શ્રીમદ્ ભાગવત – દશમ સ્કંધ

[ એમ કહેવાય છે કે શ્રીમદ્ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું ગ્રંથ સ્વરૂપ છે. તેમના સ્વધામગમન પછી તેમનું તેજ આ ગ્રંથમાં સમાઈ ગયું હતું. તેમણે પોતે જ તેને પોતાના વિગ્રહ સ્વરૂપ કહ્યો છે. ભગવાન વેદવ્યાસે આ ગ્રંથના જુદા જુદા સ્કંધોને ભગવાનના જુદા જુદા અંગો સાથે સરખાવ્યા છે. એમાં દશમ સ્કંધ એ ભગવાનનું હૃદય છે. આવો, આજે આપણે માણીએ તેમાંની કેટલીક ભગવાન બાળકૃષ્ણની લીલાઓ. આ લેખ પ્રો. બકુલ રાવળ લિખિત ‘શ્રીમદ્ ભાગવત – એક આચમન’ માંથી સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ ગ્રંથ ભેટ મોકલવા બદલ શ્રી બકુલભાઈ નો ખૂબ ખૂબ આભાર]

દધિમંથન લીલા

krishana1 એક દિવસ ઘરની દાસીઓ જ્યારે અન્ય કામોમાં પરોવાયેલી હતી ત્યારે યશોદા પોતે દધિમંથન કરવા બેસી ગયાં. યશોદા વિચારતાં હતાં કે દધિમન્થન પૂરું થયા પછી કૃષ્ણને જગાડું અને માખણ ખવડાવું પણ બાળકનૈયો તો ભૂખ્યો થયો હતો તેથી જાગી ગયો અને માતા પાસે ગયો. માતા તો દધિમંથનમાં લીન હતાં. અચાનક ચૂલા પર ગરમ થવા મૂકેલું દૂધ ઊભરાવા લાગ્યું. તે જોઈને જશોદા દધિમંથનનું કાર્ય પડતું મૂકી ઘરમાં ગયાં. કૃષ્ણને થયું કે પોતે માતા પાસે આવ્યો અને માતાને તેની પરવા નથી. તેથી કાનુડાને ગુસ્સો ચઢ્યો. તેણે દહીંની ગોળી પથ્થર મારી ફોડી નાખી. જશોદાએ બહાર આવીને કાનાનું આ પરાક્રમ જોયું. જશોદા વિચારવા લાગી કે થોડુંક દૂધ બચાવવા ગઈ તો દહીંનું માટલું ફૂટ્યું. જશોદાએ આસપાસ જોયું તો ત્યાં કોઈ દેખાયું નહીં. ઘરમાં જઈને જોયું તો કનૈયો તો ખાંડણિયાને ઊંધો પાડીને તેના ઉપર ઊભો હતો અને ઊંચે લટકતા શિકામાં રહેલું માખણ વાનરોને ખવડાવતો હતો. જશોદા તો આવું દશ્ય જોઈને આભા જ બની ગયાં. વિચારવા લાગ્યા કે આવડો નાનો લાલો આ શું કરી રહ્યો છે ?

જશોદા તો ધીમે પગલે હાથમાં લાકડી લઈને બાળકૃષ્ણની પાસે ગયા. બાળમુકુંદે તો માતાને જોઈ દોટ મૂકી. કનૈયો આગળ આગળ દોડે અને માતા પાછળ પાછળ. આખરે કાનુડો પકડાઈ ગયો. માતાએ કનૈયાને સજા કરી. દામણાથી બાંધ્યો પણ જેમ જેમ જશોદામા દામણાથી બાંધતા જાય તેમ તેમ દામણું તો ટૂંકું ને ટૂંકું જ પડતું ગયું. બીજું મોટું દામણું લીધું તો તેનું પણ એવું જ થયું. ગોપિકાઓ તો મા-બેટાની આવી રમત જોઈ હસી હસીને લોથ થઈ જતી હતી. છેવટે ભગવાન બંધાઈ ગયા. વિશ્વને બાંધનારા ભગવાન દામણાથી બંધાઈ ગયા. માતાના પ્રેમમાં બંધાઈ ગયા. પ્રભુ તો જ્યાં જ્યાં પ્રેમરૂપી બંધન જુએ ત્યાં ત્યાં બંધાઈ જતા હોય છે. અરે, ગોપીઓની એક વાટકી છાશ જોઈને પણ કનૈયો નાચવા લાગે છે. આમ દધિમંથન લીલા પૂર્ણ થઈ.

