સ્વાતિબિંદુ – કલ્યાણી વ્યાસ

[રીડગુજરાતીને આ કાવ્યો-મુક્તકો મોકલવા બદલ શ્રીમતિ કલ્યાણીબેન વ્યાસનો (દહીંસર, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

અંત નથી…

આ મનના તરંગોનો અંત નથી
આ વિચારોની સૃષ્ટિ શું અનંત નથી ?

વ્યક્તિઓ છે અલગ, અહીં બંધાયેલું છે
એનું વ્યક્તિત્વ, તેના છૂટકારાનો અંત નથી.

ક્યાં છે માનવીમાં સ્વાતંત્ર્યતા કેરી સૌરભ !
જ્યાં ક્ષણ ક્ષણ આવતી પરાધીનતાનો અંત નથી.

સબંધોના તાણાવાણા તો વીંટળાયેલા રહેવાના
એ સરંજામના ખુટવાનો કોઈ અંત નથી.

જીવે છે જીવવા ખાતર જીવન માનવી,
પણ ‘આવી’ તેની જિંદગીનો અંત નથી.

તૃપ્તિ

કેવું થનગની રહ્યું છે
આ ચાતક પક્ષી…
હવે તેની આતુરતાનો અંત આવશે
તેની મનભાવન ઋતુ આવવાની છે.
તેની પ્યાસ……
ઓહ ! કેવી એ પ્યાસ
. ફક્ત તે જ જાણે છે તેની વેદના
પણ હવે તો અંત આવશે.
વર્ષાના જલબિંદુઓ ઝિલતા,
તે સ્વર્ગીય આનંદ માણશે,
વર્ષાના સંગીતમાં ખોવાઈ જશે,
મોરના ટહુકામાં તે રમી જશે,
ઝાકળના સ્વાતિબિંદુઓને અપનાવશે,
પોતાની અકળ અખૂટ પ્યાઝ બુઝાવશે.
રમ્ય એવી કલ્પનાઓમાં,
રાચતા એ ચાતકપક્ષીને,
કોણ જઈને કહે કે –
‘આ વર્ષે તો દુકાળ પડવાનો છે.’

મુક્તકો

[1]
એકલતાની ક્ષણોને
અમોએ પાબંદીમાં બાંધી
અને પછી,
સ્વતંત્રતા પાસે માંગ્યું
હાસ્યસભર મૌન

[2]
આજે ફરી સૂરજને ઊગતો જોયો
ફરી એક કળીને પુષ્પ બનતા જોઈ
વાદળોને વરસતા જોયા
બાળકોને હસતા જોયા
….લાગ્યું જિંદગી હસીન છે, જીવવા જેવી છે.

[3]
કલ્પનાના શિખરો પર ચઢીને
વાસ્તવિકતાથી અજાણ રહેવું
ને, ગતિમાન થયેલ આ જિંદગી
પર ક્યાં સુધી
ક્ષમા યાચતા રહેવું !?!

[4]
આંસુ ભરેલી આંખમાં
પાંપણ ડબડબી રહી છે
કાજળ છવાઈ ગયું છે ને,
વેદના વહી રહી છે.

Advertisements

5 responses to “સ્વાતિબિંદુ – કલ્યાણી વ્યાસ

  1. વાહ કલ્યાણીબહેન !આપનાંબધાં મુક્તકો નથી: મોતી છે !
    સવાર સુધારી મૃગેશભાઈ ! તમે !

  2. પિંગબેક: My thoughts » Blog Archive » Ant-nathi

  3. બહુ જ સુંદર રચનાઓ છે શ્રી કલ્યાણીબહેન , અભિનંદન તમોને.

  4. બધી જ રચનાઓ સરસ છે, પણ “તૃપ્તિ” અને “આંસુ ભરેલી આંખમાં” મુક્તક વધુ ગમ્યા. ક્લ્યાણીબેનને ખુબ ખુબ અભિનંદન.