એકાદ વાક્ય…. – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

એક પરિચિત ભાઈને ત્યાં જમવા જવાનું થયું. એમણે એક નાનકડો ફ્લેટ ખરીદેલો. એ વાતનેય ઠીકઠીક વર્ષો થયાં. એ વખતે જ કહેલું કે જમવાનું રાખો પણ વાત અણધારી રીતે ઠેલાઈ ગઈ. એમનું રહેઠાણ જોવાની મારા મનમાં ઈચ્છા તો હતી જ. પણ એમને ત્યાં જવું હોય તો બહારગામ જવા જેટલી તૈયારી રાખીને નીકળવું પડે એટલી દૂર એમની કોલોની હતી. એક વખતે આવ્યા ત્યારે ફરીથી એની એ વાત કાઢી. બીજી કોઈ વ્યક્તિ હોય તો એને ખોટું લાગી જાય, પણ અમારો પરિચય પરસ્પર એવો હતો કે ખોટું લાગવાનો કોઈ સંભવ જ નહોતો.

કુટુંબ સાથે હું એમના નવા નિવાસસ્થાને પહોંચ્યો. એમનાં શિક્ષિત ગૃહિણીએ અમને આવકાર્યા. થોડીવારમાં ભાઈ બહારથી આવી પહોંચ્યા. એમના આનંદનો પાર નહોતો. એમણે બે રૂમ અને રસોડાની જગ્યા એવી રીતે બતાવી કે જાણે અનેક મજલાની ભવ્ય ઈમારત બતાવતા હોય. એમનો આનંદ મને સ્પર્શી ગયો. વાતેય ક્યાં ખોટી હતી ? આજે મધ્યમ વર્ગના નોકરિયાત માણસને એક મહાનગરના સ્વચ્છ વિસ્તારમાં બે રૂમ અને એક રસોડા જેટલી પોતીકી જગ્યા મળે એ એક મહેલ મળવા જેટલી જ આનંદની ઘટના હોય છે. પોતાની રીતે ઓછા ખર્ચે એમણે રહેઠાણને સજાવેલું પણ ખરું. વિશ્વના મહાન ચિત્રકારો રેમ્બ્રાં અને વાન ગોગનાં ચિત્રો કોઈ મેગેઝિનમાંથી ફાડીને, મઢાવીને, ભીંતે ઝુલાવેલાં. બારીમાં એક નાનાકડા કૂંડામાં ‘ઑફિસ ફ્લાવર્સ’ ખીલવેલાં. રાણકપુરના ફોટવાળું એક કૅલેન્ડર ટિંગાડેલું. એક નાનકડા ઘોડામાં ગીતા અને ઉપનિષદના ગ્રંથો ગોઠવેલા.

અમે જમવા બેઠાં, ગૃહિણીએ પીરસવા માંડ્યું. રસોડું નાનું હતું એટલે બધાં આગળના ખંડમાં બેઠેલા. ગૃહિણી રસોડામાંથી ગરમ ગરમ રસોઈ લઈ આવે અને પીરસે. એમાં એક વખતે રસોડાના બારણામાંથી નીકળતાં સાંકડા પેસેજની એક ભીંત સાથે જરાક અથડાઈ પડ્યાં. હાથમાંથી થાળી પડી ન ગઈ કે કંઈ વાગ્યું પણ નહિ. આમ તો ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય કે બહેન અથડાઈ પડ્યાં છે. પણ એમના મુખમાંથી એક વાક્ય સંભળાયું : ‘બળ્યું આ ઘર !’

બસ. પછી કંઈ નહિ. હસતાં હસતાં આવીને એમણે પીરસવાનું ચાલુ રાખ્યું. પણ મેં જોયું તો ભાઈના ગળામાં કૉળિયો ઊતરે નહિ. એક ક્ષણમાં જાણે બધું પલટાઈ ગયું. હું પરિસ્થિતિ પામી ગયો. તાત્કાલિક તો ભાણા પરથી ઊભા થઈ જવું શક્ય નહોતું. રમત કરવા જેવું કરી સમય પસાર થવા દીધો. ભાઈના મોં પરનો બદલાયેલો ભાવ હું જોઈ શક્તો હતો. મારી સામે તેઓ જોઈ શક્તા નહોતા. બારી સામે એમણે જોયું ત્યારે એમની આંખ ભીની થયેલી મેં જોઈ. સમજુ હતા એટલે બીજી જ ક્ષને એમણે સ્વસ્થતા મેળવી લીધી, પણ પહેલાંનો ઉમંગ, આનંદ ફરીથી જોવા ન મળ્યાં. હું એમને કહું પણ શું ?