વત્સાસુર અને બકાસુરનો વધ

travel-vrundavan પ્રભુએ લીલાથી યમલાર્જુન વૃક્ષોનો ઉદ્ધાર કરતા તે બે વૃક્ષો ઢળી પડ્યાં અને મોટો અવાજ થયો. આ સાંભળી નંદરાય તથા ગોવાળિયા ત્યાં દોડતા આવ્યા. તેમણે જોયું તો બાળકનૈયો વૃક્ષોની વચ્ચે બાળસહજ લીલા કરી રહ્યો છે. ત્યાં રમી રહેલાં નાનાં બાળકોએ નજરે જોયેલી ઘટના વર્ણવી. આવી ઘટનાઓ વારંવાર બનતી હોઈ નંદરાય તથા વ્રજવાસીઓએ સ્થળાંતર કરવાનો વિચાર કર્યો તે સમયે ઉપનંદ નામના એક જ્ઞાની અને વયોવૃદ્ધ ગોવાળિયાએ સૂચન કર્યું, ‘આપણે ગોકુળનું અને કૃષ્ણનું હિત ચાહતા હોઈએ તો અન્ય સ્થળે ખસી જવું જોઈએ.’ ‘પણ એવું બીજું કયું સુરક્ષિત સ્થાન છે ?’ કોઈકે પૂછ્યું. ત્યારે ઉપનંદે કહ્યું, ‘આપણાં પશુઓ માટે વૃંદાવન વધુ સુરક્ષિત અને હિતકારી છે.’

બધાએ ઉપનંદનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. અને ગોકુળ છોડી વૃંદાવનમાં જઈને નવી વસાહત વસાવી. કૃષ્ણને તો આ વૃંદાવન, ગોવર્ધન અને યમુનાતટ ખૂબ જ ગમી ગયા. અહીં વિચારવાનું એ છે કે એક બાળક માટે આખું ગામ નવી વસાહત ઊભી કરે છે. આનું જ નામ કૃષ્ણપ્રીતિ. તે સમયે વૃંદાવન યમુનાજીના ઉત્તરભાગમાં હતું. ગોવર્ધન પણ ત્યાં જ હતો અને અક્રૂરજીનું ઘર પણ ત્યાં હતું. કહેવાય છે કે આ વૃંદાવનગમન માગશર સુદ પાંચમના દિવસે થયું હતું.

આ નવા સ્થળે એક દિવસ કૃષ્ણ-બળરામ વાછરડાં ચરાવતાં હતાં ત્યારે એક દૈત્યે આ બંનેને મારવાના ઈરાદાથી વાછરડાનું રૂપ લીધું અને તે પેલાં વાછરડાંમાં ભળી ગયો.

ભગવાન તો તેને ઓળખી જ ગયા. તેમણે બળરામને આ અસુરની માયા બતાવી. ભગવાને એક યુક્તિ કરી. તેમણે એક પછી એક વાછરડાને પકડવા માંડ્યા અને છોડતા ગયા. આમ કરતાં કરતાં ભગવાન પેલા વાછરડારૂપધારી દૈત્ય પાસે આવ્યા. તેના પાછલા પગ અને પૂંછડી પકડીને હવામાં જોરથી ઘુમાવ્યો, પછી હાથમાંથી છોડી દીધો અને અંતરિક્ષમાં મોકલી દીધો, તે નિષ્પ્રાણ થઈ ગયો. તેનું શરીર કોઠાના વૃક્ષ સાથે અથડાયું અને વાછરડાની કાયા દૈત્યની થઈ ગઈ. આ રાક્ષસ એટલે જ વત્સાસુર.

