઈ જાય એટલો જ.

તમે જોજો. મોટાભાગના બગડતા સંબંધોમાં મૂળ જવાબદાર સ્ત્રી હશે. એટલે જયને મેં માત્ર એટલું જ સમજાવ્યું કે વિજયને બને ત્યાં સુધી ઘરે હેળવવા ન દેવો. બૈરાંવાળા ઘરમાં પરપુરુષનો આવરો-જાવરો બહુ સારો નહીં. મોટાભાગના પ્રોબ્લેમ એમાંથી જ ઊભા થાય. જયને મારી વાત સમજાવવા સાચા-ખોટા કેટલાંય દાખલાઓ આપ્યા ત્યારે માંડ એ સમજ્યો. આ બાજુ, વિજયને મેં બિલકુલ આ પ્રમાણે જ માર્ગદર્શન આપ્યું. ભાઈબંધો તો સરખા જ હોય. વિજય પણ જય જેવો. એનેય વાત ગળે ઉતરાવતા નાકે દમ આવી ગયો. પણ કહે છે ને કે કર્યું ફોગટ જતું નથી ! મારી મહેનત પણ ફોગટ ન ગઈ. અંતે એ બંનેને મારી વાત બરાબર સમજાઈ ગઈ. વખત જતાં એ બંનેની દોસ્તી વધુ ગાઢ થશે એવું મને હતું પણ એમની દોસ્તી ગાઢને બદલે આછીઆછી થવા લાગી. આઘી-પાછી થવા લાગી. માળું આવું તો કોણે ધાર્યું હોય. પછી તો પેલી ફિલ્મોમાં ડાયલોગ આવ્યા કરતા હોય છે ને કે ‘તુમને હમારી દોસ્તી દેખી હૈ, દુશ્મની નહીં દેખી.’ બસ જયને વિજય માળા બે ય એવું કરવા માંડ્યા. વાતે વાતે બાંયો ચઢાવે. વચ્ચે પડું ને મને અડફેટ લઈ લે તો ? એ બીકે હું આઘો રહું. કજિયાનું મોં કાળું. મને ટંટાફિસાદમાં પહેલેથી જ રસ નહીં. જ્યાં શાંતિ હોય, પ્રેમ હોય, મૈત્રી હોય ત્યાં જ હું હોઉં. આવા ઝગડા ને આવી દુશ્મની ને આવા બધામાં હું પડું જ નહીં.

વખત જતાં કો’ક વળી જય-વિજયના કેસમાં ઊંડું ઊતર્યું ને અંતે ઓળિયો-ગોળિયો મારી ઉપર આવ્યો. બોલો ! છે સારા માણસો નો જમાનો ? આ તો ધરમ કરતાં ધાડ પડ્યા જેવું જ થયું ને ? નરસા લોકો બધો દોષ સારા માણસો પર ઢોળી દે છે. નરસા લોકોએ બનાવેલાં કૉમ્પ્યૂટરો પણ ભૂલ કરે તો એ કૉમ્પ્યૂટર બીજા કૉમ્પ્યૂટર પર દોષ ઢોળી દે.

કદાચ તમને એમ થતું હશે કે હું યે કેવી બીજાઓની વાતો લઈને બેઠો છું. પણ મેં તમને પહેલાં જ ન કહ્યું કે મને મારી વાતો કરવાની ટેવ જ નથી !

Advertisements

5 responses to “એક સારો માણસ !! – નીતિન ત્રિવેદી

 1. Ati uttam Trivedi Saheb…

 2. એક જ વાક્ય માં કહું કેમ કે મને પણ “મારા” વિશે કહેવાની ટેવ નથી ને એટલે.

  આ લેખ વાંચતા-વાંચતા બીજા ફકરાથી અંત સુધી સતત મલકતો જ રહ્યોં.

  અભિનંદન શ્રી નીતિન ત્રિવેદી ને. સવારથી જ અમને હસતા કરી દેવા બદલ રીડગુજરાતી નો આભાર.

 3. એક્ચ્યુલી મને પણ મારી વાતો કરવાની ટેવ નથી પણ અહી તમારી જાણ માટે જણાવી દઉ, પરોપકારી જીવડો ખરો ને….

  …કે લેખ એકદ્દમ સરસ છે. ઉત્તમ કટાક્ષિકા. અભિનંદન નીતિનભાઇ ત્રિવેદી ને.
  આભાર મૃગેશભાઇ.

 4. Excellent. Very realistic. This is very common to see in our day-to-day life. Sometimes, we are a party to it alhough we may not be knowing or pretend ignorance. There are very few genuine gentlemen in this world.

 5. અભિમાન અશ્વ પર ચદી ચદી….છે સમય ઘડી કે બે ઘડી….
  પરાઇ મૂર્ખતા કાજે………..મુખે તું ઝેર ના લેજે !