શ્વાસ – આકાશ ઠક્કર

ઝાકળ દડ્યું છે….

એક ટુકડા જેટલુંયે ક્યાં જડ્યું છે
તોયે તે હોવાપણું આખું નડ્યું છે !

કોઈ ના વાંચી શકે એવું લખીને
એક પીંછું વૃક્ષ પર પાછું ચડ્યું છે.

વૃક્ષ ના સમજી શકે કે ભરવસંતે
કોઈ પંખી કેટલું છાનું રડ્યું છે !

યુદ્ધથી ઉજ્જડ થયાં છે દર્પણો પણ
છેક અંદર કોણ કોનાથી લડ્યું છે !

શ્વાસથી છૂટું પડીને નામ મારું
પથ્થરોમાં ગામને પાદર પડ્યું છે.

ગામ આખું યાદનું ડૂબી ગયું છે
આ ક્યા તે ફૂલથી ઝાકળ દડ્યું છે !

ના બતાવો ડર મને મારા પતનનો
ભાગ્ય તો ‘આકાશ’નું પણ મેં ઘડ્યું છે.

મળતું નથી…

આપણું છે તેય આપણને હવે મળતું નથી
ઘર સતત ભડકે બળે ને તોય ઝળહળતું નથી.

જા, ત્યજી દે, જાતને પડખે થવાનું ભોળપણ
કોઈ પોતાને કદી શોધ્યા પછી મળતું નથી.

શ્વાસને શંકા પડી છે – દેહ છે કે છે તીરથ
રક્તમાં થીજી ગયેલું નામ ઓગળતું નથી.

ફૂંક મારી તો ખર્યો સૂરજ તમારા નામથી
નામથી મારા વગોવાતું નગર બળતું નથી.

ક્યાંક પેલે પાર હું દેખી શકું છું ભીંતની
એટલે તો કોઈ હકપૂર્વક મને છળતું નથી

તોય ખૂલતા જાય છે ખૂણા નવા ‘આકાશ’માં
મેં જ આપેલું મને એક્કે વચન ફળતું નથી.

ક્યાંક મારા નામનું ટોળું હશે ‘આકાશ’ માં
કોઈ પગલું એટલે મારા તરફ વળતું નથી.

Advertisements

8 responses to “શ્વાસ – આકાશ ઠક્કર

 1. Brilliant,outstanding…..wah……..
  koi na vaanchi sake avu lakhine
  ek peechu vraksh upar …..amazing …….keep it up

 2. Simply awesome, amazing, beautiful!

  I wanted to quote my favorite lines from these two poems and I realized I might be repeating all the lines of both poems in my reply.

 3. બન્ને કાવ્યો ઉત્તમ છે !

 4. It’s really superb, I m speechless, Gujarati language has it’s own beauti which U can’t find anywhere else,

  Hats off to all these poets who made our Mother tongue beautiful till this extent

 5. both poems are superb ,but i like second one,specially ‘ kyak pele par hu dhekhi saku chu bhint ni atle to huk purvak koi mane chedtu nathi. and last two line.

 6. શ્વાસથી છૂટું પડીને નામ મારું – પથ્થરોમાં ગામને પાદર પડ્યું છે. જુના ગામોના પાદરો માં પેલા “પાળિયા” ની યાદ આવી ગઇ.

  વૃક્ષ ના સમજી શકે કે ભરવસંતે, કોઈ પંખી કેટલું છાનું રડ્યું છે !
  આ પંકિત કેટલું બધું કહી દે છે.

  આ સંગીતાજી એ લખ્યું છે એમ – આખી રચનાઓ જ રિપીટ થઇ જાય એમ છે.

  બંન્ને સરસ રચનાઓ માટે “આકાશ” ને અભિનંદન.

 7. vah vah, haiyu dhabkaro chhuki gayu.vadnao ane te pan atli badhi…