વત્સાસુર વધ પછી બકાસુર વધની કથા આવે છે. કથા કંઈક આવી છે.
bakasur એક દિવસ કૃષ્ણ અને ગોવાળિયાઓ વાછરડાંને પાણી પાવા માટે એક જળાશયના કાંઠે આવ્યા. તેમણે જોયું કે તે સ્થળે પર્વતનું એક શિખર હોય તેવું મોટું પ્રાણી પડ્યું હતું. આ પ્રાણી એટલે બગલા (બક)નું રૂપ ધારણ કરીને આવેલો બકાસુર નામનો રાક્ષસ. જોતજોતામાં આ બકાસુર કૃષ્ણ પાસે ગયો અને પોતાની તીક્ષ્ણ ચાંચથી તે કૃષ્ણને ગળી ગયો. આ બકાસુરને પણ વત્સાસુરની જેમ જ કંસે કૃષ્ણનો વધ કરવા મોકલ્યો હતો. બકાસુર કૃષ્ણને ગળી તો ગયો પણ તેને આ માયા ભારે પડી ગઈ કેમકે પ્રભુ તો આરામથી બકાસુરના તાળવામાં બેસીને અગ્નિની જેમ તાળવાને બાળવા લાગ્યા. બકાસુર તેના તાળવાને બાળતા અગ્નિને સહન ન કરી શક્યો. તેથી તેણે મોઢું ખોલીને કૃષ્ણને બહાર કાઢ્યા. પણ તેણે તો કૃષ્ણની હત્યા કરવા માટે દોટ મૂકી. ભગવાને તો બકાસુરની બે ચાંચના અગ્રભાગને પોતાના નાના છતાં પરાક્રમી હાથો વડે પકડીને ચીરી નાંખ્યો. બકાસુરનો પણ આ રીતે વધ થયો.

ધેનુકાસુરના વધની કથા

દશમ સ્કંધના પંદરમા અધ્યાયમાં બળરામ દ્વારા કરાયેલા ધેનકાસુરવધની કથા તથા કૃષ્ણ-બળરામે તાડના વનમાં કરેલા પ્રવેશની કથા છે.

અહીં ભગવાન શ્રી કૃષ્ણએ છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે કરેલાં પરાક્રમોનું વર્ણન આવે છે. પ્રભુ હવે છ વર્ષની વયના થયા હોઈ તેઓ વાછરડાં નહીં પણ ગાયો ચરાવવા લાગ્યા હતા. આ છ વર્ષની વયને શુકજીએ ‘પૌગણ્ડવય’ કહી છે. પૌગણ્ય શબ્દનો સંસ્કૃત શબ્દકોશમાં અર્થ આ પ્રમાણે આપ્યો છે. ‘પાંચથી સોળ વર્ષની વય નો છોકરો.’

વૃંદાવનની રમણીય સુંદરતા જોઈ પ્રભુને વૃંદાવનવિહાર કરવાનું મન થયું. હવે પ્રભુ પૌગણ્ડવયના બન્યા હોઈ તેમની ઈચ્છાઓ પરિપક્વ થવા માંડી હતી. જેમ કોઈ નાનું બાળક મોટું થતું જાય તેમ તેનાં રમકડાં બદલાતાં જતાં હોય છે તેવું જ અહીં પણ થયું. આ વૃંદાવન આમ તો મધુ નામના રાક્ષસનું વન હોઈ તે મધુવન નામે ઓળખાતું પણ પછી મધુની પુત્રી વૃંદાના ભાગમાં આ વન આવ્યું તેથી વૃંદાવનની ભૂમિ પણ ધન્ય બની હતી.