થોડી વારના મૌન પછી એમણે વાતચીત શરૂ કરી. કહે : ‘પોતાનું રહેઠાણ અને અમુક જ લત્તામાં, એ મારું વર્ષોથી સ્વપ્ન હતું. લોન લઈને પાંચેક વર્ષ પહેલાં આ ખરીદી શક્યો. આજે તો હિંમત પણ ન થાત. વર્ષે વર્ષે ભાવ વધતા જ જાય છે. પિતાજીનું એક સ્વપ્ન હતું કે અમારું પોતાનું એક ઘર હોય. એમના જીવતાં તો હું એમની ઈચ્છા પૂરી ન કરી શક્યો. જીવનમાં બે સ્વપ્ન રાખ્યાં હતાં : ‘એક પોતાનું ઘર વસાવવું અને બીજું દીકરાને ભણવું હોય ત્યાં સુધી ભણવા માટે શક્ય તેટલી સગવડો પૂરી પાડવી. બીજી કોઈ કામના નથી. થોડામાં સંતોષ છે.’

અમે વિદાય લીધી ત્યારે પણ પહેલાંનો આનંદ ભાઈના ચહેરા પર જોવા ન મળ્યો. ગૃહિણીના એક વાક્યે એમનો આનંદ ઝૂંટવી લીધો હતો. હવે તેઓ હસીને મારા જેવા કોઈ અન્યને કોઈ વાર પોતાનું રહેઠાણ બતાવશે, પણ પહેલાં જેવી રોમરોમમાં ઊભરાતી ધન્યતા નહિ હોય. એકને મન જેની મોટી વિસાત હતી તેની અન્યને મન જાણે કે કંઈ કિંમત જ નહોતી.

ઘર ગમે તેવું હોય, મહેલ હોય કે ઝૂંપડું હોય, પણ ‘બળ્યું આ ઘર !’ તો કેમ કરીને બોલી શકાય ? ગામડાંઓમાં નાનાં નાનાં ખોરડાંઓને પણ શણગારીને રહેતાં માણસો આપણે ક્યાં નથી જોયાં ? ‘બળ્યું આ જરાક અથડાઈ પડ્યું’ એમ કહ્યું હોત તો તે સહ્ય હતું. ‘બળ્યું’ શબ્દથી વાક્ય શરૂ કરીને બોલવાની એક પેઢીમાં હજુ આદત છે. પણ એ કોઈના જીવનમાં ઝેર પાયેલા તીરની ગરજ સારે એવી રીતે તો ન જ ઉચ્ચારાયને ? ભારતમાં કરોડો લોકો ઝૂંપડપટ્ટીમાં વસે છે. ધરતીનો ટુકડો બહુ ઓછાના નસીબમાં છે. જે મળ્યું તે સોનાનું માનીને સંતોષથી જીવીએ તો જીવતરનો ભાર ન લાગે. બહેનના મુખમાંથી જે વાક્ય નીકળ્યું તે શેનું સૂચક હતું ? ઘર માટેના અસંતોષનું ? વાણીના અસંસ્કારનું ?

Advertisements

2 responses to “એકાદ વાક્ય…. – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

  1. આ લેખક સાથે હું ભણ્યો હોઉં એવું યાદ છે.
    બે પ્રશ્નોના ઉત્તર :ઘર માટેનો અસંતોષ ને
    વાણીના અસંસ્કાર બન્ને વાક્યનાં સૂચક છે !
    આભાર લેખક અને શ્રી.મૃગેશભાઈં !

  2. યોગેશ બારોટ- ગાંધીનગર

    શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ,એક નિવડેલા લેખકના ખૂબ જ જૂજ પણ સુંદર લેખો વાંચી શક્યો છું અને તેમના લેખો વધારે વાંચવાની તાલાવેલી હંમેશથી રહી છે, તેમનો આ લેખ વાંચી આનંદ અનુભવું છું.શબ્દની તાકાત કે જેના ઉપર આખી સાહિત્યની દુનિયાની ઇમારત ઊભી છે તે શબ્દની શું તાકાત છે તે આ લેખથી પ્રતિપાદ થાય છે.માણસ તેની જિંદગીમાં પોતાના મકાનનું એક સ્વપ્ન સેવતો હોય છે અને તેના માટે પોતાની ગજા ઉપરાંતની શકિત કામે લગાડી મનોમન પોરસાતો હોય છે ત્યારે એક ખોટો શબ્દ તેના આ આનંદને ઘડી ભરમાં કેવો ચકનાચૂર કરી નાખે છે તેવો એક વાચ્યાર્થ આ વાર્તા-લેખ ઉપરથી હું સમજ્યો છું….