પડછાયા – ભીષ્મ સાહની

[ ‘જલારામદીપ’ સામાયિકના પંજાબી વાર્તા વિશેષાંકમાંથી સાભાર. અનુવાદ : ડૉ. વિરંચિ ત્રિવેદી ]

‘તું શું સમજે છે ? હું ખાલી બેસી રહ્યો છું ?’
‘ના, તમને તો માથું ઊંચુ કરવાનીયે ક્યાં ફુરસદ છે ? ખાલી તો હું બેસી રહી છું.’ મારાથી કહી દેવાયું.
એ સાંભળી એ પહેલાં કરતાં યે વધારે ઊંચા સ્વરે ચિડાયો અને ટેબલ પર પેન પછાડી બોલ્યો, ‘તમે મને જીવવા ય દેશો કે નહીં ? બે મિનિટ પણ શાંતિથી બેસવા નથી દેતા.’
મેં હાથ જોડી કહ્યું, ‘તમે જે કહો છો તે બરાબર છે. હું બહુ ખરાબ છું. હવે વધારે કંઈ ના બોલશો.’

પપ્પુ ત્યાં ના હોત તો મેં માથું પછાડી નાખ્યું હોત, મારા વાળ ખેંચી નાખ્યા હોત. પપ્પુ ત્યાં ન હોત તો તેણે પેન ટેબલ પર પછાડવાને બદલે દીવાલ પર પછાડી હોત. હું પપ્પુને બહાર લઈ જવા માટે જ કપડાં પહેરાવતી હતી. દર વખતે અમારામાંથી ગમે તેનો અવાજ મોટો થઈ જતાં પપ્પુ મોઢેથી હર્ફ સુદ્ધાં ઉચ્ચારતો નહોતો, ક્યારેક મારી સામે જુએ તો ક્યારેક પિતાની સામે એકીટશે જોઈ રહેતો.

મોજાં પહેરાવતા હું રડી પડી અને કલ્પાંત કરતાં મેં કહ્યું : ‘આજે પણ તમે કડવાં વૅણ બોલીને મને દુ:ખી કરશો ?’
તે ક્ષણેક સ્તબ્ધ થઈ ગયો. ચશ્માના મોટા મોટા કાચ પાછળથી તે મને ધારી ધારીને જોતો જ રહ્યો. પછી કંઈક કહેવા જતો હતો ત્યાં જ ફરી હાથ જોડી પપ્પુનો હાથ પકડી હું ઊભી થઈ.
‘હવે છોડો. નથી હું બદલાઈ શક્તી કે નથી તમે.’ અને પપ્પુનો હાથ ઝાલી હું બહાર નીકળી ગઈ.

એ તો ટેબલ પાસેથી ઊઠ્યો જ નહીં. હું જાણતી હતી કે પેન લઈને એ પાછો પોતાના કામે લાગી જશે. અને મારી પીઠ ફરતાં બધું જ ભૂલી જશે. વરંડામાં નીકળીએ દીવાલને અઢેલીને હું લાચારની જેમ ઊભી રહી. મારું અંત:કરણ કકળી ઊઠ્યું. પપ્પુ મને અપેક્ષા સાથે એકીટશે જોતો રહ્યો. પછી આંખો લૂછી, સહેજ પાસે જઈ મેં તેનો હાથ પકડ્યો. ત્યારે તેણે ધીરેથી કહ્યું, ‘મમ્મી, આજે તારો જન્મદિવસ છે ?’
હું કશું પણ બોલ્યા વિના તેનો હાથ પકડી દાદર ઊતરી ગઈ. નીચે ઊતર્યા પછી પણ મારી સામે જોઈ રહેતાં પપ્પુએ મને કહ્યું, ‘મમ્મી, જોયું ? આજે હું રડ્યો નથી.’