કૃષ્ણ-બળરામ વૃંદાવન વિહાર કરી રહ્યા હતા ત્યારે શ્રીદામા નામના એક ગોવાળિયાએ કહ્યું, ‘અહીંથી થોડે દૂર તાડનું એક વન છે. તે વનમાં ધેનુકાસુર નામનો રાક્ષસ રહે છે. જે કોઈને વનફળો ખાવા દેતો નથી અને અમને ફળ ખાવાની ઈચ્છા થઈ છે.’ શ્રીદામાના સૂચનને બંને ભાઈઓએ વધાવી લીધું અને તાડવનમાં જવા તૈયાર થયા. સર્વપ્રથમ બળરામ ફળ તોડવા તૈયાર થયા. ત્યાં જ ધેનુકાસુર આવ્યો તેણે બળરામ પર આક્રમણ કર્યું. બળરામે તેના પાછલા પગ પકડીને આ અસુરને ચારે તરફ ચક્કર ચક્કર ફેરવ્યો. પછીથી તાડના વૃક્ષ પર જોરથી પટક્યો. અસુર મરણ પામ્યો પણ તેના પટકાવાથી વૃક્ષો પરનાં ફળો ધરતી પર પડવાં માંડ્યાં. ગોપબાળોને તો મજા પડી ગઈ. તેઓ ફળો વીણવા માંડ્યાં. આ દશ્ય જોઈ કૃષ્ણ-બળરામ અને ગોપબાળો બધા ગાતા-નાચતા સંધ્યાકાળે વ્રજમાં આવ્યા. યશોદા અને રોહિણીએ બંનેને ભોજન કરાવ્યું.

એક દિવસ શ્રી કૃષ્ણ એકલા જ બળરામને લીધા વગર, અન્ય ગોપબાળો સાથે યમુના તટે આવ્યા. યમુનાજી તો કૃષ્ણની મહારાણી છે. તેમનું બીજું નામ કાલિન્દી છે, કૃષ્ણ પણ છે. શ્રી કૃષ્ણે વિચાર્યું, ‘મારા અને કાલિન્દીના મિલનમાં યમુનામાં રહેતો કાલીયનાગ આડખીલીરૂપ છે. માટે તેનો નાશ કરવો જોઈએ.’ એ પછી કાલીય નાગદમન ની સુંદર લીલા પ્રભુએ કરી.

બ્રાહ્મણ સ્ત્રીઓ પર અનુગ્રહ

with gopbalakoદશમ સ્કંધના 23 મા અધ્યાયમાં ભગવાને બ્રાહ્મણ સ્ત્રીઓ પર કરેલા અનુગ્રહ (કૃપા) ની કથા છે. અગાઉની એક લીલામાં ગોવાળોએ ભૂખ ભાંગવા માટે અન્નની માગણી કરી હતી. તેમણે કૃષ્ણ-બળરામને કહ્યું હતું કે આ ક્ષુધા અમને પીડે છે તો તેની શાંતિ કરો.

ગોવાળોની આવી વિનંતી સાંભળીને ભગવાનને મથુરાવાસી બ્રાહ્મણપત્નીઓનું સ્મરણ થઈ આવ્યું. તેમણે કહ્યું, ‘હે ગોપબાળો ! આ સ્થળથી થોડેક દૂર વેદપરાયણ બ્રાહ્મણો આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને અમારા બંનેનાં નામો આપીને તેમની પાસેથી ભોજનસામગ્રી લઈ આવો.’ ગોપબાળો તો પહોંચી ગયા અને બ્રાહ્મણોને પ્રણામ કરીને કહ્યું, ‘કૃષ્ણ-બળરામ ભૂખ્યા થયા છે તો તેમને માટે ભોજન આપવા વિનંતી છે.’ ગોપબાળોની આવી વિનંતીમાં યજ્ઞ કરનારા બ્રાહ્મણોને પોતાના યાજ્ઞિકત્વનું અપમાન લાગ્યું તેથી તેમણે માગણીનો અસ્વીકાર કર્યો. ગોવાળો તો નિરાશ થઈ ભગવાન પાસે પાછા ફર્યા ત્યારે ભગવાને કહ્યું, ‘નિરાશા છોડો અને હવે તમે આ બ્રાહ્મણોની પત્નીઓ પાસે જઈને માગણી કરો. તમારી માગણીનો તેઓ અવશ્ય સ્વીકાર કરશે.’ ગોપબાળો તો ગયા બ્રાહ્મણપત્નીઓ પાસે અને મૂકી માગણી. બ્રાહ્મણપત્નીઓ તો પ્રસન્ન થઈ ગઈ. માંહેમાંહે કહેવા લાગી, ‘આપણા તો ભાગ્ય ઊઘડી ગયા. સ્વયં પ્રભુએ આપણી પાસે ભોજન માગ્યું છે.’

