ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

‘ક્યાં ખોઈ નાખી ?’ લલિતે સહેજ તપીને પૂછ્યું : ‘એમ ખોવાય કેમ ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે ?’

હાંફળીફાંફળી થઈને નિર્મળા પર્સ ફંફોસવા માંડી. સીટીબસની ટિકિટો, દૂધનું કૂપન, મોટી બેનનું પૉસ્ટકાર્ડ, દવાના બીલ, કેટકેટલું નીકળ્યું ? પણ બક્ષીસાહેબે આપેલી ચિઠ્ઠી જ ન નીકળી. ભારે જતનથી સાચવેલી. એના ઉપર તો નોકરી મળવાનો આધાર ને ! પાકે પાયે ભલામણ હતી. મજાના પીળા રંગના કાગળ ઉપર મરોડદાર અક્ષરોએ લખાયેલી ચિઠ્ઠી હતી. એને હાથમાં લેતી વખતે નોકરી સાથે હસ્તધૂનન કર્યાનો આનંદ વ્યાપી જતો હતો.

‘પણ હાયહાય મેં ક્યાં મૂકી દીધી ?’ બૈરક હૃદય ધકધક થઈ રહ્યું. ‘આમ લલિત ભારે તેજ મગજનો છે – બાપ રે, ખોવાય તો તો આવી જ બને.’
‘મેં તમને તો નથી આપીને?’ એકાએક એને યાદ આવ્યું. એના બોલવાની સાથે જ લલિતે એની ગોઠવેલી આખી સૂટકેસ ફેંદી નાખી. ખિજાઈને એ ત્રાડવા જ જતો હતો ત્યાં પાટલૂનની બેવનમાં ફસાઈ ગયેલું કવર મળી આવ્યું.
‘હું નહોતી કહેતી ?’ નિર્મળા બોલી, ‘હવે લાવો – મારી પાસે જ સાચવીશ.’

નિર્મળાને આપતાં પહેલાં લલિતે વળી ગયેલા કવરને બરાબર કર્યું. મમતાથી એની ઉપર ઈસ્ત્રીની જેમ હથેળી ફેરવી. પછી અંદરનો પીળો કાગળ કાઢીને આખી ચિઠ્ઠી ફરી વાંચી : ‘આવેલ ભાઈ લલિતકુમાર મારા સંબંધી છે. તેમનો પગાર ટૂંકો છે. તેમનાં પત્ની શ્રીમતી નિર્મળાબહેને સીવણનો ડિપ્લોમા કરેલો છે. તમારે ત્યાં જે જગ્યા ખાલી પડી છે, તેમાં એમને નિમણૂંક આપવા વિનંતી છે – મારી ખાસ ભલામણ છે.’ આ ચિઠ્ઠી મેળવવા ખાસ ભાવનગરનો ધક્કો થયો. ટપાલથી મંગાવી શકાત પણ એ તો બક્ષીસાહેબ. ચિઠ્ઠીમાં આટલો આગ્રહ ન ઠાલવી શકત. આ તો ખાસ ભલામણ કરી. એક જમાનામાં બાપુજીએ આ જ સનતકુમાર બક્ષીને એમની યુવાનીમાં નોકરી અપાવેલી. પછી આગળ જઈને બક્ષીસાહેબે પોતાના બુદ્ધિબળથી મોટી પદવી હાંસલ કરી હતી. પણ જૂના સંબંધો એ ભૂલ્યા નહોતા. તરત જ ભલામણ ચિઠ્ઠી ભાર દઈને લખી આપી.

લલિતે કવર નિર્મળાના હાથમાં આપ્યું ત્યારે સહેજ તેલવાળા હાથ હતા એટલે નિર્મળાએ માત્ર બે આંગળીના નખ વડે કવર પકડીને ટેબલ પર મૂક્યું.
તરત જ લલિત ત્રાડ્યો : ‘પણ તને એને સાચવીને મૂકતાં શું થાય છે ?’
‘મૂકું છું, હવે !’ નિર્મળા બોલી : ‘આ તો માથામાં તેલ નાંખતી હતી ને હાથ તેલવાળા હતા એટલે – ’
‘પણ પછી ભૂલી જઈશ તો ?’ લલિતે કહ્યું.
‘અરે એમ રહી જતા હશે કંઈ ?’ એ વાળમાં દાંતીઓ લસરાવતાં બોલી : ‘તમારા કરતાં વધારે જરૂર મને છે – મને વધારે ચીવટ છે… મને….’ અને વાળની ગૂંચમાં દાંતિયો અટકી ગયો. આવું બોલાય ? મારે વધારે જરૂર છે એનો અર્થ શું ? લલિતની કમાણીમાંથી ઘરનું પૂરું થતું નથી એમ ? એને લાગ્યું કે લલિતે ચમકીને એના સામે જોયું. પણ પછી હકીકતનો સ્વીકાર કરતો હોય એમ તરત જ નજરવાળી લીધી.