‘તું બહુ જ ડાહ્યો છે, પપ્પુ.’ મેં તેનો હાથ દબાવતાં કહ્યું.
‘પપ્પા તને કાંઈપણ કહેતા હોય તો તું સામા જવાબ ના આપ. તું બોલે છે ત્યારે એમને ગુસ્સો આવી જાય છે.’ હું ચૂપ રહી, પણ મને પપ્પુની વાત ના ગમી. છોકરાં પણ બાપનો જ પક્ષ લેવા માંડ્યા છે. પુરુષો કેટલા કુટિલ હોય છે, બાળકોનેય પોતાની તરફ ખેંચી રાખે છે ! પીસાઈ મરતી તો મા હોય છે, છતાં પણ છોકરાં પક્ષ તો પિતાનો જ લેતાં હોય છે. મેદાનમાં ઘણી સ્ત્રીઓ પોતાનાં બાળકો સાથે આમ તેમ ફરી રહી હતી. હું એ બધાથી દૂર રહેવા માંગતી હતી. હું નહોતી ઈચ્છતી કે મારી ભીની આંખો કોઈ જોઈ જાય. મને કશું જ ગમતું નહોતું. હું બધાથી દૂર એક બાંકડા પર અલગ જઈને બેઠી.

હવા સૂકી હતી. ઋતુ ઝડપથી બદલાઈ રહી હતી. મેદાનમાં જાણે કે પાનખરની ધૂળ ઊડી રહી હતી. ઘાસ સુકાઈને કડક થઈ ગયું હતું. મેદાનની ધારે ધારે રોપેલા છોડવાઓ થથરતા લાલ લાલ થઈ રહ્યા હતા. હવાની લહેર મારી પીઠ પર કમકમાટી સાથે સૂસવાટાભેર દોડી જતી હતી.

પપ્પુ ક્ષણભર મારી સામે ચૂપચાપ ઊભો રહ્યો. અને પછી નાસી ગયો, મને એ પણ ના ગમ્યો. પહેલાં અમારે ઝઘડો થાય તો તે મને વળગી રહે, પછી છો ને ચૂપ રહે. પરંતુ એની ચૂપકીદીમાં પણ સહાનુભૂતિનું સાંત્વન મળતું હતું. પછી મને વળીવળીને ઝઘડાનું કારણ પૂછ્યા કરતો. અને પોતાની વાતને દોહરાવ્યા કરતો હતો. હવે તો મને રડતી જોઈને ય એ ઊભો થઈ નાસી જતો. એના ગયા પછી હું વાંકુ જોઈ, આંસુ લૂછી ઘણા લાંબા સમય સુધી દુપટ્ટાનો છેડો દાબી મારાં હીબકાં શમાવવાની કોશિશ કરતી રહી. એવામાં મને લાગ્યું કે એક સ્ત્રી મારા બાંકડા પાસે આવીને પાછી ફરી ગઈ છે. મેં ડોક ફેરવી. એ ગુલનારની મા હતી. ચોક્કસ મારી પાસે બેસવા આવી હશે. અને મને રડતી જોઈ જતી રહી હશે.

મેં દૂર નજર કરી. પપ્પુ દૂર મેદાનમાં વચ્ચોવચ્ચ એકલો અટૂલો ઊભો હતો. અને વચ્ચે વચ્ચે ઝૂકીને કોણ જાણે શું યે વીણ્યા કરતો હતો ! ગોળ પથ્થર, ઠીકરીઓ, લોખંડના ટૂકડા, પાટિયાંની નાની નાની ચપાટો, કોણ જાણે શું શું ખીસ્સામાં ભર્યા કરતો હતો ! એની નજીક જ બે છોકરાઓ અત્યારથી જ શિયાળુ પોષાક પહેરી પરસ્પર ગુસપુસ કરી રહ્યા હતા. એ છોકરાઓને જોઈ મારા મનમાં ફરીવાર નિશ્વાસ ઊઠ્યો. શું મારું મન નથી ઈચ્છતું કે મારાં બાળકોના હાથમાં પણ નવાં હાથમોજાં હોય, એ પણ કિંમતી બૂટ પહેરે ? એને પોતાના કામમાંથી ફુરસદ જ નથી મળતી. ‘જાઓ, જાતે લઈ આવો, પૈસા નથી. જાઓ જાતે કમાઈ લાવો.’ એ તડૂકી ઊઠતો. એવા તો કડવા વૅણ બોલે કે મનમાં એમ થઈ જાય કે ગળે ફાંસો ખાઈ મરી જાઉં. શું હું તમારી પાસે કંઈ મારે માટે માંગી રહી છું ? બાળકો મારાં છે તો તમારાં નથી, શું ? મારી આંખમાં ફરી તીણી સોય ભોંકાવા લાગી, અને માથું ભારે થવા લાગ્યું. આ તરફ પપ્પુ બગડતો જાય છે. દિવસે દિવસે વધારે હઠીલો અને માથાભારે થતો જાય છે. મા-બાપ લડતા રહે તો બાળકો બગડે નહીં તો બીજું શું થાય ?