બ્રાહ્મણપત્નીઓ તો અનેકવિધ ભોજનસામગ્રી લઈને જાતે જ કૃષ્ણ-બળરામ પાસે ગઈ. તેમણે કૃષ્ણનું જે દર્શન કર્યું. તેનું વર્ણન આ અધ્યાયના બાવીસમા શ્લોકમાં છે જેનો અર્થ એવો છે કે ‘ભગવાન શ્યામસુંદર છે, પીતાંબરધારી છે, મુરલીમનોહર છે, વનમાળીધારી છે, પાંદડાનો તેમણે શણગાર કર્યો છે, નટે કે અભિનેતા જેવો વેષ ધારણ કર્યો છે, તેમનો એક હાથ ગોવાળિયાના ખભા પર છે તો બીજા હાથમાં કમળ છે. તેમના હાથમાં કમળકુંડળ છે, વાંકળિયા વાળ છે અને મુખારવિંદ પર સુંદર હાસ્ય છે.’ આવા પ્રભુને જોઈ બ્રાહ્મણ સ્ત્રીઓ અતિ પ્રસન્ન થઈ ગઈ. પ્રભુએ તેમને કહ્યું, ‘હે પૂજ્ય બ્રાહ્મણનારીઓ, તમે યજ્ઞભૂમિ પર પાછા જાઓ જ્યાં તમારા પતિદેવો તમારી સાથે બેસીને યજ્ઞની પૂર્ણાહૂતિ કરશે.’ પ્રભુનો આવો આદેશ સાંભળીને બ્રાહ્મણસ્ત્રીઓએ કહ્યું, ‘હે પ્રભો, અમે તો તમારાં ચરણોને પ્રાપ્ત કર્યા છે, તેથી હવે અમારા પતિદેવો અને પુત્રો અમારો સ્વીકાર નહીં કરે.’ શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે વંદનીય દેવીઓ, તમારો આદર તો દેવો પણ કરે છે તો પતિઓ અને પુત્રો શું કામ નહીં કરે ? માટે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર પાછા ફરો.’ આખરે બ્રાહ્મણસ્ત્રીઓએ પ્રભુના આદેશનું પાલન કર્યું અને જતાં જતાં પ્રભુને પ્રણામ કર્યા.

બ્રાહ્મણસ્ત્રીઓના ગયા પછી જે ભોજનસામગ્રી મળી આવી તેનું ગોપબાળોએ સાથે બેસીને ભોજન કર્યું આ તરફ જ્યારે બ્રાહ્મણોએ આ સમાચાર મળ્યા ત્યારે ખૂબ પસ્તાવા લાગ્યા, કેમ કે કંસના ડરથી તેમણે ભોજન મોકલ્યું ન હતું. આ રીતે પશ્ચાતાપ કરતા બ્રાહ્મણો પોતાને ધિક્કારવા લાગ્યા અને બોલવા માંડ્યા : ‘એવો જન્મ ધિક્કારવા યોગ્ય છે જે સંસ્કારી કુળમાં નથી થયો, એવું વ્રત અને જ્ઞાન પણ ધિક્કારવા યોગ્ય છે જેમાં ઈશ્વરની કૃપા નથી. એવું કુળ અને એવી ક્રિયા પણ ધિક્કારપાત્ર છે જે પ્રભુવિમુખ છે.’ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા, ‘આપણા કરતાં આપણી પત્નીઓ ભાગ્યશાળી છે કેમ કે તેમને કૃષ્ણ-બળરામનાં દર્શન થયાં.’ આ રીતે આ અધ્યાયમાં પ્રભુએ બ્રાહ્મણપત્નીઓ પર કરેલા અનુગ્રહની અને બ્રાહ્મણોના પશ્ચાતાપની કથા કહેવાઈ છે.