નીકળતી વખતે પણ ફરીવાર ખાતરી માટે પર્સમાં જોઈ લીધું. કવર બરાબર સ્થિતિમાં હતું. માત્ર એક ખૂણે તેલના નાનાં નાનાં બે ધાબાં પડી ગયા હતાં. એણે કાઢીને એના પર જરી પાવડર છાંટ્યો. ભભરાવ્યો, ડાઘા ઝાંખા થઈ ગયા. કવર પાછું પર્સમાં મૂકી દીધું.

ભાવનગરથી ચાવંડ સુધી તો બસમાં એટલી બધી ગિરદી કે ઊભા ઊભા આવવું પડ્યું. બગલમાં લટકતી પર્સ પર કોઈ બ્લેડ ફેરવી દે તેવી પૂરી બીક. હાય બાપ, તો શું થાય ? પૈસા તો ઘોળ્યા ગયા તો, પણ બક્ષી સાહેબની ચિઠ્ઠી પાછી એમ તાત્કાલિક ન મળે. એ તો સવારના પ્લેનમાં જ કલકત્તા જવા નીકળી ગયા હશે. એટલે એણે પર્સ બસની છાજલીમાં ગોઠવી દીધું. અને પછી લલિત સામે જોયું. એ દૂર ઊભો હતો. મોટી સૂટકેસ બે પગ વચ્ચે દબાવીને ઊભો હતો. ધ્યાન પડતાં જ એ બોલ્યો : ‘તારી પાસે રાખતાં શું થાય છે ?’
હવે પચ્ચાસ માણસોની હાજરી વચ્ચે એને કેમ સમજાવવું કે શું કામે છાજલી પર મૂક્યું ? એણે લલિતને નજરથી ઠપકો આપ્યો. પછી આંખ ચમકાવીને કહ્યું : ‘તમે ફિકર કરો મા. મારું ધ્યાન છે જ.’ લલિતને ખુલાસો પહોંચ્યો નહિ હોય એટલે એ ધૂંધવાઈને આડું જોઈ ગયો. એવામાં નિર્મળાથી ચાર પાંચ સીટ દૂર જગ્યા થઈ. કોઈએ એને બોલાવી : ‘અહીં બેસી જાઓ બહેન.’

એ છાજલી પરથી પર્સ લઈને બેસવા જતી હતી ત્યાં બીજા કોઈબહેન એ જગ્યા પર બેસી ગયાં. નિર્મળા ભોંઠી પડીને થંભી ગઈ. પાછું પર્સ છાજલી પર મૂકવા ગઈ તો જોયું કે ત્યાં કોઈ ભાઈએ પોતાની થેલી મૂકી દીધી હતી. હવે પર્સને ક્યાં મૂકવું ? પૂરું જોખમ. એણે પર્સને કમર એને કોણી વચ્ચે બરાબર ઝકડી દીધું. જોકે આમ કરવાથી અંદરની ચિઠ્ઠી ચોળાઈ જાય. ચોળાઈ ગયેલી ચિઠ્ઠી કોઈના હાથમાં આપવાથી કેવું લાગે ? એમ જ લાગે ને કે આ બાઈ સાવ ફુવડ જેવી છે. છોકરીઓને શું ભણાવશે ? ઘણીવાર આવાં મામૂલી કારણોને હિસાબે પણ છાપ બગડતી હોય છે. નોકરી હાથથી જાય. એણે લલિત સામે જોયું તો ઊંચો હાથ કરીને બસનો સળિયો પકદીને એ ઊભો હતો. એના બુશકોટની સિલાઈ બાંય પાસેથી ઉતરડાઈ ગઈ હતી. અરે, એકવાર નોકરી મળી જવા દો ને ! પછી એમને શું કરવા આવા બુશકોટ પહેરવા દઉં ? એણે પર્સને શરીર સાથે વધારે ભીંસી.

ચેરમેન સાહેબ ઘણા સારા માણસ લાગ્યા. ત્રીજા માળના એમના ફલેટ ઉપર લલિત-નિર્મળા હાંફતાં હાંફતાં પહોંચ્યા અને ચિઠ્ઠી ધરી કે તરત જ કામવાળી બાઈ પાસે પાણીના ગ્લાસ મંગાવ્યા અને કહ્યું ‘બેસો.’
‘કોની બક્ષીની ચિઠ્ઠી છે ?’ કવર પરથી સમજી જઈને એ બોલ્યા : ‘ખાસ ભલામણ લાગે છે’ વળી ચિઠ્ઠી ઉઘાડીને એક સરકારી નજર નાખીને કહ્યું : ‘?’
લલિત-નિર્મળા આશાભરેલી આંખે એમને જોઈ રહ્યાં. ચેરમેને ચિઠ્ઠી વાંચી પછી બેવડી કરી ગડી વાળી. ચોવડી કરી. આ બધું વાત કરતાં કરતાં જ. ‘બીજા ઘણા ઉમેદવારો છે. મોટા મોટા પ્રધાનોની વગ લઈને કેટલાક તો આવ્યા છે. પણ બક્ષીની ભલામણ છે એટલે જોઈશું.’ વાત કરતાં કરતાં ચિઠ્ઠીને વાળી વાળીને એમણે પાતળી પટી જેવી કરી નાખી. ને વળી બોલ્યા : ‘કોશિશ કરીશ.’