દૂર ઊભો પપ્પુ, પેલા બે છોકરાની સામે પૂતળું થઈ ને ઊભો હતો. અત્યારથી એનામાં પુરુષોનાં લક્ષણ દેખાવા લાગ્યાં હતાં. અદ્દલ પૂતળું બની જઈ તાકી રહી મોઢેથી કશું કહેતો પણ નથી. કેવો ગુપચુપ ઊભો છે ? નથી બોલતો કે નથી રમતો. ફક્ત પથ્થર અને ચપાટોને વીણી-વીણીને ખીસ્સામાં ભરતો જાય છે. એ દોડાદોડ ન કરે તો એને નીચે લાવ્યાનો શો લાભ ? પપ્પુ થોડીવાર સુધી ત્યાંને ત્યાં જ ચૂપચાપ ઊભો રહ્યો. પછી ત્યાંથી ખસી ગયો. મેં જોયું કે તે એક દિશામાં આગળ ને આગળ જવા લાગ્યો હતો.

ગુલતાનની મા મેદાનમાંથી વળી પાછી આવીને મારી પાસે બેસી ગઈ. એણે મારી આંખોમં આંસુ જોયા હતાં. પણ તે કશું જ બોલી નહોતી. સ્ત્રીઓ એકબીજાના દુ:ખને સમજી જતી હોય છે. આખો દિવસ તો એ પણ કામમાં રચી-પચી રહે છે. એના ઘરમાં એક્કેય નોકરડી ટકતી નથી અને એને તો પીઠમાંય દર્દ ઉપડે છે. કપડાં નિચોવવા માટે કે કોઈ પણ વસ્તુ ઊંચકવા માટે નમે તો પણ દુ:ખાવો ઊપડે છે. દિવસે દિવસે તે નબળી પડતી જાય છે. એકબાજુ પીસાઓ તો બીજી બાજુ ગાળો ખાઓ. પહેલાં પતિની અને પછી તો પોતાના બાળકોની પણ !

‘એટલા ખરાબ બટાકા બજારમાં આવ્યા છે કે તમને શું કહું ? પાંચ કીલો બટાકા લાવી છું. ઘેર આવીને જોયું તો અડધા ખરાબ….’ એ કહી રહી હતી. પપ્પુ દૂર જતો રહ્યો હતો. મારામાં એટલી તાકાત નહોતી કે હું એની પાછળ દોડું. બગડવાનો હોય તો બગડે, હું ગુલનારની માની વાતો સાંભળતી જતી હતી પણ મારી નજર તો પપ્પુ પર જ હતી. અચાનક મને બીક લાગવા માંડી. હું યે કેવી ધૂની છું ? દીકરાને ફરવા લાવી છું એ ભૂલી જઈને અહીં બેઠી બેઠી ઘરની રામાયણ સાંભળ્યે જઉં છું. હું હાંફળી-ફાંફળી બેઠી થઈ ગઈ. કોમળ બાળકને કોઈ કીડાએ કરડી ખાધો હશે તો ? મેં વિચારમાં ને વિચારમાં આંખ ફેરવી જોયું તો પપ્પુ મેદાનમાં નહોતો. પેલા બે છોકરાઓ હમણાં પણ ત્યાં જ રમી રહ્યા હતા. જ્યારે મારી નજર પપ્પુ પર પડી ત્યારે તે મેદાનમાં એક ખૂણામાં છોકરાઓની નિશાળની દીવાલ પાસે ઊભો હતો. ત્યારે પણ મને ખ્યાલ આવ્યો હોત તો મેં એને મારી પાસે બોલાવી લીધો હોત. ખૂબ ઝાંખી નજરે મેં તેને જોયો હતો. પપ્પુ ત્યાંથી તો ક્યાંક ચાલી નીકળ્યો હતો. બાળકો કેટલા નિર્દય હોય છે ! મા ચિંતા કરશે એમ જાણતા હોવા છતાં એ ક્યાંક નાસી ગયો છે.