ગોવર્ધનપૂજા

krishana-nandaશ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધનો આ ચોવીસમો અધ્યાય અત્યંત મહત્વનો ગણાય છે. અહીં રૂઢિભંજક અને ક્રાંતિકારી શ્રી કૃષ્ણનાં દર્શન થાય છે. ગોવર્ધન પર્વતની પૂજા કરવાની અને પરંપરાથી ચાલી આવતી ઈન્દ્રપૂજાની અંધશ્રદ્ધામાંથી વ્રજવાસીઓને મુકત થવાની હાકલ કૃષ્ણે કરી.

વ્રજમાં બળદેવની સાથે રહીને ભગવાન કૃષ્ણે જોયું કે ગોવાળિયાઓ તો ઈન્દ્રયાગ કરવા તત્પર થયા છે. ગોપબાળોને ઈન્દ્રયાગ કરતા જોઈને શ્રી કૃષ્ણે નંદરાયને પૂછ્યું, ‘આ શેનો ઉત્સવ ઊજવાય છે ? કયો યજ્ઞ કરાઈ રહ્યો છે ? એનું કયું ફળ મળશે ?’ નંદરાયે કહ્યું, ‘હે લાલા, આપણા વ્રજની એક ચાલી આવતી પરંપરા છે, રૂઢિ છે, ક્રિયાકાંડ છે કે ઈન્દ્રનું પૂજન-અર્ચન અને ઈન્દ્રયાગ કરવાથી વરુણદેવ પ્રસન્ન થઈને વરસાદ વરસાવે છે. ઈન્દ્રની કૃપાથી જ વ્રજ હર્યુંભર્યું રહે છે તેથી પ્રતિવર્ષ ઈન્દ્રયાગ કરવામાં આવે છે.’

નંદરાયનો મત જાણી સસ્મિત વદને કૃપાનિધાન શ્રી કૃષ્ણે કહ્યું, ‘હે બાબા, આ સંસારમાં જે કંઈ થાય છે તે સઘળું આપણાં કર્મોને આધિન છે અને નહીં કે કોઈ દેવની કૃપાથી થાય છે. કર્મ જ આપણો ગુરુ છે, કર્મની જ પૂજા કરો. ચાર વર્ણોની રચના પણ કર્મ કરવા માટે થઈ છે. વરસાદ કોઈની કૃપાથી નહીં, પણ પ્રકૃતિની રચનાથી વરસે છે. વાદળોનો ગુણ છે કે એ વરસે જ. વળી આપણે તો વનવાસી છીએ તેથી પૂજા કરવી હોય તો બ્રાહ્મણ, ગાયમાતા અને પર્વતની કરવી જોઈએ. માટે એવા યજ્ઞનો પ્રારંભ કરો. આટલું કહ્યા પછી શ્રી કૃષ્ણે નંદબાબાને કહ્યું, ‘સૌ વ્રજવાસીઓના ઘરેથી મિષ્ટ ભોજનસામગ્રી મંગાવો, હવનની તૈયારી કરાવો, બ્રહ્મભોજન કરાવો અને યજ્ઞપ્રસાદને કોઈ પણ પ્રકારના જાતિભેદ વગર સૌને આપો. આ પ્રસાદના અધિકારી પશુ-પંખીઓ અને ઈશ્વરે સર્જેલા તમામ જીવો છે.’

