જીવનનું મૂલ્ય – કીર્તિદા પરીખ

[રીડગુજરાતીને આ લેખ લખી મોકલવા બદલ શ્રીમતી કીર્તિદાબેન પરીખનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. ]

આપણાં જીવનની સાથે આપણે જોડાયેલા છીએ કે આપણી સાથે જીવન ? કોણ કોની સાથે સમાપ્ત થાય છે એ ઉકેલ મળવો ખૂબ જ મુશ્કેલ છે. માનવી પોતાનાં જીવનને અનેક તબક્કામાં જીવી જાય છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી સમય ક્યાં સમાપ્ત થઈ જાય છે એનાથી એ બિલકુલ બે ખબર હોય છે. આખાયે જીવન દરમ્યાન એ ક્યારેય પોતાનાં જીવનનાં મૂલ્ય અંગે વિચાર કરી શકતો નથી. જીવનને જો સાચા અર્થમાં જીવ્યો હોય તો જીવનમૂલ્યનો વિચાર જરૂર કરે. એવા લોકો માત્ર વિરલા જ હોય છે.

બાકી બધો જ સમાજ એક ગાડરિયાં પ્રવાહમાં ખેંચાઈ ખેંચાઈને જીવન પૂરું કરે છે. આખું જીવન જીવી જાય ત્યારે મને નથી લાગતું કોઈ નિરાંતની પળ તેને મળે છે કે વિચારે કે આ જીવન જે મળ્યું છે તેનું મૂલ્ય કેટલું ? (અહીં કોઈ કરન્સીવાળા મૂલ્યની વાત નથી.) આખુંયે જીવન વ્યક્તિ પસાર કરી જાય છે. ક્યારેય ક્યાંય અટકતો નથી. અટકવાની કોશિશ પણ કરતાં અચકાય છે. આખું જીવન માત્ર ને માત્ર સાધન સંપત્તિ મેળવવા કે આપવા પસાર કરે છે. ક્યારેક તે કંઈક વિચારવાની શરૂઆત કરે છે ત્યારે સમય લગભગ સમાપ્ત થવાની તૈયારીમાં હોય છે. ત્યારે એ બચપણથી માંડીને તે વૃદ્ધાવસ્થા સુધીનો જીવનનો તાળો માંડવા બેસે છે. કારણકે એ લાચાર છે. અસહાય છે. તેને લાગે છે : ‘અરે ! આખી જિંદગી દોડાદોડી કરી અને સાચું ખોટું કરીને જે કંઈ મેળવ્યું હતું એ બધું જ અત્યારે ખાસ કંઈ આનંદ આપતું નથી. ક્યાંક ક્યાંક તો વળી એ ખૂંચે પણ છે. સુખ સાહ્યબી માટે ભેગા કરેલા અનગિનત સાધનો બિલકુલ નીરસ લાગે છે.’ આવું થાય ત્યારે તેને સમજાય છે કે મેં મારા પોતાના માટે ક્યારેય કોઈ અલગ સમય ફાળવ્યો જ નથી. જે કંઈ પણ કર્યું છે તે માત્રને માત્ર મારી સાથે સંકળાયેલાં વ્યક્તિઓ માટે જ કર્યું છે. મારા માટે મેં આખા જીવનમમાં કોઈ જ સમય ક્યારેય ફાળવ્યો જ નથી. કંઈ પણ કર્યું તે બધું દુન્યવી વસ્તુની પ્રાપ્તિ માટે જેનો આનંદ મને ક્યારેય મળ્યો ન હતો. છતાં એની દોડ જીવનપર્યંત રહી. પોતાને સાચો આનંદ એનો મળ્યો ન હતો. એવું લાગ્યું જાણે મેં મારા માટે કશું કર્યું જ નથી.

નિરાંતની બે પળ પણ ફાળવી શકાઈ નથી. અને તે સમયે હતાશા સિવાય કશું જ ન મળે. તમે કશું જ ન કરી શકો કારણકે તમારું શરીર તમને સાથ આપતું ન હોય. શરીર જ્યારે સ્વસ્થ ન હોય ત્યારે મન બિલકુલ વિપરિત અવસ્થામાં જ હોય. તે સમયે તમને અનુભવ થાય કે તમે આખું જીવન જ ચૂકી ગયા છો. ઘણું બધું કર્યું પણ ન કર્યા બરાબર. ત્યારે માણસ અનુભવે કે, અરે ! મારા જીવનનું મૂલ્ય શું છે !! જો વર્ષો પહેલાં જ સમજી ચૂક્યાં હોત તો અત્યારે અલગ આનંદ હોત. સ્થિતિ એજ હોય, તમે વૃદ્ધ હો, અસહાય હો, લાચાર હો, પરંતુ સાથે એક ખુમારી હોય. એક અલગ ખુશી હોય. કારણ તમે જાણતા હો કે તમે તમારા ખુદને માટે કંઈક જીવ્યા છો. અંતરમનનું સુખ પ્રાપ્ત કર્યું છે. જીવનને તમે તમારા પોતાના માટે ઘણે અંશે જીવી ચૂક્યા છો. ફરજો તો એ વખતે પણ નિભાવી જ હોય. (ફરજો ને ભૂલી જઈએ કે ચૂકી જઈએ તો આપણે જ આપણી નજરમાંથી ઊતરી જઈએ.) ફરજોની સાથે તમે તમારું મૂલ્ય પણ સમજ્યા હોય.