ગુલનારની માથી છૂટકારો પામી હું દોડતી પપ્પુની પાછળ જવા લાગી. મેદાનમાં ચોતરફ ફરીફરીને જોયું, પપ્પુ ક્યાંય નહોતો. નિશાળ પાસેનો વળાંક વટાવી, જ્યાં નિશાળ હતી તેની પાછળ ગઈ. આખો રસ્તો સૂમસામ હતો. ત્યાં પણ પપ્પુ ના મળ્યો. હું દોડતી મુખ્યમાર્ગ તરફ ગઈ. મોટર-ગાડીઓનો ખ્યાલ આવતાં જ મારા હોશકોશ ઊડી ગયા. પપ્પુ મુખ્યમાર્ગના કિનારે આવેલી ફૂટપાથ પર પણ નજરે ના ચડ્યો. હજામની દુકાનની સામે રહીને હું રેસ્ટોરાંના દ્વાર સુધી પહોંચી ગઈ. પપ્પુ ત્યાં ના જ હોઈ શકે એવું જાણતી હોવા છતાં હું રેસ્ટોરાંમાં ગઈ. એક્કેએક ટેબલની નીચે અને ઉપર ધારીધારીને જોયું. ત્યાંથી નીકળી ત્યારે મારા હૃદયના ધબકારા વધી ગયા. હવે જઉં પણ ક્યાં ? હું મારી જાતને જ દોષિત ગણી ધિક્કારવા લાગી અને ફરીવાર મેદાન તરફ ગઈ.

નિશાળનો વળાંક વટાવી હું નિશાળ તરફ જ જઈ રહી હતી ત્યાં જ નિશાળની નાની દીવાલ પાછળથી પપ્પુને નીકળતો જોયો. તે પોતાનામાં જ ખોવાયેલો લાગ્યો. મારા જીવમાં જીવ આવ્યો.
‘તું અહીં શું કરી રહ્યો છે, પપ્પુ ?’ મે એને પકડી પાડી કહ્યું, ‘મને કહીને કેમ ના આવ્યો ? તમે બધા મને પજવવાના મનસૂબા કરી બેઠા છો ?’
મને જોતાં જ બન્ને હાથ પાછળ સંતાડી પપ્પુ ઊભો થઈ ગયો, આ એની નવી જ હરકત હતી. પપ્પુ પહેલાં કશું જ સંતાડતો નહોતો.
‘શું લીધું છે, પપ્પુ ?’
પપ્પુ કશું જ બોલ્યો નહીં. ચૂપચાપ મારી સામે જોતો રહ્યો.
‘કશું ચોરી લીધું હોય તો બતાવી દે, તને કંઈ નહીં કહું.’
પપ્પુ એકીટશે મારી સામે જોતો જ રહ્યો. ‘ના મા, મેં ચોરી નથી કરી.’