અને પછી કૃષ્ણના ક્રાંતિકારી વિચારો આવે છે. અત્યાર સુધી રૂઢિના દાસ બનીને, ગતાનુગતિકપણાને વળગી રહેનાર વ્રજવાસીઓને સંબોધીને જાણે કહેતા હોય તેમ શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ઈન્દ્રયાગનો ત્યાગ કરો અને ગોવર્ધન પર્વતની પૂજા આરંભો. ગોવર્ધનની પરિક્રમા કરો અને ગોવર્ધનની પરિક્રમા કરો અને ગોવર્ધનનાથજીનો ઉત્સવ ઊજવો.’ અને કૃષ્ણ બોલ્યા, ‘હું ગિરિરાજ છું.’ આટલું કહીને ગોવર્ધન પર્વતમાં પ્રભુએ પોતાનું ‘અન્યતમ’ રૂપ પ્રગટ કર્યું અને ગોવાળિયાઓએ ધરાવેલા અન્નકૂટ આરોગવા લાગ્યા. આવા દશ્યને જોઈને જ કવિએ ગાયું છે ‘ભાતના ઢગલામાં ગિરિરાજ ગોવર્ધનજી છૂપાઈ ગયા છે.’ ભગવાન પોતે પણ ગિરિરાજને નમ્યા અને સૌ વ્રજવાસીઓને સંબોધીને તેમણે કહ્યું, ‘હે વ્રજવાસીઓ, ગોવર્ધન પર્વતની પૂજા કરો, વ્રજભૂમિની પૂજા કરો અને વ્રજની માટીનું તિલક કરો. ગાયની સેવા કરો, પશુપાલન કરો. સ્વર્ગના ઈન્દ્રને કોણે જોયા છે ? આપણી દષ્ટિ સમક્ષ તો આ ગોવર્ધન છે. આ ગિરિરાજ તો દેવોના રાજા ઈન્દ્રથી પણ મહાન છે.’

ભગવાનની આવી અદ્દભુત વાણીથી પ્રભાવિત થયેલા વ્રજવાસીઓએ ગોવર્ધનની પૂજા કરી અને સૌ એકસાથે બોલી ઊઠ્યા, ‘શ્રી કૃષ્ણ-બળરામ કી જય.’

Advertisements

7 responses to “શ્રીમદ્ ભાગવત – દશમ સ્કંધ

 1. અમિત પિસાવાડિયા

  કૃષ્ણ લીલા અપરંમપાર !!!

  આ લોચન મારાં કાનજી,
  ને નજરું જુએ તે રાધા રે !

  અમિત ના જય શ્રી કૃષ્ણ.
  http://amitpisavadiya.wordpress.com

 2. very very interesting……..”krishna “is the Supreme persnality of godhead. happy janamastmi

 3. શ્રી કૃષ્ણ: શરણં મમ !વર્ણનો માહિતીપૂર્ણ છે.
  નંદ ઘર આનંદ ભયો !જય કનૈયાલાલકી !
  હાથી ઝૂલે,ઘોડા ઝૂલે,ઔર ઝૂલે પાલખી !
  દ્વારિકાધીશ કી જય !ગોવર્ધનનાથકી જય !
  વૃંદાવન વિહારી લાલકી જય !બાંકે બિહારી લાલકી જય !
  કૃષ્ણ કનૈયાલાલ કી જય !રાધે ગોવિન્દ બોલો રાધે ગોવિન્દ!
  રાધે રાધે રાધે ,શ્યામસે મિલા દે !રાધે રાધે !રાધે રાધે !

 4. shree krishna govind hare murari !

  Hey nath narayan vasudev..

  Radhe Krishna Radhe Krishna..Radhe Radhe Krishna Krishna…

 5. this article is very interesting.
  Jai shri krishna

 6. પિંગબેક: શ્રીમદ્ ભાગવત – એક આચમન - પ્રો. બકુલ રાવલ | pustak