કંઈક એવું કર્યું હોય જેનાથી આપણે કોઈ ઉપાર્જન ન કરેલું હોય. કંઈક કમાઈ લેવાની કે કંઈક વાહવાહ લૂંટી લેવાની ચાહ ન હોય. કંઈ પણ કર્યું હોય નિ:સ્વાર્થ ભાવે મદદ કરી હોય. કોઈ મનગમતા પુસ્તકનું વાંચન કર્યું હોય કે પછી કુદરતના ખોળે એકાંતમાં બેસીને દરિયાની લહેરોની સાથે ચંદ્રમાનું દર્શન કર્યું હોય, અથવા તો પોતાની આસ્થા મુજબનાં કોઈ મંદિરનાં પગથિયે બેસીને સાચા અર્થમાં મન પ્રફુલ્લિત કર્યું હોય, અને એ આનંદ સતત જીવનને વેગ આપતો હોય. તો તે ક્ષણોમાં આપણને આપણા જીવનનું મૂલ્ય સમજાશે.

પંખીઓ, પશુઓ કે નાનામોટા જીવજંતુઓ અસંખ્ય સંખ્યામાં જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે. એ પણ એમની ફરજો સાથે જ જીવન સમાપ્ત કરે છે. પરંતુ આપણને મનુષ્યને કંઈક અલગ તેમનાથી મળેલું છે. વિચારવાની શક્તિ મળી છે, બુદ્ધિનું સાધન મળ્યું છે, વાણી મળી છે. જો આપણાં મળેલાં આ કિંમતી જીવન વિષે બિલકુલ બે ખબર રહીને વિચાર સુદ્ધાં નહીં કરીએ તો એ પશુપંખી જેવા જ આપણે સાબિત થઈશું. બસ, આપણા આ મૂલ્યવાન જીવન વિષે જો વિચાર માત્ર ઝબકી જાય તો એટલું પૂરતું છે, કારણ શરૂઆત માણસને આગળ લઈ જશે અને મકસદ સુધી પહોંચાડશે.

Advertisements

4 responses to “જીવનનું મૂલ્ય – કીર્તિદા પરીખ

 1. “… મેં મારા પોતાના માટે ક્યારેય કોઈ અલગ સમય ફાળવ્યો જ નથી. જે કંઈ પણ કર્યું છે તે માત્રને માત્ર મારી સાથે સંકળાયેલાં વ્યક્તિઓ માટે જ કર્યું છે. મારા માટે મેં આખા જીવનમમાં કોઈ જ સમય ક્યારેય ફાળવ્યો જ નથી.” એકદમ સાચી વાત. પોતાના જીવન પર નજર નાંખશો તો આ વાસ્તવિકતા તરત જ નજરે દેખાશે. જીવનનાં દરેક તબક્કે તમે બીજાને માટે જ જીવ્યા છો એની અનુભુતી થશે જ. (કદાચ શાળા અવસ્થા માં આપણને “આપણા” માટે જીવવાની કે આપણું ઘડતર કરવાની તક મળે છે.)

  આપણે બધી જવાબદારી નિભાવવામાં, સંબંધો સાચવવામાં (સાચા-ખોટા બધા જ) સમય પુરો કરી નાંખીએ છે. આપણને મનગમતી પ્રવૃતિ ક્યારેય કરી છે?? આ પિકચર જોવા જવું કે મિત્રો સાથે ટોળે વળી વાતો કરી સમય પસાર કરવાની વાત નથી. પણ પોતાની જાત સાથે એકલા બેસીને – પોતાની જ મનગમતી પ્રવૃતિની વાત છે.

  શ્રીમતી કીર્તિદાબેન, તમે ઘણી જ સારી વાત કરી છે. આ વાંચીને વાંચકો એ પ્રત્યે થોડી આંખ ખોલી ને નજર નાંખે એવું ઇચ્છીએ.

 2. સરસ વિચાર રજૂ કર્યો છે અહી.
  માણસે આજે સંપતિ મેળવવા પાછળ આંધળી દોટ મૂકી છે પરંતુ જીવનમાં અમુક ચીજો હોય છે જે નાણા દ્વારા નથી મેળવી શકાતી.
  અભિનંદન શ્રી કીર્તિદા પરીખ ને.

 3. વાત ફક્ત આત્મ–નિરીક્ષણ ,પરીક્ષણ ,ને દર્શનની છે.લેખિકા બહેન અને
  મૃગેશભાઈનો આભાર !

 4. These were thought provoking lines!