બંને ઊભા થયા. બારણા સુધી આવીને લલિતે ચેરમેન તરફ જોઈને ‘આવજો’ કર્યું. બહાર નીકળ્યાં કે તરત જ દરવાજો દેવાઈ ગયો.
‘મોટા માણસો કદી બંધાય તો નહીં જ.’ લલિતે બહાર નીકળીને પત્નીને સમજાવ્યું. ‘કોશિશ કરીશ એમ કહે એટલે જ સમજી લેવું કે થઈ ગયું. શું સમજી ? તું જોજે ને….’
ફલેટના છેલ્લા પગથિયેથી પછી એમણે બહાર રસ્તા પર પગ મૂક્યો. ત્યાં એમનાં પગ પાસે કંઈક રંગીન કાગળના ડુચ્ચા જેવું આવીને પડ્યું. જેવું લલિતનું ધ્યાન ગયું કે તરત જ એણે નીચા નમીને ઉપાડી લીધું.
બીજું કાંઈ નહોતું. બક્ષીસાહેબે લખી આપેલી, અને પોતે જીવની જેમ સાચવીને લાવેલા તે ચિઠ્ઠીનો ડુચ્ચો હતો. ચેરમેને બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. લલિતના મનમાં એકાએક ‘ખાસ ભલામણ’ શબ્દનો અર્થ ઊગીને ઝાડ થઈ ગયો.
નિર્મળાએ પૂછ્યું : ‘શું છે એ ?’
લલિતે મંદ સ્વરે કહ્યું : ‘કંઈ નહીં એ તો – કાગળનો ડુચ્ચો.’

Advertisements

8 responses to “ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

 1. આમ તો આઘાત લાગે કે દુ:ખ પહોચે એવો અંત છે પણ તેમ છતા આ વાર્તા અને અને અંત ગમ્યા.

  બીજાની ભલામણથી નોકરી મેળવવી પડે એમાં તમારું સન્માન શું? તમે પોતે જોતે તમારી જાતને એ રીતે ના કંડારી શકો કે તમે આત્મવિશ્વાસ થી નોકરીની તપાસ માટે કે ઇંટરવ્યું આપવા જઇ શકો??

  બીજાની લાગવગ નો ઉપ્યોગ કરી નોકરી મેળવવાની આશા રાખનારોને માટે ખાસ વાંચવા જેવી વાર્તા. આવી વાસ્તવિકતા બધાની સામે વાર્તાનાં રુપમાં મુકવા માટે રજનીકુમાર પંડ્યા ને અભિનંદન.

 2. atyar na yug ma 70% nokari lagvag thi j male chhe…

 3. સારી વાર્તા કોને કહેવાય, એ કે જે તમને ખુશ કરે કે એ જે તમારાં હ્રદય પર કુઠારાઘાત કરે? મને સુખદ અંતવાળી વાર્તા સારી લાગે છે. બાકિનાની ખબર નથી. મારે હિસાબે સ્વર્ગસ્થ ગિરિશ ગણાત્રા આ વાર્તાને વધુ સારો અંત આપી શકતે.
  ખેર, રજની પણ એક મોટા ગજાનો લેખક છે. જો કે મોટેભાગે ફંડફાળો ઉઘરાવતાં લોકોનું કામ કરી આપે છે.
  લલીત

 4. We should restrain ourselves while submitting opinion about author as well as his creation. mentioning “Rajni” & “FUNDFALANU KAAM” are objectionable not only because of its bad test, it also lower down value of SAHITYA. None of us, I presume have right to present ourselves as critic. It is also suggested to have system of prescreening of opinion though it may remind “1975”.

 5. Literature published on this site is of all kind. Here it is not specified that Mr. LALIT likes only happy ended so, do not write real life stories. And “Fund falanu kaam” is totally irrelavent comment here. That hurts more than the end of the story. Pleas avoid doing personal comments. It reveals your character.

 6. Good Story,

  Mr. Lalit, “Tamiz” namni koi cheej hoy chhe!! khabar chhe tamne????

 7. nari vastavikta thi bharpur varta chhe bhai?? anand aavi gayho!! khubsurat!