એના ખભા પર ધીરે રહીને હાથ મૂકી હું એને સાથે લઈ ચાલવા માંડી. અંધારું ગાઢ થતું જતું હતું. હું નહોતી ઈચ્છતી કે એ વધારે સમય માટે ઘાસ ઉપર ઊભો રહે. એ ધીમે પગે ઘસડાતો મારી પાછળ આવતો હતો. છોકરો જિદ્દી થતો જતો હતો. હું સદંતર નિષ્ફળ રહી છું. પત્ની તરીકે અને મા તરીકે પણ ! મારી વાત નથી એ સાંભળતો કે નથી બાળકો સાંભળતાં….

દાદર ચઢી મેં ડોરબેલ વગાડ્યો અને ભારે થાકેલા મનથી હું રાહ જોવા લાગી કે બારણું ખૂલતાં જ નવો ક્યો કાંડ શરૂ થાય છે ? મારા પગ જાણે ઊપડતા નહોતા. માથું ભારેભારે લાગતું હતું.

એ જ થયું, જેની મને આશા હતી. બારણું ખૂલતાં જ પપ્પુ દોડીને એમની પાસે પહોંચી ગયો. કોણ જાણે એના પગમાં અચાનક ક્યાંથી આટલી સ્ફૂર્તિ આવી ગઈ ? હું તો જોતી જ રહી ગઈ. પછી ગુસ્સાની મારી હું કપડાં બદલવા મારા ઓરડામાં જતી રહી. હજુ હમણાં જ મેં પગરખાં કાઢ્યા હતા. દુપટ્ટો એક ખૂણામાં ફેંકી કપડાં બદલવા જઈ રહી હતી ત્યાં મેં જોયું કે પપ્પુ પિતાનો હાથ પકડીને તેમને ખેંચતો ખેંચતો મારા ઓરડા તરફ તેમને લાવી રહ્યો હતો.
‘ચાલો, પપ્પા, ચાલો, ચાલો ને ?’
પિતા એકાદ ડગલું ભરી અટકી પડ્યા, પપ્પુ એમને ફરી પાછો ખેંચવા માંડ્યો.
બરાબર મારી સામે આવી પપ્પુએ પાછળથી બીજો હાથ આગળ લાવી, પીળાં અને સફેદ જંગલી ફૂલોનો નાનકડો ગુચ્છ બતાવતાં કહ્યું, ‘તમે આપો, પપ્પા !’
મેં આગળ જઈને એને છાતી સરસો ચાંપી દીધો. એની નાનકડી કાયા ઉપર હું ફરીવાર વાત્સલ્યની હેલી વરસાવતી રહી.

Advertisements

4 responses to “પડછાયા – ભીષ્મ સાહની

  1. “મા-બાપ લડતા રહે તો બાળકો બગડે નહીં તો બીજું શું થાય ?” આ વાક્ય દરેક મા-બાપે (પતિ-પત્નીએ) દિવસ માં એક વાર એક-બીજાની સામે બોલવું જોઇએ એવું લાગ્યું. કદાચ એનાથી એક્બીજાની વચ્ચેના ઘણા સંઘર્ષો ઓછા થઇ શકે.

    આમ તો આ વિષય નવો નથી. પણ સરસ વાર્તા છે. પત્નીની મનોદશા અને પપ્પુની લાગણીશિલતા સરસ શબ્દોમાં વ્યકત કરી છે.

    આભાર ડૉ. વિરંચિ ત્રિવેદી, આ વાર્તા અમારા સુધી પહોંચાડવા બદલ.

  2. મમતા.ઘૃણા .બાળપ્રેમ બતાવતી સુ&દર વાર્તા…..

    અભિનંદન લેખક અને પ્રેષકને…………..

  3. Very touchy story ! reminds the days of my neighbour family – Thier love and hate relationships and kids seriousness in such environment

  4. Its a nice, heart touching story. While reading the story, I realised that I have gone through the same situation and I completely lost in my childhood days with my parents. I really appericiate the way author presents the end of the story. Its such a nice story. Dr. Trivedi, many many thankx to give us a nice story.